આધાર એક મુશ્કેલીઓ અનેક

ખુશાલી દવે Wednesday 23rd May 2018 09:11 EDT
 
 

સરકાર દ્વારા એક દેશ એક આધારનું સૂત્ર જ્યાં અને ત્યાં પોકારાય છે, પણ આધાર માટેનો એક્શન પ્લાન એવો છે કે તેની મુશ્કેલીઓ
અનેક છે. ‘આધારકાર્ડ ફલાણે ઢીંકણે લિંક કરાવો’ની નવી જાહેરાત થતાં જ આધારકાર્ડના સેન્ટર્સ પર લાંબી લાઈનો થાય છે. જોકે એક દિવસમાં આધારકાર્ડ બનાવવાની કે તેમાં સુધારાની પ્રોસીજર ભાગ્યેજ પૂરી થાય બાકી બીજો દિવસ પણ બગડે. વિચાર કરો કે જે રોજિયું ભરીને દિવસની કમાણી કરતા હોય તેનો તો અડધા દિવસના સમયનો બગાડ અને એક કે બે દિવસની રોજગારી ગુમાવે તે નફામાં. તો સરકારે યોજના પહેલાં તેના અમલીકરણ માટે વિચાર્યું જ નહીં હોય?
આધારકાર્ડ માટે પરણિત મહિલાઓની મુશ્કેલી તો અલગ જ છે. આધારકાર્ડ માટે લગ્નનું સર્ટિફિકેટ માન્ય ગણાતું નથી. તેથી પરણિત મહિલાઓએ આધારકાર્ડમાં તેમના પતિનું નામ અને સાસરાનું સરનામું આધારમાં દર્શાવવું હોય તો તેણે આધારકાર્ડ માટે પહેલાં ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ કે નાગરિક્તાના અન્ય પુરાવામાં નામની ફેરબદલી કરાવવાની પછી પતિ સાથેનું નામ આધારકાર્ડમાં આવે. વળી, રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે. તો મતલબ એવો કે રેશનકાર્ડમાં નામ ઉમેરવાની પ્રક્રિયા કરવાની પછી આધારકાર્ડમાં પતિ અને સાસરાના સરનામા સાથે આવે પછી એ રાશન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવાનું?
એક મહિલા લગ્નનું સર્ટિફિકેટ દર્શાવે પછી દેશનો કાનૂન પણ તેને તેના પતિ અને પતિના સાસરાનું એડ્રેસ ક્યાંય લખતાં રોકી શકે નહીં તો આધારકાર્ડમાં માટે આટલી જફા કેમ?
ગૂંચવણ ભરેલી યોજના
આધારકાર્ડ અંગે આમ તો મમતા બેનરજીથી લઈને જામનગરના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર વકીલ જેનબબહેન ખફીએ પણ સરકારમાં રજૂઆત કરી હતી કે, આધરકાર્ડની પ્રક્રિયા ગૂંચવણ ભરેલી છે. જેનબબહેને જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે, આધાર માટે સરકારી તથા ખાનગી એમ બે પ્રકારના સેન્ટરો કાર્યરત છે. અરજદારો પાસેથી અલગ અલગ પ્રકારના કેવાયસી મંગાવાય છે. ખાનગી સેન્ટરમાં વધુ પૈસા લઈને જરૂરી પુરાવા ન હોય તોય આધારકાર્ડ નીકળે છે. આધારકાર્ડ કઢાવવા સરકારે બેંકોની યાદી જાહેર કરી છે, પણ તેમાંથી એકાદ-બે બેંકો જ આધારકાર્ડ કાઢવાનું કામ કરે છે. બાકીની બેંકોમાં સંતોષકારક જવાબ મળતો નથી. જેનબબહેને કહ્યું હતું કે, રેશન કાર્ડમાં નામ ઉમેરવા કે કમી કરાવવા આધારકાર્ડ ફરજિયાત છે. નવા જન્મેલા બાળકનું નામ રેશન કાર્ડમાં તેમના માતા-પિતાના આધારકાર્ડને આધારે ઉમેરી દેવું જોઈએ.
એનઆરઆઈ અને વિદેશીઓને વિમાસણ
આધાર મામલે એનઆરઆઈ અને દેશમાં આવતા વિદેશીઓ પણ પરેશાન છે. અહેવાલો હતા કે, મોબાઇલ કંપનીઓના રિટેલર્સે તેમને સિમ કાર્ડ આપવાનું બંધ કર્યું હતું. આ મુદ્દે મોબાઇલ ઓપરેટર્સની બોલતી બંધ જ હતી, પણ સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લેવી પડી હોવાના અહેવાલ હતા.
નાગરિકના શરીર પર સરકારની માલિકી?
વર્ષ ૨૦૦૯માં જ્યારે સરકારે યુનિક આઇડેન્ટિટી નંબર (આધાર)ની યોજના બનાવી ત્યારે નાગરિકોને કીધું હતું કે, નાગરિકો અમુક સરકારી યોજનાનો લાભ લેવો હોય તો આધાર કઢાવે. બાકી આધાર ફરજિયાત નથી.
સરકારે પહેલાં ‘મનરેગા’નો લાભ લેવા આધાર ફરજિયાત બનાવ્યું હતું. મનરેગાનો લાભ માત્ર બિલો પોવર્ટી લાઈનથી નીચેના કે આ લાઈનમાં આવતા નાગરિકોને જ મળે છે.
એ પછી સરકારે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા અપાતા પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવાનું ચલાવ્યું ને નાગરિકો માથું ખંજવાળવા લાગ્યા. ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરવા પાનકાર્ડ જરૂરી છે. ઇન્કમ ટેક્સ એક્ટમાં સેક્શન ૧૩૯ એએનો પણ સ્પેશ્યલ ઉમેરો થયો કે નાગરિકે પાનકાર્ડ કઢાવવું હોય તો આધાર ફરજિયાત રીતે પાનકાર્ડ સાથે લિંક કરવું પડશે. તેનો સાદો અર્થ એવો થાય કે દરેક નાગરિકે ઇન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવા દસ આંગળીની છાપ અને આંખની કીકીની સોફ્ટ પ્રિન્ટ કોઇ સરકારી એજન્સીને આપવાની.
આ મુદ્દે બે બુદ્ધિજીવીઓ સામ્યવાદી પક્ષના નેતા બિનોય બિશ્વમ અને દલિત નેતા બેઝવાડા વિલ્સને સરકારને સુપ્રીમમાં પડકાર ફેંક્યો. બેઝવાડા વિલ્સનના વકીલ શ્યામ દિવાને સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, મારી ફિંગર પ્રિન્ટ અને આંખની કીકી મારી પોતાની છે. સરકાર તેની પર પરાણે કબજો કરી શકે નહીં. એ મારી સ્વતંત્રતા પર તરાપ કહેવાય. જેની સામે કેન્દ્ર સરકારના વકીલ મુકુલ રોહતગીએ તો કહ્યું કે, આપણા શરીર પર આપણો અધિકાર નથી. સરકારનો અધિકાર છે!
રોહતગીએ પાછો વિચિત્ર તર્ક પણ આપ્યો કે, જો આપણા શરીર પર આપણો અધિકાર હોત તો ભારતના દરેક નાગરિકને આપઘાત કરવાની છૂટ હોત!
ડેટા લિંક કરાવો ડેટા લીક કરાવો
દેશના આશરે ૧૧૫ કરોડ નાગરિકો સતત સૂચનાઓના લીધે પોતાની આંગળીઓની છાપ અને આંખની કીકીની સોફ્ટ પ્રિન્ટ સરકારને ડેટાબેઝમાં સમર્પિત કરી ચૂક્યા છે કે લો અમારો ડેટા અમે લિંક કરાવીએ છીએ અને તમે સાનંદ તેને લીક કરો.
ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના આધારકાર્ડનો ડેટા તેનું આધારકાર્ડ બનાવતી એજન્સી દ્વારા ટ્વિટર પર લિક થયાનો દાખલો છે, પણ ભારતના સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય નાગરિકના ડેટાની કોઈ સલામતી નથી. સરકારે આધારકાર્ડ બનાવવા ખાનગી એજન્સીઓની નિમણૂક કરી છે. આ એજન્સીઓ પર પણ સવાલો ઊઠ્યા છે. પાનકાર્ડમાં વ્યક્તિની ઇન્કમ ટેક્સ રિટર્નની અને આવકની દરેક વિગતો હોય છે. પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાથી વ્યક્તિની બધી વિગતો આધારનો ડેટા રાખતી એજન્સીને મળે છે. આપણામાં કહેવત છે કે છોકરીની ઉંમર અને છોકરાનો પગાર ના પુછાય, પણ આધારકાર્ડ એજન્સી આ બંને પૂછી શકે છે હોં.
આધારકાર્ડ દ્વારા બેંકિંગ પ્રક્રિયાની સરળતા માટે UIDAI અને e-KYCના તાલમેલની સમસ્યાએ તો વળી પ્રજાના ડેટાની લહાણી જ કરી છે. e-KYC માટેની એજન્સીએ પોતાની વેબસાઇટ પર વ્યાખ્યા આપી છે કે, આ સર્વિસ ઇલેક્ટ્રોનિક વિકલ્પ છે. જેનાથી તાત્કાલિક અને પેપરલેસ પદ્ધતિએ કોઈ ઇન્ડસ્ટ્રી વિગતની ખરાઈ કરી શકે છે. દાખલા તરીકે, ટેલિકોમ કંપનીઓ આ સર્વિસનો ઉપયોગ કરીને ઝડપથી ગ્રાહકોના ફોર્મ તૈયાર કરે છે. અગાઉ કાગળ પર લખીને આ માહિતીની ચકાસણી થતી હતી, પણ હવે ઇન્ટરનેટ અને ઓનલાઈના વાઘા તેને પહેરાવાયા છે. જેથી તમારો નંબર અને ફિંગરપ્રિન્ટ આપો એટલે e-KYC સિસ્ટમમાંથી બધી જ માહિતી ફોર્મમાં ભરાઈ જાય છે.
આ આધારની માહિતીથી બેંકિંગ અને ટેલિકોમ જેવી કંપનીઓ વિસ્તૃત ડેટાબેઝ બનાવે છે. આધારના ઈ - ડેટાનો દુરુપયોગ એટલો વધ્યો છે કે કઈ બેંકમાં તમારું ખાતું છે તે જાણીને જે તે બેંકના ખાતાધારકોને ફોન આવે છે કે અમે ફલાણી ફલાણી બેંકમાંથી બોલીએ છીએ તમારી બેંક ડિટેઈલ ચેક કરાઓ ને પછી ખાતાધારકની ડિટેઈલનો દુરુપયોગ થાય છે. આમાં તમારી ગુપ્તતા તમારા દેશમાં કેટલી જળાવાય છે એ વિચારો? કેન્દ્ર સરકારે આધારકાર્ડની યોજના જાહેર કરી ત્યારે વચન આપ્યું હતું કે તેને મરજિયાત રખાશે અને તેની માહિતી ગુપ્ત રખાશે, પણ એવું બન્યું છે ખરું? દેશમાં કોઈ પણ યોજના દેશના નાગરિકોની સુવિધા અને સલામતી માટે હોવી જોઈએ અને તેનું અમલીકરણ સરળ હોવું જોઈએ. એ જોતાં કહી શકાય કે સરકારની આધારકાર્ડની યોજના અને તેનું અમલીકરણ બંને નિષ્ફળ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter