રાજનેતાઓની ડિગ્રીઓ અને જન્મતારીખોના નિરર્થક વિવાદ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 04th May 2016 11:11 EDT
 
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક પદવી અને જન્મતારીખ વિશેનો વિવાદ ભારતીય રાજકારણમાં ગાજવીજ કરતો હોય ત્યારે સહેજે કહેવું પડે કે આ તો ચાના પ્યાલાનું તોફાન જ છે. મોદી પોતાને ચા વેચવાવાળા ગણાવે છે એટલે આ કહેવત અહીં બંધબેસતી સ્વાભાવિક છે. મુખ્ય મુદ્દાઓથી વાતને નવા નિરર્થક વળાંક ભણી હડસેલવી હોય ત્યારે આવા ક્ષુલ્લક મુદ્દાઓની ચર્ચા અને ગાજવીજ થવી એ ભારતીય રાજકારણની જૂની અને જાણીતી પરંપરા છે.

એવું પણ નથી કે, કોંગ્રેસવાળા જ આવા મુદ્દાઓ ઉછાળતા રહ્યા છે. અગાઉ ભાજપના મિત્રોએ પણ કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીથી લઈને રાહુલ ગાંધી સુધીની વ્યક્તિઓ વિશે આવા જ વિવાદ ખૂબ ચગાવ્યા છે. સોનિયા ગાંધીએ કોઈ એફિડેવિટમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી લખ્યું તો એમનું સાંસદ પદ રદ કેમ ના કરવામાં આવે, એવી વાત પણ આગળ કરાઈ છે. રાહુલ ગાંધી અને એમના પિતરાઈ ફિરોઝ વરુણ ગાંધી - બેઉ પંડિત જવાહરલાલ નેહરુ પછી આ નેહરુ-ગાંધી ખાનદાનમાં સ્નાતક અને અનુસ્નાતક થનારા પહેલા છે. ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી કે સંજય ગાંધી સ્નાતક પણ નહોતાં, છતાં ભારતીય રાજકારણમાં એમનો સિક્કો ચાલતો હતો.

અભણ છતાં ગણેલા કે. કામરાજ

ભારતીય રાજકારણમાં પાકિસ્તાનમાંની જોગવાઈથી વિપરીત સંસદસભ્ય થવા માટે શૈક્ષણિક લાયકાતનો ખપ નથી. પાકિસ્તાનમાં ત્યાંના રાષ્ટ્રીય ધારાસભાના સભ્ય થવા માટે સ્નાતક હોવું અનિવાર્ય છે. ભારતમાં બિન-સ્નાતક એવાં ઈંદિરા ગાંધી સૌથી વધુ પ્રભાવી જ નહીં, વડા પ્રધાન મોદીની આરાધ્ય સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક રહેલા સ્વર્ગીય સુદર્શનજીની દૃષ્ટિએ ‘ભારતનાં શ્રેષ્ઠ વડાં પ્રધાન’ રહ્યાં હતાં. સુદર્શનજીએ એનડીટીવીના વોક-ધ-ટોક ઇન્ટરવ્યૂમાં શેખર ગુપ્તા જેવા પત્રકારશિરોમણિને આ વાત કહી હતી. એટલું જ નહીં, ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં એ આખો ઇન્ટરવ્યૂ શબ્દશઃ છપાયો પણ હતો. ભણેલા-ગણેલા વડા પ્રધાનપદે આવે એ અપેક્ષિત છે, છતાં કે. કામરાજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહીને એટલા પ્રભાવી રહ્યા કે આજે મોદીજીની ભાજપા તમિળનાડુમાં કામરાજની જન્મજયંતી મનાવે છે.

તમિળનાડુના મુખ્ય પ્રધાન તરીકે પણ લગભગ અભણ છતાં ખરા અર્થમાં ગણેલા કે. કામરાજની કામગીરી વિરોધ પક્ષો પણ વખાણે તેવી રહી હતી. આની સામે ખૂબ ભણેલા અને ચંચળ સ્વભાવના ડો. સુબ્રમણિયમ્‌ સ્વામી અડૂકિયા-દડૂકિયાની જેમ ક્યારેક સોનિયા તો ક્યારેક રાહુલની ડિગ્રીઓના વિવાદ સર્જતા રહ્યા છે, પણ કોંગ્રેસના ટેકે ચાલતી ચંદ્રશેખર સરકારમાં જ પ્રધાનપદું પામી શક્યા છે. કોંગ્રેસની સરકારના વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે જ એમને પ્રધાન સમકક્ષ હોદ્દો આપ્યો હતો.

સરદાર-ઝીણાની જન્મતારીખ ખોટી

ભારતીય રાજકારણમાં ડિગ્રીઓ અને જન્મ તારીખોનો આજે જે રીતે વિવાદ ચગે છે એવો વિવાદ ભૂતકાળમાં ભાગ્યે જ ચગ્યો હશે. આજે પણ ભારત અને દુનિયા સરદાર પટેલની ખોટી જન્મતારીખ એટલે કે ૩૧ ઓક્ટોબર, ૧૮૭પ જ ઊજવે છે. સ્વયં સરદાર સાહેબે કહ્યું હતું કે મેટ્રિકનું ફોર્મ ભરવાનું હતું ત્યારે જે તારીખ સૂઝી એ ઠોકી દીધી! ઇતિહાસકાર રાજમોહન ગાંધીએ ખૂબ અભ્યાસને આધારે સરદારની સાચી જન્મતારીખ ૩૦ એપ્રિલ, ૧૮૭૬ કે ૭ મે, ૧૮૭૬ હોવાનું તારવ્યું છે. સરદારની જન્મતારીખ વિશે ભાગ્યે જ કોઈ વિવાદ થયો હતો. કારણ કે એમણે પોતે જ એની ચોખવટ કરી લીધી હતી.

પાકિસ્તાનના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાની જન્મતારીખ રપ ડિસેમ્બર, ૧૮૭૬ પણ ખોટી છે. ખ્રિસ્તી વિશ્વમાં પ્રભાવ પાડવા માટે નાતાલની તારીખ એમણે સ્વીકારી હતી. ઇતિહાસકાર સ્ટેન્લી વોલ્પર્ટે ‘જિન્નાહ ઓફ પાકિસ્તાન’માં નોંધ્યું છે કે કરાંચીના સિંધ મદ્રેસા-તુલ-ઇસ્લામમાં પહેલી વાર શાળાએ બેઠા ત્યારે ઝીણાની જન્મતારીખ ર૦ ઓક્ટોબર, ૧૮૭પ નોંધાયેલી છે. ભારતીય વડા પ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીની જન્મતારીખ પણ રપ ડિસેમ્બર (નાતાલ) મનાવાય છે. સાચી-ખોટી રામ જાણે.

વડા પ્રધાન મોદીની ડિગ્રી અને જન્મતારીખનો વિવાદ એમની રાજકીય કારકિર્દી અને વડા પ્રધાન તરીકેની કામગીરીને અસર કરવામાં પ્રભાવી સાબિત થાય એની શક્યતા નહીંવત્‌ હોવાથી જ અમે એને ‘ચાના પ્યાલાનું તોફાન’ (સ્ટોર્મ ઈન અ કપ ઓફ ટી) ગણાવવાનું પસંદ કરીએ છીએ. એમ તો મોદીના મુખ્ય પ્રધાન તરીકેના પુરોગામી કેશુભાઈ સવદાસ દેસાઈ-પટેલની જન્મતારીખ પણ ક્યાં સાચી છે? મોદીના નિષ્ઠાવાન મિત્ર અને કેશુભાઈ તથા નરેન્દ્રભાઈની ગુજરાત સરકારમાં પ્રધાન રહેલા દિલીપ સંઘાણીએ પણ પોતાની જન્મતારીખ ખોટી હોવાનું સ્વીકાર્યું છે. માત્ર રાજકારણમાં જ નહીં, શિક્ષણ ક્ષેત્રમાં પણ એમ.ફિલ. અને પીએચ.ડી.ના અમારાં વિદ્યાર્થીઓની જન્મતારીખો પણ બબ્બે અને ક્યાંક તો ત્રણ-ત્રણ હોવાનું અમારા ધ્યાને આવ્યું છે.

પાંચમું પાસ રાજ્યપ્રધાન વાનાણી વિદ્વાન

નરેન્દ્ર મોદી જે જન્મતારીખ મનાવે છે એ ૧૭ સપ્ટેમ્બર, ૧૯પ૦. હમણાં વિસનગરની એમ. એન. કોલેજમાં પ્રિ-સાયન્સ કરવા એ ૧૯૬૭માં દાખલ થયા ત્યારે ત્યાં રજિસ્ટરમાં એમની જન્મતારીખ ર૯ ઓગસ્ટ, ૧૯૪૯ નોંધાયેલી છે. વળી પાછું વડનગરની એમની સ્કૂલ બી. એન. હાઇસ્કૂલમાં મોદીની જન્મતારીખ ૧૭ સપ્ટેમ્બર, ૧૯પ૦ નોંધાયાનું એમ. એન. કોલેજના વર્તમાન આચાર્ય કે. એમ. જોશીએ જાહેર કર્યું છે.

વડા પ્રધાન પોતે ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૮૩માં પ્રથમ વર્ગ સાથે એમ.એ. થયાનું કુલપતિ ડો. એમ. એન. પટેલે જાહેર કરીને બી.એ. દિલ્હી યુનિવર્સિટીમાં ક્યારે, કઈ કોલેજમાંથી કર્યું અને એમનું માઇગ્રેશન સર્ટિફિકેટ કેમ ઉપલબ્ધ નથી એવા સવાલો ઊભા કરવા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને તક પૂરી પાડી છે.

કેન્દ્રમાં માનવ સંસાધન પ્રધાન શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાનીએ ચૂંટણી પંચના સોગંદનામામાં એક વાર બી.કોમ. અને બીજી વાર બી.એ. થયાનું લખીને ડિગ્રી વિશે વિવાદ પ્રેર્યો છે. વડા પ્રધાન મોદીની શૈક્ષણિક પદવીઓ વિશે તો દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કરેલી માહિતી અધિકાર અરજી અંગે મુખ્ય માહિતી આયુક્તે માહિતી પૂરી પાડવાનો આદેશ આપ્યો છે.

કેજરીવાલના કાયદા પ્રધાન જિતેન્દ્ર સિંહ તોમરની બોગસ ડિગ્રી વિશે મોદીના અખત્યાર હેઠળની દિલ્હી પોલીસે તોમરનો ઉત્તરનાં રાજ્યોમાં ઠેકઠેકાણે રીતસર વરઘોડો કાઢ્યો હોવાના તાલ ર્ક્યા હતા એટલે ખિન્ન કેજરીવાલ મોદી-ઇરાનીનાં સત્યો ઉજાગર કરવા તત્પર છે. એમ તો ગુજરાતના પ્રધાન શંકરભાઈ ચૌધરીએ બારમા પછીના જ વર્ષે એમ.બી.એ. પદવી મેળવ્યાનો વિવાદ પણ હજુ ઊભો જ છે.

ગુજરાતની આનંદીબહેન પટેલની સરકારમાં માત્ર પાંચમું ધોરણ જ પાસ શિક્ષણ રાજ્યપ્રધાન નાનુભાઇ વાનાણીને અમે નિઃસ્વાર્થભાવે સલામત રીતે વિદ્વાનની શ્રેણીમાં મૂકી શકીએ. સરકાર કે પ્રધાનો કેવું કામ કરે છે એની છણાવટ કરવાને બદલે ડિગ્રી કે જન્મતારીખોની ચર્ચા રાજકારણીઓને પણ વધુ માફક આવતી લાગે છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter