શું તમે તમારા જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો? ચિંતાતુરતા અથવા પડકારના સંજોગો જણાય છે? કોઈ પણ કારણસર આવું બની શકે છે પરંતુ, તેનાથી દિલોદિમાગમાં ભારે ચિંતાતુરતા અને તણાવ સર્જાય છે તે ચોક્કસ છે. આવા સંજોગોમાં મગજ-મનની અશાંતિ સર્જનારા પડકારોનો સામનો કરવો જરા પણ સહેલો હોતો નથી.
મુશ્કેલ સમય આપણી આસપાસના ઘણા પરિબળો- પરિવાર, મિત્રો, શત્રુઓ, બિઝનેસ, નોકરી અથવા બીમારીના કારણે આવી શકે છે. ઘણી વખત આવી મુશ્કેલીનો અંત નજર સામે હોય છે અને આપણે ત્યાં સુધી રાહ જોવી જ પડે છે. જોકે, ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ક્ષિતિજ સુધી કોઈ અંત જણાતો નથી. એ સાચું છે કે બોગદા-ટનલના અંતે પ્રકાશનું કિરણ હોય જ છે પરંતુ, બોગદામાં ઘણા વળાંકો પણ હોય છે જેનાથી પ્રકાશ અવરોધાય છે જેના પરિણામે મુશ્કેલીમાં સર્વત્ર અંધકાર જ દેખાય છે.
આ મુશ્કેલ સમય કેવી રીતે પસાર કરવો? હું જાણું છું કે કહેવું ઘણું સહેલું છે. પરંતુ, તેની સાથે કામ પાર પાડવાના પણ માર્ગો હોય જ છે. કેટલાક માર્ગ કે ઉપાય આપણી પરિસ્થિતિને બંધબેસતા હોય છે તો કેટલાક સંપૂર્ણપણે અસંગત હોય છે. જોકે, અન્ય લોકો માટે કામમાં લાગ્યા હોય તેવા કેટલાક અસરકારક ઉપાયોનો ઉપયોગ કરી જોવામાં કોઈ નુકસાન પણ નથી.
૧. સ્વસ્થતા જાળવોઃ જ્યારે આપણી આસપાસના લોકો, જેઓ આપણા હરીફ કે વિરોધી બની ગયા હોય, તેમના થકી મુશ્કેલી ઉભી થાય ત્યારે અને ખાસ તો હાલ આપણો સમય બરાબર ચાલતો ન હોવાનું જાણતા હોઈએ ત્યારે સ્વસ્થતા જાળવી રાખવી મહત્ત્વની છે. તમારો પ્રત્યાઘાત ન આપો ને વધુ સારા સમયની રાહ જુઓ. તમારી સમક્ષ હાલની જે સ્થિતિ છે તેવી જ રહેશે તેમ જાણી સહન કરો.
૨. તમારો અભિગમ બદલોઃ ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિ સહન કરી શકાતી ન હોય ત્યારે તેના તરફનો તમારો અભિગમ બદલશો તો માનસિક તણાવમાં ઘટાડો થઈ શકશે. થોડાં રચનાત્મક વલણથી તમને અંધકારમાં પણ હળવો પ્રકાશ નિહાળવામાં મદદ મળશે. બોગદાના અંતે પ્રકાશ દેખાતો ન હોવાં છતાં, તમે સંજોગોનો આભાર માની શકો કે બોગદું બંધ કે અવરોધાયેલું નથી. આ રીતે તમે બોગદાના અંત સુધી ચાલી શકવાની આશા તો રાખી જ શકશો.
૩. સંઘર્ષને ટાળોઃ કોઈ પરિસ્થિતિમાં તણાવને ઘટાડવા માટે વધુ સંઘર્ષને ટાળવાનું હિતાવહ છે.મુશ્કેલીમાં આવી જ પડ્યા છો તો તેમાં વધારો કરવાની શું જરુર છે? આથી આવા સંજોગોમાં મનની શાંતિ જાળવવા સરળતા દાખવી, કોઈ પ્રકારની ચડસાચડસી કે રકઝકમાં ન પડીએ તે જ મહત્ત્વનું છે.
૪. શ્રદ્ધા રાખોઃ તમે જેમનામાં આસ્થા રાખતા હો તેમની પ્રાર્થના કરો. જો તમે નાસ્તિક હો તો ધ્યાન ધરો અને હળવાશ અનુભવવાની પ્રેક્ટિસ કરો. આસ્થા અને તમારા પરમેશ્વર પાસેથી મદદની પ્રાર્થના કરવાથી તમને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત મળી શકે છે. જો તમે ચૂસ્તપણે આસ્તિક હશો તો શ્રદ્ધા રાખજો કે ઈશ્વરની ઈચ્છા વિના કશું થવાનું નથી અને જે કાંઈ થશે તે સારા માટે જ થશે.
પ. નાહિંમત થઈ નાસી ન જશોઃ તમારી ચિંતામાં વધારો ન થાય તેવી તમામ પદ્ધતિ કે પ્રયાસ કરશો પરંતુ, નાહિંમત થઈને મેદાન ન છોડશો. જો તમે સાચા છો તેવું માનતા હો તો મક્કમપણે તમારા વલણને વળગી રહેજો. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિથી નાસી છૂટશો નહિ કારણકે તેનાથી સમસ્યા દૂર થવાની નથી, માત્ર થોડી વાર તમારી નજરથી દૂર થઈ જશે. સારી વાત તો એ છે કે સમસ્યાને આખરી નિર્ણાયક સ્થાને લઈ જવી અને હંમેશાં માટે તેનો અંત લાવવો.
તમારી વિશિષ્ટ પરિસ્થિતિને આધારે તેના અન્ય ઉપાયો પણ હોઈ શકે છે. જો તમે મન ખુલ્લું રાખશો અને તેમના પ્રતિ રચનાત્મક વલણ અપનાવશો તો ચમત્કારિક રીતે કોઈ ઉપાય તમારી સમક્ષ આવીને ઉભો રહેશે.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)