યુવા ત્રિપુટીએ બદલેલું ગુજરાતનું રાજકીય ચિત્ર

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 17th August 2016 10:24 EDT
 
 

બે વર્ષ પહેલાં જે ત્રણ યુવા આગેવાનોનાં નામ પણ ગુજરાતની પ્રજાએ સાંભળ્યા નહીં હોય, એ ત્રણેય યુવાનો આજે રાજ્યની વિવિધ વર્ગી પ્રજાના દિલ પર રાજ કરી રહ્યા હોય એવો ચમત્કાર સર્જાયો છે. ત્રણેય રાજકીય મંચ પર ઉપસ્યા નથી. હજુ રાજકીય મંચની થોડીક આભડછેટ રાખીને સામાજિક આગેવાન તરીકેની ઓળખને ટકાવવાના આગ્રહી છે. ત્રણેયના સમાજ અને વોટબેંક નોખી છે. છતાં ત્રણેયની પાછળ બે મુખ્ય રાજકીય પક્ષના આગેવાનો એવા તે દોટ મૂકી રહ્યા છે કે તેમને પોતાના કરી શકે તો વિધાનસભાની આવતા વર્ષની એટલે કે વર્ષ ૨૦૧૭ની ચૂંટણીની વૈતરણી તરવાનું નિમિત્ત આ ત્રણમાંથી કોઈનો પણ સાથ બની શકે છે. ત્રણેય હજુ ચૂંટણીના ગણિતથી આઘેરા રહેવાનું બતાવે છે, પણ પરિવર્તન આવી રહ્યાનું એ જરૂર સ્વીકારે છે. ત્રણેયના રાજકીય પક્ષ સાથે છેડા અડકે છે જરૂર, પણ આજના સંજોગોમાં એ ત્રણેય સામાજિક આગેવાન અને સામાજિક પરિવર્તનના આહલેક સાથે આગળ વધવાનું પસંદ કરીને રાજકીય જોડાણોનાં સંભવિત ગણિત ઉઘાડાં કરવાનું પસંદ કરતા નથી.

ગુજરાતમાં સત્તાપલટો અને મોવડીઓના ડેરાતંબૂ

ત્રણેય યુવાનોએ છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્રસ્થાપિત રાજકીય નેતાગીરીને પોતાની પાછળ દોડતી કરવા જેવો માહોલ સર્જયો છે. રીતસર જનાક્રોશનો માહોલ સર્જીને સત્તાપક્ષ ભારતીય જનતા પક્ષ અને વિપક્ષ કોંગ્રેસની ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સત્તાપ્રાપ્તિનાં સ્વપ્નને ચકનાચૂર કરવા જેટલી શક્તિ સમાજમાંથી મેળવી છે. અત્યાર લગી આ ત્રિપુટીનાં ગણિત નવનિર્માણ આંદોલનના મનીષી જાની સિવાયના બાકીના વેચાઈ ગયેલા મનાતા નેતાઓની શ્રેણીમાં મૂકાઈ નથી. ત્રણેય જણના વ્યૂહ સંભાળીને ડગ ભરવાના છે. જોકે ગુજરાતની પ્રજા સાથે દ્રોહના નવનિર્માણિયા અનુભવના બોધપાઠ લઈને તેઓ આગળ વધતા લાગે છે. પિતાનાં કે સાથીઓનાં રાજકીય ગોત્ર આડાં આવીને સામાજિક ચળવળને અભડાવવાની સ્થિતિમાં નથી.

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, પણ આ યુવા ત્રિપુટીએ જ વિશ્વનાયક બનવાને મારગ લોકપ્રિય ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની વિશ્વમાં સૌથી વધુ સભ્યસંખ્યા ધરાવતી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત મોડેલને બોદું સાબિત કરીને ગુજરાતની ગાદીએથી મોદીનિષ્ઠ આનંદીબહેન પટેલને ઊઠાડી મૂકવાનું નિમિત્ત પૂરું પાડ્યું છે. મોદીના ‘હનુમાન’ અમિત શાહને પરસેવો લાવી દીધો છે અને એપ્રિલ ૨૦૧૭ સુધી સર્વમિત્ર અને સર્વસમાવેશક એવા વિજય રસિકલાલ રૂપાણીને ગાંધીનગરની ગાદીએ આરૂઢ કરવાની ફરજ પાડી છે. ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી માર્ચ ૨૦૧૭માં પૂરી થતાં જ અમિત શાહ જ નહીં, વડા પ્રધાન પણ સ્વયં પણ પોતાનો ગઢ બચાવવા ગુજરાતમાં ડેરાતંબૂ તાણે એવાં એંધાણ છે. આ બધું પેલી યુવા ત્રિપુટીને કારણે જ.

સૌથી યુવા ચહેરો હાર્દિક

છેલ્લાં ત્રણ વર્ષથી જ આ યુવા ત્રિપુટી સામાજિક ચેતનાના ક્ષેત્રે સક્રિય થઈ હોવા છતાં આજે દેશ અને દુનિયામાં એના નામની ગાજવીજ છે. યુવા ત્રિપુટી વિશે લખતાં પહેલાં એ ત્રણેયની સાથે વ્યક્તિગત વાત કરીને સામાજિક ચેતનાના રાજકીય રૂપાંતરણ વિશે જાણવાની ઉત્સુક્તા હતી. વિધાનસભાની ચૂંટણી ૨૦૧૭માં આવી રહી છે, એમાં પરિવર્તનનો પવન નિશ્ચિતપણે આવી રહ્યાનું નિમિત્ત બનનાર આ ત્રિપુટી હજુ આ રાજકીય પક્ષ કે તે રાજકીય પક્ષ સાથેનાં સમજૂતી ગણિત ખુલીને કહેવા તૈયાર નથી, પણ અગાઉની તમામ ચૂંટણીઓ કરતાં આવતી ચૂંટણી નોખી હશે. કોઈ એક પક્ષ માટે એ કેકવોક નહીં હોય. એટલું જ નહીં, અત્યાર લગી ત્રીજા મોરચા કે થર્ડ ફોર્સને નકારતું રહેલું ગુજરાત એને આ વખતે આવકારે એવા સંજોગો દાખવનાર બનવાનાં એંધાણ એ જરૂર આપે છે.

ત્રિપુટીનો સૌથી યુવા ચહેરો એટલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (‘પાસ’)નો કન્વિનર હાર્દિક ભરતભાઈ પટેલ. ઉંમર હજુ ચૂંટણી લડવાની લાયકાત ધરાવનાર નહીં હોવા છતાં એનું સમર્થન મેળવવા માટે સત્તારૂઢ ભાજપ, વિપક્ષી કોંગ્રેસ અને કેજરીવાલ સેના પણ થનગને છે. પાટીદાર આંદોલનનો ઉગ્ર ચહેરો અમદાવાદના જીએમડીસી મેદાન પર આક્રમક શૈલીમાં ઉપસ્થિત લાખો પાટીદારોની આકાંક્ષાઓનો પડઘો પાડતો હતો ત્યારે એ પરિપક્વ લાગતો હતો. કોઈ પરદા પાછળના સૂત્રધારના ઈશારે નર્તન કરતો લાગતો હતો, પણ નવ-નવ મહિના સુધી ‘ફૈબા’ આનંદીબહેનની સરકારે એને ‘રાજદ્રોહ’ના આરોપસર જેલમાં ઠૂંસી દીધો અને વડી અદાલતે એને ગુજરાતવટે છ મહિના રહેવાની શરતે જામીન આપ્યા પછી પણ અડગ અને આક્રમક રહેલા હાર્દિક માટે કોઈ ટીવી ચેનલ પર અમે ‘મુખ્ય પ્રધાન થવાનું ટિમ્બર’ ધરાવતો યુવાચહેરો એવા શબ્દો વાપર્યા ત્યારે સાથી વિશ્લેષકોએ એ વાતને હસી કાઢી હતી. આજે ઘણા એને આવતી વિધાનસભા ચૂંટણી પછી મુખ્ય પ્રધાન તરીકે જોવા માંડ્યા છે. જોકે એ ૨૩નો છે. ૨૫નો થાય પછી જ વિધાનસભાની ચૂંટણી લડી શકે, પણ એ કિંગમેકર જરૂર બની શકે.

રવિવારે અમે ઉદયપુરમાં નજરકેદ હાર્દિક સાથે વાત કરી ત્યારે આવતી ચૂંટણી પછીના રાજકીય ચિત્ર વિશે ચર્ચા ટાળી હતી. છતાં એ ખૂબ સાવધાનીથી ગજગામી ચાલે આગળ વધી રહ્યો છે એ નિશ્ચિત છે. ભાજપના કાર્યકર ભરત પટેલનો આ વાણિજ્ય સ્નાતક દીકરો સહજાનંદ કોમર્સ કોલેજનો જીએસ બનીને જે અનુભવ મેળવી શક્યો હશે, એના કરતાં નવ મહિનાના જેલવાસ દરમિયાન એણે જે અનુભવો કર્યા, જે રીતે એને સત્તા કે વિપક્ષ સાથે જોડવાના પ્રયાસો થયા, એમાં લપસણા માર્ગે પણ એ ગજગામી ચાલે ચાલતો રહ્યો એટલી પરિપક્વતા એણે કેળવી લીધી છે. ગુજરાતનું નવનિર્માણ આંદોલન કે આસામનું વિદ્યાર્થી આંદોલન એને ઘણાબધા બોધપાઠ બક્ષતું રહ્યું હશે.

ઓબીસીનો પરિપક્વ યુવાનેતા અલ્પેશ ઠાકોર

ગુજરાતના કોંગ્રેસી પરિવારમાં જન્મેલા પણ પોતાના સામાજિક આંદોલનને રાજકીય પક્ષથી દૂર રાખવામાં છેલ્લા ત્રણ વર્ષથી સફળ રહેલા ૪૦ વર્ષના અલ્પેશ ખોડાજી ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને ૯૪૦૦ ગામોમાં જીવંત કરી શક્યા છે. દારૂબંધી માટેના તેમના અભિયાન, શિક્ષણપ્રસારના કાર્યક્રમો અને સરકારી નોકરીઓ માટે સમાજના યુવાવર્ગને તાલીમ આપવાની ખેવના સાથે જ ઓબીસી અનામતમાં પટેલો ભાગ ના પડાવે એ માટે આક્રમક અવાજથી આરંભાયેલા એમના આંદોલનમાં ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ જ નહીં, તથાકથિત સવર્ણોને પણ જોડવાની એમની કોશિશ રહી છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ એવા ખોડાજી ઠાકોરના આ ખૂબ પરિપક્વ અને અભ્યાસી પુત્રે બંધારણીય માર્ગે આગળ વધીને માગણીઓને પરિપૂર્ણ કરવાની દિશા પકડી છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ જ નહીં, ભાજપ અને કોંગ્રેસ બેઉએ એના નશાબંધી સમર્થક આંદોલનને ટેકો આપ્યો.

જોકે, એચ. કે. આર્ટ્સ કોલેજમાંથી રાજનીતિશાસ્ત્રમાં બી.એ. પૂરું કરવાને બદલે સમાજકારણમાં ફંટાઈ ગયેલા અલ્પેશ ઠાકોર આગામી ૬ નવેમ્બરે દારૂબંધીના કડક અમલ માટેની માગણી સાથે માત્ર ઠાકોર સેના જ નહીં, દલિત - આદિવાસી સહિત તમામ સમાજો - બ્રાહ્મણ, રબારી, પાટીદારો વગેરેને સાથે લઈને ૧૦ લાખની જનમેદની એકઠી કરવાનો સંકલ્પ કરી ચૂક્યો છે. એ જાગતો યુવા અગ્રણી છે. એ કહે છેઃ ‘કાયદાને તોડી નહીં, કાયદાની મર્યાદામાં રહીને સમાજના વિશાળ હિતમાં કાર્ય કરવાથી જ સફળ થઈ શકાશે.’

આવતી ચૂંટણીમાં પોતાના કોઈ પક્ષ સાથે જોડાવા વિશે સ્પષ્ટ કહેવાનું ટાળે છે, પણ એટલું જરૂર કહે છે કે સારા માણસો કોઈ એક પક્ષમાં સામેલ થતાં જ ચિત્ર બદલી શકાશે. એને થર્ડ ફ્રંટનું ભાવિ ઉજ્જવળ લાગે છે, પણ સત્તાના રાજકારણ કરતાં સમાજ પરિવર્તનની ચાહના વધુ છે.

દલિત-મુસ્લિમ ગઠબંધનનો યુવાનેતા જિજ્ઞેશ

ઉના દલિત અત્યાચાર કાંડનો વિરોધ કરવા માટે અમદાવાદમાં દલિત સમાજની રેલીથી પ્રકાશમાં આવેલો ૩૫ વર્ષીય જિજ્ઞેશ મેવાણી પણ એચ. કે. આર્ટ્સમાંથી સ્નાતક થઈ મુંબઈ અને અમદાવાદમાં પત્રકારત્વની સાથે જ કાયદાનો સ્નાતક થઈ હવે હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. ચુનીભાઈ વૈદ્ય અને મુકુલ સિંહા જેવા કર્મશીલો સાથે સમાજલક્ષી ચળવળોમાં જોતરાયેલા જિજ્ઞેશ મેવાણી સાથે અમે રવિવારે વાત કરી ત્યારે અમદાવાદથી ઉનાની રેલીમાં એ ખાંભા પહોંચ્યા હતા. વિચારોમાં ડાબેરી ઝોક ધરાવતા જિજ્ઞેશ સામાજિક - આર્થિક ક્ષેત્રના ફયુડલ તંત્રને સ્થાને આમૂલ પરિવર્તન લાવવાના આગ્રહી છે.

ઉનામાં અભૂતપૂર્વ રેલી સોમવારે યોજીને આવતા દિવસોમાં દલિત સમાજના તમામ ફાંટાઓને સાથે જોડવા ઉપરાંત મુસ્લિમોને પણ દલિતોના સમર્થનમાં જોડવાના એમના પ્રયાસો સંઘ - ભાજપ - વિહિંપની પ્રયોગશાળા રહેલા ગુજરાતમાં નવાં રાજકીય પરિમાણ સર્જે એવી શક્યતા ખરી. એ કહે છેઃ ‘નવનિર્માણમાંથી બોધપાઠ લઈને અમે છેક વાલ્મિકી મહિલાઓ સુધી લોકતાંત્રિક વિભાવનાને લઈ જવા આતુર છીએ.’ એ ત્રીજા મોરચા ખૂબ આશાવાદી છે. ‘આપ’ના પ્રવક્તા તરીકે પણ સક્રિય રહ્યા હોવા છતાં સામાજિક આંદોલનને પક્ષાપક્ષીથી પર રાખવાના આગ્રહી ખરા, પણ ભાજપની ‘મનુવાદી’ વ્યવસ્થાના કટ્ટર વિરોધી.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter