આતંકવાદ ભારતની વિકાસયાત્રાને અવરોધી શક્યો નથી

રુચિ ઘનશ્યામ Wednesday 30th November 2022 06:35 EST
 
 

ગયા સપ્તાહમાં 26 નવેમબરના રોજ ભારતે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઇ શહેર પર થયેલા આતંકવાદી હુમલાની 14મી વરસીએ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. 2008માં આ દિવસે પાકિસ્તાનથી જળમાર્ગે આવેલા 10 આતંકવાદી મુંબઇ શહેરમાં પ્રવેશ્યા હતા અને 4 દિવસ સુધી આતંક મચાવતાં 26 વિદેશી નાગરિક સહિત 166 લોકોની હત્યા કરી હતી. આ હુમલામાં 300થી વધુ લોકો ઘવાયાં હતાં. તેમણે ફક્ત મુંબઇના લોકોને નહીં પરંતુ બાકીના ભારતના લોકોને પણ આતંકિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાયના જવાબદાર સભ્યો તરીકે તેમના ભયને યાદ કરી આતંકવાદના કાવતરાખોરોને સજા અપાવવાના આપણા પ્રયાસો જારી રાખવા જોઇએ. આ હુમલાને પ્રયોજિત કરનારાને અદાલતમાં સજા અપાવી જ જોઇએ. સમગ્ર વિશ્વમાં આતંકવાદના પીડિતો પ્રત્યેની આપણી આ જવાબદારી છે. તેમણે યાદ અપાવ્યું હતું કે, આતંકવાદ માનવતા માટે ધમકીરૂપ છે. 26-11ના આતંકવાદી હુમલામાં સંડોવાયેલા લોકો પર પ્રતિબંધ લાદવાના ભારતના પ્રયાસોને રાજકીય કારણોસર અવરોધવામાં આવી રહ્યાં છે જેના કારણે તેઓ અત્યારે ખુલ્લેઆમ ફરી રહ્યાં છે અને સરહદ પારથી ભારતમાં આતંકવાદી હુમલાની યોજનાઓ ઘડે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ચીન લશ્કર એ તોયબાના આતંકી સરગણા હાફિઝ સઇદ, શાહિદ માહમૂદ, સાજિદ મીર, જૈશ એ મોહમ્મદના આતંકવાદી સરગણા અબ્દુલ રઉફ અઝહર અને અલકાયદાના નેજા હેઠળ કામ કરતા અબ્દુલ રહેમાન મક્કી સહિતના પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ પર પ્રતિબંધો લાદવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત દ્વારા રજૂ કરાતા પ્રસ્તાવોને વીટો દ્વારા નકારી રહ્યો છે.

26 નવેમ્બરના આતંકવાદી હુમલાએ ભારતને હંમેશ માટે બદલી નાખ્યો છે ત્યારે કેટલાક લોકોની બહાદૂરી આપણને દરરોજ પ્રેરણા આપી રહી છે. તેમાં સામેલ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના વડા હેમંત કરકરેએ જીવનના છેલ્લા શ્વાસ સુધી બહાદૂરીથી આતંકવાદીઓનો સામનો કર્યો હતો. 2009માં તેમને ભારતના શાંતિસમયના સર્વોચ્ચ બહાદૂરીના પુરસ્કાર મરણોત્તર અશોક ચક્રથી સન્માનિત કરાયા હતા. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વિજય સાલસકર અને કામા હોસ્પિટલની બહાર શહીદ થયેલા પોલીસ અધિકારી અશોક કામ્ટે જીવનના બલિદાન આપનારા અન્ય બહાદૂકોમાં સામેલ હતાં. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તુકારામ ઓમ્બ્લેને ઘણી ગોળી વાગી હતી છતાં તેમણે આતંકવાદી અજમલ કસાબને જીવતો ઝડપી લીધો હતો. તેના કારણે જ આ જધન્ય હુમલામાં રહેલી પાકિસ્તાનની સંડોવણી ઉઘાડી પડી હતી.

તાજ હોટેલ ખાતે ઘણા બહાદૂરીપુર્વક આતંકવાદીઓ સામે લડ્યાં જેના કારણે સંખ્યાબંધ લોકોના જીવ બચાવી શકાયાં હતાં. હોટેલના છઠ્ઠા માળે ફસાયેલી પત્ની અને પુત્રને ગુમાવ્યા છતાં તાજ હોટેલના જનરલ મેનેજર કરમવીર સિંહ કાંગે મહેમાનોને હોટેલમાંથી બહાર લઇ જવાની વ્યવસ્થા કરી હતી. હોટેલની કર્મચારી મલ્લિકા જાગડે 60 મહેમાનોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાં હતાં. જાગડે બેન્ક્વેટના ડોર લોક કરીને લાઇટો બંધ કરી મહેમાનોને શાંત રહેવા જણાવ્યું હતું. ફાયરબ્રિગેડે આવીને તેમને બારીમાંથી બચાવ્યા હતા.

51 સ્પેશિયલ ગ્રુપના ટીમ કમાન્ડર મેજર સંદીપ ઉન્નીક્રિશ્નને ઓપરેશન બ્લેક ટોર્નેડો અંતર્ગત શહીદી વહોરી ત્યાં સુધી તાજ હોટેલમાં સાથી કમાન્ડો અને મહેમાનોને સુરક્ષા પૂરી પાડી હતી.

બહાદૂરીની આવી તો ઘણી કહાણીઓ ભૂતકાળમાં દફન થઇ ગઇ છે. નેની સાન્ડ્રા સેમ્યુલે નરિમાન હાઉસ ખાતે બે વર્ષના મોશે હોલ્ત્ઝબર્ગને જીવના જોખમે બચાવ્યો હતો. આ હુમલામાં મોશેના માતાપિતા સહિત ઘણા લોકો માર્યા ગયા હતા. આતંકવાદીઓએ નિશાન બનાવ્યું હતું તે નરિમાન હાઉસ તરીકે ઓળખાતા જ્યૂ આઉટરિચ સેન્ટર ખાતે સાન્ડ્રા સેમ્યુલ કેરટેકર તરીકે કામ કરતા હતા.

કામા એન્ડ એલબ્લેસ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ અંજલિ કુલ્થેએ હોસ્પિટલમાં ધસી આવેલા આતંકવાદીઓથી 20 ગર્ભવતી મહિલાઓને બચાવી હતી. આતંકવાદીઓ અજમલ કસાબ અને અબુ ઇસ્માઇલ ગેટ પરના ગાર્ડની હત્યા કરીને જેવા હોસ્પિટલમાં પ્રવેશ્યા કે અંજલિએ વોર્ડના ભારે ભરખમ ડબલ ડોરને બંધ કરી દીધાં હતાં અને ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારજનોને નાનકડા પેન્ટ્રી રૂમમાં સંતાડી દીધાં હતાં. પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી ત્યારે અંજલિ અને ડોક્ટરોએ એક ગર્ભવતી મહિલાને બાળકને જન્મ આપવામાં મદદ કરી હતી.

મુંબઇ પરનો આ આતંકવાદી હુમલો ભારતની વિકાસયાત્રાને અવરોધી શક્યો નહોતો. 2008 પછી વૈશ્વિક સ્તરે ભારતે વિકાસની હરણફાળ ભરી હતી. નવેમ્બરના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડો પાસેથી જી-20 શિખર સંમેલનના અધ્યક્ષપદનો સ્વીકાર કર્યો હતો. 27 નવેમ્બરે ધ પ્રિન્ટમાં પ્રસિદ્ધ થયેલા આર્ટિકલમાં અંતરા બરૂઆ કહે છે કે જી-20માં 19 દેશ અને યુરોપિયન સંઘ સામેલ છે. જી-20 દેશો વિશ્વના કુલ જીડીપીનો 80 ટકા, આંતરરાષ્ટ્રીય વેપારનો 75 ટકા અને વિશ્વની કુલ વસતીનો 60 ટકા હિસ્સો ધરાવે છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ વિડોડોનો આભાર માનતા જણાવ્યું હતું કે, ભારતનું જી-20 પ્રમુખપદ મહત્વાકાંક્ષી, નિર્ણાયક અને પગલાંલક્ષી રહેશે. તેમણે ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સિંગાપોર અને બ્રિટન સહિતના દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાતો કરી હતી. સમાપન સમારોહમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ રાજકીય તણાવો, આર્થઇક મંદી, મોંઘવારી અને કોરોના મહામારીની અસરોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત જી-20નું નેતૃત્વ સંભાળવા જઇ રહ્યો છે. ભારત તેના જી-20 એજન્ડામાં મહિલાલક્ષી વિકાસને પ્રાથમિકતા આપશે. તેનું સંચાલન વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરની થીમના આધારે કરાશે. આગામી વર્ષમાં ભારતમાં જી-20ની 200 બેઠકો યોજાવાની છે.

આતંકવાદને સમર્થન આપતા દેશોએ ભારતનો નમૂનો લેવાની જરૂર છે. વિકાસ અને સમૃદ્ધિ તરફની ભારતની કૂચ હકારાત્મક અને કેન્દ્રિત એજન્ડાના લાભો દર્શાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter