ગત સપ્તાહના શુક્રવાર ૧૮ જૂને ભારતના ટ્રેક અને ફિલ્ડ લેજન્ડ મિલ્ખા સિંહ કોવિડ-૧૯ સામેનું આખરી યુદ્ધ હારી ગયા. એક મહિના લાંબી લડત આપ્યા પછી ૯૧ વર્ષની વયે કોરોના વાઈરસ રોગના કારણે થયેલા કોમ્પ્લિકેશન્સના પરિણામે તેમણે ચંદીગઢની હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા.
હોસ્પિટલ દ્વારા જારી કરાયેલાં નિવેદનમાં જણાવાયું હતું કે,‘ દંતકથાસમાન ભારતીય દોડવીર શ્રી મિલ્ખા સિંહજીને ૨૦૨૧ની ૩ જૂને PGIMERની કોવિડ હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા હતા અને તેમની સારવાર હાથ ધરાઈ હતી. કોવિડ સામે બહાદૂરીપૂર્ણ લડત પછી મિલ્ખા સિંહજી ૧૩ જૂને ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. જોકે, કોવિડ પછીના કોમ્પ્લિકેશન્સના કારણે તેમને કોવિડ હોસ્પિટલમાંથી ખસેડી મેડિકલ ICUમાં લઈ જવાયા હતા.’ શુક્રવારની સાંજે તાવ અને ઓક્સિજન સેચ્યુરેશનના લેવલ નીચું જવા સહિતની સમસ્યાઓ સાથે તેમની હાલત એકદમ નાજૂક થઈ હતી. નિવેદનમાં વધુ જણાવાયું હતું કે,‘મેડિકલ ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, મિલ્ખા સિંહજીને તેમની ગંભીર હાલતમાંથી બહાર લાવી શકાયા ન હતા અને બહાદૂરીપૂર્ણ લડત પછી તેમણે PGIMER ખાતે ૨૦૨૧ની ૧૮ જૂને રાત્રિના ૧૧.૩૦ કલાકે સ્વર્ગે પ્રયાણ કર્યું હતું.’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિલ્ખા સિંહના નિધનથી શોક-મનોવેદના વ્યક્ત કરી હતી. મોટી કરુણાંતિકા એ પણ હતી કે તેમના પત્ની અને પૂર્વ નેશનલ વોલીબોલ કેપ્ટન નિર્મલ કૌરનું ત્રણ સપ્તાહ સુધી કોવિડ-૧૯ને લડત આપ્યા પછી નિધન થયાના લગભગ એક સપ્તાહ પછી જ મિલ્ખા સિંહનું નિધન થયું છે.
મિલ્ખા સિંહ પૂર્વ લશ્કરી જવાન હતા અને તેમણે સમગ્ર વિશ્વમાં ટ્રેક અને ફિલ્ડ ક્ષેત્રના ઈવેન્ટ્સમાં દેશ માટે અનેક સન્માન- વિજય હાંસલ કર્યા હતા. તેમણે એશિયન ગેમ્સમાં ભારત માટે ચાર ગોલ્ડ મેડલ્સ હાંસલ કર્યા, ૧૯૫૮ની ટોકિયો એશિયાડમાં ૨૦૦ મીટર અને ૪૦૦ મીટરની દોડસ્પર્ધામાં વિજય મેળવ્યો, આ પછી, ૧૯૬૨ના જાકાર્તા એશિયાડમાં ૪૦૦ મીટર અને ૪ x ૪૦૦ મીટરની રીલે દોડસ્પર્ધામાં ગોલ્ડ મેડલ્સ મેળવ્યા હતા. તેમની ઝળહળતી સફળતા કાર્ડિફ ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક ૪૦૦ મીટર દોડના વિજયમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવાની હતી. કાર્ડિફ આર્મ્સ પાર્કના સૌથી બહારની લેનમાં દોડતા મિલ્ખા સિંહે ૭૦,૦૦૦થી વધુ પ્રશંસકોની હાજરીમાં તત્કાલીન વર્લ્ડ રેકોર્ડ ધરાવતા સાઉથ આફ્રિકાના માલ્કોમ સ્પેન્સને પરાજિત કર્યા હતા. તેમને ક્વીન એલિઝાબેથના હાથે મેડલ અપાયો હતો.
મિલ્ખા સિંહ ઓલિમ્પિક મેડલ હાંસલ કરવાની તદ્દન નજીક આવી ગયા હતા. તેઓ આ વિજયથી દૂર રહ્યા તે કમનસીબી હતી કારણકે ૧૯૬૦ના રોમ ઓલિમ્પિક્સની ૪૦૦ મીટરની ફાઈનલમાં તેઓ અત્યંત નજીવા ફરકથી ચોથા ક્રમે પહોંચ્યા હતા. એક કમનસીબ ક્ષણ માટે તેમણે પાછું વળીને જોયું અને અતિ કિંમતી સમય અને મેડલ ગુમાવ્યો છતાં, તે પળે તેમણે જરા પણ ગુસ્સો દર્શાવ્યો ન હતો.
મિલ્ખા સિંહ ભારતના સર્વપ્રથમ સ્પોર્ટિંગ સુપરસ્ટાર હતા. તેમણે પાકિસ્તાનના જનરલ ઐયુબ ખાનને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે મિલ્ખા સિંહને પ્રસિદ્ધ ટાઈટલ ‘ફ્લાઈંગ શીખ’થી નવાજ્યા હતા. મિલ્ખા સિંહે પોતાના જીવનમાં ભારે મુશ્કેલીઓ વેઠી હતી. તેમણે વિભાજનની વ્યથા સહન કરી હતી. રમખાણોમાં પેરન્ટ્સ અને બે ભાઈને ગુમાવ્યા પછી તેઓ લોહીથી લથબથ ટ્રેનમાં મુલતાનથી આવ્યા પછી મિલિટરી ટ્રકમાં ફીરોઝપુર પહોંચ્યા હતા. આર્મીમાં જોડાયા પછી તેમને પોતાની દોડની પ્રતિભાની જાણ થઈ. તેમણે સૌપ્રથમ આર્મીમાં તાલીમ હાંસલ કરી હતી. તેમના દૃઢ નિશ્ચય, મક્કમ નિર્ધાર અને કઠોર પરિશ્રમે તેમને ટ્રેક પર દંતકથાસમાન અને તેમના ક્ષેત્રમાં સફળતાના પર્યાય બનાવ્યા. બોલીવૂડની સુંદર ફિલ્મ ‘ભાગ મિલ્ખા ભાગ’માં તેમની જીવનકથાનું વિશિષ્ઠ નિરુપણ કરાયું છે.
પાકિસ્તાનના અબ્દુલ ખાલિક મિલ્ખા સિંહના મુખ્ય પ્રતિસ્પર્ધી હતા અને ઘણી વખત રિબન સુધી પહોંચવામાં આગળ વધી જતા. મિલ્ખા સિંહ તેમને પોતાના ‘પડછાયા’ સમાન ગણાવતા હતા જે કદી આગળ ચાલી જતો, ઘણી વખત પાછળ રહી જતો પરંતુ, હંમેશાં જ સાથે રહેતો હતો. તેઓ એકબીજાને મહાન સિદ્ધિઓ હાંસલ કરવાની પ્રેરણા આપતા રહેતા હતા. લાહોરની એક સ્પર્ધામાં અબ્દુલ ખાલિકને પાછળ પાડી દઈ મિલ્ખા સિંહ આગળ પહોંચી ગયા ત્યારે તેમને ‘ફ્લાઈંગ શીખ’નું વિશ્વપ્રસિદ્ધ બિરુદ પ્રાપ્ત થયું હતું. ઈન્ડિયન એક્સપ્રેસમાં ભાવપૂર્ણ આદરાંજલિ આપતા અબ્દુલ ખાલિકના પુત્રે યાદ કર્યું હતું કે તેમના પિતાને તત્કાલીન ભારતીય વડા પ્રધાન દ્વારા ‘ફ્લાઈંગ બર્ડ ઓફ એશિયા’નું બિરુદ અપાયું હતું જેઓ, ૧૯૫૪માં મનિલા એશિયન ગેમ્સમાં ચીફ ગેસ્ટ હતા અને ખાલિકે ૧૦૦ મીટરની દોડનું ટાઈટલ જીત્યું હતું.
મિલ્ખા સિંહ પ્રખર યોગચાહક અને ૩૦ કરતાં વધુ વર્ષથી નિયમિતપણે કસરત અને યોગ કરતા હતા. ગયા વર્ષે તેમણે ૯૦ વર્ષની વયે પોતાના ઘરમાં રહી વિવિધ યોગાસનો સાથે છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરી હતી. ગત વર્ષે મિલ્ખા સિંહે પોતાના સંદેશામાં યુવાનોને નિયમિતપણે યોગ કરી પોતાના શરીરને સ્વસ્થ રાખવાનો સમય ફાળવવા જણાવ્યું હતું. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિને આપણે તેમના સંદેશાને આત્મસાત કરીએ.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


