હવે જાટ ઓબીસી અનામતનો દિલ્હીમાં ઉહાપોહ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 09th September 2015 08:27 EDT
 

ગુજરાતમાં પટેલ અનામત આંદોલન વિરુદ્ધ અન્ય પછાત વર્ગો (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી દલિત) અને અનુસૂચિત જનજાતિ (એસટી-આદિવાસી)એ સંયુક્તપણે વિરોધ પ્રગટ કરતાં વર્ગવિગ્રહને ટાળવા હાલ પૂરતું પાટીદારોને ઓબીસીમાં સમાવવાનું આંદોલન ટાઢું પાડી દેવાયું છે. સદનસીબે સુપ્રીમ કોર્ટે ગુજરાતની મહાપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને મનાઇહુકમ ફરમાવીને રાજ્યની ભાજપ સરકારની લોકપ્રિયતાની અગ્નિપરીક્ષા ટળી જાય એવા સંજોગો સર્જ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને એમની કેબિનેટના વરિષ્ઠ પ્રધાનોએ દિલ્હીસ્થિત મધ્યાંચલ ભવનમાં ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની સમન્વય બેઠકમાં હાજરી આપ્યા પછી સંઘની અપેક્ષાઓ અને જનતાની અપેક્ષાઓને ઝડપભેર પરિપૂર્ણ કરવાની કવાયત આદરી છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું નિવૃત્ત સૈનિકોને ‘વન રેન્ક, વન પેન્શન’ મંજૂર કરવાના સંઘના આગ્રહના અનુસરણમાં થયાનું અનુભવાય છે ત્યાં હજુ રાષ્ટ્રીયસ્તરે જાટ ઓબીસી અનામતનો મામલો મોઢું ફાડીને ઊભો જ છે.

ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થા આરએસએસ અનામતની કાખઘોડીને શક્ય એટલી જલદી ફગાવી દેવાના પક્ષમાં છે. છેક ૧૯૮૧માં એની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા(સંઘની પાર્લામેન્ટ)માં મંજૂર કરેલા ઠરાવ અનુસાર સંઘ અનામતને હિંદુ સમાજને વિભાજિત કરનાર માને છે. આર્થિક રીતે નબળા લોકોને અનામતનો લાભ આપવાની સંઘની સકારાત્મક ભૂમિકા છતાં અત્યાર લગી જેમને અનામતનાં મીઠાં ફળ ચાખવા મળ્યાં છે એવા દલિત અને આદિવાસી સમાજ જ નહીં, ૨૭ ટકા અનામતનો લાભ મેળવનારા ઓબીસી વર્ગો પણ યેનકેન પ્રકારેણ અનામતની પ્રથાને જાળવી રાખવા માંગે છે.

અનામત પ્રથા ફગાવવાની તરફેણ કરવામાં રાજકીય મંચ પરથી લુપ્ત થઇ જવાની ધાસ્તી સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સુપ્રીમ કોર્ટના નવ રાજ્યોમાં જાટ અનામતને એક જ ઝાટકે રદ કરનારા ચુકાદા વિરુદ્ધ પુનર્વિચાર યાચિકા દાખલ કરવી પડી હતી. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના વડપણવાળી યુપીએની ડો. મનમોહન સિંહ સરકારે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની ઉપરવટ જઇને જાટ અનામત આપી હતી. મોદી સરકારની પુનર્વિચાર યાચિકાને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

મામલો હવે રાષ્ટ્રીય ફલક પર ગાજવાનો છે. હરિયાણામાં ભૂપિન્દર સિંહ હુડ્ડાની કોંગ્રેસ સરકારને સ્થાને વિધાનસભાની છેલ્લી ચૂંટણી પછી મનોહરલાલ ખટ્ટરના વડપણવાળી ભાજપ સરકાર સામે જાટ અનામતનું સંકટ ઊભું થયું છે. સંઘના પ્રચારક રહેલા ખટ્ટરના દાંત ખાટા કરવા હુડ્ડા મેદાને પડ્યા છે. એટલું જ નહીં, ઇન્ડિયન નેશનલ લોકદળ (દેવીલાલ-ચૌટાલાની પાર્ટી) ભાજપની મિત્ર મટીને રાજકીય શત્રુ તરીકે જાટ અનામતના મુદ્દે વિધાનસભામાં ભારે હંગામો મચાવી રહી છે.

તમામ રાજકીય પક્ષો જાટ અનામતના મુદ્દે વિભાજિત હોવા છતાં ગુજરાતમાં પાટીદાર અનામત પ્રશ્ને નરો વા કુંજરો વાની ભૂમિકાવાળા ધારાસભ્યો જેવા નથી. ભાજપના ધારાસભ્યોમાં પણ કેટલાક ખુલ્લેઆમ જાટ અનામતના સમર્થક છે તો કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો જાટોને ઓબીસી અનામતનો લાભ આપવાના સમર્થક નથી. ભાજપના કેટલાક સાંસદો તો જાટ સમુદાયને આર્થિક રીતે સમૃદ્ધ અને રાજકીય દૃષ્ટિએ પ્રભાવી ગણાવીને અનામતનો લાભ આપવાની વિરુદ્ધમાં જંગે ચડ્યા છે.

ઓલ ઇન્ડિયા જાટ મહાસભાએ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૫(શનિવાર)ના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદ બોલાવીને જાટ અનામત મુદ્દે આગામી આંદોલનાત્મક કાર્યવાહીનો નિર્ણય કરવાની ઘોષણા પણ કરી દીધી છે. કેટલાંક સંગઠનોએ જાટ અનામતના સમર્થનમાં આગામી ૨૭ સપ્ટેમ્બરે દિલ્હીના રસ્તા બંધ કરવાની ઘોષણા કરી છે, તો સામે પક્ષે ઓબીસી સમાજ પણ ટકરાવ વહોરવા તૈયાર છે. હરિયાણા વિધાનસભામાં જાટ અનામત મુદ્દે સત્તાપક્ષ ભાજપ અને વિપક્ષ વચ્ચે એટલો બધો આક્રોશ જોવા મળ્યો કે રાજ્ય સરકારે એડવોકેટ જનરલ બલદેવરાજ મહાજનને તેડાવીને જાટ અનામત આપવાનું કાયદાકીય દૃષ્ટિએ કેમ અશક્ય છે એ સમજાવવા તેમનું ભાષણ રાખવું પડ્યું. લોકદળના અભય ચૌટાલા તો તમિળનાડુના આધાર પર સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં સંસદમાં બંધારણીય સુધારો લાવીને પણ જાટ સમુદાયને ઓબીસીમાં સામેલ કરવાની તરફેણમાં છે. કોંગ્રેસ એને સમર્થન આપે છે.

તમિળનાડુમાં આજે પણ ૬૯ ટકા જેટલી અનામત અમલમાં છે. સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશ મુજબ અનામતની ટકાવારી ૫૦ ટકાથી વધવી ના જોઇએ, પરંતુ ૧૯૯૩થી અમલમાં આવેલી ઓબીસી (મંડળ પંચ મુજબ) અનામત અંગે તત્કાલીન મુખ્ય પ્રધાન સુશ્રી જયલલિતા જયરામે તમિળનાડુના તમામ વિરોધ પક્ષોને સાથે લઇને એ વેળાના વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવ સમક્ષ પોતાના રાજ્ય માટે એ બંધારણ સુધારાનો આગ્રહ કર્યો હતો. કેન્દ્રમાં તે વેળા સીતારામ કેસરી કેબિનેટ પ્રધાન હતા. તેમણે રજૂ કરેલા બંધારણીય સુધારાને તમામ પક્ષોએ ટેકો આપ્યો અને આજે પણ દેશમાં તમિળનાડુ એક રાજ્ય છે જ્યાં ૬૯ ટકા અનામત અમલમાં છે. એટલું જ નહીં, અન્ય રાજ્યોથી વિપરીત તમિળનાડુમાં ક્રીમી લેયર એટલે કે અમુક આવક મર્યાદાથી વધુ આવક ધરાવતાં પછાત વર્ગનાં પરિવારોને અનામતનો લાભ આપવાથી બાકાત રખાતાં નથી.

હરિયાણા જાટ અનામત પ્રશ્ને તમિળનાડુ મોડેલને અનુસરવા માંગે છે. બંધારણ સુધારો કરીને ૫૦ ટકાથી વધુ અનામતની જોગવાઇ ઉપરાંત ક્રીમી લેયર મુદ્દાને રદ કરવાનું ઠરાવાય તો માત્ર હરિયાણા જ નહીં, ગુજરાત સહિતનાં તમામ રાજ્યોમાં અનામતની ટકાવારી અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર નાબૂદ થઇ જાય.

અનામત એવો મુદ્દો છે કે એનો વિરોધ કરવા કે અનામત નાબૂદ કરવાની હિંમત ભાગ્યે જ કોઇ પક્ષ કરવાની સ્થિતિમાં છે. કારણ ચૂંટણીમાં એ પક્ષ ધોવાઇ જાય. અનુભવે એ સાબિત કરેલું છે. અનામતના પ્રણેતા અને ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ રહેલા ડો. બાબાસાહેબ આંબેડકરનો પોતાનો રાજકીય અનુભવ પણ આવો જ રહ્યાનું એમની જીવનકથા લખનાર ધનંજય કીરે નોંધ્યું છે.

ડો.આંબેડકરની અધ્યક્ષતામાં ૨૭ ઓગસ્ટ, ૧૯૫૫ના રોજ તેમના પક્ષ શિડ્યુલ્ડ કાસ્ટ્‌સ ફેડરેશનની કારોબારી સમિતિએ ઠરાવ કર્યો હતો કે અનુસૂચિત જાતિ (એસસી-દલિત) માટે દેશભરની કેન્દ્રીય અને રાજ્યની ધારાસભાઓ તેમ જ જિલ્લા સ્થાનિક બોર્ડની અનામત બેઠકો રદ કરવામાં આવે. કારણ કે ફેડરેશન એવું માને છે કે આવી અનામતો રદ કરવાનો સમય પાકી ગયો છે અને આવી અનામતની જોગવાઇ રાખવાની જરૂર નથી. આ ઠરાવ કર્યા પછીની ચૂંટણીમાં ડો. બાબાસાહેબ આંબેડકરનો પક્ષ સાવ જ ધોવાઇ ગયો હતો.

ભારતીય બંધારણમાં અનામતની વ્યવસ્થા સ્થાયી ધોરણે કરવામાં આવી નહોતી છતાં હવે એ સ્થાયી થઇ ગઇ છે. એટલું જ નહીં, એની ટકાવારી વધતી ચાલી છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાઓને રદબાતલ કરવા માટે બંધારણીય સુધારા સર્વપક્ષી રાજકીય શાસકોને હાથવગા હોય છે. વધુને વધુ સમાજ અને વર્ગો પછાત ગણાવાને નામે અનામતની શ્રેણીમાં આવવા આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા હોય ત્યારે સત્તાધીશોની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થવી સ્વાભાવિક છે.

સ્વયં સરદાર પટેલ અને ડો. આંબેડકર પણ અનામત નાબૂદીના પક્ષધર હતા. ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ પ્રતિનિધિ સભાના ૧૯૮૧ના અનામતની કાખઘોડીને ફગાવવાના ઠરાવને આગળ કરી રહ્યો છે, ત્યારે ભાજપી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના મુખ્ય પ્રધાનોની સ્થિતિ કફોડી થવી સ્વાભાવિક છે. આદર્શ અને વાસ્તવિકતામાંનો ફરક તેમણે સ્વીકારવો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter