સમગ્ર ભારતમાં ફરી ધૂણતું અનામતનું ભૂત

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 01st April 2015 07:33 EDT
 

ઉત્તર ભારતમાં પ્રભાવી ગણાતા જાટ સમુદાયને મળેલા ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) અનામતને સુપ્રીમ કોર્ટે રદ જાહેર કરતાં નવા રાજકીય ભૂકંપનો અનુભવ થઈ રહ્યો છે. આ મુદ્દે જાટ સમાજ આંદોલન માટે કટિબદ્ધ છે એટલું જ નહીં, યુપીએસસીની આઈએએસ-આઈપીએસની પરીક્ષાનાં તૈયાર પરિણામ સુપ્રીમના ચુકાદાથી અટવાઈ ગયાં છે.

ગુજરાત સહિતનાં સાત રાજ્યોમાં ડો. મનમોહન સિંહના વડપણવાળી યુપીએ સરકારે જાટ સમાજને ઓબીસી અનામતનો લાભ આપવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. એ પહેલાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં જાટ સમાજને સામાજિક રીતે પછાત ગણીને નોકરીઓ અને શિક્ષણમાં ઓબીસી અનામતનો લાભ આપવાની માગણી સાથે આંદોલનો થયાં હતાં. સમગ્ર ભારતમાં અનામત (રિઝર્વેશન) મેળવવા માટે માત્ર સામાજિક દૃષ્ટિએ અને શૈક્ષણિક રીતે પછાત સમાજના વર્ગો જ નહીં, બ્રાહ્મણો અને રાજપૂતો જેવા સામાજિક રીતે ઉજળિયાત ગણાતા સમાજો પણ આંદોલન કરતા રહ્યા છે.

ભારતીય બંધારણ ઘડતી વખતે અનુસૂચિત જાતિ (શિડયુલ્ડ ક્લાસ) અને અનુસૂચિત જનજાતિ (શિડયુલ્ડ ટ્રાઈબ) માટે અનામતની જોગવાઈ રાખવામાં આવી હતી. આવી અનામત દાયકા સુધી રાખીને બધા સમાજો સમાન ધરાતલ પર આવી જાય પછી એવી નોકરી-શિક્ષણની અનામતની જોગવાઈ રદ કરી દેવાની અપેક્ષા બંધારણના ઘડનારાઓએ સેવી હતી. પરિસ્થિતિ ઉલટી બની. અનામત અનામતનો ખેલ એટલો લંબાતો ગયો કે માત્ર અસ્પૃશ્ય ગણાતી અને આદિવાસી જ નહીં, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતી જાતિઓ અને જૂથોની યાદી પ્રત્યેક રાજ્યમાં લંબાતી રહી. આંદોલનો થતાં રહ્યાં. ચૂંટણીલક્ષી અનામતો આપવાની ચડસાચડસીમાં ભારતની આઝાદીના સાત દાયકા પછી પણ અનામતવાંચ્છુ સમાજો વચ્ચે ગળાકાપ સ્પર્ધા અને એમ. એસ. શ્રીનિવાસ જેવા સમાજશાસ્ત્રીની સંસ્કૃતિકરણ (સંસ્ક્રીતાઈઝેશન)ની પ્રક્રિયાથી વિપરિત પછાત સમાજમાં ગણાવવાની સ્પર્ધા થકી અનામતના લાભ મેળવવાની રીતસર હોડ મચી છે.

દેશમાં આઝાદી પૂર્વે અસ્પૃશ્ય ગણાતી જાતિઓ એટલે કે દલિતો માટે અનામત અને આદિવાસીઓ માટેની અનામતની ટકાવારી અનુક્રમે ૧૪.૫ અને ૭.૫ ટકા રહી. ગુજરાતમાં આદિવાસી વસ્તી વધુ હોવાથી આ પ્રમાણ દલિતો માટે ૭.૫ ટકા અને આદિવાસીઓ માટે ૧૪.૫ ટકાનું રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે અનામતનું કુલ પ્રમાણ ૫૦ ટકાથી વધવું ના જોઈએ. છતાં વિશેષ બંધારણીય જોગવાઈઓ કરીને દક્ષિણનાં રાજ્યોમાં તો અનામતનું કુલ પ્રમાણ ૫૦ ટકાને વટાવી ગયું છે. ઉત્તર રાજ્યોમાં પણ એ માટેની સ્પર્ધા ગળાકાપ ચાલી છે. ભાજપની નેતાગીરી ક્યારેક ઓબીસી અનામતના વિરોધમાં હતી, પરંતુ આજે તો સુપ્રીમ કોર્ટના નિર્દેશને અવગણીને પણ દક્ષિણનાં રાજ્યોની જેમ ટકાવારી વધારવાની એ ખુલ્લેઆમ તરફેણ કરે છે.

સ્થિતિ એવી સર્જાઈ છે કે કોઈ પણ વર્ગ કે સમાજ અનામત માટેની માગણીના ટેકામાં આંદોલન કરે એટલે એને આપવા માટે રાજકીય પક્ષો વચ્ચે રીતસરની ખેંચતાણ શરૂ થઈ જાય છે. અમુક વર્ગો કે જાતિઓને અનામતના અમુક જૂથમાં સમાવવા અને એના વિરોધમાં હિંસક આંદોલનો પણ થાય છે. રાજસ્થાન રાજ્યમાં એનાં વરવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

સામાન્ય રીતે પોતાને ઉજળિયાત ગણાવતી જાટ કોમને ચૂંટણીના ગણિતને કારણે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને બિહારમાં ઓબીસી અનામતનો લાભ આપવામાં આવ્યો. એવું જ કાંઈક ગુજરાતમાં આંજણા પટેલ સમાજને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લેખીને રાજ્ય સરકારે ઓબીસી અનામતમાં મૂક્યો એટલે એણે રાષ્ટ્રીય કક્ષાએ ઓબીસી અનામતમાં સમાવેશ માટે આગ્રહ કર્યો.

થયું એવું કે ગુજરાતના ઉત્તર ભાગમાં પ્રભાવી રાજકીય શક્તિ ધરાવતા આંજણા પટેલ સમાજને રાષ્ટ્રીય કક્ષાએ ઓબીસીમાં મુકવા માટે ઓબીસી કમિશનની સુનાવણી યોજાઈ ત્યારે ગુજરાતના કડવા પટેલ અને લેઉઆ પટેલ સમાજે પણ પોતાને ઓબીસીમાં મૂકવાની માગણી કરી એટલે ત્રણેય પટેલ સમાજની ઓબીસીમાં ગણાવવાની માગણી ઓબીસી પંચે ફગાવી દીધી. નવાઈ તો એ વાતની છે કે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનો લેઉઆ પટેલ સમાજ રાષ્ટ્રીય કક્ષાએ ઓબીસીનો લાભ મેળવે છે. વળી રાજસ્થાન અને ગુજરાતમાં જાટ સમાજને મળેલી ઓબીસી અનામત હેઠળ આંજણા પટેલ સમાજ રાષ્ટ્રીય કક્ષાએ ઓબીસી અનામતનો લાભ મેળવતો હતો, પણ સુપ્રીમ કોર્ટના તાજા ચુકાદાએ એ ખેલ ખલાસ કરી દીધો છે. સામાન્ય રીતે ઉત્તરનાં રાજ્યોમાં કુર્મી કે કણબી સમાજમાં પટેલોને ઓબીસી અનામતનો લાભ અપાયો છે.

મહારાષ્ટ્રમાં ઉજળિયાત પટેલ ગણાતા મરાઠા સમાજને ઓબીસી અનામત આપવાની સામે મુસ્લિમ સમાજને પણ એ જ અનામતનો લાભ આપવાનો દાવ કોંગ્રેસ - એનસીપીની સરકારે ચૂંટણી પહેલાં ખેલ્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપની રાજ્ય સરકાર આવતાં એણે મરાઠા સમાજને સાચવી લેવા ઓબીસી અનામતની તરફેણ કરી, પણ મુસ્લિમ અનામતનો વિરોધ કર્યો. અદાલતે બેઉની અનામતના નિર્ણયને રદ કર્યો એટલે રાજ્ય સરકાર બેઉમાં નોખાં ધોરણ અપનાવી રહ્યાની નવી વિસંવાદિતા ઊભી થઈ છે.

આટલું ઓછું હોય તેમ દક્ષિણનાં રાજ્યોમાં તો અનામત ૮૦ ટકાને પણ વટાવી જાય એટલી હદે અનામત અનામતનો ખેલ ચાલી રહ્યો છે. આંધ્ર પ્રદેશનું ઉદાહરણ લઈએ તો એમાં ઓછામાં ઓછી ૮૩.૩૩ ટકા જેટલું અનામતનું આ મુજબ પ્રમાણ છે. અનુસૂચિત જાતિ - ૧૫ ટકા, અનુસૂચિત જનજાતિ - ૬ ટકા, ઓબીસી - ૨૫ ટકા, વિકલાંગ - ૩ ટકા, એક્સ-સર્વિસમેન - ૧ ટકો, મહિલા - ૩૩.૩૩ ટકા, પછાત વર્ગ અને દલિતોમાં મહાદલિત વર્ગ ઊભો કરીને એની અલગ અનામત બિહારથી લઈને દક્ષિણનાં રાજ્યો સુધી અમલમાં લવાઈ છે.

હવે વધુ એક ગૂંચવાડો સર્જતી નવી અનામત આવી રહી છેઃ જે લોકો મુસ્લિમ અને ખ્રિસ્તીમાંથી ફરીને હિંદુ થઈ રહ્યા છે તેમને દલિત વર્ગમાં અનામત માટે વર્ગીકૃત કરવાની ભાજપની ભૂમિકા સામે વિવાદ ઊઠી રહ્યો છે. ધર્મ પરિવર્તન સામે વિરોધ અને તરફેણની સાથે જ અનામતનું ભૂત પણ સમગ્ર ભારતમાં ફરીને ધૂણવા માંડ્યું છે. ત્યારે આવતીકાલનું ચિત્ર કેવું હશે એ જ પ્રશ્ન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter