રાજકીય લાભનું લક્ષ્ય: આંધળેબહેરું કૂટવાનું કાશ્મીરી કોરસગાન

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 30th July 2019 06:38 EDT
 
 

જમ્મૂ-કાશ્મીર મુદ્દાની આજે ચોફેરથી એટલી બધી ગાજવીજ છે કે સત્યનું નીરક્ષીર કરવામાં ભલભલા ગોથાં ખાઈ જાય. એકબાજુ, પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન સાથેની મુલાકાત વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉંબાડિયું કરવા વદ્યા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર કોકડું ઉકેલવા માટે મને મધ્યસ્થતા કરવા કહ્યું હતું.

પાકિસ્તાની પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી વચ્ચે ૧૯૭૨માં થયેલા સિમલા કરાર ઉપરાંત પાકિસ્તાની વડા પ્રધાન મિયાં નવાઝ શરીફ અને વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ફેબ્રુઆરી ૧૯૯૯માં લાહોર મંત્રણાને પગલે જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં પણ સ્પષ્ટ થયું હતું કે કાશ્મીર કોકડા સહિતના બંને દેશો વચ્ચેના તમામ વિવાદી મુદ્દા બંને દેશો દ્વિપક્ષી મંત્રણાથી જ ઉકેલશે. અગાઉ ચીન સહિતનાં દેશોએ મધ્યસ્થી કરવાની કરેલી કોશિશને પણ ભારતે ફગાવી હતી. વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને ઓસાકા-જાપાન પ્રવાસ દરમિયાન મધ્યસ્થી કરવા કહ્યાનું ભારત સરકારે સાફ નકાર્યું હોવા છતાં પાકિસ્તાને એનું ગાણું ચાલુ રાખ્યું છે. કાશ્મીરનું કોકડું ચપટી વગાડતાં ઉકેલાઈ જાય એવું માનનારા અજ્ઞાનીઓ એને હિંદુ-મુસ્લિમ સમસ્યાનું સ્વરૂપ આપવાની કોશિશ કરે છે.

૩૭૦ અને ૩૫ (એ)નાં મૂળ

બંધારણના અનુચ્છેદ ૩૭૦ને અને એના આધારે ૧૯૫૪માં રાષ્ટ્રપતિના જાહેરનામા સ્વરૂપે આમેજ કરાયેલા અનુચ્છેદ ૩૫ (એ)ને દૂર કરી દેવાથી મામલો શમી જશે, એવો ‘નેરેટિવ’ (આભાસી માહોલ) દેશભરમાં ઊભો કરવાની કોશિશ થઇ રહી છે. ૩૭૦ અને ૩૫ (એ) બંને મુદ્દા સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન (સબજ્યુડીસ) છે. ઇશાન ભારતનાં રાજ્યોમાં ૩૭૦ જેવો જ ૩૭૧મો અનુચ્છેદ અમલમાં છે. એ અન્વયે અરુણાચલ પ્રદેશ, મિઝોરમ કે નાગાલેન્ડમાં પણ બહારના ભારતીય નાગરિકો માટે સંપત્તિ ખરીદી શકાતી નથી. કાશ્મીરી પંડિતોના નેતૃત્વમાં જનઆંદોલનને પગલે મહારાજા હરિસિંહે ૧૯૨૭ અને ૧૯૩૨માં સંપત્તિ ખરીદી અને સરકારી નોકરી તેમજ શિક્ષણ સહાય માટે જે કાનૂની જોગવાઈઓ સ્ટેટ સબ્જેક્ટ એક્ટમાં કરી હતી એમાં ૩૫ (એ)નાં મૂળ પડેલાં છે. પંજાબના શીખો કાશ્મીરના ધંધા અને સંપત્તિ પર કબજો જમાવે નહીં એ માટે એ સુરક્ષાકવચ અપાયું હતું. આઝાદ ભારતના બંધારણની જોગવાઈઓમાં ૩૭૦ જેવી જ ૩૭૧ની જોગવાઈ ઇશાન ભારતનાં રાજ્યોમાં જ નહીં, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતનાં અન્ય રાજ્યોમાં લાગુ કરાયેલી છે એ બહુ ઓછા લોકો જાણતા હશે.

ચૂંટણીલક્ષી લાભ ખાટવાની વૃત્તિ

૧૯૮૯થી કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોએ સાગમટે હિજરત કરવી પડે એટલી હદે આતંકવાદ વકર્યો અને ત્રણેક લાખ જેટલા વિસ્થાપિતોના પુનર્વસનની બાંગો પોકારાયા પછી કેન્દ્ર અને રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપની સરકારો પણ કાશ્મીરી પંડિતો માટે પેકેજ જાહેર કરવા પૂરતી જ સીમિત રહી છે. વચનોની લહાણીમાં ચૂંટણીલક્ષી લાભ ખાટવાથી વિશેષ થતું નથી. પરિસ્થિતિ સામાન્ય કરવાના દાવાથી વિપરીત વધુ ૧૦,૦૦૦ સૈનિકો રાજ્યમાં ફરજ પર મૂકવા પડે છે. આગામી ઓક્ટોબર – નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાનાં પડઘમ વગાડાય છે ત્યારે સદ્ગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને અભિપ્રેત ‘ઈન્સાનિયત, જમ્હૂરિયત ઔર કશ્મીરિયત’ની આધારશિલા પર રાજ્યની પ્રજાનાં દિલ જીતવાને બદલે ચૂંટણી જીતવાની કવાયત વધુ થતી હોય, એવું જ લાગ્યા કરે છે.

કાશ્મીર પ્રશ્ને નેહરુ-સરદાર સાથે

રાજ્યના ઈતિહાસને અંધજનના હાથીની જેમ સૌ પોતપોતાની અનુકૂળતા મુજબ રજૂ કરવાની કોશિશ કરે ત્યારે સત્યનો ભોગ લેવાય એ સ્વાભાવિક છે. ૩ જૂન ૧૯૪૭ના રોજ છેલ્લા વાઈસરોય અને ગવર્નર-જનરલ લોર્ડ માઉન્ટબેટને ભાગલાની જાહેરાત કરી. દેશી રજવાડાંને ભારત કે પાક. સંઘમાંથી કોઈ એકમાં જોડાવાના વિકલ્પ ઉપરાંત સ્વતંત્ર રહેવાની મોકળાશ પણ હતી. એ જ મહિને શ્રીનગર ગયેલા માઉન્ટબેટન સાથે ‘જમ્મૂ-કાશ્મીરે પાકિસ્તાન સાથે જોડાવું હોય તો પણ ભારત વાંધો નહીં લે’ એવો સંદેશ સરદાર પટેલે મહારાજા હરિસિંહને પાઠવ્યો હતો.

જોકે રાજ્ય સાથેના પંડિત જવાહરલાલ નેહરુના ભાવનાત્મક સંબંધને કારણે જ સરદારે સક્રિયતા દાખવીને એને ભારત સાથે જોડવાના પ્રયાસો આદર્યા હતા. મુસ્લિમબહુલ જમ્મૂ-કાશ્મીરના લોકપ્રિય જનનેતા શેખ અબદુલ્લા ભારત સાથે જોડાણના આગ્રહી હતા અને ૨૨ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પાકિસ્તાન તરફથી કબાઈલીઓના આક્રમણને પગલે મહારાજા હરિસિંહને પોતાના સ્વતંત્ર સ્વિત્ઝરલેન્ડના સ્વપ્નને કોરાણે મૂકીને ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ પોતાના રજવાડાને ભારતમાં ભેળવવાની ફરજ પડી હતી. આ ઈતિહાસ સુવિદિત છે.

હરિસિંહનું રજવાડું ભારતમાં વિલય પામ્યાથી એ ભારતનું અવિભાજ્ય અંગ હોવા છતાં આજે માત્ર ૪૬ ટકા જેટલું જ જમ્મૂ-કાશ્મીર ભારતીય નિયંત્રણમાં છે. બાકીના વિસ્તારને પાકિસ્તાન અને ચીને ગેરકાયદે ગપચાવેલો છે. નિઝામે હૈદરાબાદનો કેસ સંયુક્ત રાષ્ટ્રમાંથી પરત ખેંચ્યો હતો, પરંતુ ભારતમાં વિલય પામેલા જમ્મૂ-કાશ્મીર અને પાકિસ્તાન સાથે જોડાઈને ત્રણ મહિને ભારતમાં પાછા ફરેલા જૂનાગઢનો વિવાદ હજુ સંયુક્ત રાષ્ટ્રમાં પડેલો છે.

મુગટમણિ રાજ્યની પ્રજાનાં દિલ

પાકિસ્તાન જ નહીં, એના મિત્રો ચીન અને અમેરિકા સહિતના દેશો કાશ્મીર કોકડું કાયમ માટે ભારતના ગળામાં હાડકું બની રહે એ માટે એને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની વેતરણમાં છે. ઘરઆંગણે વર્તમાન કે પહેલાની ભારત સરકારો જ નહીં, તમામ રાજકીય પક્ષોએ પણ માત્ર રાજકીય લાભ ખાટવાની વૃત્તિ-પ્રવૃત્તિથી કાશ્મીર મુદ્દાને રંગીન વાઘા ચડાવવાને બદલે સર્વાનુમતિ સાધીને દેશના મુગટમણિ સમા રાજ્યની પ્રજાનાં દિલ જીતીને, પાકિસ્તાન અને ચીને ગપચાવેલા પ્રદેશને પરત મેળવવા ભગીરથ પુરુષાર્થ કરવો ઘટે.

કેટલીક હકીકતોનું વિહંગાવલોકન પણ આ તબક્કે અનિવાર્ય છે:

(૧) જમ્મૂ-કાશ્મીરના રાજવી મહારાજા હરિસિંહને પ્રાપ્ત અધિકાર મુજબ તેમણે અને પ્રજા વતી શેર-એ-કાશ્મીર શેખ અબદુલ્લાએ આ મુસ્લિમબહુલ રજવાડાને ભારત સાથે જોડાવાનું પસંદ કર્યું હતું. (૨) કાશ્મીર મુદ્દે વડા પ્રધાન નેહરુ અને નાયબ વડા પ્રધાન સરદાર કાયમ સાથે હતા. નેહરુએ શેખ સાથે અને સરદારે રાજ્યના મહારાજા સાથે વહેવારના કામની વહેંચણી કરી હતી. બંને વચ્ચેનો સત્તાવાર પત્રવ્યવહાર આ સાબિત કરે છે. (૩) જમ્મૂના હિંદુ નેતાઓએ રાજ્યને ‘સેક્યુલર ભારત’ સાથે નહીં જોડાવાની આક્રમક ભૂમિકા લીધી હતી. ઓલ જમ્મૂ એન્ડ કશ્મીર રાજ્ય હિંદુસભા (રાજ્યમાં ભાજપનો પૂર્વ અવતાર)ની કારોબારી દ્વારા મે ૧૯૪૭માં ઔપચારિક ઠરાવ કરીને ‘વિલય અંગે મહારાજા જે કંઈ કરે તેને ટેકો આપ્યો હતો’. નેશનલ કોન્ફરન્સના અબદુલ્લાની ભૂમિકા ભારત સાથે જોડાવાની હતી, પણ એમનાથી અલગ થયેલી ઓલ જમ્મૂ એન્ડ કશ્મીર મુસ્લિમ કોન્ફરન્સે રજવાડાને તત્કાળ સ્વતંત્ર જાહેર કરવાનો આગ્રહ સેવ્યો હતો.

ડો. આંબેડકર અને ડો. શ્યામાપ્રસાદ

(૪) નેહરુ સરકારમાં કાયદાપ્રધાન અને બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ હોવા છતાં બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરે જમ્મૂ-કાશ્મીર માટે અલગ દરજ્જા માટેનો અનુચ્છેદ ૩૭૦ (મુસદ્દામાં ૩૦૬-એ) ઘડવાનો સાફ ઇનકાર કર્યો હતો. ડો. આંબેડકરે તો નેહરુ સરકારમાંથી રાજીનામું આપ્યા પછી પહેલી લોકસભા ચૂંટણી ૧૯૫૧-૫૨ માટે પોતાના પક્ષના ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીર ખીણ પ્રદેશમાં જનમત લઈને એ પાકિસ્તાનને સોંપવા સુધીની તૈયારી પણ દર્શાવી હતી. (૫) ડો. શ્યામાપ્રસાદ મુકરજી જ્યાં લગી નેહરુ સરકારમાં ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન હતા ત્યાં લગી એમણે અનુચ્છેદ ૩૭૦નો વિરોધ કર્યો નહોતો. ડો. મુકરજીએ ૧૭ ફેબ્રુઆરી ૧૯૫૩ના વડા પ્રધાન નેહરુને લખેલા પત્રમાં રાજ્યની એકતા, અનુચ્છેદ ૩૭૦ અને દિલ્હી સમજૂતીની બીજી શરતોનું સમર્થન કર્યું હતું. (૬) કુરુક્ષેત્રમાં ૨૦૦૨માં ભાજપની માતૃસંસ્થા આરએસએસની પ્રતિનિધિસભા (સંસદ)ની બેઠક મળી હતી. આ બેઠકમાં જમ્મૂ અને કાશ્મીર બંને અલગ રાજ્ય અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો ઠરાવ મંજૂર કરાયો હતો. સંઘની જ વિશ્વ હિંદુ પરિષદે તો કાશ્મીરી પંડિતોને વસાવવા માટે કાશ્મીરમાં અલગ કરિડોરની માંગણી સાથે રાજ્યના ચતુર્ભાજનની માંગણી કરી હતી. જોકે રાજ્યની બહુમતી પ્રજા આવા ત્રિભાજન કે ચતુર્ભાજનનો વિરોધ કરે છે. (૭) ભારતીય લશ્કરના નિવૃત્ત અને પ્રવૃત્ત ટોચના અધિકારીઓનો મત છે કે રાજ્યની પ્રજા ભારતીય શાસકોનાં વ્યવહાર ભણી નારાજ હશે, પરંતુ રાષ્ટ્રવિરોધી નથી. ભારતીય લશ્કરને સ્થાનિક પ્રજા જ સૌથી વધુ મદદ કરે છે. (૮) બંધારણીય હોદ્દે બેઠેલા રાજ્યપાલ સત્યપાલ મલિકે આતંકવાદીઓને ભ્રષ્ટ રાજનેતાઓને મારવાની હાકલ કરીને કાયદાના પાલનને બદલે અંધાધૂંધી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ભ્રષ્ટ કે દેશવિરોધી નેતાઓ સામે કાર્યવાહી કરવાનું કામ સત્તાધીશોનું છે. એમને માત્ર વાણીવિલાસ માટે પ્રજા ચૂંટીને મોકલતી નથી.

પ્રજાએ કાશ્મીર મુદ્દે ચલાવાતા ઝંઝાવાતી પ્રચારમાં સચ્ચાઈ શોધવા માટે આવા મુદ્દાઓનું નીરક્ષીર કરવાની તાતી અનિવાર્યતા છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter