અસમાનતા અને અન્યાયની વર્તમાન સ્થિતિ ચિંતાજનકઃ તાકીદે ઉપાય જરૂરી

લોર્ડ ભીખુ પારેખ Wednesday 18th May 2022 02:48 EDT
 
 

જે લોકોને બ્રિટનની ચિંતા હોય તેઓ આપણા દેશમાં અસમાનતા અને અન્યાયની વર્તમાન સ્થિતિથી ચિંતિત હશે. વ્યક્તિઓ વચ્ચેની અસમાનતા વિશે કહેવાની જરૂર જ નથી. લાખોની કમાણી કરનારા અને કેટલાક ભૂખે મરી રહેલા લોકોની આવકની વિશાળ અસમાનતા દેખાઈ જ આવે છે. માત્ર વ્યક્તિઓની નહિ પ્રદેશો વચ્ચેની પણ અસમાનતા છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝના તાજેતરના સર્વે મુજબ 27 દેશના અભ્યાસમાં બ્રિટનની સ્થિતિ સૌથી ખરાબ છે. ખુદ વડા પ્રધાને કહ્યું છે કે, બ્રિટન ‘સૌથી અસંતુલિત સમાજો અને અસમતોલ અર્થતંત્રોમાં એક’ છે અને સુનિયોજિત નીતિઓ પણ પરિણામો લાવવામાં દાયકાઓ લગાવશે. આ અસમાનતાઓનું નિરાકરણ લાવવામાં મદદ કરી શકે તેવી કોઈ પણ નીતિ આપણે શરૂ કરી શક્યા નથી.

જીવનનિર્વાહ ખર્ચ વધી રહ્યો છે અને ફૂગાવો અગાઉ કરતાં, 1960ના દાયકાથી પણ ઘણો ઊંચે ગયો છે. વધતી અસમાનતા સમાજમાં ભારે અશાંતિનો સ્રોત બની રહ્યો છે. સમાજનું અલગ સમુદાયોમાં વિભાજન થાય ચે અને તે બધા અલગ માર્ગે જતા રહે છે. સામાજિક ફલકનાં એક છેડે ઘમંડ-અહંકાર અને બીજા છેડે રોષ, અસ્થિરતા અને વ્યાપક અશાંતિ છે.

જો આ અસમાનતાઓ સાથે કામ પાર પાડવું હશે તો આપણી પાસે વ્યવસ્થિત અને સમાન તક હોવી જરૂરી છે. વારસાગત ગેરલાભ પેઢીઓથી ઉતરતા રહે છે અને વધુ મજબૂત બનતા રહે છે. જન્મનો જે ક્લાસ હોય છે તે જ મોતનો ક્લાસ બની રહે છે. ઘણા સર્વેએ દર્શાવ્યું છે તેમ ઈંગ્લેન્ડમાં સામાજિક ગતિશીલતા ઘણી નીચી છે. વધતી અસમાનતા અને તેનાથી આવતા દુઃખ સામે લોકો વિરોધ દર્શાવે છે ત્યારે સરકાર નિયંત્રણો મૂકવા માગે છે. લોકોની ધરપકડોથી ભરાતી જેલો અપરાધોનું ઉછેરકેન્દ્ર બની રહે છે.

આપણા કાયદાઓ અને પોલિટિકલ સિસ્ટમ અંકુશ અને દમનના સાધન તરીકે જોવાય છે. કોઈ રાજકારણી વિશ્વસનીય નથી. સામાન્ય પ્રજા જે નિયમોનું પાલન કરે તેમ ઈચ્છવા સાથે આ નિયમોનો તેઓ ભંગ કરતા રહે છે. મને શું સાચું છે કે શું સાચું નથી તેમા રસ નથી પરંતુ, વ્યક્તિનો કઈ રીતે ઉલ્લેખ થાય છે અને તેઓ તેના વિશે શું અનુભવતા હશે તેમાં રસ છે. પ્રોફેસર બ્રૂક્સ પોતાના પુસ્તક ‘ધ ટ્રસ્ટ ફેક્ટર’માં જણાવે છે કે વિશ્વાસ લોકશાહીનું જીવનરક્ત છે. કોઈ પણ સિસ્ટમ સંપૂર્ણ નથી કે કોઈ સમસ્યાનો એક જ ઉત્તર નથી. આપણા નેતાઓ પ્રામાણિક અને આધારભૂત હોય તેવી આપણી અપેક્ષા રહે છે. જોકે, આમ ન થાય અને નેતાઓ પોતાના ઉત્તરોમાં પ્રામાણિક, નિખાલસ અથવા પારદર્શક ન હોય તો આપણે શંકાશીલ બની જઈએ છીએ અને કોઈ પણ રાજકારણી માટેની વાતને સાચી માની લઈએ છીએ.

તમે અસમાનતાઓને વાજબી ઠરાવો અને દબાવો ત્યારે તમે તેને વધારો છો, આઝાદીને નિયંત્રિત કરો છો અને તેના થકી આપણે જેનું ગૌરવ કરીએ મછીએ તે રાજકીય સિસ્ટમનો વિનાશ કરો છો. આ ચાલી શકે નહિ. આપણી સિસ્ટમની કાયદેસરતા અને તેની અંદરની અસમાનતાની સમસ્યા તાકીદની છે તો તેનો ઉપાય પણ તાકીદે થવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter