હિટલર, મોદી અને શિવ સેનાના અટકચાળા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 18th May 2016 06:31 EDT
 
 

ભારતીય રાજકારણમાં કૂંડું કથરોટને હસે એવો ઘાટ થયો છે: હમણાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષના મિત્રપક્ષ એવા શિવ સેનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર સાથે કરીને એમને લોકશાહીનું મહત્ત્વ સમજીને વર્તવાની શીખામણ આપી છે. હસવું ખાળી શકાય નહીં એવો આ ઘટનાક્રમ છે. મોદીના ટેકે સત્તાનો ભોગવટો પણ કરવો છે અને મોદીને ભાંડવા પણ છે.

ઉત્તર ભારતના રાજ્ય ઉત્તરાખંડના રાજકીય ઘટનાક્રમમાં ભાજપનું નાક કપાયું, એનો આધાર લઈને શિવ સેનાના મુખપત્ર એવા મુંબઈના મરાઠી દૈનિક ‘સામના’માં ‘નાક કાપલે!’ શીર્ષક હેઠળના તંત્રીલેખ-અગ્રલેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘હૂકુમશહા હિટલરશાહી ગર્વ, અહંકાર ગળૂન પડલા’ એવા શબ્દપ્રયોગ કરવામાં આવ્યા છે. ભારત સરકાર અને મહારાષ્ટ્રની રાજ્ય સરકારમાં ભાજપ અને શિવ સેનાની સંયુક્ત સરકાર છે, પરંતુ વડા પ્રધાન મોદીએ શિવ સેના પ્રમુખ ઉદ્ધવ બાળ ઠાકરેને ભાવ આપવાનું બંધ કર્યું હોવાથી એ છાશવારે રુસણે બેઠેલી વહુ જેવું વર્તન કરે છે. ક્યારેક તો વાત એટલી વણસે છે કે બેઉ પક્ષ સાથ છોડી દેશે એવું લાગે છે, પણ સત્તાનો સ્વાર્થ બેઉ વચ્ચે ઘીના ઠામમાં ઘી પડ્યું રહેવાના સંજોગો કાયમ ટકાવે છે.

બાળાસાહેબ ઠાકરેનો આદર્શ હિટલર

તાનાશાહી અને હિટલરશાહી જેવા શબ્દપ્રયોગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વિપક્ષો કરે તો સમજી શકાય; પણ અહીં તો મિત્રપક્ષ શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના તંત્રીપદે ચાલતા મરાઠી દૈનિકમાં આવી ભાંડણલીલા ચલાવાય છે. ઉદ્ધવના પિતાશ્રી અને શિવ સેનાની ૧૯૬૬માં એટલે કે પાંચ દાયકા પૂર્વે સ્થાપના કરનાર બાળાસાહેબ ઠાકરેનો આદર્શ જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર હતો અને તેઓ વારંવાર જાહેરમાં ઉચ્ચારણ કરતા હતા કે હું લોકશાહીમાં નહીં, ઠોકશાહીમાં જ માનું છું! મુંબઈના ગિરણગાંવ એટલે કે કાપડ મિલોના વિસ્તારમાં કોમ્યૂનિસ્ટો (સામ્યવાદીઓ)નું વર્ચસ્વ તોડીને ગુજરાતી તથા મારવાડી મિલમાલિકો માટે સુખચેન વધારવા માટે ઠાકરે આણિ મંડળીએ ૧૯૬૬માં શિવ સેનાની સ્થાપના, કોંગ્રેસીપ્રધાન બાળાસાહેબ દેસાઈના ઈશારે, કરી હતી. કમ્યૂનિસ્ટ કામદાર નેતા અને ગિરણગાંવના ધારાસભ્ય કૃષ્ણા દેસાઈની હત્યા થતાં શિવ સેનાના વામનરાવ મહાડિકના વિધાનસભામાં ધૂમધડાકા સાથે પ્રવેશથી વિજ્યોત્સવ મનાવાયો હતો.

સંઘની શાખાના બાળ સ્વયંસેવક

રાજકીય મિત્રો અને શિવતીર્થ (શિવાજી પાર્ક - દાદર, મુંબઈ) પરના મેળાવામાં ભૂમિકા બદલતા રહેલા બાળ ઠાકરેએ, ૧૯૮૪થી હિંદુત્વનાં ભારતીય રાજકારણમાં ઉર્ધ્વચઢાણનો યુગ બેઠો ત્યારથી, ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવાનું પસંદ કર્યું. એમણે ‘નવાકાળ’ના તંત્રી નીળુભાઈ ખાડિલકરપ્રેરિત પ્રેક્ટિકલ સોશિયલિઝમના શિવતીર્થ પરના મેળાવામાં શરદ પવાર અને જ્યોર્જ ફર્નાન્ડિઝ સાથેના રાજકીય તાયફા પણ કરી જોયા. જોકે હિંદુત્વની નવજાગૃતિના યુગમાં વહેતી ગંગામાં હાથ ધોઈ લેવામાં પોતે શિવતીર્થ ખાતેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાના બાળ સ્વયંસેવક હોવાનું પણ ક્યારેક કહેતા રહ્યા.

જોકે એમનું વર્તન કાયમ સ્વકેન્દ્રી રહ્યું. હું કહું એ જ થાય એવી અપેક્ષા રહી અને હિટલરનો જ આદર્શવાદ એમણે ૧૯૯પના માર્ચથી ૧૯૯૯ લગી શિવ સેના - ભાજપની મહારાષ્ટ્ર સરકાર રહી ત્યારે શિવશાહીમાં તબદિલ કરવાની કોશિશ કરી. એ વેળા શિવ સેના ‘બિગ-બ્રધર’ હતી, આજે એને સ્થાને મોદીની ભાજપા મહારાષ્ટ્રમાં પણ ‘બિગ-બ્રધર’ છે. નવેમ્બર ર૦૧રમાં બાળાસાહેબના નિધન પૂર્વે પોતાના રાજકીય વારસ તરીકે ભત્રીજા રાજ શ્રીકાંત ઠાકરેને બદલે પુત્ર ઉદ્ધવ ઠાકરેને પસંદ કર્યો ત્યારે જ રાજ વંકાયો હતો. એણે અલગ ચોકો કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ની રચના કરી હતી. બે પિતરાઈને ભેગા કરીને શિવ સેનાને મજબૂત કરવાની કોશિશ હજુ પણ મનોહરપંત જોશી જેવા શિવ સેના નેતા કરે છે, પણ હજુ એમને ઝાઝી સફળતા મળી નથી. મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં ભાજપ-શિવ સેનાની સરકાર છે, છતાં શિવ સેના વાર-તહેવારે મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહારો કરતી રહે છે. એને ઝાઝી ગંભીરતાથી લેવામાં નહીં આવતાં એ વધુ ગિન્નાય છે.

લોકશાહીને બદલે ઠોકશાહી

વર્તમાન શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડમાં કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યોને પડખામાં લઈને દહેરાદૂનની કોંગ્રેસ સરકારને ઉથલાવવા માટે રાષ્ટ્રપતિ શાસન લાદ્યું, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને નિગરાની હેઠળ કોંગ્રેસના નેતા હરીશ રાવતે વિધાનસભામાં બહુમતી પૂરવાર કરી એટલે મોદીનો દાવ ખાલી ગયો.

‘સામના’ના તંત્રી અને શિવ સેના પ્રમુખ ઉદ્ધવ બાળ ઠાકરેએ મોદીને ઉપદેશ કરતાં સત્તાની તલવારને બેધારી તલવાર ગણાવીને પોતાનું નાક એ જ તલવારથી કપાવ્યાની કથા માંડીને મિત્રપક્ષ ભાજપના સુપ્રીમ નેતા નરેન્દ્ર દામોદરદાસ મોદીને હિટલર ગણાવ્યા છે. હકીકતમાં મોદીને હિટલર ગણાવીને ઉદ્ધવ પોતાના પિતા બાળ ઠાકરેના હિટલરપ્રેમને એ વીસારે પાડે છે. ઉદ્ધવ લોકશાહીની દુહાઈ દે છે ત્યારે બાળાસાહેબના તાનાશાહ વર્તન, હિટલરપ્રેમ, લોકશાહીને બદલે ઠોકશાહીમાં વિશ્વાસને પ્રતાપે જ પોતે આજે શિવ સેના પ્રમુખ હોવાની વાતને પણ ભૂલી જાય છે.

રાજકીય પક્ષોની નેતાગીરી ટકાવવા અને સરકારો ચલાવવા માટે પ્રત્યેક તબક્કે લોકશાહી ઢબે જ નિર્ણયો લઈ શકાય એવું બને નહીં. લોકશાહી ઢબે ચૂંટણીમાં મોદીના પક્ષ ભાજપને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળ્યા છતાં તેમણે મિત્રપક્ષોને પણ પ્રધાનમંડળમાં સામેલ કર્યા છે. શક્ય છે કે શિવ સેનાના આવા જ અટકચાળા ચાલુ રહ્યા તો મોદી એમના પક્ષને રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)માંથી તગેડી મૂકી સત્તાથી વંચિત કરી દે. હિટલરના આદર્શ અને ઠોકશાહીમાં રખાતી શ્રદ્ધામાંથી લોકશાહીમાં આસ્થા ધરાવતા થયેલા મનાતા ઉદ્ધવ ઠાકરેનું જે થવાનું હોય તે થાય, પણ દેશનું શું થશે એની ચિંતા એમનાં વક્તવ્યોમાં જરૂર પડઘાય છે.

ભારતીય સ્વરૂપનો ફાસીવાદ ઘરના ઉંબરે

ક્યારેક ભાજપ અને સંઘનું સમર્થન કરનાર મહાપુરુષો કે પત્રકાર શિરોમણિઓનાં અનુકૂળ અવતરણો ભાજપ કે સંઘનાં મુખપત્રોમાં નોંધવામાં આવે છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર વગેરેનાં સંઘ કે સંઘની વ્યક્તિઓ કે જનસંઘ-ભાજપ વિષયક અનુકૂળ નિવેદનોને ખૂબ જ ઊછાળવામાં આવે છે.

સંઘની મહાત્મા ગાંધીની હત્યામાં સંડોવણી વિશે સરદાર પટેલના એક જ પત્રમાંથી અનુકૂળ અવતરણો મૂકી ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણી પોતાના બ્લોગમાં સરદાર થકી સંઘને ક્લિનચીટ અપાયાનો દાવો કરતા જોવા મળ્યા છે. અડવાણીને ક્યારેક ટેકો આપનાર પત્રકાર શિરોમણિ ખુશવંત સિંહ ર૦૦૪માં પ્રકાશિત પુસ્તક ‘ધ એન્ડ ઓફ ઇન્ડિયા’માં સંઘ પરિવારનાં સંગઠનોની ફાસિસ્ટ વૃત્તિનાં જે બયાન કરે છે એનું અનુકૂળતાએ વિસ્મરણ કરવામાં આવે છે.

ખુશવંત સિહ નોંધે છે: ‘થોડાંક વર્ષો લગી મને દેશમાં ફાસીવાદનું જોખમ મારા તરંગી દિમાગના તુક્કા સમાન લાગતું હતું. આજે એવું લાગતું નથી. ભારતીય સ્વરૂપનો ફાસીવાદ ઘરના ઉંબરે આવીને ઊભો છે. ભારતીય ફાસીવાદના મુખ્ય સમર્થક તો નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણી છે. તેમણે ઇમર્જન્સી દરમિયાનના જેલવાસ વખતે એડોલ્ફ હિટલરની આત્મકથા ‘મારો સંઘર્ષ’ (મૈઇન કામ્ફ) વાંચી હતી. ભારતીય ફાસીવાદનું વરવું ચિત્ર ઉપસાવનાર તો શિવ સેનાના વડા બાળ ઠાકરે છે, જે ખુલ્લેઆમ હિટલરને સુપરમેન તરીકે બિરદાવતા ફરે છે. એનો (ભારતીય ફાસીવાદનો) મુખ્ય અમલકર્તા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી છે અને એના માટેના ઉધામા મારનારાઓમાં સિંહલો, ગિરિરાજ કિશોરો, તોગડિયાઓ અને એવા બીજા ઘણા છે.’ (ધ એન્ડ ઓફ ઇન્ડિયા: પૃષ્ઠ પ૩-પ૪)

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter