વડોદરા રાજ્યની પ્રજા માટે મહારાજા સયાજીરાવ ત્રીજા (૧૧ ફેબ્રુઆરી ૧૮૬૩ - ૬ ફેબ્રુઆરી ૧૯૩૯) દેવ સમાન હતા. ક્યારેક અમે દાદા સમક્ષ મહારાજાની કાંઈક ટીકા કરી લેવાનો અટકચાળો કરીએ તો એ છળી ઊઠે. આક્રોશમાં આવીને કહેઃ ‘મહારાજા વિશે આવું કહે છે?’ પ્રજાવત્સલ રાજવી તરીકે એમના નવસારીથી મહેસાણા અને અમરેલી લગી પથરાઈને પડેલા વડોદરા રાજ્યની પ્રજાને અન્ય રજવાડાંની પ્રજાએ દરબાર તરફથી સહેવા પડતા જુલ્મોની તુલનામાં સુખ હતું. વેઠ પ્રથા હતી ખરી, પણ એની સામે ફરિયાદ થતાં મહારાજાના દરબારે એની નાબૂદી ફરમાવેલી. ન્યાયનું તંત્ર, શિક્ષણનો આગ્રહ જ નહીં, અત્યંજો માટેની શાળાઓ ખોલીને અને ગામડે ગામડે ગ્રંથાલયો સ્થાપીને મહારાજાએ પોતાની પ્રજા ભણી મમત્વ સાથે એવો અનુબંધ બાંધેલો કે પ્રજા માટે એ દેવ ગણાતા હતા.
ભારતીય બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકરને શિષ્યવૃત્તિ આપીને મહારાજાએ પરદેશ ભણવા પાઠવ્યા હતાં. પ્રારબ્ધ અને પુરુષાર્થ બેઉને ટેકે મહારાષ્ટ્રના ખાનદેશના કવળાણે ગામના ગોપાળરાવને વડોદરાનાં મહારાણી જમનાબાઈએ દત્તક લીધા અને એ સયાજીરાવ ત્રીજા તરીકે દુનિયાભરમાં કીર્તિ પામ્યા.
વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડે ૧૮૫૭માં બ્રિટિશવિરોધી બળવામાં અંગ્રેજોને આપેલા સાથને ખાસ ધ્યાને લઈને એમનાં ગર્ભવતી મહારાણીને એમના મૃત્યુ પછી કન્યારત્ન જન્મતાં પુત્રને દત્તક લેવા માટે ખાસ મંજૂરી અપાઈ હતી. ૧૮૭૦માં ટૂંકી માંદગી બાદ મહારાજા ખંડેરાવ મૃત્યુ પામ્યા એ પહેલાં એમણે મહારાણીને પુત્રરત્ન જન્મ એ માટે બાધાઆખડીઓ કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. મહારાજાએ પુત્રપ્રાપ્તિની માનતા માનતાં મક્કાસ્થિત મહંમદ પયગંબર સાહેબની કબર પર હીરા, મોતી, માણેક વગેરે ઝડેલી સવા લાખ રૂપિયાની (એ વેળાના) કિંમતની ચાદર તૈયાર કરાવી હતી, એવું ‘જેવ્હા ગુરાખી રાજા હોતો’ (જ્યારે ગોવાળિયો રાજા બને છે) એ મરાઠી પુસ્તકના લેખક નિંબાજીરાવ પવાર નોંધે છે. સગીર વયના સયાજીરાવ આદર્શ રાજવી તરીકે તૈયાર થાય એ માટે એમને વડોદરાના દીવાન ટી. માધવરાવ અને આઇસીએસ અધિકારી એફ. એ. એચ. ઇલિયટે શિક્ષણ આપ્યું હતું.
ઇલિયટને મહારાજા પણ ‘સર’ કહીને સંબોધતા રહ્યા તથા એમનાં પત્ની મિસેસ ઇલિયટ શાસનનાં સૂત્રો સંભાળ્યા પછી પણ મહારાજા પ્રત્યે પુત્રવત્ પ્રેમ રાખતાં હતાં. માધવરાવે મહારાજાને શાસન માટે તૈયાર કરતાં આપેલાં વ્યાખ્યાનોનો સંપુટ ‘માયનર હિન્ટ્સ’ અંગ્રેજીમાં અને ‘શાસન સૂત્રો’ શીર્ષક હેઠળ ગુજરાતીમાં પ્રકાશિત થયેલાં છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમામ સનદી અધિકારીઓ તેમજ પ્રધાનોને આ પુસ્તક વાંચી જવા માટે ખાસ આગ્રહ કરે છે.
મહારાજા સયાજીરાવ ૧૮૭૫માં ગાદીએ આવ્યા અને છેક ૧૯૩૯માં મૃત્યુ પામ્યા ત્યાં લગી એટલે કે છ દાયકા કરતાં પણ વધુ સમયગાળા માટે શાસન કરતા રહ્યા. જોકે એમના જીવતેજીવ પોતાના ચારેય જુવાનજોધ રાજકુમારોનાં મોત જોવાનો વારો આવતાં અને રાજકુમારી ઇંદિરારાજેના લગ્નજીવન અને વૈધવ્યના દુઃખદ પ્રસંગોએ અંગત જીવનમાં મહારાજાને ખૂબ જ વ્યથિત કરી મૂક્યા હતા. એમના રાજકીય વારસ તરીકે સૌથી મોટા પૌત્ર પ્રતાપસિંહરાવ ગાયકવાડને એમણે તૈયાર કર્યા હતા. પ્રતાપસિંહે જ વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની સ્થાપના કરી હતી. એ પહેલાં બરોડા કોલેજમાં પ્રાધ્યાપક અને આચાર્ય તરીકેનો અખત્યાર સંભાળનાર અરવિંદ ઘોષ મહારાજાના અંગત સચિવ પણ રહ્યા હતા.
ઘોષ આઇસીએસ પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહ્યા છતાં મહારાજાની આંખમાં વસી જતાં એમને પહેલાં હિસાબી વિભાગમાં અને પછીથી અન્યત્ર સેવામાં લીધા હતા. આ જ અરવિંદ ઘોષ બોમ્બ સંસ્કૃતિના પ્રણેતા અને ૧૯૦૭ની સુરત કોંગ્રેસ ટાણે જહાળ અને મવાળ પક્ષ વચ્ચે ભંગાણ સર્જાય એવું તોફાન કરવામાં સક્રિય એવા ટિળકવાદી હતા. ક્રાંતિકારી ઘોષના અંગ્રેજ શાસનને ભારતમાંથી ભગાડવાની વિચારધારાથી મહારાજા પરિચિત હતા છતાં એમને નોકરીમાં રાખ્યા હતા. ઘણી વાર મહારાજાને જણાવાયા છતાં તેમણે અરવિંદને રુખસદ આપી નહોતી.
મહારાજની અનિચ્છા છતાં અરવિંદ કોલકાતા જતા રહ્યા અને મહારાજાની નોકરીના પગારથી ઓછા પગારે કોલેજના આચાર્ય તરીકે સેવા આપવાની સાથે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા. જેલવાસ પણ ભોગવ્યો. જોકે એ પાછળથી ફ્રેંચ કોલોની એવા પાંડિચેરી (હવેના પુડીચેરી) જઈને અધ્યાત્મની માર્ગે વળ્યા અને મહર્ષિ અરવિંદ કે શ્રી અરબિંદો તરીકે વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યા.
ખાનદેશના કાશીરાવ દાદાસાહેબના પુત્ર તરીકે સામાન્ય પરિવારમાં જન્મેલા અને ખેતીવાડી તેમજ પશુપાલન પર નભતા પરિવારમાં બાળપણ વીતાવનાર મહારાજાને સામાન્ય વર્ગની તકલીફોનો અંદાજ હતો. એટલે જ એમણે દલિતોદ્ધાર અને સમાજ સુધારણાની બાબતમાં કાયમ અગ્રેસર રહેવા ઉપરાંત અંગ્રેજ શાસન વિરુદ્ધ ચળવળ ચલાવનાર પ્રભાવી વ્યક્તિઓને પ્રત્યક્ષ કે પરોક્ષ આર્થિક સહયોગ આપવાનું પસંદ કર્યું હતું. સાહિત્ય અને શિક્ષણ ભણીની એમની પ્રીતિને કારણે મહારાજાએ ઉદાર સખાવતો કરી એટલું જ નહીં, સરકારી પ્રકાશનો કરવામાં સક્રિયતા દાખવવા ઉપરાંત સાહિત્ય પરિષદો અને સામાજિક સુધારા પરિષદોમાં પણ ઉપસ્થિત રહેવાનું પસંદ કર્યું હતું.
મહારાજા પ્રતાપસિંહરાવ પછી તેમની ગાદીએ આવનાર ફત્તેસિંહરાવ ગાયકવાડે ‘સયાજીરાવ ઓફ બરોડાઃ ધ પ્રિન્સ એન્ડ ધ મેન’ પુસ્તકમાં મહારાજાના સુશાસન અને અંગ્રેજો ભણીના રોષ ઉપરાંત મહારાજાના અંગત જીવનની વાતો પણ વર્ણવી છે. ફત્તેસિંહરાવ સાંસદ અને ગુજરાતના આરોગ્ય પ્રધાન પણ રહ્યા. ૧૯૬૭માં ભાઈકાકા વિપક્ષના નેતા બન્યા હતા. એ પછી મુખ્યમંત્રી બનવા માટે ફત્તેસિંહરાવ કેટલાક ધારાસભ્યો સાથે કોંગ્રેસમાંથી છૂટા થવાની પણ એમની તૈયારી હતી. જોકે ભાઈકાકાના અણધાર્યા અવસાને એ રાજકીય ઘટનાક્રમને થંભાવી દીધો હતો. મહારાજાના યુરોપ પ્રવાસ દરમિયાન અંગ્રેજ મહિલાના પતિએ નાણાં પડાવવા માટે એની પત્ની સાથે મહારાજાના સંબંધોની વાતે અદાલતમાં જવાનું પસંદ કર્યાનું અને મહારાજાએ એ ખટલાની માંડવાળ કરવા માટે ૫૭૦૦ પાઉન્ડ ચૂકવ્યાની નોંધ પણ ફત્તેસિંહરાવ જરૂર કરે છે!
જોકે મહારાજાના અંગત તબીબ રહેલા ડો. સુમંત મહેતાની આત્મકથાનાં ૨૩૦૦ પાનાં એમની હયાતીમાં લખાયાં હતાં, પણ એમાંથી પોણા પાંચસો પાનાંની એમની આત્મકથા ૧૯૭૧માં એમનાં પત્ની શારદાબહેનના આગ્રહથી ભોગીલાલ ગાંધીએ સંપાદન કરીને તેનું પ્રકાશન તમિળનાડુના રાજ્યપાલ રહેલા પ્રભુદાસ પટવારીના વડપણ હેઠળ કરાયું હતું. ‘સયાજીરાવની કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં તેમની દેશભક્તિ, પ્રજાકલ્યાણની ભાવના, વિશાળ દૃષ્ટિ ડો. સુમંતને માર્ગદર્શનરૂપ બન્યાં હતાં. મહારાજા સાથેના પરદેશના પ્રવાસોમાં તેમણે અનેક અનુભવો મેળવ્યા... પાછળથી ડો. સુમંતને મહારાજાની નૈતિક અધોગતિ ને સ્વચ્છંદનો અનુભવ થયો. તેમના અપ્રગતિકારક વિચારો સામે ઘૃણા ઉત્પન્ન થઈ ત્યારે તેનો પ્રત્યાઘાત તીવ્ર સ્વરૂપે પ્રગટ થયો. તેમણે ખુલ્લી રીતે કડવી ટીકા કરી જેથી મહારાજાની નાખુશી વહોરવી પડી.’ ડો. મહેતાના પિતા ડો. બટુકરામ મહેતા પણ મહારાજાના અંગત તબીબ હતા એટલે રાજવી પરિવાર સાથેનો એમનો નાતો કુટુંબીજન જેવો હતો. યુરોપના પ્રવાસ સાથે ‘ડોસાને એક જુવાન સ્ત્રી સાથે મહાલતા જોયા’ સહિતની નોંધ સાથે જ કાશ્મીરના મહારાજા અને કેટલાક યુવાન હિંદી શેઠિયા સ્ત્રીઓની જાળમાં ફસાયાનું પણ ડો. મહેતાએ નોંધીને મહારાણી સાથેના મહારાજાના મહિલાઓ સંદર્ભે ઝઘડાનું વર્ણન પણ આત્મકથામાં કર્યું છે.
વધુ માહિત માટે વાંચો Asian Voiceનો અંક ૪ ફેબ્રુઆરી ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંક: http://bit.ly/2l7DgBH


