કાબુલમાં તાલિબાનના પ્રવેશના બે અઠવાડિયા પછી અફઘાનિસ્તાનની પરિસ્થિતિ તદ્દન પ્રવાહી રહી છે. કાબુલના લોકો નવી પરિસ્થિતિથી ટેવાઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર હુમલા શરૂ થઈ ગયા. એરપોર્ટ પર થયેલા આત્મઘાતી બોંબ હુમલામાં અફઘાન અને અમેરિકી સર્વિસ બન્નેના સભ્યો માર્યા ગયા હતા. તે પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકા અને સાથીઓની વાપસી વચ્ચે કાબુલમાં એરપોર્ટ પર રોકેટ હુમલા થયા હતા. બન્ને હુમલાની જવાબદારી ISISએ લીધી હતી. અમેરિકાના ડ્રોન હુમલાનું નિશાન વિસ્ફોટકો ભરેલું વાહન બન્યું હોવાનો દાવો કરાયો હતો. તે સુસાઈડ બોમ્બરોને લઈને કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જતું હતું. આમ વધુ એક હુમલો અટકાવાયો હતો.
દરમિયાન, પંજશીર ખીણપ્રદેશમાં તાલિબાનના પ્રતિકાર માટે સૌ એકત્ર થઈ રહ્યા છે. લાયન ઓફ પંજશીર એહમદ શાહ મસૂદ અને તેમના લડાકુઓની ટીમે અફઘાનિસ્તાન પર સોવિયેત સંઘના આક્રમણ દરમિયાન તેમજ '૯૦ના દસકામાં તાલિબાન સામે પંજશીર ખીણ પ્રદેશને સફળતાપૂર્વક બચાવ્યો હતો. છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન પંજશીર પણ તાલિબાનની પહોંચથી દૂર રહ્યું હતું. મસૂદના પુત્ર એહમદ મસૂદ અને તેમના લડાકુઓએ સશસ્ત્ર રીતે પંજશીરમાં તાલિબાનનો પ્રતિકાર કર્યો હતો. જોકે, આ વખતે પંજશીર વેલીનું રક્ષણ કરવાનું મુશ્કેલ બનશે કારણ કે ઉત્તર તરફથી સપ્લાય રૂટ સાંકડા થઈ ગયા છે અને તેથી પંજશીર ખીણપ્રદેશ સંકોચાઈ ગયો છે. કાબુલથી પંજશીર તરફનો રસ્તો પણ વધુ આધુનિક અને પહોળો થઈ ગયો હોવાનું કહેવાય છે. યુવાન હોવાથી અને શાંત રહેલા અફઘાનિસ્તાનમાં જીવ્યા હોવાથી એહમદ મસૂદ અને તેમના લડાકુઓને લડવાના અનુભવનો અભાવ છે. તેમને તાલિબાન દળો સામે પહાડ પર લડાઈ લડવાની છે. તાલિબાનને પાકિસ્તાનની સહાય છે અને તેમણે કબજે કરેલા અમેરિકી શસ્ત્રો અને સાધનો તેમનો આધાર છે.
તાલિબાન કાબુલની નજીક પહોંચતા જ તાલિબાન અને પાકિસ્તાનના કટ્ટર આલોચક અફઘાન વાઈસ પ્રેસિડેન્ટ અમરુલ્લા સાલેહ તેમના જન્મસ્થળ પંજશીર જતા રહ્યા હતા. પ્રેસિડેન્ટ ગની દેશમાં ન હોવાથી તેમણે ત્યાં પોતાને અફઘાનિસ્તાનના યથોચિત પ્રેસિડેન્ટ જાહેર કર્યા હતા.
અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને જોતાં અમેરિકી દળોએ તેમની સંખ્યા ઘટાડીને વધુ કેટલાંક વર્ષ માટે અફઘાનિસ્તાનમાં રહેવું જોઈએ કે કેમ તેવો કોઈને પણ પ્રશ્ર થાય. આ પરિસ્થિતિના સમર્થનમાં ઉદાહરણો પણ અપાય છે. અમેરિકાએ કરેલી આકસ્મિક વાપસીથી અમેરિકા થાકેલું અને પરાજિત સામ્રાજ્ય હોય તેવું જણાય છે. અમેરિકા તેના છેલ્લામાં છેલ્લા વ્યક્તિને કોઈપણ રીતે બહાર કાઢવા માગતું હોય તેમ જણાયું હતું. અમેરિકાને તેની આ છબી
સુધારતા વર્ષો લાગશે.
ભારત માટે આ પરિસ્થિતિ દ્વિધા ઉભી કરનારી છે. તાલિબાન માનવ અધિકાર અને મહિલાઓના અધિકારો પ્રત્યે તેમનું વલણ બદલાયું હોય તેવો સંકેત આપતા નિવેદનો કરે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ શરિયાના નિયમોને આધિન માત્ર છોકરીઓ માટેની સંસ્થાઓમાં છોકરીઓને સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં જવાની પરવાનગી આપશે. દોહાની તાલિબાન ઓફિસના ડેપ્યૂટી હેડ શેર મોહમ્મદ સ્તાનેક્ઝાઈએ જણાવ્યું છે કે ઉપખંડ માટે ભારત 'ખૂબ મહત્ત્વ' નું છે અને તાલિબાન 'ભૂતકાળની માફક' અફઘાનિસ્તાનના ભારત સાથેના સાંસ્કૃતિક, આર્થિક, રાજકીય અને વ્યાપારિક સંબંધોને જાળવી રાખવા માગે છે. આ વાતને તાલિબાન ભારતથી આગળ હોય તેવું ગણવામાં આવે છે.
બીજી બાજુ ભારત અફઘાન પ્રજાનું મિત્ર છે. અફઘાનિસ્તાનમાં ભારતીય પ્રયાસોનો હેતુ ક્ષમતા વધારવાનો અને લોકશાહી, સંસ્થાઓને મજબૂત બનાવવાનો અને અફઘાનોનું જીવન સુધારવાનો છે. પંજશીરીઓ સાથે ભારતને લાંબા સમયના સંબંધ છે. ભારતના અફઘાનિસ્તાન પ્રત્યેના અભિગમમાં અફઘાન લોકોનું કલ્યાણ ભારત માટે પ્રાથમિક બાબત રહેશે. ભારતે તાલિબાન સાથેની વાટાઘાટો પર કાળજીપૂર્વક ભાર મૂકવાનો રહેશે. તાલિબાનને પાકિસ્તાનના આઈએસઆઈ અને પાકિસ્તાની મર્સિનરીઝના પીઠબળને લીધે સફળતા મળી છે. ભારત વિરોધી હક્કાની નેટવર્કના લડાકુઓ અને લશ્કર – એ – તોયબા તથા જૈશ – એ – મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પણ તાલિબાનને મદદ કરવા માટે જાણીતા છે. પાછળના બન્ને ખાસ કરીને કાશ્મીર ખીણપ્રદેશમાં ભારત સામે સક્રિય છે. ભારતમાં કેટલાંક આતંકી હુમલામાં તેમનો હાથ છે. હક્કાની નેટવર્ક ૨૦૦૮માં કાબુલમાં ભારતીય એમ્બેસીના ગેટ બહાર આત્મઘાતી બોમ્બ આતંકી હુમલામાં બે સિનિયર ભારતીય રાજદ્વારીઓ અને બે આઈટીબીપી ગાર્ડ્સની હત્યા માટે જવાબદાર છે. '૯૦ના દસકામાં તાલિબાનના પ્રથમ સંસ્કરણમાં ભારત વિરોધી આતંકી જૂથોને માટે અફઘાનિસ્તાન સલામત સ્થળ હતું અને ત્યાં ટ્રેનિંગ મળી શકી હતી. ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 814નું કાઠમાંડુથી કંદહાર અપહરણ જૈશ – એ – મોહમ્મદના સ્થાપક મૌલાના મસૂદ અઝહરના સમર્થકો દ્વારા કરાયું હતું. અલ – કાયદાના લીડર ઓસામા બીન લાદેનને તાલિબાને આપેલો આશ્રય અને મદદ ખૂબ જાણીતી છે.
તાલિબાનના નેતાઓ કાબુલમાં જે તાલિબાન છે તે બદલાઈ ગયેલું છે તેવું દર્શાવવા તેને યોગ્ય નિવેદન આપી રહ્યા છે. દુનિયાએ તેમના નિવેદનોથી જ નહીં તેમના પગલાંથી તેમનું મૂલ્યાંકન કરવાનું છે.
તાલિબાને તમામ ગ્રૂપ અને કોમ્યુનિટીને સમાવેશી સરકારમાં લેવાની, અફઘાનીઓના અને ખાસ કરીને અફઘાની મહિલાઓના માનવ અધિકારો પ્રત્યે આદર અને અગાઉના મિત્રોથી દૂર રહેવાની તથા અન્યો સામે અફઘાનની ભૂમિનો ઉપયોગ નહીં થવા દેવાની તત્પરતા દર્શાવી છે.
આ કામ અશક્ય લાગે છે. કાબુલની સુરક્ષાની કામગીરી હક્કાની નેટવર્કના સિનિયર સભ્યોને સોંપાઈ હોવાનું કહેવાય છે. તેમને અલ કાયદા, ખાલિદ અલ – રહેમાન સહિતના વિદેશી લડાકુઓ સાથે ગાઢ સંપર્ક છે. હક્કાનીને ૨૦૧૧માં યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્લોબલ ટેરરીસ્ટ જાહેર કરાયો હતો. તે યુએનના ટેરરીસ્ટ લિસ્ટમાં પણ છે.
તાલિબાન આ આતંકવાદી બળોને અંકુશમાં રાખી શકે અને પોતાને આ આતંકવલાદીઓથી અલગ પાડી શકે ? ૨૧મી સદીની અફઘાની મહિલાઓની અપેક્ષાઓ સાથે સમાજમાં મહિલાઓની સ્થિતિ વિશેની તેની જૂનીપુરાણી માન્યતાઓનો તાલમેલ તાલિબાન કેવી રીતે કરી શકશે ?
આ બધામાં પંજશીરીઓના પ્રતિકારનું અને તાલિબાનના દાયરાની બહાર રહીને થોડી સલામતી મેળવવા હતાશાપૂર્વક પ્રયાસ કરતા, પછી ભલેને તે કાબુલથી ટેકઓફ કરતા વિમાન પર લટકવાનો હોય, પણ અફઘાન લોકોની અપેક્ષાઓનું શું ?
આ અને અન્ય ઘણાં પ્રશ્રોના જવાબ નથી. અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ભારત, દુનિયાના બાકીના દેશો સમક્ષ અને પ્રાથમિક રીતે અફઘાનિસ્તાનના લોકો સમક્ષ ઐતિહાસિક પડકાર ઉભો કરે છે. શું દુનિયા તેનો યોગ્ય જવાબ વાળશે ?
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)