રાખનાં રમકડાં
મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …
બોલે ડોલે રોજ રમકડાં
નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …
એઇ કાચી માટીને કાયામાંથી
માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં
ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે …
રાખનાં રમકડાં, રમકડાં …
અંત અનંતનો તંત ન તૂટ્યો,
ને રમત અધૂરી રહી
તનડા ને મનડાની વાતો
આવી તેવી ગઈ ! રાખના રમકડાં...
(અવિનાશ અનંતરાય વ્યાસ સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક હતા. તેઓ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સૂરીલી પણ હતી. સુગમ સંગીત ઉપરાંત તેમણે ૧૯૦ કરતાં વધુ ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો જે એક વિક્રમ છે. ૧૯૭૦માં ભારત સરકાર તરફથી તેમને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અર્પણ થયો હતો.)

