સુભાષને ખભ્ભે બંદૂક રાખી ગાંધીજી પર ગોળીબાર

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 22nd April 2015 06:39 EDT
 

ભારતીય રાજકારણમાં મહામાનવ ડો. ભીમરાવ આંબેડકરને રાષ્ટ્રનાયક ગણાવીને ૧૬.૬ ટકા દલિત વસ્તીને પોતાના તરફ વાળવાની રીતસરની ઝૂંટાઝૂંટના માહોલ વચ્ચે સુભાષચંદ્ર બોઝના નવા પરિમાણનું ઉમેરણ રોજેરોજ નવા વિવાદવંટોળ સર્જી રહ્યું છે. ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’ કહેનાર લશ્કરી પોષાકમાં સજ્જ સુભાષ દેશવાસીઓના દિલમાં આજેય ભગતસિંહની જેમ જ વસે છે. આજે સુભાષના નામને ઉછાળવાની અને એમના રહસ્યમય મૃત્યુ પછી બબ્બે દાયકા સુધી તત્કાલીન કોંગ્રેસી વડા પ્રધાન પં. જવાહરલાલ નહેરુની સરકારે બોઝના પરિવારની જાસૂસી કરાવી હતી એ મુદ્દો રાજકીય ઉકળાટ સર્જી રહ્યો છે.

દેશમાં જ નહીં, વડા પ્રધાન જ્યારે જર્મનીની મુલાકાતે હોય ત્યારે સુભાષના સગાસંબંધીઓ એમને મળીને સુભાષચંદ્રને લગતી ‘અત્યંત ગોપનીય’ રખાયેલી સરકારી ફાઈલોને પ્રકાશમાં લાવીને ‘આઝાદ હિંદ ફોજ’ (ઈન્ડિયન નેશનલ આર્મી - આઈએનએ)ના સરસેનાપતિ રહેલા દેશની આઝાદીના લડવૈયા એવા સુભાષની આસપાસના રહસ્ય પરથી પરદો ઊંચકવાની માગણીઓ થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશયાત્રાએથી ઉચ્ચ સ્તરીય સમિતિ રચીને નેતાજીને લગતી ફાઈલો ઓફિશિયલ સિક્રેટ એક્ટની ચુંગાલમાંથી મુક્ત કરી શકાય કે કેમ એ માટે પગલાં લેવાના આદેશ આપે છે. તત્કાળ બેઠકો યોજાય છે.

આવતા દિવસોમાં આના વિશેનું કમઠાણ ચાલતું રહેશે, પણ એક વાત નિશ્ચિત છે કે પંડિત જવાહરલાલ નહેરુને આ કવાયતમાં ખલનાયક સાબિત કરવાનું મહાઅભિયાન છેડાઈ ચૂક્યું છે. સુભાષચંદ્ર બે દાયકા સુધી ભારતમાં સરમુખત્યારશાહીના સમર્થક હતા એ વાત પણ અત્યારે ગાજી રહી છે.

સુભાષચંદ્ર બોઝના આકસ્મિક નિધન અંગે ભારત સરકારે અત્યાર લગી ત્રણ-ત્રણ તપાસ પંચ નિયુક્ત કર્યાં હોવા છતાં એમનું નિધન ખરેખર ક્યારે થયું એ બાબતમાં એકમત સાધી શકાયો નથી. મુદ્દો ગરમ રાખવા પાછળની ભૂમિકાના કેન્દ્રમાં પશ્ચિમ બંગાળ અને બંગાળી પ્રજા છે. આવતા વર્ષે એટલે કે ૨૦૧૬માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. બંગાળના માર્કસવાદી શાસનના ત્રણ દાયકા કરતાં પણ વધુ લાંબા અને અખંડ શાસનનો અંત આણવામાં બંગાળનાં વાઘણ ગણાતાં તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો અને વર્તમાન મુખ્ય પ્રધાન મમતા બેનરજી સફળ રહ્યાં તો ખરાં, પરંતુ પોતાના ભણી વાળવાની ભગવી બ્રિગેડની લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે સુભાષચંદ્ર વિષયક પ્રકરણ ગાજતાં રહેશે.

ચૂંટણીઓ જીતવા માટે ઈતિહાસના પ્રસંગોને તાજા કરીને સમયતાંરે નવા-નવા ઉહાપોહ મચાવાય ત્યારે પ્રજા અને ખાસ કરીને મતદારો લાગણીના પ્રવાહમાં દોરવાય છે. સુભાષબાબુના નામે ચોફેર ઊભા કરવામાં આવેલા રાજકીય વંટોળમાં ઈતિહાસનાં તથ્યો કે સત્યો ભલે બાજુએ સારીને સુનામીરૂપે આગળ વધે, પરંતુ સત્ય અને તર્કની કેડીએ ચાલવા સંકલ્પબદ્ધ બુદ્ધિજીવીઓએ તો કમસે કમ સમગ્ર કવાયતનું નીરક્ષીર કરવાની જરૂર ખરી.

સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના બબ્બે વાર ચૂંટાયેલા ડાબેરી ઝોક ધરાવતા ભારતીય આઝાદીની ચળવળના અગ્રણી હતા. બ્રિટિશ હકૂમતમાં પ્રતિષ્ઠિત લેખાતી ઈન્ડિયન સિવિલ સર્વિસ (આઈસીએસ)માં રહીને સુખચેન ભોગવી શક્યા હોત, પરંતુ એમના ક્રાંતિકારી વિચારો અને અંગ્રેજ સલ્તનતને બદલે રાષ્ટ્રની સેવા કરવાના સંકલ્પે ૧૯૨૧માં આઈસીએસની સેવામાંથી રાજીનામું આપી દેવાની પ્રેરણા એમને મળી હતી.

ગાંધીજી એ વેળા ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને કોંગ્રેસના મંચ પર છવાઈ રહ્યા હતા. સુભાષ અને ગાંધીની પહેલી મુલાકાતે આક્રમક એવા સુભાષને પાછળથી રાષ્ટ્રપિતા જાહેર થનારા મોહનદાસ કરમચંદ ગાંધીએ પ્રભાવિત કર્યાં નહીં. ગાંધીજીની અહિંસા એમને માફક આવી નહીં, ભ્રમ નિરસન થયું, સમાજવાદી-સામ્યવાદી અને તાનાશાહી મારગ લઈને પણ બ્રિટિશ હકૂમતની ધૂંસરીને ફગાવવા ભણી એ આગળ વધ્યા.

સ્વયં ગાંધીજીએ જ એમને ચિત્તરંજન દાસ (સી. આર. દાસ) ભણી ‘પાર્સલ’ કર્યાં. બંગાળ કોંગ્રેસના ક્રાંતિકારી એટલે કે હિંસામાં કશું ખોટું નહીં નિહાળનારા વર્ગમાં એ ભળ્યા. કોંગ્રેસમાં રહ્યા. કોંગ્રેસના બબ્બે વાર, ગાંધીજીની અનિચ્છા છતાં, અધ્યક્ષ બન્યાં, પણ અંતે કોંગ્રેસમાંથી ફારેગ થવું પડ્યું.

જર્મની-ઈટાલી જઈ એડોલ્ફ હિટલર અને બેનિટો મુસોલિનીની નાઝી-ફાસીવાદી નીતિરીતિથી પ્રભાવિત થયાં. ભારતને આઝાદ કરાવવા માટે આ નાઝીવાદી અને ફાસીવાદી તાનાશાહો ઉપરાંત જાપાનના શાહીવાદી શાસનની મદદ લેવામાં એમને કશું અજૂગતું લાગ્યું નહીં. કોંગ્રેસમાંથી ગાંધીજીથી નારાજ વર્ગ એમની સાથે જોડાતો રહ્યો.

પંડિત નેહરુ ગાંધીજીનો બોલ ઉથાપે નહીં, પણ વિચારધારા અને મૈત્રીના દાવે સુભાષથી એ વધુ નિકટ. સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધી પ્રત્યે સમર્પણભાવ ધરાવે, પણ એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ યુરોપના દિવસોમાં સુભાષ સાથે નિકટતા કેળવીને ૧૯૩૩માં મૃત્યુ પહેલાં ગાંધીના માર્ગને પડકારતાં સુભાષ સાથે સંયુક્ત નિવેદન કરવા ઉપરાંત વસિયતનામામાં સુભાષના નામે પોતાની સંપત્તિનો ઘણો બધો હિસ્સો લખી દેતા હોવાનું અને એ ભારતની આઝાદીની ચળવળ માટે ઉપયોગમાં લેવાનું જાહેર થયું.

સરદારે આ વસિયતનામું બનાવટી હોવાનું માનીને મુંબઈની વડી અદાલતથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી એને પડકાર્યું. સરદારની વાત સાચી ઠરી. વિઠ્ઠલભાઈની સંપત્તિમાંથી સરદાર કે તેમના પરિવારના કોઈ સભ્યે પાઈ પણ લીધી નહીં, પણ સુભાષ વિરુદ્ધ સરદાર પટેલનો માહોલ રચાઈ ગયો હતો.

૧૯૩૮માં હરિપુરા (દક્ષિણ ગુજરાત)માં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં એના સ્વાગત પ્રમુખ સરદાર પટેલે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સુભાષચંદ્ર બોઝને રંગેચંગે આવકાર્યા, પણ ત્રિપુરીમાં મળેલા એ પછીના કોંગ્રેસ અધિવેશન સુધીના ઘટનાક્રમે તો ગાંધીજી અને સુભાષને એકદમ સામસામે લાવી દીધા હતા. કોંગ્રેસના અધ્યક્ષપદે ડો. પટ્ટાભિ સીતારામૈયા હાર્યા અને સુભાષ ફરી જીત્યા તો ખરા, પણ એ પછીનો ઘટનાક્રમ સુભાષને કોંગ્રેસ છોડવા અને ફોરવર્ડ બ્લોક જેવા ડાબેરી પક્ષની રચના સુધી ખેંચી ગયો.

ગાંધીજીના કોંગ્રેસ પરના વર્ચસને ખુલ્લેઆમ પડકારનાર સુભાષચંદ્રના વડપણ હેઠળની કોંગ્રેસ કારોબારીના ૧૨ સભ્યોનાં રાજીનામાં પડ્યાં ત્યારે પણ નેહરુ હજુ તેમને મનાવી લેવા પક્ષધર હતા. નેહરુએ અંતે અલગ રાજીનામું આપ્યું અને સુભાષ સાથેની દોસ્તી તોડવી પડી.

કોંગ્રેસમાં ક્રાંતિકારી જૂથના અગ્રણી એવા સુભાષ ગાંધીજીની બહુમતી જોતાં મિત્રો શોધવા નીકળ્યા ત્યારે એ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંસ્થાપક એવા ડો. કેશવ બલિરામ હેડગેવાર સાથે મુલાકાત માટે પહોંચ્યા, પણ બીમાર ડો. હેડગેવાર સાથે મુલાકાત થઈ શકી નહોતી. બોઝને સંઘના મિત્રોનો મારગ પણ ગાંધીજીની વિરુદ્ધનો ક્રાંતિકારી લાગતો હતો. ડોક્ટરજીએ પાછા કલકત્તે જ તબીબી શિક્ષણ મેળવ્યું અને ક્રાંતિકારી સંપર્કો કેળવ્યા હતા. ગાંધીજીના વિરોધી હોય એવા કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણા કે ડો. બાબાસાહેબ આંબેડકર સાથે નિકટતા કેળવવાની ભરચક કોશિશ સુભાષે મુંબઈ જઈને પણ કરી હતી.

વર્તમાન સમયગાળામાં સુભાષચંદ્ર બોઝ વિરુદ્ધ મહાત્મા ગાંધી, સુભાષ વિરુદ્ધ સરદાર પટેલ, સુભાષ વિરુદ્ધ નેહરુના ઘટનાક્રમનાં બધાં તથ્યો જાણવા કે નાણવાની નવરાશ કે ઉત્સુક્તા પ્રજાને હોય નહીં એ સ્વાભાવિક છે. એટલે જ અનુકૂળતાએ કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સરદાર પટેલને ખભે ઊંચકવા, અનુકૂળતાએ હિંદુ રાષ્ટ્રના વિરોધી ડો. આંબેડકરને રાષ્ટ્રનાયક જાહેર કરવાની કવાયત આદરવી, અનુકૂળતાએ ડાબેરી એવા ક્રાંતિકારી સુભાષને પોતીકા ગણાવવાનો ઉપક્રમ ચાલ્યા કરે છે. આ બધો ઈતિહાસની ઘટનાઓને ઉલેચવાનો ઉપક્રમ અંતે તો વોટનો મોલ લણવાની કવાયત માત્ર જ છે.

નેહરુને ખલનાયક ગણાવવાની કોશિશો છતાં ખરો ગોળીબાર તો સરદાર પટેલ અને ગાંધીજી ભણી થઈ રહ્યો છે. આટલી સામાન્ય બાબત પ્રજા સમજી લે તો સમગ્ર વ્યૂહના ભુક્કા બોલી જાય. સુભાષે ગાંધીજી અને સરદાર પટેલને ‘અંગ્રેજોની સાથે મળીને ષડ્યંત્ર રચનાર’ ગણાવ્યા ત્યારે વ્યથિત સરદાર પટેલે લખવું પડ્યું હતું કે ‘આવો હીન આક્ષેપ તો અમારી ઉપર અમારા શત્રુઓએ પણ ક્યારેય કર્યો નથી, જે કોંગ્રેસ અધ્યક્ષ (સુભાષ) કરી રહ્યા છે.’

ભારતીય રાજકીય મંચ પર કોઈ પણ ભોગે સત્તાને પામવાની કવાયત ચાલી રહી છે ત્યારે એમાં જે કાંઈ જ્યારે અનુકૂળ લાગે ત્યારે અને તેવા સ્વરૂપે ખેલી લેવાનાં જોખમોનો ભાગ્યે જ વિચાર કરવામાં આવે છે. સરદાર પટેલને રાષ્ટ્રનાયક ગણાવીને ચૂંટણીસભાઓ ગજવવાના ખેલ પછી રાજ્યે-રાજ્યે જે પ્રાંતીય નાયકો તરીકે નામાંકિત છે કે પછી સમગ્ર દેશ અને દુનિયામાં જેમના નામે ગાજવીજ કરી શકાય, વિદેશવાસી ભારતીયોને રાજી કરી શકાય.

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પૂર્વે સુભાષચંદ્ર બોઝને થયેલા અન્યાયની વાતો ગજવાશે અને ઉત્તર પ્રદેશની ચૂંટણી આવી રહી છે ત્યારે લાલબહાદુર શાસ્ત્રીનું નામ આગળ કરીને લાભ ખાટવાની કોશિશ થશે. પોતાની વાતને સાચી દેખાડી શકાય, એવી કવાયતો ભારતીય રાજકીય મંચ પરના ચૂંટણીલક્ષી નાટકીય ખેલમાં સામેલ કરાઈ રહી છે. સુભાષચંદ્ર બોઝના પ્રવેશ પછી બીજા એવા રાષ્ટ્રનાયકો પ્રવેશ કરશે.

આ બધા તબક્કે પ્રજાને સાચી વાત જણાવાય છે કે ગુમરાહ કરીને મતનો ફાલ લણી લેવાની અપેક્ષા રહે છે એનાં નીરક્ષીર કમસે કમ બુદ્ધિજીવી વર્ગે તો કરવાં પડશે. જોકે ભારતની પ્રજા સાવ મૂરખ નથી. ઈન્દિરા ગાંધીની કાળી ઈમર્જન્સી પછીની ચૂંટણીમાં ભણેલા-ગણેલા વર્ગને બદલે અભણ અને ગ્રામીણ પ્રજાએ લોકશાહીનાં હીર દર્શાવીને કોંગ્રેસને ઘરભેગી કરી હતી. એ જ પ્રજાએ અઢી વર્ષના જનતા પાર્ટીના વિવાદી શાસન પછી ઈન્દિરા ગાંધીને પાછાં સત્તામાં સ્થાપિત કર્યાં હતાં.

આજે સુભાષચંદ્ર બોઝના પરિવારની બે દાયકા લગી નેહરુએ જાસૂસી કરાવ્યાની વાતે ઉહાપોહ મચાવાઈ રહ્યો છે ત્યારે સુભાષનાં પત્ની અને દીકરીની ખેવના નહીં કરનાર સુભાષના મોટા ભાઈ સરતચંદ્રને બદલે નેહરુ અને સરદાર પટેલે તેમને બેઉને વિદેશમાં આર્થિક મદદ પહોંચાડવા અને તેમના ક્ષેમકુશળની ખેવના કરવાની જવાબદારી નિભાવી હતી એ સરદાર-નહેરુના પત્રોમાં આજેય પ્રગટે છે.

આજેય મહત્ત્વનાં રાજકીય પરિવારોની જાસૂસી કહો તો જાસૂસી અને કાળજી કહો તો કાળજી માટે તેમની હિલચાલ વિશે ગુપ્તચર પોલીસ માહિતી એકઠી કરતી રહે છે. રાજીવ ગાંધીના વંશજોની હિલચાલ પર આજેય ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓએ નજર રાખવી પડે છે અથવા તેમને સુરક્ષા બક્ષવી પડે છે. સંભવતઃ નહેરુ સરકારે એ હેતુસર સુભાષના પરિવાર પર નિગરાની રાખી હોય. સુભાષનાં વિદેશી પત્ની અને દીકરીની સરદાર-નેહરુએ વડીલ તરીકે ચિંતા કરી હતી. એમને કાંઈ થાય તો તેનો દોષ એમને શિરે આવે. એને જાસૂસી ગણાવીને નેહરુને ખલનાયક ગણાય નહીં એવું શરદ પવારનું નિવેદન સમગ્ર વિવાદવંટોળમાં ભાગ્યે જ કોઈના ધ્યાનમાં આવ્યું લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter