અશાંત પાકિસ્તાન વધુ એક કટોકટીના ઘેરામાં

રુચિ ઘનશ્યામ Tuesday 16th May 2023 01:38 EDT
 
 

પાકિસ્તાનનું અર્થતંત્ર ગત વર્ષના વિનાશક પૂર, આસમાને ગયેલો ફૂગાવો, IMF ના બચાવ પેકેજની અનિશ્ચિતતાથી ગંભીર અંધકારની ગર્તામાં ધકેલાઈ ગયું છે, લોકોએ પોતાને અને બાળકોને ખવડાવવા ભારે સંઘર્ષ કરવો પડે છે અને ત્રાસવાદી હુમલા વણથંભ્યા ચાલી રહ્યા છે તેવી હાલતમાં પાકિસ્તાનને વધુ એક કટોકટીનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની 9 મે, 2023ના રોજ ભ્રષ્ટાચારના આરોપોસર ધરપકડ કરાઈ હતી. રાજકીય પાર્ટી પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ (PTI)ના સ્થાપક અને ચેરમેન ઈમરાન ખાન ઓગસ્ટ 2018થી એપ્રિલ 2022 સુધી પાકિસ્તાનના 22મા વડા પ્રધાન હતા.

ઈમરાન ખાનની ધરપકડ અલ-કાદિર ટ્રસ્ટમાં તેમના સંબંધ બાબતે નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરો (NAB) દ્વારા ઈસ્લામાબાદની હાઈ કોર્ટની અંદરથી જ કરવામાં આવી હતી. ખાન તેમના પત્ની બુશરા બીબી સાથે આ ટ્રસ્ટની માલિકી ધરાવે છે. ખાનની ધરપકડ થતાં જ તેમની પાર્ટીએ વિરોધી દેખાવો યોજવાની હાકલો કરી હતી. પાકિસ્તાનના ઘણા શહેરોમાં આ હાકલોનો પ્રતિભાવ આપતા ઈમરાન ખાનના સમર્થકો શેરીઓમાં ઉતરી પડ્યા હતા. ખાનના સમર્થકોના રોષનો ભોગ બનનારાઓમાં રાવલપીંડી અને લાહોરમાં આર્મી એસ્ટાબ્લિશમેન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદે ઠરાવી ખાનને તત્કાળ મુક્ત કરવા આદેશ આપ્યા પછી પરિસ્થિતિ થોડી હળવી બની હતી. ઈસ્લામાબાદ હાઈ કોર્ટે 12 મેએ ઈમરાન ખાનને બે સપ્તાહના જામીન મંજૂર કર્યા હતા. પરંતુ, પોતાની મુક્તિ થયા પછી ખાને તેમની ધરપકડમાં આર્મી ચીફ આસીમ મુનીરે ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. બીજી તરફ, પાકિસ્તાની કોર્ટ દ્વારા ખાનની પત્ની બુશરા બીબીને પણ 23 મે સુધીના જામીન મંજૂર કરાયા હતા. અગાઉ જામીન અપાયા પછી પણ ફરી ધરપકડ થવાના ભયથી ઈમરાન ખાન કલાકો સુધી ઈસ્લામાબાદ હાઈ કોર્ટના પ્રીમાઈસીસમાં બેસી રહ્યા હતા અને હવે લાહોરના પોતાના નિવાસે પરત ફર્યા છે.

અન્ય નાટ્યાત્મક વળાંકમાં ઈમરાન ખાને વીડિયો સ્ટેટમેન્ટમાં દાવો કર્યો હતો કે તેમની ધરપકડ પછી ‘સુનિયોજિત ષડયંત્ર’ હેઠળ સરકારી ઈમારતો અને લાહોર કોર્પ્સ કમાન્ડરના નિવાસે તોડફોડ કરવામાં આવી હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે દેશના શક્તિશાળી મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટે તેમને રાજદ્રોહના આરોપોસર આગામી 10 વર્ષ સુધી જેલમાં જ રાખવાનું પ્લાનિંગ કર્યું હતું. લાહોરના નિવાસે પક્ષના નેતાઓ સાથે બેઠક યોજ્યા પછી ઈમરાન ખાને સંખ્યાબંધ ટ્વીટ્સ કરી જણાવ્યું હતું કે,‘ હવે સંપૂર્ણ લાહોર પ્લાન જાહેર થઈ ગયો છે. હું જેલની અંદર હતો તે ગાળામાં હિંસાના બહાના હેઠળ તેમણે જજ, જ્યૂરી અને જલ્લાદની ભૂમિકા ધારણ કરી લીધી હતી. હવે બુશરા બેગમને જેલમાં પૂરી મને અપમાનિત કરવાની તેમજ આગામી 10 વર્ષ સુધી મને જેલમાં ગોંધી રાખવા કેટલાક રાજ્યદ્રોહના કાયદાઓનો ઉપયોગ કરવાની યોજના છે.’

ઈમરાન ખાન પાકિસ્તાની આર્મીના પસંદગીપાત્ર ઉમેદવાર મનાતા હતા પરંતુ, તંગદિલી વધવામાં વધુ સમય લાગ્યો નહિ. આર્મી સાથે તેમના તંગ સંબંધોની નવાઈ નથી. ગયા વર્ષે તેમણે સહાયકની અટકાયત અને ટોર્ચરનો આક્ષેપ પોલીસ અને ન્યાયતંત્ર સામે કર્યા પછી તેમના વિરુદ્ધ ત્રાસવાદવિરોધી કાયદા હેઠળ આરોપો લગાવાયા હતા. આ પછી, પંજાબના વઝીરાબાદમાં રાજકીય રેલી દરમિયાન કહેવાતા હત્યાના પ્રયાસમાં તેમનો બચાવ થયો હતો.

ઈમરાન ખાન પ્રથમ પાકિસ્તાની વડા પ્રધાન છે જેમને એપ્રિલ 2022માં અવિશ્વાસના પ્રસ્તાવ થકી હોદ્દા પરથી દૂર કરાયા હોય. હકાલપટ્ટીની નાટ્યાત્મક ઘટનાઓમાં ખાને દાવો કર્યો હતો કે તેમણે સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી અને ચીન અને રશિયા સાથે મૈત્રીપૂર્ણ સંબંધો કેળવ્યા હોવાથી તેમની હકાલપટ્ટી પાછળ અમેરિકાનો દોરીસંચાર છે. ખાનના સમર્થકોએ તેમની હકાલપટ્ટીના વિરોધમાં સમગ્ર પાકિસ્તાનમાં વિરોધી દેખાવો કર્યા હતા. ખાન સામે અન્ય ઘણા આરોપ (આશરે 100 કેસ) છે. તેમાંનો એક તોશાખાના કેસ (ઓગસ્ટ 2022) છે જે પાકિસ્તાનના ચૂંટણીપંચ સમક્ષ તોશાખાનામાં મળેલી ભેટોની ચોક્કસ વિગતો વાર્ષિક સંપત્તિના રિપોર્ટમાં જાહેર કરવાની નિષ્ફળતા અંગે છે.

ધીરજ ગુમાવી રહેલી પાકિસ્તાની આર્મીએ કહ્યું હતું કે ‘મિલિટરી થાણાઓ પર હુમલો કરતા ગ્રૂપ્સ સામે હવે કોઈ સંયમ રખાશે નહિ.’ આર્મીએ ખાનની નાટ્યાત્મક ધરપકડ પછી પ્રોપર્ટીને નુકસાન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. મિલિટરીએ કોઈ નામોલ્લેખ વિના જ નિવેદનમાં જણાવ્યું હતું હતું કે, ‘લશ્કરી દળોને આ હુમલાઓના આયોજકો, ઉશ્કેરનારા, સહાયકો અને કાવતારાખોરો વિશે સંપૂર્ણ જાણકારી છે અને આ મુદ્દે તોડમરોડના પ્રયાસો તદ્દન નિષ્ફળ રહેશે. જે લોકો મિલિટરી થાણાંઓ અને કર્મચારીઓ/ સાધનો વિરુદ્ધ ઘૃણાસ્પદ ગુનાઓમાં સંડોવાયા છે તેમને પાકિસ્તાન આર્મી એક્ટ અને ઓફિસિયલ સીક્રેટ્સ એક્ટ સહિત પાકિસ્તાનના સંબંધિત કાયદાઓ હેઠળ ખટલાઓ મારફત ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરાશે.’

પાકિસ્તાની આર્મીએ તો શરૂઆતથી જ પ્રત્યક્ષ અથવા પરોક્ષપણે પાકિસ્તાન પર શાસન ચલાવ્યું છે. પાકિસ્તાને ત્રણ લશ્કરી બળવાનો સામનો કરેલો છે. સૌપ્રથમ બળવો 1947માં પાકિસ્તાનનું સર્જન થયાના પ્રથમ દસકામાં 1958માં થયો હતો. ચાર લશ્કરી સરમુખત્યારોએ દાયકાઓ દરમિયાન પ્રત્યક્ષ સત્તા હાંસલ કરેલી છે. નાગરિક સરકારો સત્તા પર હોય ત્યારે પણ તેમણે સતત આર્મીની મંજૂરી મેળવવા પાછળ નજર કરવી પડતી હતી. લાહોર અને રાવલપીંડીના લશ્કરી થાણાઓ પરના હુમલાઓ સમગ્ર વિશ્વની નજરમાં આવી ગયા છે. ઈમરાન ખાન અને આર્મી વચ્ચે ટપાટપી કેવો રંગ પકડે છે તે આગામી દિવસો અને સપ્તાહોમાં જાણવા મળશે. દરમિયાન, લાંબા સમયથી યાતનાગ્રસ્ત પાકિસ્તાની પ્રજા રાહતની આશા રાખી શકે તેમ નથી કારણકે પાકિસ્તાન સામેના અનેક પડકારોના સંમિશ્રણમાં રાજકીય અસ્થિરતાનો પણ ઉમેરો થયો છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter