આપણે સહુ આ કોલમ સાથે નવલાં વર્ષ ૨૦૨૧માં પ્રવેશ્યા છીએ ત્યારે હું આપણા સહુ વાચકગણને આનંદ-ખુશીથી ભરપૂર, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ નવા વર્ષની શુભકામના વ્યક્ત કરું છું. કદાચ, માનવજાતે અગાઉ કદી આટલી ઉત્કટતા અને અપેક્ષાસહ નવા વર્ષના આરંભ કે અન્ય કોઈ વર્ષના આગમનની રાહ જોઈ નહિ હોય.
દરેક જણ આશા રાખી રહ્યાં છે કે યુકેમાં વેક્સિનેશન પ્રક્રિયાનો આંરમભ થઈ ગયો છે, અનેક નવા વેક્સિન પણ આવનાર છે ત્યારે કોરોના મહામારીના આઘાતને ૨૦૨૧માં આખરે પાછળ છોડી દઈ દેવાશે. ઈયુ સાથે યુકેની વેપાર સમજૂતીને રાહત સાથે આવકાર અપાયો છે. આનાથી આશાભર્યું વાતાવરણ સર્જાયું છે કે ૨૦૨૧નો આરંભ શુભ રહ્યો છે.
૨૦૨૦નું વર્ષ ભારે પડકારજનક રહ્યું તેમ કહેવું પણ હકીકતમાં ઉણું ઉતરે છે. વિશ્વભરમાં ૮૦ મિલિયન કેસ, ૧.૭ મિલિયન મૃત્યુ અને બંને સંખ્યામાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે માનવજાત પર મહામારીની અસર ઘણી ભારે રહી છે. આ રોગથી થયેલી યાતના અને પીડાની સાથે વૈશ્વિક અર્થતંત્રોને પણ વિનાશક અસર થઈ છે. નોકરીઓ છૂટી જવી તેમજ અદૃશ્ય થતી કે ઘટેલી કમાણી-આવકે ઘણાનાં જીવનને ધમરોળી નાખ્યાં છે. મહામારીમાં એકાંતવાસના કારણે સર્જાયેલી એકલતા અને માનસિક ત્રાસ-પીડાએ લાખો લોકોને અસર કરી છે. સંજોગો અને પરિસ્થિતિનો ભય અને તણાવ બધી રીતે વ્યાપક બની રહ્યો હતો.
નિરાધાર અને ગરીબ લોકોને સૌથી વધુ સહન કરવું પડ્યું છે. હું દરેક લોકો માટે લાગણી અનુભવું છું પરંતુ, વયોવૃદ્ધોને જે સહન કરવું પડ્યું છે તેનાથી કદાચ મને વધુ પીડા થઈ છે. કોઈ પણ સમાજમાં વૃદ્ધોને એકલા જિંદગી જીવવું પડે છે, તેઓ મોટા ભાગે પોતાની વધતી અપ્રસ્તુતતાની લાગણી અનુભવવા લાગે છે કારણકે અન્યોને તેમની જરુરિયાત લાગતી હોય તેની સરખામણીએ તેઓને અન્યોની જરુરિયાત વધુ લાગતી રહે છે. પાશ્ચાત્ય સમાજોમાં ઘણા વૃદ્ધો એકલા અથવા કેર હોમ્સ-વૃદ્ધાશ્રમોમાં રહે છે. ઘણા પૂર્વીય સમાજોમાં, સંયુક્ત પરિવારની સિસ્ટમ સાબૂત છે જેનાથી વડીલોને સારા પ્રમાણમાં પારિવારિક ટેકો મળી રહે છે; ત્યાં પણ વધતાં જતાં શહેરીકરણ, યુવાન પેઢીઓ માટે પ્રવાસના લાંબા સમયગાળા અને આધુનિક જીવનશૈલીના તણાવ સાથે વડીલો માટે એકલતાનું પ્રમાણ વધી ગયું છે. આપણા જમાનામાં લાંબી આયુષ્યમર્યાદાની સિદ્ધિએ વડીલ વૃદ્ધોની સારસંભાળ માટે કેર હોમ્સને મોખરે લાવી દીધા છે. કમનસીબી તો એ છે કે આ કેર હોમ્સ જ મહામારીના વહેલા શિકાર બની ગયા હતા. સૌપ્રથમ વખત વડીલો -ગ્રાન્ડપેરન્ટ્સ તેમના બાળકોને વહાલથી નવડાવી શક્યા નહિ અને નાના બાળકોની સમજમાં પણ આવી ગયું કે જો તેમના વહાલાં ગ્રાન્ડપેરન્ટ્સનું રક્ષણ કરવું હશે તો તેમનાથી દૂર રહીને જ કરી શકાશે.
આ વિનાશકારી વર્ષમાંથી આપણે ઘણા બોધપાઠ શીખવાના રહે છે. આમાં સૌથી મોટો બોધપાઠ તો એવી યાદ છે કે જીવનની દોર નાજૂક છે; આપણી પ્રાથમિકતાઓની નવેસરથી ચકાસણી આપણી યાદીમાં મોખરે રહેવી જોઈએ. મહત્ત્વાકાંક્ષા અને સખત મહેનત ખરેખર જરુરી છે પરંતુ, આપણે ખુદના માટે, પરિવાર અને આપણા વડીલો માટે પણ સમય કાઢવો જોઈએ તે પણ જરુરિયાત છે. આ મહામારીએ આપણને દર્શાવ્યું છે કે આપણે જે કામ કરીએ છીએ તેમાંથી ઘણું કામ તો ઘરમાં રહીને પણ કરી શકાય છે. ઘણાં સેક્ટર્સ પ્રવર્તમાન વ્યવસ્થાને ચાલુ રાખી તેમના ભાવિ ઓપરેશન્સ – કામગીરીની પુનઃ ગોઠવણી કરી રહ્યાં છે. આનું પરિણામ ઘણું સારું મળી શકે તેમ છે કારણકે તેનાથી વાહનોનો ટ્રાફિક અને તેના ફલસ્વરુપ પ્રદૂષણ નીચું આવી શકશે. ‘વર્ક ફ્રોમ હોમ’ વ્યવસ્થા ચાલુ રાખવાં સાથે તેની માનવીય અસરોને અવગણી કે નજરઅંદાજ કરી શકાય નહિ. માનવી સામાજિક પ્રાણી છે અને આપણું કામકાજનું સ્થળ ઘણી વખત સંવેદના - ભાવનાત્મક કેન્દ્ર સ્વરુપે કાર્ય કરે છે જ્યાં આપણા મિત્રો અને સહયોગીઓ હોય છે. કામના સ્થળનું માનવીય બંધન જળવાઈ રહે તે માટે આપણે માર્ગો શોધવાની જરુર પડશે. કોઈ પણ કારણ વિના અને કોઈ પણ સમયે આપણે બોલાવી શકીએ તેવા મિત્રોનું મહત્ત્વ પણ આપણને સમજાયું છે. જેઓ હંમેશાં આપણા માટે હાજર રહે છે તેમનો આભાર માનવાના માર્ગો પણ આપણે શોધી કાઢીએ. આપણામાંથી ઘણાએ એ બાબતે આભાર માનવાનો રહે કે આપણે ૨૦૨૦ના વર્ષમાં જોવાયેલાં પડકારો અને યાતનાઓમાંથી અસ્તિત્વ જાળવી શક્યા છીએ. આશા રાખીએ કે આ અનુભવોએ વધુ શક્તિશાળી અને વધુ માનવીય બનાવ્યા છે.
ભૌતિકવાદ અને આધુનિકતા પાછળની આપણી આંધળી દોટના પગલે મહામારી આવી છે. ગત વર્ષના આપણા અનુભવો આપણને આપણા ગ્રહ, આપણી પૃથ્વીમાતાના ભવિષ્ય વિશે ચિંતન કરવાનો સમય પાકી ગયો હોવાનું સ્મરણ કરાવે છે. વિશ્વની વર્તમાન વસ્તી ૭.૮ બિલિયનથી પણ વધુ છે. ૧૯૫૦માં આપણી જનસંખ્યા માત્ર ૨.૫ બિલિયન લોકોની હતી. આ જનસંખ્યાના મહાવિસ્ફોટે આપણા ગ્રહ અને તેના પ્રાણી અને વનસ્પતિઓ પર વિપરીત અસર પહોંચાડી છે. જળ, વાયુ અને ભૂમિનું પ્રદૂષણ ચેતવણીજનક સ્તરે પહોંચી રહ્યું છે. તાજેતરના એક અભ્યાસમાં માનવભ્રૂણમાં માઈક્રો પ્લાસ્ટિકના અંશ જણાયા હતા. આપણા જનરેશને પ્રકૃતિનું ભારે શોષણ કર્યું છે પરંતુ, તેને પાછું આપવાનું ભૂલી જ ગયા છીએ. જો આ મહામારી આપણને જરા અટકવા અને આપણે કઈ તરફ આગળ વધી રહ્યા છીએ અથવા તો આપણી પૃથ્વીને કઈ દિસામાં લઈ જઈ રહ્યા છીએ તેનો વિચાર કરવા પ્રેરણા આપી શકશે તો ગત એક વર્ષની યાતનાઓ લેખે લાગી ગણાશે. આપણે ગ્લાસગોમાં યોજાનારી આગામી યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP26) સફળતા પ્રાપ્ત કરે તેવી આશા રાખીએ. આપણે આ પડકારને વ્યર્થ જવા ન દઈએ.
પ્રિય વાચકો મને ટ્વીટર પર @RuchiGhanashyamને ફોલો કરી શકશે.
(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


