મીઠાધારો તોડી રાજદ્રોહ વહોરવા ગાંધીજીની દાંડીકૂચ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 08th March 2017 06:09 EST
 
 

મહાત્મા ગાંધીએ માર્ચ ૧૯૩૦માં બ્રિટિશ સરકારના ‘જંગલી’ ગણી શકાય એવા મીઠાના કાનૂને તોડવા માટે દાંડીકૂચનો નિર્ણય કર્યો ત્યારે એ વેળાના કોંગ્રેસપ્રમુખ પંડિત મોતીલાલ નેહરુ અને થનાર પ્રમુખ પંડિત જવાહર લાલ નેહરુ સહિતના કોંગ્રેસી આગેવાનોને ગળે એ વાત ઉતરતી નહોતી. બાપુના જમણા હાથ સમા સરદાર પટેલ તો મીઠાના સત્યાગ્રહને બદલે ખેતીકર અને વીઘોટી ભરવાના મુદ્દે સત્યાગ્રહના આગ્રહી હતા. મહાત્માને મન એનું સવિશેષ મહત્ત્વ હતું. કારણ? ‘હવા અને પાણી પછી માણસની સૌથી મહત્ત્વની જરૂરિયાત જ મીઠું જ છે.’ ખાદીથી સ્વરાજ આવશે એવું કહેનાર ગાંધીજી મીઠું બનાવવાથી સ્વરાજ આવવાની વાત કરવા માંડ્યા હતા. એ દીર્ઘદૃષ્ટા હતા. જેમને ગળે મીઠાના સત્યાગ્રહની વાત ઊતરતી નહોતી કે જેઓ એની હાંસી ઊડાવતા હતા, આખરે એ બધાએ કબૂલવું પડ્યું કે જનજાગરણ માટે ગાંધીજીનો આ વિચાર ઉત્તમ અને અહિંસક હતો.

૧૨ માર્ચે પ્રસ્થાન, ૫ એપ્રિલે દાંડી પહોંચ્યા

૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ વહેલી સવારે અમદાવાદના સાબરમતી આશ્રમના ‘હૃદયકુંજ’ નિવાસથી ગાંધીજી દાંડીકૂચ માટે નીકળ્યા અને એમની સાથે ૭૯ જણ જોડાયા. વચ્ચે બે જણ ઉમેરાયાનું નારાયણ દેસાઈ ‘મારું જીવન એ જ મારી વાણી’માં નોંધે છે. પાંચમી એપ્રિલ ૧૯૩૦ના રોજ દક્ષિણ ગુજરાતના સાગરકિનારાના જલાલપોર તાલુકાના દાંડી ગામે મુઠ્ઠીભર મીઠું લઈને ‘નમક કા કાનૂન તોડ દિયા’ની ગર્જના કરી ત્યારે અંગ્રેજ શાસન પણ હચમચી ગયું હતું. કોંગ્રેસના પ્રમુખ રહેલા અબ્બાસ તૈયબજી ઉપરાંત ગાંધીજીના મોટા પુત્ર હરિલાલના ૨૦ વર્ષીય પુત્ર કાંતિલાલ તેમજ મહાત્માના પુત્ર મણિલાલ ગાંધી પણ દાંડીકૂચમાં જોડાયા હતા. ‘ગાંધીજીના અક્ષરદેહ’ના ૪૩મા ગ્રંથમાં ગાંધીજીએ કૂચના માર્ગે કરેલાં પ્રવચનો વાંચીએ ત્યારે આપણી સામે દાંડીકૂચનાં એ દૃશ્યો તગવા માંડે છે. દેશભરના સર્વધર્મી સાથીઓ ઉપરાંત ફીજી અને નેપાળના પણ સાથી કૂચમાં જોડાયા હતા. મોતીલાલ અને જવાહરલલાલ જંબુસરમાં કૂચના રોકાણ દરમિયાનિ ગાંધીજીને મળ્યા અને અલ્લાહાબાદના ભવ્ય મહાલય ‘આનંદ ભવન’ને રાષ્ટ્રને ચરણે ધરવાનો ત્યાં નિર્ણય કર્યો. આનંદભવનને ‘સ્વરાજભવન’ નામ અપાયું હતું.

સરદાર પટેલની ધરપકડ - સજા

દાંડીકૂચનો એક વાર નિર્ણય થયો એટલે સરદાર પટેલ એનો માર્ગ નક્કી કરવા અને જનસમુદાયને તૈયાર કરવા કામે વળ્યા. મીઠાનો કાયદો તોડવાની જવાબદારી તો ગાંધીજી અને એમની સાથે કૂચમાં જોડાનારાઓને શિરે હતી, પણ સરદાર આગોતરી તૈયારીમાં લાગ્યાં. ૭ માર્ચે ચરોતરના રાસ ગામે ‘કેટલાની જેલ જવાની તૈયારી છે?’ એવું પૂછીને ઉપસ્થિતોના જનસમુદાયને સંબોધવા એ હજુ તો માંડ ઊભા થયા કે ખેડાના કલેક્ટર મિ. માસ્ટરે એમને પ્રતિબંધની (ભાષણ કરવાના) યાદ દેવડાવી. સરદારે પ્રતિબંધની અવગણના કરીને બોલવાનું વિચાર્યું અને એ એક શબ્દ હજુ બોલે એ પહેલાં જ એમની ધરપકડ કરવામાં આવી. આ મુદ્દે સરદારને ત્રણ મહિનાની કેદની સજા ફરમાવાઈ અને એમના સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા.

રાજદ્રોહને ધર્મ ગણતા ગાંધીજી

ગાંધીજીએ રાસમાં પ્રવચનમાંઃ ‘સરદારે નહોતું કર્યું ભાષણ, નહોતું કરવા આવ્યા તોફાન... સરદારનો ગુનો હું સમજી શક્યો નથી. મેજિસ્ટ્રેટ પણ જાણતા નહોતા. સરદાર જેવા માણસને ત્રણ માસની ટીપ આપવામાં આવે એમાં સરદાર અને સરકાર બંને લજવાય. તેમને તો સાત વર્ષની કે દેશનિકાલની (સજા) હોય. સરકાર મને ત્રણ માસની જેલ આપે તો તેને ન શોભે. મારા જેવાને તો જન્મટીપ કે ફાંસીની સજા શોભે. મારો ગુનો રાજદ્રોહનો છે. આ રાજ્યનો દ્રોહ કરવો એ મારો ધર્મ છે અને એ ધર્મ પ્રજાને શીખવી રહ્યો છું. જે રાજ્યની અંદર જુલમની પરંપરા બંધાઈ રહી હોય, જે રાજ્યની અંદર ગરીબ અને તવંગર ઉપર મીઠા જેવી વસ્તુને એકસરખો કર નાંખવામાં આવતો હોય, જે રાજ્યમાં દરવાન, પોલીસ, લશ્કર પાછળ લખલૂટ ખર્ચ થતો હોય, જે રાજ્યનો મોટો સૂબો રૈયતની આવક કરતાં પાંચ હજાર ગણો પગાર લેતો હોય, જે રાજ્યમાં ૨૫ કરોડ રૂપિયા અફીણ-દારૂમાંથી મેળવાતા હોય અને ૬૦ કરોડ રૂપિયાનું કાપડ પરદેશથી આવતું હોય અને જ્યાં કરોડો માણસ બેકાર રહેતા હોય એવા રાજ્યનો નાશ કરવો, એનો દ્રોહ કરવો અને પ્રતિક્ષણ પ્રાર્થના કરવી કે એ રાજનીતિ લાગે એ ધર્મ છે.’ (નવજીવન, ૨૩-૩-૧૯૩૦)

સવિનયભંગ કેમ કરવો?

ગરીબ માણસ મીઠું ખરીદી શકે નહીં એટલો કમ્મરતોડ વેરો અંગ્રેજ સરકાર લાદે ત્યારે એનું અર્થશાસ્ત્ર પણ ગાંધીજી સુપેરે સમજીને સત્યાગ્રહીઓને સમજાવે છે. ‘દમણમાં પોર્ટુગીઝ રાજ છે, ત્યાં મીઠાનો કર નથી. ત્યાં બે આને મણ મીઠું મળે છે, એટલે ત્યાં મીઠું ખરીદી બ્રિટિશ હદમાં લાવતાં કર ન આપીને કાયદો તોડવો એમ એક સજ્જન જણાવે છે.’ કાઠિયાવાડમાં પણ મીઠું સત્તું પડે છે. રાણપુરમાં સવા રૂપિયે પણ મીઠું મળે. રાણપુર બહાર કાઠિયાવાડમાં તેના બહુ બહુ તો ૧૦ આના પડે. મીઠાનો કાયદો રદ કરાવવાનો, અને મીઠાનો કાયદો જે મૂળમાંથી ફૂટ્યો છે તે બ્રિટિશ ગુલામી-રદ કરવાનો છે. જેમને મીઠાનો કાયદો રદ્દ કરાવવો છે તેઓ તે રદ્દ કરાવવા પૂરતા આ લડતમાં જોડાય.

ગાંધીજી સામાન્યજનને સમજાય તેવી શૈલીમાં-કોશિયાની ભાષામાં-વાતને સુપેરે મૂકીને પ્રજાને અને એના સ્વાભિમાનને ઢંઢોળવાની કોશિષ કરે છે. એ પોતાની સામે ચાલીને બ્રિટિશ સત્તાવાળા કલમ ૧૨૪-(અ) હેઠળ રાજદ્રોહનો ખટલો દાખલ કરે એવી અપેક્ષા કરે છે. અત્રે એ યાદ રહે કે બ્રિટિશ ગુલામીના દિવસોની એ રાજદ્રોહની જોગવાઈ આજે પણ ભારતમાં અકબંધ જળવાઈ છે.

સ્મારકો જીવંત પ્રેરણાસ્ત્રોત બને

ગાંધીજી અને સરદાર પટેલ બેઉ સ્મારકો અને પ્રતિમાઓના વિરોધી હોવા છતાં ભારતમાં આ બંને મહાનુભાવોનાં સૌથી વધુ સ્મારકો કે પ્રતિમાઓનાં દર્શન થાય છે. આ જ સ્પર્ધામાં દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત નેહરુ અને બંધારણ મુસદ્દા સમિતિના વડા અને પ્રથમ કાયદા પ્રધાન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓ અને સ્મારકો કહી શકાય. નેતાઓનાં કલ્ટ કે સંપ્રદાય ઊભા થાય છે ત્યારે અપેક્ષા એટલી જ કરી શકાય કે સંબંધિતોનાં સ્મારક, સંગ્રહાલય કે પ્રતિમાઓમાંથી નવી પેઢી પ્રેરણા લઈ શકે એવાં એ જીવંત બને તો જ ગનીમત.

દાંડી સ્મારકની જાહેરાત ૨૦૦૫માં કરાઈ હતી, પણ પાંચ વર્ષ સુધી એના માટે આર્થિક જોગવાઈ થઈ નહોતી. હજુ આજે ૨૦૧૭માં પણ એ સ્મારક ટેન્ડર-પ્રક્રિયામાં જ અટવાયેલું છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter