વડા પ્રધાન મોદીનો સરદાર-આંબેડકર પ્રેમ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 23rd March 2016 09:31 EDT
 
 

ગુજરાતના સપૂત નરેન્દ્ર દામોદરદાસ મોદી ગાંધીનગરની ગાદીએથી દિલ્હી સલ્તનતના શહેનશાહ બન્યા પછી એમનામાં ઘણાને ઘણાં પરિવર્તન અનુભવાતાં હોય, પણ એક બાબતમાં એ સાતત્ય ધરાવતા રહ્યા છેઃ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અને ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર ભણીના પ્રેમભાવને એમણે અખંડ રાખ્યો છે. ‘નંબર વન’ ગણાવાની હોંશ નરેન્દ્રભાઈને સતત રહી છે.

ચરોતર પ્રદેશના સપૂત ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ (ભાઈકાકા) પછી વડનગરના ફરજંદ એવા નરેન્દ્ર દામોદરદાસ મોદી ચોવીસ કલાક જાગતો રાજનેતા ગુજરાતને મળ્યો. પારિવારિક જવાબદારીઓમાંથી મુક્ત અને સંઘ પરિવારની વ્યાપક શક્તિને સંગઠિતપણે કામે વાળવાની એમની આગવી દૃષ્ટિએ એમને યશ આપ્યો. પુરુષાર્થ અને પ્રારબ્ધ બેઉ નરેન્દ્રભાઈને પક્ષે રહ્યાં એટલે ક્યારેય સરપંચની ચૂંટણી પણ નહીં લડેલા ન.મો. સીધા જ મુખ્ય પ્રધાન બન્યા અને એમના નેતૃત્વ થકી જ ભારતીય જનતા પક્ષને અભૂતપૂર્વ વિજય મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મળતાં એ વડા પ્રધાન બન્યા.

મુખ્ય પ્રધાન હતા ત્યારે સરદાર પટેલની ભવ્ય પ્રતિભા સ્થાપિત કરવાના એમના સ્વપ્નમાંથી જ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ બમણી ઊંચાઈનું સરદાર સાહેબનું સ્ટેચ્યૂ ઓફ યુનિટી નર્મદા ડેમ નજીક ઊભું કરવાની યોજનાને એમણે ખૂબ જ લગનથી હાથ ધરી. ગુજરાતમાં બંધારણને હાથી પરની અંબાડીમાં પધરાવીને એમણે ડો. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં બંધારણયાત્રા પણ કાઢી હતી.

લોકસભાની ચૂંટણીમાં પણ સરદાર પટેલ વડા પ્રધાન હોત તો દેશની શકલ કેટલી નોખી હોત એ વાત એમણે ખૂબ ગજવી. એમને પંડિત નેહરુ પ્રત્યેની ભારોભાર નફરત સતત પ્રગટતી રહી અને કોંગ્રેસથી દેશને મુક્ત કરાવવા માટેની એમની અપીલને મતદારોએ ઝીલી. વક્રદૃષ્ટા તો કહેશે કે માત્ર ૩૧ ટકા મત સાથે એ વડા પ્રધાન બન્યા, ૬૯ ટકા મતદારો તો એમના નેતૃત્વની વિરુદ્ધ હતા. જોકે જો જિતા વોહી સિકંદર. વિપક્ષો આંતરકલહમાં રમમાણ રહ્યા અને કોંગ્રેસના દસ વર્ષના શાસને પ્રજાનો મોહભંગ કર્યો હતો એટલે સત્તા પક્ષ કે મોરચાના અસંતુષ્ટોને પણ પોતાની સાથે જોડીને ગુજરાતના ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા મોદી દિલ્હીની ગાદીએ આવ્યા.

દિલ્હીની ગાદીએ આવ્યા પછી ફલકનો વ્યાપ બદલાયો. ગુજરાતમાં વનબંધુ યોજનાઓને અગ્રીમતા અપાતી હતી કારણ આદિવાસીઓની વસ્તી વધુ હતી. રાષ્ટ્રીય સ્તરે આદિવાસીઓ કરતાં દલિતોની વોટબેંકને અંકે કરવાની સવિશેષ જરૂર જણાઈ. પ્રત્યેક પ્રદેશ, પ્રત્યેક જાતિ અને પ્રત્યેક વર્ગને રાજી કરવામાં કામે વળેલા વડા પ્રધાન મોદીને સરદાર પટેલ કરતાં ડો. બાબાસાહેબ આંબેડકરની વૈશ્વિક અપીલ વધુ મહત્ત્વની લાગવા માંડી. એટલે જ છેલ્લા એક વર્ષમાં એમણે દિલ્હી, મુંબઈ અને લંડનમાં ચાર-ચાર સ્મારકોને ડો. આંબેડકરના નામે લીલી ઝંડી આપવાનું મુનાસિબ લેખ્યું. કમનસીબે આ ઝંઝાવાતમાં એ સરદારને ‘રન ફોર યુનિટી’ કે હારતોરા પૂરતા યાદ કરતા રહ્યા.

દેશના કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ (‘કેગ’)માંથી ભાજપના રાજ્યસભાના સભ્ય અને કર્ણાટકના રાજ્યપાલ થયેલા ટી. એન. ચતુર્વેદીના અધ્યક્ષપદે વાજપેયી સરકારે નિયુક્ત કરેલી દિલ્હીમાં સરદાર સ્મારક તૈયાર કરવા માટેની ઉચ્ચ સ્તરીય સમિતિને નેહરુ મેમોરિયલ જેવું સરદાર મેમોરિયલ સ્થાપિત કરવા અહેવાલ આપવા જણાયું હતું અને એના સભ્યપદે સ્વયં મોદી પણ હતા. છતાં ઓગસ્ટ ૨૦૦૨થી એ સમિતિનો અહેવાલ ધૂળ ખાતો જ રહ્યો છે. સ્વયં ચતુર્વેદીએ આ વિશે આર્તનાદ વ્યક્ત કર્યો હતો કે મોદીએ એનો અહેવાલ એકાદ વાર મંગાવ્યો હતો, પણ ના તો એનડીએ કે ના યુપીએ સરકારે સરદાર માટે કોઈ કાર્યવાહી કરી. ગુજરાતમાંથી મોદીએ દિલ્હી ભણી ગતિ કરી ત્યારે સરદાર પટેલની ૧૮૨ મીટરની પ્રતિમા ઊભી કરવાનું, ત્રણ હજાર કરોડ રૂપિયાના બજેટથી, અનુગામી આનંદીબહેન પટેલને શિરે સોંપીને પોતે મોકળા થયા.

૨૧ માર્ચ, ૨૦૧૬ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ડો. આંબેડકરના ભવ્ય સ્મારકનો શિલાન્યાસ અને છઠ્ઠું ડો. આંબેડકર સ્મૃતિ વ્યાખ્યાન આપતાં વિશ્વમાનવ ડો. બાબાસાહેબને વડા પ્રધાન મોદીએ ભવ્ય અંજલિ અર્પી. પુરોગામી વડા પ્રધાન ડો. મનમોહન સિંહે આયોજન પંચના સભ્ય અને ડો. સોનિયા ગાંધીના વડપણવાળી રાષ્ટ્રીય પરિષદના સભ્ય રહેલા ડો. નરેન્દ્ર જાધવને ડો. આંબેડકરના સ્મારક માટે અહેવાલ આપવા નિયુક્ત કર્યા હતા.

ડો. જાધવે અહેવાલ આપ્યો એને સ્વીકારી લઈને મોદી સરકારે બંધારણના ઘડવૈયાના ‘વિશ્વકક્ષાના સ્મારક’નું પોતે ૧૪ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ઉદઘાટન કરશે એવું જાહેર પણ કર્યું. આ સ્મારકના ભાગરૂપે ડો. આંબેડકરના દિલ્હીસ્થિત નિવાસસ્થાન ૨૬, અલીપોર બંગલોમાં એમના જીવનની સ્મૃતિઓને તાજી કરતી ચીજવસ્તુઓ રજૂ કરાશે. અગાઉ ગયા વર્ષે મે મહિનામાં વડા પ્રધાન મોદીએ દિલ્હીમાં ડો. બાબાસાહેબની સ્મૃતિમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્રનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

ગયા નવેમ્બર - ૨૦૧૫માં લંડન ખાતે અભ્યાસ દરમિયાન ડો. આંબેડકર જ્યાં નિવાસ કરતા હતા એ ૧૦, કિંગ હેરીઝ રોડ, વાયવ્ય લંડનસ્થિત ત્રણ માળના મકાનને મહારાષ્ટ્ર સરકાર થકી ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા સ્મારકનું ઉદઘાટન કર્યું હતું. ઉપરાંત મુંબઈમાં ઈંદુ મિલ કંપાઉન્ડની ૧૨.૫ એકર જમીન પર ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે વધુ એક ડો. આંબેડકર સ્મારકનું ભૂમિપૂજન કરવા માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ વડા પ્રધાન મોદીને જ તેડાવ્યા હતા.

ડો. આંબેડકર સ્મૃતિ વ્યાખ્યાનમાં વડા પ્રધાન મોદીએ ૬૦ વર્ષ પછી દિલ્હીમાં ડો. બાબાસાહેબના સ્મારકના અવસરની વાત કરીને કોંગ્રેસ પર ચાબખા માર્યા. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની આવા સ્મારકની ઈચ્છા હોવાની વાત પણ કરી. સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના રાજકીય બુદ્ધિચાતુર્ય થકી સંયુક્ત ભારતમાતાનું નિર્માણ કર્યાની વાત કરી, પણ એમના દિલ્હી ખાતેના નિવાસસ્થાન ૧, ઔરંગઝેબ રોડ (હવેના ડો. એ.પી.જે. અબ્દુલ કલામ રોડ) ખાતે કે અન્યત્ર સરદાર સ્મારક સ્થાપિત કરવાનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં.

ડો. આંબેડકરે નહેરુ સરકારમાંથી રાજીનામું આપ્યાની વાત છેડી, પણ એ માટેના સંજોગો સર્જવામાં તત્કાલીન વડા પ્રધાન પંડિત નહેરુ પર તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ સહિતના સરદાર સમર્થકોએ અને ડો. શ્યામાપ્રસાદ મુકરજી જેવા સનાતનીઓએ દબાણ આણ્યું હતું એ વાતની ચોખવટ કરવાનું ટાળ્યું.

સરદાર પટેલ પણ હિંદુ કોડ બિલની વિરુદ્ધમાં જ હતા, ડો. મુકરજી અને ડો. રાજેન્દ્ર પ્રસાદની જેમ જ, પણ એમનું નિધન ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના રોજ થઈ ચુક્યું હતું.

વડા પ્રધાન મોદીએ ડો. આંબેડકર સ્મારકના ભૂમિપૂજન અને સ્મૃતિ વ્યાખ્યાનનો ઉપયોગ અનામત પ્રથામાં કોઈ ફેરફાર કરવાનો પોતાની સરકારાનો ઈરાદો નહીં હોવાની ખાતરી આપવા માટે જરૂર કર્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો ડો. મોહનજી ભાગવત જ નહીં, સંઘની પ્રતિનિધિ સભાનો ૧૯૮૧નો ઠરાવ અનામત પ્રથાને કાયમી ધોરણે સ્વીકારવાના પક્ષે નથી એટલે તો બિહાર વિધાનસભામાં અનામત મુદ્દે ભાજપને નુકસાન થયું. અત્યારે પણ દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ડો. આંબેડકરની આડશે વડા પ્રધાન મોદીએ મતદારોને પોતાનો સંદેશ પહોંચાડવા પ્રયાસ કર્યો છે.

નવાઈ એ વાતની છે કે ડો. આંબેડકર જ નહીં, કોંગ્રેસી વડા પ્રધાન રહેલા પી. વી. નરસિંહ રાવના સ્મારકમાં ખૂબ રસ લઈ રહેલાં વડા પ્રધાન મોદીએ સરદારના નવી દિલ્હી ખાતેના સ્મારક માટે કેમ ઉદાસીનતા સેવવા માંડી છે. સરદાર પટેલ નેહરુની સરકારમાં જ નાયબ વડા પ્રધાન હતા અને ગૃહ પ્રધાન તરીકે એમણે સંઘ પર પ્રતિબંધ લાદ્યો હતો ગાંધીહત્યાના ખટલા બાબત, પણ સરદાર પોતે તો રા. સ્વ. સંઘ કોંગ્રેસ સાથે ભળીને રાષ્ટ્રનિર્માણનું કામ કરે એના પક્ષધર હતા. આવા સરદારના ૧, ઔરંગઝેબ રોડ ખાતેના નિવાસનું અધિગ્રહણ સરકાર કરી શકે છે અથવા તો એ બંગલોના માલિક એવા બનવારી લાલ ખંડેલવાલના પૌત્ર વિપુલ ખંડેલવાલને ખપતા ૧૦૦ કરોડ રૂપિયા મોદી સરકાર કે આનંદીબહેન સરકાર ચૂકવી શકે છે. કોંગ્રેસની સરકારોએ એ ના કર્યું તો ભાજપ સરકાર તો કરે.

સરદાર પટેલ પણ લંડનમાં પાંચ સ્થળે રહ્યા અને તેજસ્વી બેરિસ્ટર થઈને આવ્યા હતા. એમાંથી એક પણ જગ્યાને તેમના સ્મારક કે મ્યુઝિયમ તરીકે કેમ પસંદ કરાઈ નહીં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.

ગુજરાતમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા નિર્માણ કરવાના નરેન્દ્રભાઈના પ્રયાસો પછી રાજ્યના દલિતો અને ઓબીસી નેતાઓ તરફથી ડો. બાબાસાહેબ આંબેડકરની સરદાર સાહેબ કરતાં પણ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવાની માગણી કરી છે એટલે પોતાને આંબેડકરભક્ત ગણાવનારા મોદી માટે જ નહીં, આનંદીબહેન માટે પણ નવી મૂંઝવણ પેદા થઈ છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter