ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.
ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.
વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?
– મણિલાલ દેસાઈ
(મણિલાલ ભગવાનજી દેસાઈનો જન્મ વલસાડના ગોરગામમાં થયો હતો. તેમનું મૃત્યુ યુવાવયે જ અમદાવાદમાં થયું હતું. તેમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો. વ્યવસાયે તેઓ અધ્યાપક હતા. તેમણે ગીત, છાંદસ, અછાંદસ, ગદ્યકાવ્ય, અને ગઝલ સ્વરૂપની રચનાઓનું સર્જન કર્યું હતું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે. તેમની પ્રકૃતિના તત્વોને (ખાસ કરીને અંધકારને) વિષય બનાવતી રચનાઓમાં સમકાલીન નવી કવિતાના લક્ષણો જણાય છે.)

