રાજસ્થાન હાઇકોર્ટ સંકુલમાં મનુની પ્રતિમાનો વિવાદ ફરી ફૂંગર્યો

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Wednesday 01st July 2020 05:56 EDT
 
 

અમેરિકામાં આજકાલ પ્રતિમાઓ તોડો અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એના પ્રત્યાઘાત ગુજરાતના નવસર્જન ટ્રસ્ટના અગ્રણી માર્ટિન મેકવાનના નેતૃત્વમાં રાજસ્થાન લગી પડી રહ્યા છે. રાજસ્થાન હાઇકોર્ટના પ્રાંગણમાં ૧૯૮૯થી સ્થાપિત “ભગવાન મનુ”ની પ્રતિમાને દૂર કરવા રાજ્યમાં કોંગ્રેસ સરકાર હોવાથી તેમણે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. ભારતીય બંધારણ અને દલિતોના અપમાન સમાન ગણાવાતી આ પ્રતિમાને દૂર કરવાનો આગ્રહ કરાયો છે. મામલો ખૂબ સંવેદનશીલ છે.

સંયોગ તો જુઓ કે ક્યારેક કોંગ્રેસના શિવ ચરણ માથુર મુખ્ય પ્રધાન હતા ત્યારે જ ભગવાન મનુની આ પ્રતિમા રાજસ્થાન હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ મિલાપચંદ જૈનની પરવાનગીથી સ્થાપિત કરાઈ હતી. વિરોધ થતાં મુખ્ય ન્યાયમૂર્તિ એના ઉદઘાટન માટે આવ્યા નહોતા. બંધારણને સર્વોપરિ માનનારા ભારતીય લોકતંત્રમાં મનુના કાનૂનનો વિરોધ થતાં રાજસ્થાનની હાઇકોર્ટે ૨૮ જુલાઈ ૧૯૮૯માં પ્રતિમાને દૂર કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો, પણ વિશ્વ હિંદુ પરિષદના આચાર્ય ધર્મેન્દ્રના વિરોધ અને અદાલતી ખટલાને કારણે હજુ કોઈ પગલાં ભરાયાં નથી. કાંશીરામ અને રામદાસ આઠવલે જેવા નેતાઓ પણ જયપુર આવીને વિરોધ કરતા રહ્યા છે. અનેકવાર આ સંદર્ભમાં પ્રયાસો થયા છે પરંતુ સંઘ પરિવાર અને ખાસ કરીને વિશ્વ હિંદુ પરિષદના વિરોધને કારણે મનુની પ્રતિમાને હજુ દૂર કરી શકાઈ નથી.

સ્વતંત્ર અને પ્રજાસત્તાક ભારતની રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઇએ અને એનો રાષ્ટ્રધ્વજ ભગવો હોવો જોઈએ, એ બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેકડરનો આગ્રહ હતો. ભારતીય માનવધર્મશાસ્ત્રના પ્રાચીન ઘડવૈયા મનુથી અર્વાચીન માનવધર્મશાસ્ત્ર એવા ભારતીય બંધારણના ઘડવૈયા મનાતા ડો. આંબેડકરને આધુનિક મનુ ગણાવતાં એમના પ્રીતિપાત્ર ચરિત્રકાર ધનંજય કીર જીવનકથા લખે છે. હજારો વર્ષ જૂના ભારતીય સમાજમાં આમૂલ પરિવર્તન લાવનારા આ બંધારણને ઘડવા અને અમલમાં લાવવા માટે અસ્પૃશ્ય લેખાતા રહેલા સમાજના તરછોડાયેલા છતાં પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કરનાર ડો. આંબેડકર સાથે ખભેખભો મિલાવીને બ્રાહ્મણ સહિતની અનેક મહાન વિભૂતિઓ જોડાઇ હતી. મનુથી આધુનિક મનુ સુધીની યાત્રા ખૂબ જ રોમાંચકારી હોવા છતાં ઇતિહાસના આ ઘટનાક્રમને સાવ જ ભૂંસી નાખવા મનુવાદવિરોધી આંદોલનો મનુ અને મનુસ્મૃતિ વિશે હજુ આંદોલન અને જંગ ચાલે છે.

રાજસ્થાનની વડી અદાલતના જયપુરસ્થિત સંકુલમાં, વડી અદાલતની પૂર્વ મંજૂરી સાથે, ૩ માર્ચ ૧૯૮૯ના રોજ રાજસ્થાન ન્યાયિક અધિકારી સંઘે, લાયન્સ ક્લબના સહયોગથી, વિશ્વમાં પ્રથમ કાનૂનસંહિતાના રચયિતા ગણાતા મનુસ્મૃતિકાર મનુની પ્રતિમા સ્થાપિત કરી. “ભારતીય મહિલા વિશ્વકોશ”નાં રચયિતા ડો. ટીના દોશીએ મનુને “માનવજાતિના જનક તરીકે સ્મૃતિકારોમાં સૌથી વધુ લોકપ્રિય” અને “પ્રાચીન ઇતિહાસમાં પ્રથમ સમાજ વ્યવસ્થાપક” ગણાવી નોંધ્યું છે: “સંસારની ઉત્પત્તિ, સોળ સંસ્કાર, શ્રાદ્ધવિધિ, ગૃહસ્થના નિયમ, સ્ત્રીધર્મ, ચાર આશ્રમ, રાજધર્મ, સાક્ષીઓનો પ્રકાર, ધનસંપત્તિનું વિભાજન, પ્રાયશ્ચિત, દેશધર્મ અને જાતિ ધર્મ... મનુસ્મૃતિ એક એવો કોશ છે જેમાં દરેક સમસ્યાનું નિદાન છે.”

બે હજાર વર્ષ પૂર્વે રચાયેલા મનુસ્મૃતિ ગ્રંથમાં શુદ્રો અને સ્ત્રીઓને અન્યાયકારી વિવેચના થયાની વાતે આંધળેબહેરું કૂટાયે જાય છે. પુત્રીને પુત્ર સમાન દરજ્જો આપનાર અને પત્ની સહિતની સ્ત્રીઓ સાથે દુર્વ્યવહારનો નિષેધ કરનાર મનુસ્મૃતિનું ૨૫ ડિસેમ્બર ૧૯૨૭ની રાતે નવ વાગ્યે ડો. બાબાસાહેબે જાહેરમાં દહન કર્યું ત્યારથી મનુસ્મૃતિ ગ્રંથ અને ગ્રંથકારને ખલનાયકત્વ પ્રાપ્ત થયું. કમનસીબે એટલે જ પેલી મનુની પ્રતિમાને જયપુરસ્થિત વડી અદાલત સંકુલમાંથી હટાવવા મનુવાદ વિરોધી અભિયાન ચલાવાતું રહ્યું છે. આધુનિક ભારતના બંધારણ અને કાનૂન વ્યવસ્થામાં મનુસ્મૃતિનાં અનિષ્ટ તત્વોને સામેલ કરાયાં નથી. માબાપને આધારે નહીં, પરંતુ વ્યવસાયને આધારે અને યોગ્યતાને આધારે ચાતુર્વર્ણ વ્યવસ્થાને સ્વીકારનાર મનુસ્મૃતિ અને મનુનો આજે વિરોધ થઇ રહ્યો છે.

મનુ અને મનુસ્મૃતિનું પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય પણ નહીં સ્વીકારનાર, ધર્મને અફીણ ગણાવનારા, લાલભાઇઓનો ભગવાભાઇઓના સત્તારોહણ સામેનો સંઘર્ષ જયપુરની મનુપ્રતિમા હટાવો અભિયાનમાં વધુ ઝળકે છે. વિરોધ રજૂઆતને પગલે રાજસ્થાન વડી અદાલતની ફુલ બેંચે જ્યારે મનુની પ્રતિમાને હટાવવાનો નિર્દેશ આપ્યો ત્યારે વિશ્વ હિંદુ પરિષદના આચાર્ય ધર્મેન્દ્ર થકી એને પડકારાયો હતો. ૧૯૮૯માં મનુની પ્રતિમા સ્થાપિત થઇ અને એને ૨૦૧૬માં “કેમ ના હટાવવી?” એ સંદર્ભમાં વડી અદાલત કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યૂ કરે ત્યારે સઘળો મામલો ન્યાયપ્રવિષ્ઠ (સબજ્યુડિસ) છે. આમ છતાં આંદોલનકારોને તો મનુની ભાંડણલીલા કરતા રોકવાનું શક્ય નથી.

મનુની પ્રતિમાના સમર્થકોનું કહેવું છે કે પ્રશ્ન માત્ર મનુ એકલાનો નથી, સમગ્ર પ્રાચીન ભારતીય સંસ્કૃતિને નકારવા અને હીણી ચીતરવાનો છે. એક બાજુ ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાન સંસ્કૃત વ્યાકરણના રચયિતા પાણિનિની અઢી હજારમી જન્મજયંતી મનાવે છે અને બીજી બાજુ, ૭૯ ટકા હિંદુ વસ્તી ધરાવતા ધર્મનિરપેક્ષ દેશ ભારતમાં વિશ્વના આદિપુરુષ મનુની પ્રતિમા હટાવવાનાં આંદોલન ચાલે છે.

મનુસ્મૃતિના નિષ્ણાત ડો. હર્ષવર્ધન સિંહ તોમર “મનુ કા દંડ-વિધાન”માં મનુ અને મનુસ્મૃતિની વિશદ છણાવટ કરે છે. કાયદાશાસ્ત્રી ડો. તોમર અમારી સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવે છે કે “મનુસ્મૃતિમાંના શુદ્રો આજે જે દલિત ગણાય છે એ નથી. એના શુદ્ર અસ્પૃશ્ય નથી કે નથી ગુલામ. એના ૧૨ અધ્યાયમાંના દસમા અધ્યાયમાં વૈશ્ય-શુદ્ર ધર્મ અને અનાર્ય-લક્ષણોમાં કર્માનુસાર વર્ણપરિવર્તનની વાત નોંધવામાં આવેલી છે.”

હજારો વર્ષ પહેલાંના ગ્રંથ મનુસ્મૃતિના રચયિતા મનુને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા વિદ્વાનો “આદિ કાનૂનપ્રદાતા (લો-ગિવર) માને છે. સમયાંતરે સમાન કાયદા અમલી બને છે. અસ્પૃશ્યતાને ગાંધીજી પણ હિંદુ ધર્મ વ્યવસ્થાનું કલંક લેખે છે. ભારતીય બંધારણ અસ્પૃશ્યતા નાબૂદી કરે છે. મનુસ્મૃતિ અને એના રચિયતા મનુ સાથે મતભેદ હોઇ શકે, પણ એમાં આંધળેબહેરું કૂટવાની વૃત્તિને વખોડવી પડે. ૧૮૮૬માં પશ્ચિમના મોટાગજાના અભ્યાસી મેક્સમૂલરે “લો ઓફ મનુ”ને પૂર્વના પવિત્રગ્રંથોની શ્રેણીમાં સ્થાન આપ્યું ત્યારથી એનાં સારાં-નરસાં પાસાંની ચર્ચા ચાલતી રહે છે.

આપણે ત્યાં જ્યારે મનુની પ્રતિમાને નષ્ટ કરવા અને મનુસ્મૃતિના દહનનાં નવઆંદોલનો ચાલે છે ત્યારે ભારત બહાર નજર કરીએ તો મનુને કાયદાની પ્રેરણા આપનાર તરીકે નિહાળવામાં આવે છે. બાલીદ્વીપ મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયાનો પ્રદેશ છે. હિંદુ-સંસ્કૃતિ અને ઇસ્લામનું અનુસરણ કરતા ઇન્ડોનેશિયામાં હિંદુ વસ્તી ધરાવતા બાલીદ્વીપમાં આજેય મનુ-વ્યવસ્થાનું પ્રચલન છે. ફિલિપિન્સના રાષ્ટ્રીય ધારાસભાગૃહના દ્વાર પર ભારતના મનુ અને ચીનના લાઓત્સેની મૂર્તિઓ સ્થાપિત કરાયેલી છે. મનુની પ્રતિમાની નીચે લખ્યું છે: “સર્વ પ્રથમ સૌથી મહાન અને સૌથી વિદ્વાન એવા માનવજાતના વિધિકર્તા (લો-ગિવર).” મ્યાનમાર (બર્મા)નું “ધમ્મથટ” (ધર્મશાસ્ત્ર) મનુસ્મૃતિમાંથી પ્રેરાયેલું લાગે છે.

જર્મન ફિલસૂફ નિત્સે (૧૮૭૫-૧૯૪૪) લખે છે: “મનુની વિધિ-સંહિતા (લો-બુક) બાઇબલની તુલનામાં મહાન અદ્વિતીય કૃતિ છે... બાઇબલને નીચે મૂકો અને મનુસ્મૃતિને ગ્રહણ કરો.” વલભી (સૌરાષ્ટ્ર)ના રાજા ધારસેન દ્વિતીયે ઇ.સ. ૫૭૧માં એક શિલાલેખ કોતરાવ્યો, તેમાં મનુને “ધર્મનિયમોના પાલનકર્તા” ગણાવ્યા છે. મુઘલ સમ્રાટ શાહજહાંના શાહજાદા દારા શિકોહે મનુને “પ્રથમ માનવ” ગણાવ્યા છે, જેને યહૂદી, ઇસાઇ, મુસલમાન “આદમ” તરીકે સંબોધે છે. શીખોના દશમ ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહ પોતાના “દશમગ્રંથ”માં મનુનાં મુક્તકંઠે ગુણગાન કરે છે. આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી (૧૮૧૪-૧૮૮૪)એ વેદ પછી માત્ર મનુસ્મૃતિને જ પ્રામાણિક ધર્મ ગ્રંથ જાહેર કર્યો હતો. મહર્ષિ અરવિંદે મનુને “અર્ઘ્યદેવ” સ્વરૂપે સન્માન બક્ષ્યું છે. ડો. તોમરના મતે, મનુસ્મૃતિના યોગ્ય અધ્યયનના અભાવે વર્તમાન જનમાનસમાં ભ્રમની સ્થિતિ સર્જાઇ છે. ડો. ટીના દોશી નોંધે છે કે મનુસ્મૃતિમાં એકંદરે સ્ત્રી પ્રત્યેના આદરની ગાથા ઉપસી આવે છે. સંદર્ભ વિનાના ઉભડક ઉલ્લેખો જ એને નારીવિરોધી જાહેર કરે છે. મનુસ્મતિના કાળની સામાજિક સ્થિતિને સમજીને જ એની વિવેચના કરવી ઘટે.

મનુ આદ્યપુરુષ હોવાથી એમનાથી જ પુરાણ-સાહિત્યમાં વર્ણવેલા રાજવંશોનો પ્રારંભ થયાનું મનાય છે. મનુનો સંબંધ અત્યારના હિમાચલ પ્રદેશ સાથે આવતો હોવાની નોંધ દેશી-વિદેશી આર્કિયોલોજી નિષ્ણાતો કરે છે. મનાલીમાં મનુનું પ્રાચીન મંદિર છે અને ત્યાં આજે પણ મનુને ઋષિ, દેવતા અને આદિપુરુષ તરીકે પૂજવામાં આવે છે. મનુસ્મૃતિ સાથે મતભિન્નતા ધરાવનારાઓએ પણ એનો અનાદર કરવાની જરૂર નથી. મનુ-પ્રતિમા વિવાદને પક્ષાપક્ષીથી પર રહીને ઉકેલવાની જરૂર છે. અન્યથા આવતીકાલોમાં પ્રાચીન ગ્રંથો અને આસ્થામંદિરો બાળવા કે તોડવાનાં તાલીબાની અભિયાન આદરવામાં આવશે. અગાઉ કોઈએ કોઈના ગ્રંથ બાળ્યા એટલે વેરની વસુલાતના ઉપક્રમો યોગ્ય નહીં લેખાય.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter