અબ્દુલ કલામ અને વિક્રમ સારાભાઈ

૨૭ જુલાઇ ૨૦૧૬ઃ ડો. એ. પી. જે. અબ્દુલ કલામની પ્રથમ પૂણ્યતિથિએ શબ્દાંજલિ

Tuesday 19th July 2016 15:43 EDT
 
 

ડો. અબ્દુલ કલામને ખલિલ જિબ્રાનનું એક સૂત્ર બહુ પ્રિય હતુંઃ ‘પ્રેમ વગર ઘડેલો રોટલો કડવો હોય છેઃ તેનાથી ટેકો રહે, પણ તેનાથી માણસની અડધી જ ભૂખ ભાંગે છે.’ જે લોકો દિલ રેડ્યા વિના કામ કરે છે તેને ખોખલી સફળતા મળે છે અને આસપાસ કટુતા ફેલાય છે એમ તેમનું દૃઢ મંતવ્ય હતું. આથી જ થુમ્બા ખાતે SLV બનાવવાની કામગીરી તેમની ટુકડીને સોંપાઈ ત્યારે દિવસરાત હૃદય રેડીને તેમણે કામ કર્યું. ૬૦ કિ.મી.ની ઊંચાઈ પરના વાતાવરણના અભ્યાસ માટે સોડિયમ પેલોડ તૈયાર કરવાનો હતો. તેમાં સહેલાઈથી સળગી ઊઠે તેવું સોડિયમ અને થર્માઇટનું મિશ્રણ પાત્રમાં ભરવાનું હતું.
સાથી વિજ્ઞાની સુધારકરના કપાળ પરથી પરસેવાનું ટીપું તેમાં પડતાં મોટો ધડાકો થયો. જોતજોતામાં આગની જ્વાળાઓ રૂમમાં ચોતરફ ફેલાઈ ગઈ. પાણીથી આગ હોલવાય તેવી નહોતી. બચવાનું મુશ્કેલ હતું. જોકે સુધાકરે સમયસૂચકતા વાપરીને બારીના કાચ તોડીને પહેલાં કલામને બહાર હડસેલ્યા અને પછી પોતે કૂદી પડ્યાં.
આ પ્રકલ્પના યોજક - સર્જક ડો. વિક્રમ સારાભાઈ હતા. તેમને આ ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં સુધાકરને માથે પ્રેમથી હાથ મૂકીને કહ્યું ‘પરસેવાથી આગ લાગી. પણ પરસેવાથી રોકેટવિદ્યાનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ છે.’
આ નવજુવાન વિજ્ઞાનીઓના ગુરુ અને પ્રેરણાસ્રોત વિક્રમ સારાભાઈ હતા. તેમના પ્રયત્નથી બે શુદ્ધ સ્વદેશી રોકેટ ‘રોહિણી’ અને ‘મેનકા’ તૈયાર થયાં હતાં. નાનામોટા સૌ કાર્યકરોની શક્તિ અને કૌશલનો ઉપયોગ કરવાની સૂઝ અને આવડત ડો. વિક્રમ સારાભાઈમાં હતી. તેમની ઉપસ્થિતિ અનેક મુસીબતો વચ્ચે કામ કરતા વિજ્ઞાનીઓને નવો જુસ્સો આપતી. વિક્રમભાઈની માફક અબ્દુલ કલામને પણ દરરોજ ૧૭-૧૮ કલાક કામ કરવાની ટેવ હતી.
એક દિવસ કલામને સંદેશો મળ્યો કે ડો. સારાભાઈ તેમને તાકીદે મળવા માગે છે. કલામ દિલ્હી ગયા. વિક્રમભાઈના સેક્રેટરીને મળ્યા. મુલાકાતનો સમય રાતના ત્રણ વાગ્યાનો આપ્યો. અશોકા હોટેલમાં તેમની ઓફિસની બહાર લાઉંજમાં રોકાવાનું નક્કી કર્યું. પાસેના સોફા પર એક પુસ્તક પડ્યું હતું. તે લઈને પાનાં ફેરવતાં બર્નાર્ડ શોના એક વિધાન પર નજર ગઈ. તેનો સાર એ હતો કે ડાહ્યા માણસો દુનિયાને અનુકૂળ થતા હોય છે, પણ કેટલાક વિચિત્ર માણસો દુનિયા તેમને અનુકૂળ થાય તે માટે આગ્રહ રાખતા હોય છે. દુનિયાની પ્રગતિ આવા વિચિત્ર માણસો અને તેમના તરંગોથી પ્રેરિત પ્રયોગો પર અવલંબે છે.
બે કલાક પછી મુલાકાત માટે હોટેલની લાઉંજમાં રાત્રે એક વાગ્યાથી પ્રતીક્ષા કરવી એ મુલાકાત લેનાર અને આપનાર બંને માટે વિચિત્ર તો કહેવાય એમ કલામને વિચાર આવ્યો. થોડી વારમાં એર હેડ ક્વાર્ટર્સના ગ્રૂપ કેપ્ટન વી. એસ. નારાયણન્ આવ્યા. તેમને પણ પ્રો. સારાભાઈએ આ સમયે જ બોલાવ્યા હતા. બંનેની ઓળખાણ કરાવીને વિક્રમભાઈએ કોફી મંગાવી પછી તુરત જ બંને મુલાકાતીઓને દિલ્હીની સરહદ પરની તિલપત રેન્જ પર લઈ ગયા.
વિક્રમભાઈના મગજમાં મિલિટરી એરક્રાફ્ટ માટે RATO સિસ્ટમ (Rocket-Assisted Take-Off System) તૈયાર કરવાની યોજના રમતી હતી. રશિયન RATO બતાવીને સારાભાઈએ કહ્યું. ‘આ સિસ્ટમની તમને મોટર લાવી આપું તો તમને તે અઢાર માસમાં તૈયારી કરી શકો?’
‘જરૂર’ બંને આગંતુકો એક સાથે બોલ્યા. આ પ્રતિભાવથી વિક્રમભાઈના મુખ પર ચમક આવી.
સાંજે સમાચાર ચમક્યા કે જંગી લડાયક વિમાનોને ટૂંકા ઉડ્ડયન માટેની રોકેટ પ્રયુક્તિ સંપૂર્ણપણે ભારત તૈયાર કરશે અને તે પ્રોજેક્ટનો હવાલો ડો. અબ્દુલ કલામને સોંપાયો છે.
૧૯૬૮માં વિક્રમભાઈ થુમ્બાની મુલાકાતે આવ્યા ત્યારે આ ટુકડીએ તૈયાર કરેલી પાયરો સિસ્ટમનું નિદર્શન કર્યું અને તે ટાઇમર સર્કીટનું બટન દબાવીને પાયરોનું વિધિવત્ ઉદ્ઘાટન કરવા ડો. સારાભાઈને કહ્યું. તેમણે બટન દબાવ્યું, પણ પાયરો સિસ્ટમ ચાલી નહિ. બધાને આઘાત લાગ્યો. દરેક જણ પોતાની રીતે નિષ્ફળતાનું પૃથક્કરણ કરવા લાગ્યો. તેમણે પ્રો. સારાભાઈને થોડી મિનિટ રોકાઈ જવાનું કહ્યું.
ટાઇમર સર્કીટને છુટી કરીને સીધેસીધું પાયરો સાથે જોડાણ કર્યું. પ્રો. સારાભાઈએ ફરી બટન દબાવ્યું અને પાયરો સિસ્ટમ ચાલી. વિક્રમભાઈએ પ્રમોદ કાલે અને અબ્દુલ કલામને અભિનંદન આપ્યાં.
જોકે આ ઘટનાએ વિક્રમ સારાભાઈને વિચારતા કરી મૂક્યા. તેમણે રાત્રે અબ્દુલ કલામને બોલાવીને તેની મુશ્કેલીનું કારણ આ પ્રકલ્પમાં કામ કરતાં વિવિધ ઘટકો એક જ સ્થળે કામ કરતા નથી એ છે એમ બતાવ્યું. બધા ઘટકોનું સંયોજન જરૂરનું છે તેમ લાગ્યું.
પ્રો. સારાભાઈ માનતા કે ભૂલો અનિવાર્ય છે; પણ તે ભૂલોને નવા પ્રયોગ માટેની તકમાં ફેરવી નાખવી જોઈએ. કલામ કહેતા કે ભૂલો થવાની છે એવી સમજ સાથે કામ કરવાથી વધુ જાગ્રત રહી શકાય છે. ઉપરની ઘટનાને પરિણામે તે જ રાત્રે રોકેટ એન્જિનિયરિંગ વિભાગે ખોલવાનો નિર્ણય લેવાયો અને દરેક વિજ્ઞાનીની કામગીરીનું પુનર્યોજન કરવામાં આવ્યું.
અબ્દુલ કલામને સુગ્રથન (integration)ની સાથે મિસાઇલ સંશોધન અને રચનાની જવાબદારી સોંપવામાં આવી હતી. વિક્રમભાઈને અબ્દુલ કલામ મિસાઇલ પેનલની દરેક મિટિંગનો હેવાલ આપતા.
૧૯૭૧ના ડિસેમ્બરની ૩૦મી તારીખે આવી એક મિટિંગમાં દિલ્હીમાં હાજરી આપીને કલામ ત્રિવેન્દ્રમ જવા નીકળ્યા. પ્રો. સારાભાઈ તે દિવસે SLVની ડિઝાઈન ચકાસવા થુમ્બા આવવાના હતા. કલામે એરપોર્ટ પરથી તેની સાથે ટેલિફોન પર મિટિંગનો હેવાલ આપ્યો. વિક્રમભાઈએ તેમને ત્રિવેન્દ્રમના એરપોર્ટ પર રોકાઈને પોતે મુંબઈ જવા નીકળે ત્યારે ત્રિવેન્દ્રમના એરપોર્ટ પર મળવાનું સૂચવ્યું.
કલામ એરપોર્ટ પર ઊતર્યા ત્યાં વિમાનચાલકે જ ખબર આપ્યા કે ડો. સારાભાઈનું રાત્રે જ હૃદય બંધ પડવાથી અવસાન થયું છે. કલામને આઘાત લાગ્યો. માન્યામાં ન આવ્યું. એક કલાક પહેલાં તો ફોન પર વાત કરી છે! તેમના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યાઃ He was the Mahatma Gandhi of Indian science.
૧૯૮૪ના જુલાઈની ૧૯મી તરીકે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ DRDO (ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી)ની મુલાકાત લીધી હતી. એક કલાક IGMDP (ઇન્ટરીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ)ના કાર્યકર્તાઓ સાથે ગાળ્યો. તેમણે પૂછ્યું, ‘(પૃથ્વી) મિસાઇલનું પરીક્ષણ ક્યારે કરવાના છો?’ કલામે કહ્યું ‘જુન ૧૯૮૭’
‘તમે મને કહો, એને વહેલું કરવા તમારે શું જોઈએ? દેશ તમારા પર મીટ માંડી રહ્યો છે.’ પછી વળી કહે, ‘પણ ગુણવત્તા તો જાળવવી જ પડશે. જે કાંઈ સિદ્ધ કરો તેનાથી સંતોષ માનીને બેસી રહેવાનું નથી. વધુ ને વધુ ઊંચા શિખર સર કરવાનો પુરુષાર્થ કરતા રહેવું જોઈએ.’ કલામ ડાયરીમાં નોંધે છેઃ
If you want to leave your footprints
On the sands of time
Do not drag your feet.
(સમયની રેતી પર તમારાં પદચિન્હો મૂકી જવાં હોય તો લથડતી ચાલે ન ચાલશો)
દૃષ્ટિમંત વિજ્ઞાની ડો. અબ્દુલ કલામનાં પદચિહનો સમયની રેતી પર અવશ્ય અંકિત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter