જોતજોતામાં ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરની ૧૨૫મી જન્મજયંતીની ઊજવણીનું વર્ષ ૧૪ એપ્રિલ, ૨૦૧૬ના રોજ પૂરું પણ થઈ જશે. સરકારી-બિનસરકારી ઊજવણીઓ બંધ થશે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડો. આંબેડકરનાં લંડન, મુંબઈ અને નવી દિલ્હીનાં આંતરરાષ્ટ્રીય કક્ષાનાં સ્મારકો-સંગ્રહસ્થાનોના જે પ્રકલ્પો ઊજવણી વર્ષમાં હાથ ધર્યાં એનાં બાકીનાં કામો આવતાં વર્ષો સુધી લંબાયે જશે.
સ્વયં વડા પ્રધાન મોદીને મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે વર્ષો પહેલાં વસંત મૂનના સંપાદકપદ હેઠળ પ્રકાશિત કરેલા ડો. બાબાસાહેબનાં અંગ્રેજી લખાણો - વ્યાખ્યાનોના બેનમૂન ગ્રંથોને ભારતની પ્રત્યેક ભાષામાં પ્રકાશિત કે પુનઃ પ્રકાશિત કરાવવાની ઈચ્છા છે. તેમણે આ ગ્રંથોના કોપીરાઈટ ધરાવતા ડો. આંબેડકરના પૌત્ર અને જાણીતા ધારાશાસ્ત્રી પ્રકાશ (બાળાસાહેબ) આંબેડકર તથા મહારાષ્ટ્ર સરકારને એ માટે જરૂરી સંમતી માટે લખ્યું છે.
ગુજરાતની કોંગ્રેસ - રાજપ - ભાજપ સરકારો થકી ડો. બાબાસાહેબના ૨૨ ગ્રંથોનું ગુજરાતીમાં અવતરણ શક્ય બન્યું છે અને બીજી કેટલીક ભાષાઓમાં પણ એ ઉપલબ્ધ છે. જોકે, સ્વયં વડા પ્રધાન આ સંદર્ભમાં રસ લઈને એ પ્રકલ્પને આગળ વધારવામાં રુચિ ધરાવતા હોય ત્યારે આવતાં વર્ષોમાં પણ ડો. આંબેડકર સાહિત્ય અને વિચારની ચર્ચા રહેવાની.
બંધારણના ઘડવૈયા અને અસ્પૃશ્ય ભારતીય સમાજને માનવ અધિકારો અપાવવા આયખું ઘસી નાંખનારા ડો. આંબેડકરે માત્ર દલિત સમાજના ઉદ્ધાર માટે જ કામ કર્યું છે એવું નથી. એમણે દેશના અર્થતંત્ર, સમાજતંત્ર, માનવવિદ્યા, કાયદાક્ષેત્ર સહિતનાં તમામ ક્ષેત્રમાં ખૂબ મોટું યોગદાન કર્યું. એમના વિચારો ભારતીય જનતા પક્ષ અને એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને કાયમ અનુકૂળ આવે જ એવા નહોતા. ક્યારેક ભાજપ નેતા અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેબિનેટ પ્રધાન રહેલા અરુણ શૌરિ જેવા પત્રકાર શિરોમણિ અને વિશ્વ બેંકમાં અર્થશાસ્ત્રી રહેલી વ્યક્તિએ ‘વર્શિપીંગ ફોલ્સ ગોડ્સ’ નામક ગ્રંથ લખીને ડો. આંબેડકરને ‘બ્રિટિશ એજન્ટ’ દર્શાવવાનો વિવાદ સર્જયો હતો એ વેળા ભાજપ અને આરએસએસ થકી શૌરિના એ વિચારો સાથે છેડો ફાડવામાં આવ્યો હતો.
કોંગ્રેસવિરુદ્ધના ડો. આંબેડકરના વલણનો લાભ ખાટવાની વૃત્તિ-પ્રવૃત્તિ ભાજપ-સંઘમાં સવિશેષ જોવા મળી, પણ ડો. આંબેડકર પોતે સરદાર પટેલની જેમ જ ‘હિંદુ રાષ્ટ્ર’ના વિચારના કટ્ટરવિરોધી હોવાની બાબત સંઘ-ભાજપને પ્રતિકૂળ રહેવી સ્વાભાવિક છે. જોકે, ભારતીય રાજકારણમાં દલિત વોટબેંક અંકે કરવા મોદી યુગીન ભાજપ અને શાસન કાળ દરમિયાન બાબાસાહેબ ભણી પ્રેમભાવ વધુ જાગવો સ્વાભાવિક છે. અગાઉ કોંગ્રેસ અને બીજા પક્ષોએ એટલે કે બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને રિપબ્લિક પાર્ટીએ ડો. આંબેડકરના નામને રાજકીય રીતે વટાવીને દલિત વોટબેંક અંકે કરવાની દાયકાઓ સુધી કોશિશ કરી એમ હવે સંઘ-ભાજપ ડો. આંબેડકરના હિંદુકરણ થકી નવી નિકટતા કેળવવાની કોશિશમાં જોવા મળે છે.
જોકે, ડો. આંબેડકરના રાજકીય ક્ષેત્રમાં સક્રિય એવા વંશજ બાળાસાહેબ આંબેડકર અને એમના લઘુબંધુ આનંદરાજ આંબેડકર ભાજપ કે શિવ સેના કે પછી કોંગ્રેસને અનુકૂળ નથી. ડો. આંબેડકરના એક માત્ર પુત્ર સ્વ. યશવંત આંબેડકર (ભૈયા સાહેબ)ના આ બંને દીકરાઓ સંઘ-ભાજપને કણાની જેમ ખૂંચવા સ્વાભાવિક છે. એટલે સ્તો મહારાષ્ટ્રમાં આંબેડકરી ચળવળના અગ્રણી રામદાસ આંબેડકર સાથે શિવશક્તિ અને ભીમશક્તિના જોડાણથી હિંદુ વોટબેંક અને દલિત વોટબેંકનું જોડાણ કરીને ભાજપ-શિવ સેનાને લાભ થયો છે. આંબેડકરના નામે રાજકારણમાં તરી જનારા આઠવલે અગાઉ શરદ પવારની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ પ્રધાન હતા. અત્યારે ભાજપના વડપણવાળા એનડીએમાં સાંસદ છે, પણ મોદી સરકારમાં પ્રધાનપદ મેળવવા માટેના એમના ઉધામા હજુ સફળ થયા નથી.
સંઘનું મુખ્યાલય નાગપુર છે. ડો. આંબેડકરે ૧૯૫૬ના ઓક્ટોબરમાં પોતાના ૭ લાખ જેટલા અનુયાયીઓ સાથે નાગપુરમાં જ બૌદ્ધ ધર્મની દીક્ષા લઈને હિંદુ નરકમાંથી મુક્તિ મેળવ્યાની ઘોષણા કરી હતી. હવે સંઘ-ભાજપ જેવા હિંદુવાદી સંગઠનો ડો. આંબેડકરને હિંદુવાદી દર્શાવવાની કોશિશમાં છે ત્યારે બાબાસાહેબના પૌત્ર પ્રકાશરાવ નાગપુરના જ કસ્તુરચંદ પાર્કમાં પોતાના ભારતીય રિપબ્લિકન પાર્ટી બહુજન મહાસંઘ (ભારિપ-બહુજન મહાસંઘ) અને સામ્યવાદી તેમજ માર્કસવાદી પક્ષના નેતાઓ સાથે સંઘ-ભાજપને પડકારવા લાખો સમર્થકો સાથે જાહેરસભા ભરીને ભાજપના શાસનને ‘ફાસિસ્ટ’ ગણાવે છે.
બાળાસાહેબ આંબેડકર શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંથી જ્ઞાતિ - કાસ્ટ લખવાનું બંધ કરવાનું શરૂ કરવાની હાકલ કરે ત્યારે સંઘ પરિવારના ફેસબુકિયા મિત્રો એને આવકારી હરખ કરે છે, પણ એ જ બાળાસાહેબ મોદી સરકાર અને સંઘ-ભાજપની વિચારધારાને નાગપુરની જાહેર સભામાં ત્રીજી એપ્રિલે જ ભાંડે ત્યારે સંકોચ અનુભવે છે. પ્રકાશરાવ ગર્જના કરે છેઃ ‘દેશભક્તિ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સમરસતા જેવાં ગળચટ્યાં નામકરણ થકી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શબ્દછળ કરે છે. આ છેતરપિંડી થકી દેશની જનતાને મૂંઝવી રહ્યા છે. એટલે સંઘે પહેલાં એનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ શું છે એ સ્પષ્ટ કરવાની જરૂર છે.’ આંબેડકર નાગપુરમાં જ સંઘને પડકાર ફેંકીને એવું પ્રતિપાદિત કરવાની કોશિશ કરે છે કે ડો. આંબેડકરને અભિપ્રેત ભારતીય સમાજ વ્યવસ્થા અને સામાજિક ન્યાયી લોકશાહી વ્યવસ્થાને બદલે સંઘ-ભાજપ મનુવાદી વ્યવસ્થા પુનર્સ્થાપિત કરવા ઈચ્છુક છે.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવ સેનાની સંયુક્ત સરકાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર સાથે ઘનિષ્ઠ સંબંધ જાળવીને એક બાજુ ઉછળકૂદ કરતી શિવ સેનાને સંકેત આપે છે કે તમે સરકારમાંથી બહાર જશો તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ ભાજપને ટેકો આપશે અને બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના ટોચના નેતા છગન ભુજબળને ભ્રષ્ટાચાર ખટલાઓમાં જેલમાં મોકલ્યા પછી પવારના ભત્રીજા અજિત પવારને પણ જેલવાસનાં દર્શન કરાવવાના સંકેત આપે છે.
મહારાષ્ટ્રના ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નાગપુરના છે અને સંઘના આશીર્વાદ સાથે શાસનમાં છે. ‘ભારત માતા કી જય’ના મુદ્દે ગાદી જાય તો ય વાંધો નહીં એવા જાહેર નિવેદન કરનાર મુખ્ય પ્રધાન ફડણવીસને શિવ સેનાના વડા ઉદ્ધવ બાળ ઠાકરે રોજેરોજ પોતાના મરાઠી દૈનિક ‘સામના’માં તંત્રીલેખ લખી સુણાવતા રહે છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવ સેના વચ્ચેના સંબંધોમાં ઘણી કડવાશ છે. સ્વયં વડા પ્રધાન મોદી પણ શિવ સેના પ્રમુખ ઉદ્ધવને અવગણીને હવે રાજ્યમાં ભાજપ જ ‘બિગ બ્રધર’ છે એનો અનુભવ કરાવે છે. છેલ્લે ૫ એપ્રિલ, ૨૦૧૬ના ‘સામના’ના અગ્રલેખ ‘ઓવૈસી સુટલા તરી ચાલેલ’માં તો શિવ સેના પ્રમુખે હદ કરી નાખી છેઃ ‘ભારત માતાની જય બોલવાનો ઈનકાર કરનાર હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ ફોજદારી ખટલો દાખલ કરવાનું ટાળનાર મુખ્ય પ્રધાન મહોદય અમારી વિરુદ્ધ દેશદ્રોહનો ખટલો દાખલ કરી અમારા જેવા દેશપ્રેમીને જેલ ભેગા કરો!’
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)