અનન્ય ઝોરોષ્ટ્રિય મહિલાઃ ડો. ધન નોરિયા

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Friday 24th August 2018 07:24 EDT
 
 

ડો. ધન નોરિયા દાન, પ્રવૃત્તિ અને નિપુણતામાં કેનેડામાં નામના ધરાવે છે. કેનેડાના ડોક્ટરો અને પારસી ગુજરાતીઓમાં ડો. નોરિયાનું નામ જાણીતું છે. તેઓ ઝોરોષ્ટ્રિયન સોસાયટી ઓફ ઓન્ટોરિયોનાં પ્રમુખ છે. તેની બિલ્ડિંગ કેપિટલ કમિટીમાં ચેરમેન છે. ઝોરોષ્ટ્રિયન કોમ્યુનિટી માટે તેમણે ૩૦ લાખ ડોલરનું ભંડોળ ભેગું કર્યું છે. પોતે એમાં મુખ્ય દાતા છે. બ્રેસ્ટ કેન્સર પછી ૨૪ - ૨૪ વર્ષથી સક્રિય અને પ્રવૃત્તિમય જીવન જીવતાં તે પોતાના આ જીવનને ઈશ્વરની પ્રસાદીરૂપ માને છે. આથી તેમણે કેન્સર રિસર્ચ માટે ૧૦ લાખ ડોલરનું દાન કર્યું છે.

ડો. ધન નોરિયાનું કેનેડામાં મેડિકલ ક્ષેત્રે મોટું નામ છે. કેનેડાની સૌથી મોટી યુનિવર્સિટી હેલ્થ નેટવર્કની ચાર હોસ્પિટલો છે. તેમાં શિક્ષણ અને સંશોધનના ભાતભાતનાં કામ થાય છે, તેમાં તેઓ ટ્રસ્ટી છે. આ ચાર હોસ્પિટલોમાં એક છે કેન્સર માટેની પ્રિન્સેસ માર્ગારેટ હોસ્પિટલ. બીજી છે ટોરોન્ટો જનરલ હોસ્પિટલ. ત્રીજી છે ટોરોન્ટો વેસ્ટર્ન હોસ્પિટલ અને ચોથી છે ટોરોન્ટો રિહેબ હોસ્પિટલ.

આ ચારે હોસ્પિટલોનું કુલ વાર્ષિક બજેટ ૨૦૦ કરોડ ડોલર છે. આ ચારેય હોસ્પિટલમાં કુલ ૩૦ હજાર કર્મચારી કામ કરે છે. આમાં તે ટ્રસ્ટી છે અને ઉપરાંત ગુણવત્તા કમિટીનાં ચેરમેન પણ છે.

ઓન્ટોરિયો રાજ્યના મુખ્ય પ્રધાને તેમની નિમણૂક રાજ્યના પોલીસ સર્વિસીસ બોર્ડમાં કરી છે. યી હોંગ નામના ચાઈનીઝ સિનિયર બોર્ડમાં ભારતીય મૂળનાં હોય એવાં એક માત્ર સભ્ય છે. ડો. નોરિયા. ચીનાઓને ભારતીય પ્રજાના આ ડોક્ટર તરફ કેવો આદર છે, તેનો નમૂનો આ સભ્યપદ છે. મહારાણી એલિઝાબેથના હાથે ‘ઓર્ડર ઓફ ઓન્ટોરિયો’નો ઈલ્કાબ અપાવીને રાજ્યે તેમનું બહુમાન કર્યું છે.

આવાં બહુમુખી પ્રતિભા સંપન્ન ડો. નોરિયાના પિતા બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર હતા. ડો. નોરિયા હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. થઈને વધુ અભ્યાસ માટે ૧૯૬૮માં કેનેડા આવ્યાં. કેન્સરના ક્ષેત્રે તેઓ ટોરોન્ટો યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યાં. હાલ તે પ્રોફેસર ઉપરાંત સ્કારબરો ગ્રેઈસ હોસ્પિટલનાં વડાં પણ છે. પોતાની પ્રેક્ટિસ, યુનિવર્સિટીમાં પ્રોફેસરપદ, હોસ્પિટલોનો વહીવટ ઉપરાંત ડો. નોરિયા મોટાં વ્યવસાયી મહિલા છે. તેઓ મેડિકલ ક્ષેત્રે સંબંધિત ચીજવસ્તુઓના છ મોટા વ્યવસાયનાં માલિક છે. જાહેરજીવનમાં પણ તેઓ રચ્યાપચ્યાં રહે છે.

સૌજન્યભર્યો વર્તાવ, સોહામણો દેહ અને માયાળુ સ્વભાવ ધરાવતાં ડો. નોરિયા જૂનાં હિન્દી ફિલ્મોના ચાહક અને ગાયક છે. સતત પ્રવૃત્તિશીલ ડો. નોરિયા અવિરત વહેતી શક્તિની સરિતા શાં છે! તેઓ કહે છે, ‘રોજ રાત્રે સૂતી વખતે મારા પતિની ફારુખની સ્મૃતિ ધારીને ભગવાનનો આભાર માનું છું. કહું છું કે હે ભગવાન, તમે મને ખૂબ સુંદર જીવનસાથી આપ્યો છે. તેના સાથ અને સેવાથી જીવતી રહી છું.’

સમગ્ર કેનેડામાં ડોક્ટર તરીકે યશપ્રાપ્ત એવાં ગરવી ગુજરાતણ ડો. નોરિયા કહે છે, ‘ભગવાને મને જીવતી રાખી તો હવે બાકીનું જીવન ભગવાન ખુશ રહે તેવા કામમાં ખર્ચવાની મારી અંતરની અભિલાષા છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter