વડોદરામાં મરાઠી સાહિત્ય સંમેલન અને મહારાજા સયાજીરાવની માનવંદના

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 13th February 2018 07:52 EST
 
 

સંસ્કારનગરી વડોદરાને આંગણે આઝાદ ભારતમાં પહેલી વાર આગામી ૧૬, ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી દરમિયાન ૯૧મા મરાઠી સાહિત્ય સંમેલનનું આયોજન થઇ રહ્યું છે. અગાઉ વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની હૂંફથી વર્ષ ૧૯૦૯, ૧૯૨૧ અને ૧૯૩૪માં અહીં મરાઠી સાહિત્ય સંમેલન યોજાયાં હતાં, પણ આઝાદી પછી પહેલી વાર હજારો મરાઠી લેખકો, ભાવકો અને પ્રકાશકોની ઉપસ્થિતિમાં રાજમાતા શુભાંગિનીરાજે ગાયકવાડના સ્વાગતાધ્યક્ષપદે વડોદરા નગરીમાં આ ઓચ્છવનો પ્રસંગ આવ્યો છે. સંમેલનના અધ્યક્ષ તરીકે ‘ઇન્કિલાબ વિરુદ્ધ જિહાદ’ નામક મહાનવલના સર્જક એવા નિવૃત્ત આઇએએસ અધિકારી લક્ષ્મીકાંત દેશમુખ છે.

દેશ અને દુનિયાભરના મરાઠી સાહિત્યની ચર્ચાની સાથે જ ભગિની ભાષા ગુજરાતીના ઉત્તમ સર્જકો પણ મરાઠી સર્જકો સાથે એક મંચ પર આવે એવું વ્યાપક આયોજન થયું છે. આયોજનનો યશભાગ વડોદરાની મરાઠી વાંગ્મય પરિષદના અધ્યક્ષ દિલીપ ખોપકર અને સાથીઓને શિરે જાય છે. મરાઠી સાહિત્યકારો ડાબેરી, જમણેરી, સમાજવાદી, સાવરકરવાદી, આરએસએસવાદી જેવી અનેક વિચારધારાઓ સાથે અનુબંધ જાળવીને પણ એક મંચ પરથી માય બોલી મરાઠીની સેવા કરવામાં સંગઠિત થઇ શકે છે એ એમની વિશેષતા અને તાસીર છે.

દુર્ગાતાઈ ભાગવતની બાહોશીનું સ્મરણ

મરાઠી પ્રજા ગુજરાતી પ્રજાની જેમ ‘શું શાં પૈસા ચાર’ની માનસિકતાથી પીડાતી નથી. સત્તાધીશો સામે લોટાંગણ થવાને બદલે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સીના કાળા દિવસોમાં મરાઠી સાહિત્ય સંમેલનનાં અધ્યક્ષ દુર્ગાતાઈ ભાગવતે તો ખુલ્લેઆમ વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો બૂંગિયો ફૂંકવાની હિંમત કરી હતી. એટલું જ નહીં, કરાડ ખાતે ઈમર્જન્સી દરમિયાનના મરાઠી સાહિત્ય સંમેલનના સ્વાગતાધ્યક્ષપદે કેન્દ્રના પ્રધાન યશવંતરાવ ચવ્હાણ હોવા છતાં મહાન લેખિકા દુર્ગાતાઈએ નિર્ભીકપણે ભાષણ કરવા ઉપરાંત લોકનાયક જયપ્રકાશ નારાયણની તબિયત માટે ઉપસ્થિતોને બે મિનિટ ઊભા થઈને પ્રાર્થના કરવા જણાવ્યું હતું. એ વખતે ઇન્દિરા પ્રધાનમંડળના સભ્ય ચવ્હાણે પણ ઊભા થવું પડ્યું હતું!

મહદ્અંશે મરાઠી સાહિત્ય સર્જકો રાજકીય શાસકોને સાહિત્ય સંમેલનના મંચ પર ઝાઝા ઝળૂંબવા દેતા નથી. ઉદઘાટન સત્ર કે સમાપન સત્રમાં એમને તેડાવીને બાકીનાં સત્રોમાં મોકળા મને ચર્ચા કરે છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મહારાજા સયાજીરાવ પરના ૧૨ ગ્રંથનું લોકાર્પણ થશે ત્યારે મહારાષ્ટ્રના મરાઠી ભાષા પ્રધાન વિનોદ તાવડે અને ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહેશે.

મરાઠી રાજનેતાઓ પણ ટીકાને હસતે મોઢે સહન કરવા જેટલી ઉદારતા માટે જાણીતા છે. મરાઠી સાહિત્ય સંમેલનોમાં હજારો લોકો ઉમટે છે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનનો આંકડો હજારે પહોંચતાં નવનેજાં પાણી ઉતારવાં પડે છે. આસામી અને બંગાળી ભાષાનાં સાહિત્ય સંમેલનોમાં લાખો લોકો સહભાગી થાય છે. ગુજરાતી પ્રકાશકો પુસ્તકો નહીં વેચાતાં હોવાની ભારે બૂમરાણ મચાવે છે, જયારે મરાઠી, બંગાળી અને આસામી ભાષાનાં પુસ્તકો ખરીદવા ભાવકોનો ભારે ધસારો રહે છે.

મહારાજાનો મરાઠી-ગુજરાતી પ્રત્યે અનુરાગ

વર્ષ ૧૯૦૫માં મહારાજા સયાજીરાવ યુરોપના પ્રવાસેથી પાછા ફર્યા ત્યારે યુરોપનો વિકાસ સાર્વજનિક વાચનાલયોના પ્રતાપે થયાની સમજણ સાથે ગ્રંથપ્રસારને મહત્વ આપવાનો સંકલ્પ કરવા પ્રેરાયા. એ માટે અમેરિકાની યેલ વિદ્યાપીઠમાં ગ્રંથાલયના નિષ્ણાત ડબલ્યૂ. એ. બોર્ડનને તેમણે ૧૯૧૦થી ડિરેક્ટર ઓફ સ્ટેટ લાયબ્રેરીઝના હોદ્દે નિયુક્ત કર્યા હતા. વડોદરા રાજ્યમાં મહારાજાએ ૧૫૦૪ ગ્રંથાલયો શરૂ કરીને પ્રજાને સુસંસ્કૃત કરવાની ચળવળ શરૂ કરી હતી. પ્રાચ્યવિદ્યામંદિર (ધ ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ)ની ૧૯૨૭માં સ્થાપના કરી. ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં આ સંસ્થાના માધ્યમથી ગુજરાતી, મરાઠી, હિંદી, સંસ્કૃત અને અંગ્રેજીમાં કુલ ૯૩૪ પુસ્તકોનું પ્રકાશન થયું હોવાનું ૯૧મા મરાઠી સાહિત્ય સંમેલનના આયોજક - ટીમના સંજય બચ્છાવ કહે છે.

મહારાજાએ ૧૯૦૯ના મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું: ‘દેશી ભાષા બધાને સમજાય છે. અલગ ભાષાઓના સારા વિચારો બધા સુધી પહોંચે એટલા માટે દેશી ભાષાનો વિકાસ જરૂરી છે. ભાષાની બાબતમાં માત્ર પ્રાંતિક દૃષ્ટિએ જ વિચારવાને બદલે સમગ્ર રાષ્ટ્રનો વિકાસ કઈ રીતે થાય એનો વિચાર કરવાની જરૂર છે. ભાષાનું મહાત્મ્ય લોકોમાં પ્રેમભાવના પ્રસરાવવા સવિશેષ છે. આ પ્રસંગે આપણી બધાની મુલાકાત એ કંઇ અંતિમ ના ગણવી.’

જોકે મહારાજાએ એ વાતને આગળ વધારીને બીજાં બે મરાઠી સાહિત્ય સંમેલન (૧૯૨૧ અને ૧૯૩૪) વડોદરામાં યોજવાની મોકળાશ કરી આપી. એટલું જ નહીં, ૧૯૩૨માં કોલ્હાપુરમાં યોજાયેલા ૧૮મા મરાઠી સાહિત્ય સંમેલનમાં પણ મહારાજા અધ્યક્ષસ્થાને હતા, પણ એમની નાદુરસ્ત તબિયતને કારણે એમનું વ્યાખ્યાન સરદાર રામચંદ્ર માનેપાટીલે વાંચવું પડ્યું હતું. ૧૯૨૧ના મરાઠી સંમેલનના ઉદઘાટન વખતે મહારાજાએ કહેલા શબ્દોને અત્યારના શાસકોએ પણ ગૂંજે બાંધવા જેવા છે.

સયાજીરાવે કહ્યું હતું: ‘સન ૧૯૦૯માં મરાઠી સંમેલન થયા પછી તરત જ ગુજરાતી સંમેલન થયું હતું. તે વખતે ગ્રંથપ્રસાર માટે મેં બે લાખ રૂપિયા જેટલી રકમ અલગ રાખી હતી. તે રકમના વ્યાજમાંથી સારાં પુસ્તકો તૈયાર કરવાની સ્વતંત્ર યોજના શાળા ખાતાએ અમલમાં આણી. અત્યાર લગી એ યોજના હેઠળ ૭૫ જેટલાં નાના-મોટા ગ્રંથ ગુજરાતી અને મરાઠીમાં તૈયાર કરાયા છે, છતાં આ યોજના એટલી સફળ નથી થઇ એનું મનમાં દુઃખ છે.’ મહારાજાએ સ્થાનિક ભાષામાં સારા ગ્રંથ તૈયાર કરાવવા ઉપરાંત સારાં પુસ્તકોના અનુવાદ કરાવીને સ્વભાષામાં જ્ઞાનના ભંડાર ઉપલબ્ધ કરાવવાનું સ્વપ્ન નિહાળ્યું હતું.

વડોદરાના ૧૯૩૪ના મરાઠી સાહિત્ય સંમેલનમાં મહારાજા હાજર રહી શક્યા નહોતા, કારણ એ વખતે તેઓ યુરોપના પ્રવાસે હતા.

સામાન્ય ખેડૂતપુત્રમાંથી ગૌરવવંતા મહારાજા

બ્રિટિશ ઇન્ડિયામાં સૌથી લાંબો સમય શાસન કરવા માટે ભાગ્યશાળી એવા મહારાજા સયાજીરાવ ત્રીજા મૂળે તો અત્યારના મહારાષ્ટ્રમાં આવેલા નાસિક જિલ્લાના કવળાણે ગામના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા હતા. મૂળ નામ ગોપાળરાવ કાશીરાવ ગાયકવાડ. વડોદરાના મહારાજા ખંડેરાવનાં મહારાણી જમનાબાઈએ એમને દત્તક લીધા અને એ સયાજીરાવ (૧૭ માર્ચ ૧૮૮૩ - ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) તરીકે ગાદીએ આવ્યા. મહારાજા સયાજીરાવે ૧૮૮૧માં વડોદરાના રાજવી તરીકે સત્તા સંભાળી અને છેક મૃત્યુ લગી એટલે કે ૧૯૩૯ સુધી ગાદીએ રહ્યા. પ્રજાવત્સલ રાજવી તરીકે એમની કીર્તિ હતી. દક્ષિણમાં છેક નવસારી જિલ્લાથી ઉત્તરમાં મહેસાણા જિલ્લા અને સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લા લગી વડોદરા રાજ્યની હદ હતી. ગુજરાતના સૌથી મોટા રજવાડાના પ્રજાપ્રિય રાજવી અંગે હકીકતમાં સમગ્ર સાહિત્ય પ્રકાશિત કરવાની જવાબદારી ગુજરાત સરકારની થાય, પણ એ તક આ વર્ષે મહારાષ્ટ્ર સરકારે ઝડપી લીધી છે.

મહારાષ્ટ્રના જાણીતા સર્જક-પ્રકાશક બાબા ભાંડની મહારાષ્ટ્ર સાહિત્ય આણિ સંસ્કૃતિ મંડળના અધ્યક્ષપદે નિયુક્તિ થતાં જ તેમણે સરકાર સાથે ચર્ચા-વિચારણા કરીને ઉચ્ચ તથા તંત્ર શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેની અધ્યક્ષતામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ચરિત્ર સાધને પ્રકાશન સમિતિ (ઔરંગાબાદ)ની રચના કરાવીને એના સભ્ય-સચિવ તરીકે મહારાજા વિશે કુલ ૫૦ ગ્રંથ પ્રકાશિત કરવાનું ભગીરથ કામ હાથમાં લીધું છે.

અગાઉ વડોદરાના ૮૬ વર્ષીય તબીબ ડો. દામોદર નેનેએ મહારાજાનું જીવનચરિત્ર મરાઠીમાં લખેલું છે. વડોદરાનાં મંદાતાઈ હિંગુરાવ પણ એ સમિતિમાં છે. આધુનિક ભારતના એક શિલ્પકાર એવા મહારાષ્ટ્રના ગૌરવવંતા પુત્ર વિશેના ૧૨ ગ્રંથનું લોકાર્પણ તો વડોદરાના આ વખતના સાહિત્ય સંમેલનમાં થશે.

સમાજસુધારકોને સયાજીરાવની હૂંફ

મહાત્મા ફૂલે, છત્રપતિ શાહૂ મહારાજ, કર્મવીર વિ.રા. શિંદે, કર્મવીર ભાઉરાવ પાટીલ, ડો. બાબાસાહેબ આંબેડકર, ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે સહિત મહારાષ્ટ્રના સમાજસુધારકો તરીકે જાણીતાં વ્યક્તિત્વોને મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી પ્રેરણા અને મદદ મળી હતી, એ વાતનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ ‘અણમોલ ખજાના’ની વાત કરતાં બાબા ભાંડ ચૂકતા નથી.

મહારાજા જેવા યુગપુરુષ અંગે ભાંડ કહે છે: ‘મહારાષ્ટ્ર સરકારે મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઓળખ સમગ્ર હિંદુસ્થાનને નવી રીતે કરાવવા માટે તેમના સમગ્ર સાહિત્ય, હજારો પત્રો, સેંકડો ભાષણો, ૬૦ હજારથી વધુ કાયદા, સામાજિક સુધારણાને લગતા નિર્ણયોનો અભ્યાસ કરીને તેનું પ્રકાશન અને વિતરણ કરવાનો સંકલ્પ કર્યો છે.’ વડોદરાના સંમેલનમાં જે ૧૨ ગ્રંથોનું લોકાર્પણ થશે, તેમાં મહારાજાનાં અત્યાર સુધી અપ્રગટ રહેલાં કેટલાંક પાસાં પણ પ્રગટશે.

પ્રારંભિક ૧૨ ગ્રંથમાં મરાઠી અને અંગ્રેજી ગ્રંથોનો સમાવેશ છે. સમયાંતરે એ હિંદીમાં પણ પ્રકાશિત થશે. ડો.બાબાસાહેબના મહારાષ્ટ્ર સરકારે પ્રગટ કરેલા ગ્રંથોની જેમ ગુજરાત સરકાર કમસેકમ આ ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ પ્રકાશિત કરાવી શકે તોય ઘણું. માત્ર ૧૨૦ રૂપિયામાં ૫૦૦થી ૭૦૦ પાનાંનો એક એવા ૧૨ ગ્રંથ તૈયાર થઇ ચૂક્યા છે. તે આ મુજબ છે:

(૧) અને (૨) : ભાષણ સંગ્રહ-૧ અને ૨ સં. ડો. રમેશ વરખેડે (૩), (૪) અને (૫): પત્રસંગ્રહ સં. ડો. એકનાથ પગાર (૬) અને (૭): Speeches & Addresses Part-1 and 2 Ed. Prof. Avinash Sapre (૮), (૯), (૧૦) અને (૧૧): Selected Letters Part - 1, 2, 3 and 4 Ed. Dr. Eknath Pagar (૧૨): ગૌરવગાથા યુગપુરુષચી: ગૌરવગ્રંથ સં: બાબા ભાંડ.

આ ગ્રંથોમાં રાઈટ બંધુઓએ વર્ષ ૧૯૦૩માં સર્વપ્રથમ વિમાન ઉડાડ્યું, એનાં ઘણાં વર્ષ પહેલાં મહારાજાની આર્થિક અને પ્રેરક સહાયથી મુંબઈની ચોપાટી પર પુણેના સંસ્કૃત પંડિત શિવકર બાપૂજી તળપદેએ એપ્રિલ ૧૮૯૫માં વિશ્વમાં સર્વપ્રથમ વિમાન ઊડાડવાનો પ્રયોગ કરી બતાવ્યો હોવાનો દાવો કરાયો છે. મહારાજા સયાજીરાવ અને જસ્ટિસ રાનડે એ પરીક્ષણ વખતે હાજર હોવાનું પણ જણાવાય છે. થોડીક મિનિટો માટે એમનું વિમાન ૧૫૦૦ ફીટ ઊંચાઈએ ઊડીને નીચે પટકાયું હતું. કમનસીબે ભારતીય વિમાનવિદ્યા અને રામાયણના પુષ્પક વિમાનની કલ્પનાને નકારનારાઓ એચ. જી. વેલ્સની નવલકથા પરથી રાઇટ બંધુઓને વિમાનની પ્રેરણા મળ્યાનું તો પાછું કબૂલ રાખે છે!

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter