રાષ્ટ્રગીતના નામે ઉંબાડિયાઃ રાજનેતાનો બંધારણીય હોદ્દે પણ ગરિમા લોપ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 15th July 2015 08:04 EDT
 
રવીન્દ્રનાથ ટાગોર અને બંકિમચંદ્ર ચેટર્જી
 

વાંદરો વૃદ્ધત્વમાં પણ ગુલાંટ મારવાનું ચૂકતો નથી. એવું જ કાંઈક ભારતીય રાજકારણમાં થયું છે. રાજસ્થાનના ૮૩ વર્ષીય રાજ્યપાલ કલ્યાણ સિંહે હમણાં કહ્યું કે ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની રચના રવીન્દ્રનાથ ઠાકુરે બ્રિટિશ સમ્રાટના સ્વાગતમાં કરી હતી. ક્યારેક અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડવાની તત્કાલીન કોંગ્રેસી વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે કરી આપેલી મોકળાશને પગલે ઉત્તર પ્રદેશના એ વેળાના ભાજપી મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ ૬ ડિસેમ્બર, ૧૯૯૨ની એ ઘટના પછી દુનિયાભરના હિંદુઓમાં ‘હીરો’ બની ગયા હતા. એ પછી તેમના જ પક્ષે એમને ખાળે નાખ્યા એવું લાગતાં ક્યારેક ભાજપમાંથી રાજીનામું આપીને અલાયદો પક્ષ રચ્યો; તો ક્યારેક દીકરા રાજવીર અને પ્રેયસી કુસુમ રાય કાજે રાજકીય હોદ્દાઓની અપેક્ષામાં છેલ્લે પાટલે બેસીને, જેમને તેમના સહિતની સંઘ-ભાજપની નેતાગીરી મૌલાના મુલાયમ સિંહ યાદવ તરીકે સંબોધતી રહી હતી, એમની સાથે રાજકીય મૈત્રી કેળવી બેઠા.

કલ્યાણ સિંહ રાજ્યપાલ જેવા બંધારણીય હોદ્દે બિરાજતા હોવાથી એમણે વિવાદોથી દૂર રહેવું ઘટે. જોકે રાજનેતા તરીકેના ઉધામાની આદતો રાજભવનમાં ગયા પછી પણ છૂટતી નથી. એવું જ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં થયું. ભારતીય રાષ્ટ્રગીતમાં ‘અધિનાયક’ શબ્દપ્રયોગ અંગ્રેજ શાસક એટલે કે સમ્રાટ જ્યોર્જ પંચમ્ માટે વપરાયો હોવાથી એને દૂર કરીને એને સ્થાને ‘મંગલ’ શબ્દ મૂકવાનું કલ્યાણ સિંહે સૂચવ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મૂંઝવણ વધારવા જેવું રાજ્યપાલ કલ્યાણ સિંહે કર્યું. ઓછામાં પૂરું, કલ્યાણ સિંહની જેમ જ પશ્ચિમ બંગાળના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સ્વયંસેવક અને અત્યારે ત્રિપુરાના રાજ્યપાલ નિયુક્ત થયેલા તથાગત રોયે પણ રાષ્ટ્રગીતના વિવાદમાં સામેલ થઈને કર્યું. જોકે પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ રહેલા તથાગત રોયના મતે, ‘છેલ્લાં ૬૭ વર્ષથી દેશના રાષ્ટ્રગીત તરીકે સ્વીકૃતિ પામેલા જન ગણ મનમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.’

સંઘ પરિવારમાં એવી માન્યતા પ્રવર્તે છે કે રવીન્દ્રનાથ ઠાકુર અંગ્રેજ સમ્રાટની ભારત મુલાકાત વખતે એમની પ્રશસ્તિ માટે રચેલું ગીત સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રગીત થઈ શકે નહીં. એને બદલે ‘વંદે માતરમ્’ નામક બંકિમચંદ્ર ચેટર્જીએ લખેલા ગીતને રાષ્ટ્રગીત તરીકે માન્યતા મળવી જોઈએ. સત્તામાં હોવું અને વિપક્ષે હોવું એ બે વચ્ચેની ભેદરેખા સંઘ પરિવારમાં ઉછરેલા રાજનેતાઓ ક્યારેક વિસારે પાડે છે.

દેશના વડા પ્રધાનપદે સંઘના જ સ્વયંસેવક-પ્રચારક અટલ બિહારી વાજપેયી હતા ત્યારે સંઘ પરિવારના સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વતી આવેદનપત્ર અપાયું હતું કે ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત તરીકે દૂર કરવામાં આવે. છ વર્ષ વાજપેયી શાસન રહ્યું, પણ એ દિશામાં કોઈ નિર્ણય લેવાનું તેમને વાજબી લાગ્યું નહોતું. હવે મોદી જેવા, અટલજી કરતાં વધુ આક્રમક સ્વયંસેવક ગણાતા સંઘ પરિવારના જ પ્રતિનિધિ ભારે બહુમતી સાથે શાસન કરી રહ્યા છે ત્યારે ‘જન ગણ મન’ વિશે કાંઈ કાર્યવાહી કરશે કે કેમ એ તો તેઓ આ સંદર્ભે મૌન તોડે ત્યારે જ ખ્યાલ આવે.

ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતીય રાષ્ટ્રગીત તરીકે ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ ‘જન ગણ મન’ને માન્યતા આપી છે અને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં ઐતિહાસિક યોગદાન કરનાર ‘વંદે માતરમ્’ને સમાનસ્તરે મૂકીને આદર આપવાનું જાહેર કરાયું હતું. કોલકતામાં ૨૬-૨૮ ડિસેમ્બર, ૧૯૧૧ દરમિયાન મળેલા કોંગ્રેસના અધિવેશનમાં ૨૭મીએ સવારે બાર વાગે સૌપ્રથમ ‘જન ગણ મન’ ગીત ગવાયું હતું. આ ગીત વિશેના વિવાદ સંદર્ભે ‘વિશ્વભારતી’ના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પુલિન બિહારી સેનને પ્રત્યુત્તર વાળતાં રવીન્દ્રનાથે ૨૦ નવેમ્બર ૧૯૩૭ના રોજ લખ્યું હતુંઃ

‘એ વર્ષે (૧૯૧૧માં) ભારતના સમ્રાટના આગમનનું આયોજન થયું હતું. સરકારમાં અગ્રસ્થાને બિરાજેલા મારા એક મિત્રે સમ્રાટના આગમન વખતે એક જયગાન લખવાનો મને ખાસ આગ્રહ કર્યો. સાંભળીને આશ્ચર્ય થયું હતું. તે આશ્ચર્ય સાથે ભારે ખેદ પણ થયો હતો. તેની પ્રબળ પ્રતિક્રિયાના ધક્કાથી જ મેં જન ગણ મન અધિનાયક... ગીતમાં તે ભારત ભાગ્યવિધાતાની જય ઘોષણા કરી. જે વતન અભ્યુદયના ખાડાટેકરાવાળા રસ્તે યુગ યુગથી દોડી રહેલા યાત્રીઓના ચિરસારથિ છે, જે જન ગણના અંતર્યામી પથપરિચાયક છે, તે યુગયુગાન્તરના માનવ ભાગ્યરથના ચિરસારથિ કોઈ પાંચમા કે છઠ્ઠા જ્યોર્જ કદી પણ ન હોઈ શકે તે વાત પેલા રાજભક્ત મિત્ર સમજી શક્યા હતા.’

સ્વયં રવીન્દ્રનાથ ઠાકુરની આટલી સ્પષ્ટતાને સ્વીકારી નહીં શકનારા સંઘ પરિવારવાળાઓના અગ્રણી એવા કલ્યાણ સિંહ પાછા કહે છે કે મને રવીન્દ્રનાથ ઠાકુર માટે માન છે. ૧૯૧૧ના કોલકતાના કોંગ્રેસ અધિવેશનમાં રવીન્દ્રનાથના ‘જન ગણ મન’ ઉપરાંત સમ્રાટ જ્યોર્જ પંચમના માનમાં હિંદીમાં રામભુજ ચૌધરીરચિત સ્તુતિગાન ગવાતાં અંગ્રેજી મીડિયાએ કરેલા ગોટાળાથી ‘જન ગણ મન’ને ભૂલથી સમ્રાટનું સ્તુતિગાન ગણી લેવાયું! અપપ્રચારને પાંખો ખૂબ ફૂટતી હોય છે.

૧૯૧૩માં જેમને ‘ગીતાંજલિ’ માટે નોબેલ પારિતોષિક મળે છે અને જેમણે રચેલું ‘આમાર સોનાર બાંગલા’ આજે પણ બાંગલાદેશનું રાષ્ટ્રગીત છે એ રવીન્દ્રનાથ ભણી આદર વ્યક્ત કરવાની સંઘ પરિવારની નીતિરીતિ નોખી છે. સંઘ પરિવારનો આગ્રહ છે કે ‘વંદે માતરમ્’ને જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવે. આ તબક્કે ઉલ્લેખ કરવા જેવો છે કે ૧૮૮૨માં બંકિમ ચેટરજી લિખિત ‘આનંદમઠ’ નવલમાં પ્રકાશિત ‘વંદે માતરમ્’ને ૧૯૦૫માં વારાણસીના કોંગ્રેસના અધિવેશનમાં રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું અને સૌપ્રથમ રવીન્દ્રનાથ ઠાકુરે જ ૧૮૯૬માં કોલકતા અધિવેશનમાં ગાયું હતું! એ પહેલાં તેમણે બંકિમબાબુ સમક્ષ પણ એનું ગાન કર્યું હતું.

‘વંદે માતરમ્’ સામે મૂર્તિપૂજાના મુદ્દે પાછળથી મુસ્લિમોમાં વિરોધ ઊઠ્યો, પણ રવીન્દ્રનાથે ૧૮૯૬ના કોંગ્રેસના જે અધિવેશનમાં એ ગાયું તેના અધ્યક્ષપદે એક ગુજરાતી મુસ્લિમ અગ્રણી નામે, રહીમતુલ્લાહ સાયાની હતા. ૧૯૦૫ના વારાણસીના કોંગ્રેસ અધિવેશનમાં એને રાષ્ટ્રગીત તરીકે ગોપાળકૃષ્ણ ગોખલેના અધ્યક્ષપદે માન્યતા મળી અને એ વેળા મોહમ્મદ અલી ઝીણા પણ કોંગ્રેસ કારોબારીમાં હતાં.

૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપનાને એમણે દેશને તોડવાનો કારસો ગણાવવાનું પસંદ કર્યું હતું. એ જ ઝીણાએ મુસ્લિમ લીગનું નેતૃત્વ લીધું અને ૧૯૩૫માં ‘વંદે માતરમ્’નો જોરદાર વિરોધ કરવા ઉપરાંત ૧૯૪૭ની ૧૪ ઓગસ્ટે અલગ પાકિસ્તાન મેળવ્યું! ૧૯૩૮માં મુસ્લિમ લીગની ૧૧ માંગણીઓમાં ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે પડતું મૂકવાનો આગ્રહ પણ હતો. એ વેળા કોંગ્રેસે એક સમિતિ નીમી, જેમાં મૌલાના અબુલ કલામ આઝાદ, જવાહર લાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ અને નરેન્દ્ર દેવ હતા. સમિતિએ રવીન્દ્રનાથની સલાહ લઈને એક રાષ્ટ્રીય ગાન (નેશનલ એન્થમ) નક્કી કરવાનું હતું. સમિતિનો ઠરાવ નેહરુનો હતો. ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત તરીકે તેની પ્રથમ બે કડી સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. આ બધા જ તબક્કે કોંગ્રેસમાંના મુસ્લિમ નેતાઓએ પણ એ માન્ય હતું.

૧૮૮૨માં બ્રિટિશ સરકારના વરિષ્ઠ અધિકારી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘આનંદમઠ’ સૌ પ્રથમ પ્રકાશિત થઈ હતી. જોકે ‘વંદે માતરમ્’ ગીત તેમના પરિવારના સામયિક ‘બંગદર્શન’માં ૧૮૮૦માં પ્રગટ થયું હતું. તેમાં ‘આનંદમઠ’ હપ્તાવાર પ્રગટ થઈ હતી. બંગભંગવિરોધી આંદોલન (૧૯૦૫) વખતે ‘વંદે માતરમ્’ પ્રત્યેક બંગાળી ગાવા માંડ્યો. અહીં હિંદુ-મુસ્લિમનો ભેદ નહોતો. બંકિમબાબુએ પોતાની બ્રિટિશ નોકરી બચાવવા માટે ‘આનંદમઠ’માં અનેકવાર ફેરફાર કર્યા અને સૌપ્રથમ આવૃત્તિમાં ‘બ્રિટિશ’ અને ‘અંગ્રેજ’ શબ્દ હતા. એ રાજદ્રોહની કાર્યવાહી ખાળવા માટે પાંચમી આવૃત્તિ સુધીમાં ‘મુસલમાન’ ‘યવન’ ‘વિધર્મી’ થતા રહ્યા. નવલકથાનો મુખ્ય સ્વર અંગ્રેજ શાસકો વિરુદ્ધનો રહ્યા છતાં રાષ્ટ્રદ્રોહના ખટલાથી બચવા બંકિમબાબુએ એને મુસ્લિમ વિરુદ્ધનો ઓપ આપવાનો પ્રયાસ કરવો પડ્યો. એના જ પરિણામે ‘આનંદમઠ’ નવલે મુસ્લિમ સમાજનો વિરોધ વહોરવો પડ્યો. સંઘ પરિવારને મુસ્લિમવિરોધ માફક આવવો સ્વાભાવિક છે.

આઝાદી પછી બંધારણ સભાએ રાષ્ટ્રગીત તરીકે ‘જનગણમન’ને માન્યતા આપી અને ‘વંદે માતરમ્’ને એની સમકક્ષ મૂક્યું, છતાં ગુજરાતની વડી અદાલતે સૌ પ્રથમ ચુકાદો આપ્યો કે રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં. કેરળ હાઈ કોર્ટે પણ આવો જ ચુકાદો આપ્યો અને છેવટે સુપ્રીમ કોર્ટે પણ રાષ્ટ્રગીત ગાવાની કોઈ નાગરિકને ફરજ પાડી શકાય નહીં એવો ચુકાદો આપ્યા છતાં વિવાદ હજુ શમતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter