અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે, બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે.
છોને એ દૂર છે!
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે..
બંદર છો દૂર છે..
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી,
તારી છાતીમાં જુદેરું કો શૂર છે
છોને એ દૂર છે..
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!
- સુંદરજી બેટાઈ
(બેટાઈ સુંદરજી ગોકળદાસનો જન્મ ૧૦-૮-૧૯૦૫ના રોજ જામનગર જિલ્લાના બેટ – દ્વારકામાં થયો હતો. ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’ તેમના ઉપનામ હતા. પચાસેક વર્ષ સુધી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત હતા. એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ છે.
‘જ્યોતિરેખા’ (૧૯૩૪)માં પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો પર આધારિત પાંચ ખંડકાવ્યો છે. ‘ઇન્દ્રધનુ’ (૧૯૩૯), ‘વિશેષાંજલિ’ (૧૯૫૨), ‘સદગત ચંદ્રશીલાને’ (૧૯૫૯), ‘તુલસીદલ’ (૧૯૬૧), ‘વ્યંજના’ (૧૯૬૯), ‘અનુવ્યંજના’ (૧૯૭૪), ‘શિશિરે વસંત’ (૧૯૭૬) અને ‘શ્રાવણીની ઝરમર’ (૧૯૮૨) એ એમના કાવ્યસંગ્રહોની કવિતા પરથી દેખાય છે કે અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ અને સ્વજનમૃત્યુથી જન્મતો શોક પ્રારંભથી અંત સુધી એમની કવિતાનાં ચાલકબળ રહ્યાં છે.

