૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ને રવિવારે ભારતે ૭૫મા સ્વાતંત્ર્ય દિવસની 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે ઉજવણી કરી. લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના આઠમા પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી લઈને ક્લાઈમેટ ચેન્જ પ્રત્યેની નવી પ્રતિબદ્ધતા અને કોવિડ – ૧૯ મહામારીથી ટોકિયો ઓલિમ્પિક સહિત ભારતના ભાવિ વિકાસના ઘણાં પાસાઓની વાત કરી હતી.
હજુ તો આપણે વડા પ્રધાનના પ્રવચનમાં સમાયેલા સંદેશાને સમજતા હતા ત્યાં તાલિબાને કાબુલમાં પ્રવેશ કર્યો હોવાના સમાચારો આવવા લાગ્યા. અમેરિકી લશ્કર દ્વારા તેમને સત્તા પરથી હટાવી દેવાયા તેના વીસ વર્ષ પછી કાબુલ પર કબજા સાથે તેમણે અફઘાનિસ્તાન પર લગભગ સંપૂર્ણ કબજો મેળવી લીધો હતો. તે પછી તો જે દ્રશ્યો જોવા મળ્યા તેનાથી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ હતી.
ગભરાયેલા લોકોની દોડધામ અને યુએસ ડિપ્લોમેટ્સ તથા નાગરિકો પોતાના ઘરો છોડીને નાસી જતા અને હાંફળા ફાંફળા થઈને બેંકો પર જતાં, પોતાના ઘરે જતા અને ફૂડ ખરીદતા અથવા એરપોર્ટ તરફ દોટ મૂકતા અફઘાનીઓના દ્રશ્યો મીડિયા પર જોવા મળ્યા હતા. પ્રમુખ અશરફ ગની અને તેમના ઉપપ્રમુખ કાબુલ પર તાલિબાનીઓ દ્વારા નિયંત્રણને ટાળવા માટે સમયસર અફઘાનિસ્તાનથી રવાના થઈ ગયા હતા.
તે પછી એરપોર્ટ પર લોકોના ટોળા એકત્ર થયા હોવાના સમાચાર આવવા લાગ્યા. લોકો કાબુલ અને તાલિબાનના શાસન હેઠળનું જીવન છોડીને નાસી જવા માટે કોઈ સાધન શોધતા હતા. કાબુલ એરપોર્ટ પરથી ટેકઓફ કરી ચૂકેલા વિમાનના વ્હીલના ભાગમાંથી નીચે પડતાં મરણિયા બનેલા લોકોના ફોટા અને વીડિયો વાઈરલ થતા તમામ સભ્ય અને સંસ્કારી લોકોના હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો.
કાબુલની પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતે પણ તેના ડિપ્લોમેટ્સ અને સંખ્યાબંધ નાગરિકોને કાબુલથી ભારત લાવી દીધા છે. રવિવારે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લોકોનું પ્રથમ ગ્રૂપ ભારત પાછું ફર્યું હતું. કાબુલ એરપોર્ટ પર અફરાતફરીના માહોલને લીધે બીજા ગ્રૂપનું તરત જ સ્થળાંતર થઈ શક્યું ન હતું. દેખીતી રીતે જ તાલિબાનના ભયને લીધે પહેલા તો એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)નો લોકલ સ્ટાફ એરપોર્ટ છોડી ગયો હતો.
એરપોર્ટ સંચાલન વિશે તાલિબાનમાં પૂરતા જ્ઞાન અને કૌશલ્યના અભાવે અમેરિકી કર્મચારીઓએ
ATCનો હવાલો સંભાળ્યો ત્યાં સુધી ઓપરેશન્સ શરૂ થઈ શક્યા ન હતા. ત્યારપછી ભારતના અફઘાનિસ્તાન ખાતેના એમ્બેસેડર રુદ્રેન્દ્ર ટંડન સહિત ૧૦૦થી વધુ ડિપ્લોમેટ્સ, અધિકારીઓ અને પત્રકારોએ ૧૭ ઓગસ્ટને મંગળવારે કાબુલ છોડી દીધું અને ગુજરાતમાં જામનગર ખાતે સ્ટોપઓવર પછી તેઓ નવી દિલ્હી પહોંચ્યા હતા. ૨૪ કલાકની લાંબી વાટાઘાટો બાદ તેમનું સ્થળાંતર શક્ય બન્યું હતું.
જોકે, તેને માટે કાબુલમાં ભારતીય મિશનથી ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીના ૧૫ ચેકપોસ્ટનું નિયંત્રણ સંભાળી રહેલા તાલીબાન અને અન્ય જૂથો સાથે ગોઠવણ કરવી પડી હતી. અમેરિકી દળો વધુ લોકોને પાછા લાવવા માટે સિવિલિયન ફ્લાઈટ્સને મંજૂરી આપે તેની ભારત રાહ જોઈ રહ્યું છે.
સિવિલિયન ફ્લાઈટ્સ માટે સિવિલિયન એરપોર્ટ ખૂલે તે પછી બીજા ભારતીયોને અફઘાનિસ્તાનથી પાછા લાવવામાં આવશે. અન્ય પશ્ચિમી દેશો પણ તેમના નાગરિકો અને લોકલ સ્ટાફને પાછો લાવવા પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન, રશિયાએ તેની કાબુલની એમ્બેસી ખાલી કરવાની કોઈ યોજના ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે બેજિંગ દ્વારા જણાવાયું હતું કે ચીનની કાબુલમાં આવેલી એમ્બેસી કાર્યરત રહેશે.
કાબુલ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે અને નાગરિકો સલામતી માટે પ્રયાસો કરી રહ્યા છે અને તેમની જીંદગી માટે ડર અનુભવી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન કાબુલ પર તાલિબાનના કબજાને મંજૂરીની મહોર મારવાનો પ્રયાસ કરતા જણાયા હતા. તાલિબાને ગુલામીની જંજીરો તોડી નાખી છે તેવા તેમના નિવેદનથી કાબુલના હતાશ નાગરિકોને વ્યથાની લાગણી થઈ હશે. તેમણે કદાચ કાબુલ એરપોર્ટ પરથી ટેકઓફ કરી ચૂકેલા વિમાનના વ્હીલના ભાગમાંથી નીચે પડતાં મરણિયા બનેલા અફઘાનીઓના દ્રશ્યો નહીં જોયા હોય અથવા તાલિબાનના શાસનમાં જીંદગી જીવવાનું ટાળવા અફઘાનિસ્તાનથી ભાગી જવાનો પ્રયાસ કરતા નાગરિકોના મરણિયા પ્રયાસ નહીં જોયા હોય. તાલિબાનના શાસનમાં અફઘાન મહિલાઓને જેનાથી બાંધવામાં આવશે તે સાંકળો વિશે કદાચ તેમને કંઈ પડી નહીં હોય.
ભારત માટે ભાવિમાં શું સંગ્રહાયેલું છે અને ભારતની નીતિઓના વિકલ્પો કયા હોઈ શકે તેના માટે ઘણું ઘણું કહેવાય છે.
તેમાંનું ઘણું તો આ તબક્કે અટકળો જ છે. વિશ્લેષકો તાલિબાનની ભૂતકાળની વર્તણુંક, પાકિસ્તાન સાથેના તેના ગાઢ સંબંધોના આધારે તારણો આપે છે અથવા તો અટકળો માંડે છે કે ટૂંક સમયમાં જ તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે મતભેદો ઉભા થશે.
આશાવાદી વિશ્લેષણમાં સંભાવના વ્યક્ત કરાય છે કે ખાસ કરીને દુરાન્દ લાઈન અંગેના મતભેદો સાથે બન્ને વચ્ચે દોષરેખા ઉભરી આવશે. અન્ય લોકો દલીલ કરે છે કે ભારતની સહાયથી વિક્સાવાયેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો તાલિબાનને ફાયદો થશે કારણ કે અફઘાનિસ્તાનના લોકોને તેનો લાભ મળે છે. ભૂતકાળમાં તાલિબાન સાથે સત્તાવાર વાટાઘાટો નહીં કરીને ભારતે ભૂલ કરી હતી કે તેમ તેના વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.
આ તબક્કે ભારતની પ્રાથમિકતા થોડાંક લઘુમતી હિંદુ અને શીખ સમુદાય ઉપરાંત અફઘાનિસ્તાનમાંના ભારતીય નાગરિકો અને મિત્રોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાની હોવી જોઈએ. ભારતીયોને પાછા લાવવાનો બીજો રાઉન્ડ ઝડપથી હાથ ધરાય તે ભારતની પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. અફઘાન લોકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કામ કરવું અને તાલિબાનોના શાસન હેઠળ અફઘાન મહિલાઓના ગરિમાપૂર્ણ જીવન અંગે તાલિબાનોએ આપેલા વચનનું તેઓ પાલન કરે તે સુનિશ્ચિત કરવું તે ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જ જોઈએ.
હાલ તો કાબુલમાં સ્થિતિ સામાન્ય થઈ હોય તેવું ઉપરછલ્લું લાગે છે. અફઘાનિસ્તાનના લોકો સલામતી અને ગરિમા સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેવી આપણી તીવ્ર આશા છે. તેઓ જાણે કે તેઓ અત્યારે જે અનિશ્ચિતતાના સમયનો સામનો કરી રહ્યા છે તેનાથી આપણને સૌને ખૂબ ચિંતા અને બેચેની થઈ રહી છે.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter@RuchiGhanashyam)