સરદારના નામે લાભ ખાટવાની વૃત્તિ-પ્રવૃત્તિ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 02nd December 2015 07:40 EST
 
 

ઈતિહાસને ફંફોસવા જતાં સમુદ્રમંથનની જેમ વિષ અને અમૃત બેય મળવાં સ્વાભાવિક છે. છતાં આંધળાના (પ્રજ્ઞાચક્ષુ)ના હાથીની જેમ સૌ પોતપોતાને અનુકૂળ ઈતિહાસનાં સુફળ મેળવવાની કોશિશ કરે છે. દિલ્હીમાં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના લિટરેચર ફેસ્ટિવલમાં જાણીતા દલિત ચળવળકાર અને હૈદરાબાદની મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રના નિયામક અને પ્રાધ્યાપક ડો. કાંચા ઈલૈયાએ સરદાર પટેલ વિશે ટિપ્પણ કરી અને વિવાદ સર્જયો.

ડો. ઈલૈયા સામે પૂર તરવા અને વિવાદસર્જક નિવેદનો કરવા માટે જાણીતા છે. ગૌતમ બુદ્ધની રાજકીય ફિલસૂફી વિશે મહાનિબંધ લખીને પીએચ.ડી. થનાર અને તેલંગણના ભરવાડ પરિવારમાં જન્મેલા આ દલિત ચળવળકાર તર્ક સાથે કડવી વાત રજૂ કરવા માટે જાણીતા છે. ‘હું કેમ હિંદુ નથી?’ એ શીર્ષક હેઠળના એમના પુસ્તકે વિશ્વ હિંદુ પરિષદ અને ભાજપ-સંઘ પરિવારના હિંદુત્વના એજન્ડા માટે મોટો પડકાર ફેંકેલો છે. પાંચ ઓક્ટોબર, ૧૯૫૨ના રોજ ખેતીવાડી કરનાર ભરવાડ પરિવારમાં જન્મેલા ડો. ઈલૈયાનાં માતા પોલીસ અત્યાચારનો ભોગ બનીને મૃત્યુ પામ્યાં હતાં એટલે એમને ગળથૂથીમાં જ અધિકારો માટે સંઘર્ષ કરવાના સંસ્કાર મળ્યા છે. હજુ ગત મે મહિનામાં જ તેમણે જાણીતા તેલુગુ દૈનિક ‘આંધ્ર જ્યોતિ’માં લખેલા લેખ સામે વિશ્વ હિંદુ પરિષદે ડો. ઈલૈયા સામે ‘હિંદુ ભગવાનોનું અપમાન’ કરવા બદલ ફોજદારી ખટલો દાખલ કર્યો છે.

અછૂતો માટે અનુસૂચિત જાતિ (શિડ્યૂલ્ડ કાસ્ટ) કે દલિત જેવો શબ્દપ્રયોગ કરવાને બદલે ડો. ઈલૈયા દલિત ઓબીસી અને આદિવાસી માટે ‘દલિત બહુજન’ જેવો શબ્દપ્રયોગ કરવાનું પસંદ કરે છે. સંઘ પરિવારની ‘ભારતનું હિંદુકરણ’ કરવાની ઝુંબેશ સામે ડો. ઈલૈયા ‘ભારતના દલિતીકરણ’ની ઝુંબેશના કાયમ સમર્થક રહ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વાણિયા સિવાયના તમામ સમાજોને સાથે કરવાની એમની નેમ છે. આવા ડો. કાંચા ઈલૈયા જ્યારે પણ કોઈ ડિબેટમાં સહભાગી થાય ત્યારે વિવાદવંટોળ ઊઠવો સ્વાભાવિક છે.

ભારતીય બંધારણ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર બક્ષે છે, પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતાને નામે ક્યારેક સ્વચ્છંદતાનું આચરણ થતું હોય અને અન્ય નાગરિકોને મનદુઃખ થાય એવા સંજોગો પણ પેદા થાય છે. ભારતમાં સાહિત્યોત્સવોનાં આધુનિક આયોજનો નવતર વિવાદોની આડપેદાશ લઈને આવે છે એવું છેક જયપુર લિટરેચર ફેસ્ટિવલના પ્રારંભથી જ અનુભવાયું છે. ગુજરાતી પ્રજા મહદ્અંશે વિવાદની આભડછેટ રાખીને નરેન્દ્ર મોદી કહેતા રહ્યા છે તેમ ‘મારે શું?’ અને ‘મારું શું?’માં રમમાણ થઈ જીવે છે. વિચારધારાઓની લડાઈ ગુજરાત અને ગુજરાતીઓમાં ઝાઝી અનુભવાતી નથી. ક્યારેક ધંધાકીય હિત કે પછી શિક્ષાપત્રીનાં બોધકથનોની આડશે ગુજરાતની ધંધાપ્રિય અને ધર્મભીરુ પ્રજા સત્તાધીશોની સાથે રહેવાનું પસંદ કરતી હોય છે. નવી દિલ્હીના લિટરેચર ફેસ્ટિવલમાં વિવાદમાં બે ગુજરાતી કેન્દ્રસ્થાને હતાઃ સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર દામોદરદાસ મોદી. એ પણ સંયોગ છે.

દિલ્હી ફેસ્ટિવલમાં ડો. ઈલૈયાની પડખે ભાજપી વડા પ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીના નિકટના અધિકારી રહેલા સુધીન્દ્ર કુલકર્ણી હતા. સુધીન્દ્ર ભાજપના અધ્યક્ષ રહેલા લાલ કૃષ્ણ અડવાણીનાં ભાષણ પણ લખતા હતા અને એમના જ પ્રતાપે. અડવાણીએ પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાનાં સ્તુતિગાન કર્યાં એટલે ચેન્નઈમાં મળેલી ભાજપની કારોબારીએ અડવાણીની, સંઘના ઈશારે, પક્ષના પ્રમુખપદેથી છુટ્ટી કરી લીધી હતી.

ડો. ઈલૈયાએ મે-૨૦૧૪માં લોકસભાના ચૂંટણીના પ્રચારમાં નરેન્દ્ર મોદીએ સરદાર પટેલના નામને ખૂબ વટાવ્યું હોવાનો ઉલ્લેખ કરીને દિલ્હી ફેસ્ટિવલમાં કહ્યુંઃ ‘જો સરદાર પટેલ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હોય તો ભારત દેશ પાકિસ્તાનની જેમ જ તાનાશાહી ભણી ધકેલાયો હોત.’ વધુમાં ઈલૈયા ઉવાચઃ ‘સરદાર પટેલ તો ડો. બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણ લખે એવું ઈચ્છતા નહોતા. તેઓ હિંદુ મહાસભાવાળાઓની નિકટ હતા અને રૂઢિચુસ્ત હતા.’

દલિત ચળવળકાર ડો. કાંચા ઈલૈયાને પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પ્રથમ કાયદાપ્રધાન ડો. ભીમરાવ રામજી આંબેડકર વચ્ચેની નિકટતા વધુ આવકાર્ય લાગે છે. હજુ થોડા વખત પહેલાં જ પાકિસ્તાનના વિદેશ પ્રધાન રહેલા ખુરશીદ મહમૂદ કસૂરીના પુસ્તકનું મુંબઈમાં વિવાદ વચ્ચે પણ લોકાર્પણ કરાવનાર સુધીન્દ્ર કુલકર્ણીને પણ સરદાર પટેલ વર્તમાન સમયમાં પ્રાસંગિક લાગતા નથી.

ઈલૈયા અને કુલકર્ણી બેઉને પોતાનો મત વ્યક્ત કરવાની સ્વતંત્રતા ખરી, પણ બીજાઓનાં મતનો આદર કરવાની મહર્ષિ ચાવાર્ક કે ફ્રેન્ચ ફિલસૂફ વોલતેરની વાતને પણ તેમણે કાને ધરવી ઘટે. સરદાર પટેલ ભારતવર્ષનાં બહુમતી પ્રજાજનોના દિલોદિમાગના રાષ્ટ્રનાયક છે. એટલે જ ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ‘સરદાર પટેલ દેશના પ્રથમ વડા પ્રધાન હોત તો ભારતની તાસીર સાવ જ અલગ હોત’ એ મુદ્દે ચૂંટણી જીતી શક્યા અને વડા પ્રધાન બની શક્યા. વડા પ્રધાન બન્યા પછી મોદીએ સરદાર પટેલની વિચારધારા અને ખાસ કરીને મક્કમતાને આત્મસાત્ કરી છે એવું કહી શકાય નહીં, પરંતુ તેમણે સરદાર અને આંબેડકરની આડશે નેહરુની વિરાસતની ટીકા કરવાનું જરૂર પસંદ કર્યું છે. જોકે કુલકર્ણી આધુનિક ભારતના નિર્માણમાં નેહરુના યોગદાનની યશોગાથા ફેસ્ટિવલમાં વર્ણવતા રહ્યાં.

સરદાર પટેલ પ્રથમ વડા પ્રધાન હોત તો દેશ પાકિસ્તાનની જેમ તાનાશાહીમાં ફેરવાયો હોત એ વાતની છણાવટ કરવાની જરૂર ખરી. ડો. ઈલૈયાને પોતાનો મત વ્યક્ત કરવાની સ્વતંત્રતા ખરી, પરંતુ સરદારને તાનાશાહ ગણાવવામાં એ ભોંય ભૂલી રહ્યા છે એવું કહેવું પડે. સરદારને મન ‘નેશન ફર્સ્ટ’ હતો, પણ સાથે જ પાકિસ્તાન પણ પોતાની રીતે વિકાસ કરે એવું એમને પ્રગટપણે અભિપ્રેત હતું. હા, એ વાત જુદી કે સરદાર પટેલે જ સંસદમાં પ્રિવેન્ટીવ ડિટેન્શન (અટકાયતી ધારાનો ખરડો) લાવીને એની જોગવાઈ દેશની સુરક્ષા માટે કરી હતી, પરંતુ નેહરુપુત્રી અને દેશનાં શ્રેષ્ઠ વડાં પ્રધાન (રા. સ્વ. સંઘના સદગત્ સરસંઘચાલક કે. એસ. સુદર્શનની દૃષ્ટિએ) ઈંદિરા ગાંધીએ જ પ્રિવેન્ટિવ ડિટેન્શન ધારાનો દુરુપયોગ કરીને ઈમર્જન્સી દરમિયાન વિરોધી અવાજને ગૂંગળાવવાની કોશિશ કરી હતી.

ઈલૈયાભાઈને માલમ થાય કે સરદારના પ્રતાપે જ ડો. આંબેડકર નેહરુ સરકારમાં જોડાયા હતા. હિંદુ મહાસભા અને આરએસએસ પર બંધી પણ સરદારે લાગુ કરી હતી.

સરદાર પટેલને બિનલોકશાહીવાદી ગણાવવાની ગુસ્તાખી કોઈ કરે તો એ હકીકતપ્રેરિત નથી. સરદાર પટેલ કોંગ્રેસના સર્વશક્તિમાન અને સૌથી વધુ આદર ધરાવનાર નેતા હતા. ૧૯૪૬માં કોંગ્રેસ પ્રમુખની પસંદગીનો સમય આવ્યો અને જે કોંગ્રેસ પ્રમુખ થાય એણે જ વડા પ્રધાન થવાનું નક્કી હતું ત્યારે ૧૪થી ૧૨ પ્રાંતિક કોંગ્રેસ સમિતિઓ થકી સરદારનું નામ સૂચવાયા છતાં ગાંધીજીના એક ઈશારે વલ્લભભાઈએ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું એ વાત ડો. ઈલૈયા વીસરી ગયા લાગે છે. આ એક વખત જ નહીં, સરદાર પટેલે તો ચાર-ચાર વખત કોંગ્રેસ પ્રમુખપદ જતું કર્યું હતું. એ સાચા ત્યાગી મહર્ષિ હતા એટલે એમનું નામ વટાવીને હોદ્દા પામવા પ્રયત્નશીલ આ પક્ષ કે તે પક્ષના નેતાઓ હકીકતમાં તો સરદારનું નામ લજવે છે. સરદાર ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ છે.

સાથે જ ડો. ઈલૈયા કે અન્યોનાં નિવેદનથી સરદારના સાચા પ્રેમીઓએ ઉશ્કેરાઈ જવાની જરૂર નથી. જેમ સરદાર સર્વધર્મ સમભાવના પ્રણેતા હતા એટલે તેમને મુસ્લિમવિરોધી ગણાવી દેવાના પ્રચારથી ઉશ્કેરાવાની જરૂર નથી, એ જ રીતે સરદારની બીજી ટીકા થાય ત્યારે બચાવનામાં રજૂ કરવાની જરૂર નથી કારણ સરદારની કથની અને કરનીમાં ક્યારેય અંતર નહોતું. એ સાચા ડેમોક્રેટ હતા અને ધરતી સાથે જોડાયેલા જણ હતા.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને

અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter