આપણી કોમ્યુનિટી માટે દાયકાઓ પછી યુકેનું જીવન કેવું હશે?

કપિલ દૂદકીઆ Tuesday 12th March 2024 16:46 EDT
 
 

ગત થોડાં વર્ષો દરમિયાન હું આપણી કોમ્યુનિટીમાં ગ્રાસરૂટ્સના લોકો તેમજ ઘણી અગ્રણી વ્યક્તિઓ સાથે ચર્ચાવિચારણા કરતો રહ્યું છું. એક સામાન્ય વિષય એ ઉભરી આવે છે કે થોડા દાયકાઓ પછી યુકે કેવું દેખાશે કે જણાશે? શું આપણી કોમ્યુનિટી માટે સલામતી સાથે રહેવા જેવો દેશ હશે? ભવિષ્યમાં આપણા સંતાનો અને તેમના પણ સંતાનો માટે જીવન કેવું રહેશે?

આપણા બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર હિન્દુ અને ભારતીય મૂળના છે. આમ છતાં, સમગ્ર દેશમાં દેખાતી ગતિશીલતાનું સંચાલન ડાબેરીઓના સમર્થન થકી ઈસ્લામિક કટ્ટરવાદીઓ હસ્તક છે અને મને ભય છે કે કટ્ટર જમણેરીઓ પણ આ ઝેરીલા વાતાવરણમાં કશો ઉમેરો કરશે.

જ્યુઈશ અને ઈન્ડિક (હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ) કોમ્યુનિટીઓ આ દેશમાં સૌથી વધુ ઓતપ્રોત થયેલી, સૌથી વધુ સફળ, કાયદાને અનુસરતી, આ દેશ સાથે વણાયેલી અને તેના ક્ષેમકુશળની ઈચ્છા રાખતી હોવાની સાથોસાથ સૌથી વધુ જોખમમાં છે. આપણે જ્યુઈશ કોમ્યુનિટીમાંથી ઘણા લોકોને ઈઝરાયેલમાં સ્થળાંતર કરી જતા જોયા છે કારણકે યુરોપમાં તેમના માટે સલામત સ્થળ શોધવાનું ભારે મુશ્કેલ બની રહ્યું છે. મને ભય છે કે ઈન્ડિક કોમ્યુનિટીઓ પણ મોડેથી નહિ પરંતુ, વહેલા આવા જ નિર્ણય પર આવશે.

આપણી પાસે રાષ્ટ્રીય અને પ્રાદેશિક સંસ્થાઓ હોઈ શકે છે. આમ છતાં, આજની તારીખે તેમની સત્તા અને પ્રભાવ તસવીરો ખેંચાવવા માટે રાજકારણીઓને આકર્ષવા પૂરતો જ રહ્યો છે. જ્યારે હિન્દુ મંદિરો પર ઈસ્લામિક કટ્ટરવાદીઓના હુમલા થયા ત્યારે આપણે પોલીસ અને રાજકારણીઓની નિષ્ક્રિયતાને નિહાળી છે. આપણે લેબર રાજકારણીઓને આપણી કોમ્યુનિટી વિરુદ્ધ ઘૃણાને ઉત્તેજન આપતા બદમાશ તત્વોને ખુલ્લેઆમ સમર્થન આપતા જોયા છે. આ સપ્તાહે લેસ્ટરના ‘હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ ગ્રૂપ’ (HCOG) દ્વારા સ્પષ્ટપણે જણાવાયું છે કે સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS) ના વડપણ હેઠળ લેસ્ટરમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાની ઈન્ક્વાયરીમાં તેમને જરા પણ વિશ્વાસ નથી. જે લોકો ઈન્કવાયરીમાં સંકળાયેલા છે તેઓ હિન્દુઓ પ્રતિ પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેનો બહિષ્કાર કરવા HCOGએ હિન્દુ સંસ્થાઓને જણાવ્યું છે. કેટલાક હિન્દુઓ પોતાની જ કોમ્યુનિટીની વિરુદ્ધ SOASની તરફેણમાં બહાર આવતા જણાશે તે બાબતે જરા પણ શંકા નથી!

આપણા મોટા ભાગના સંગઠનો-સંસ્થાઓ તિરાડો છુપાવવામાં કાર્યરત છે. કેટલીક અગ્રણી સંસ્થાઓ પોતાને જ આગળ વધારવા ઈવેન્ટ્સની યજમાની કરશે અને તસવીરો ખેંચાવવાના આયોજનો કરશે. બ્રિટિશ મૂલ્યો, બ્રિટિશ માનસિકતા, બ્રિટિશ રાજકારણ અને કામકાજની બ્રિટિશ પદ્ધતિઓ સંદર્ભે ઘણી ઓછી સમજ ધરાવતા નવાસવા નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI’s)ની આગેવાની હેઠળની ઉભરતી સંસ્થાઓ પણ આપણી સમક્ષ છે. તેઓ કદાચ શુદ્ધબુદ્ધિ ધરાવતા ઉત્સાહીઓ હશે પરંતુ, તેઓ ભારતીય ઉપખંડનું રાજકારણ આયાત કરી લાવે છે અને બિનજરૂરી ઘોંઘાટ ઉભો કરે છે જેમાં કોઈ ચોક્કસ કે નક્કર અર્થ હોતો નથી.

ભારતને પ્રોત્સાહન આપી રહેલા અને જે લોકો આપણી વિરાસતનું નીચાજોણું કરાવે છે તેમને પડકાર આપવા ઈચ્છતા આપણા લોકો તરફ મારો કોઈ વાંધો કે વિરોધ નથી. આપણામાંથી કેટલાક તો આ દાયકાઓથી કરતા આવ્યા છે. આપણે જમ્મુ અને કાશ્મીર માટે લડી શકીએ અને બ્રિટિશ સમાજમાં ધરબાયેલા પાકિસ્તાની કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (POJK)ના પાકિસ્તાની એજન્ટોનો પર્દાફાશ પણ કરી શકીએ છીએ. આપણે ઈસ્લામિક કટ્ટરવાદીઓ જેવી મોડસ ઓપરેન્ડી ધરાવતા બનાવટી ખાલિસ્તાનીઓને પડકારી પણ શકીએ છીએ. આપણે નેહરુ સેન્ટર અને હાઉસ ઓફ કોમન્સમાં ઈવેન્ટ્સ પર યોજી શકીએ પરંતુ, આ બધું ક્યાં સુધી?

તમારી જાતને એક પ્રશ્ન પૂછો, આ દેશ જે દિશામાં જઈ રહ્યો છે ત્યારે શું તમને વિશ્વાસ છે કે તમારા સંતાનો અને તેમના સંતાનોને 20થી 30 વર્ષના સમયગાળામાં રહેવા માટે સલામત દેશ મળશે ખરો? આપણી યુનિવર્સિટીઓ તો કટ્ટરવાદીઓના હાથમાં જ આવી ગયેલી છે જેના એકેડેમિક્સની પૂર્ણકાલીન કામગીરી હિન્દુવિરોધી અને ભારતવિરોધી રહેવાની જ છે. આપણે ત્યાં નાગરિક સંસ્થાઓ છે જેઓ ઈસ્લામોફોબીઆની ભ્રષ્ટ-વિકૃત વ્યાખ્યાને આગળ ધપાવી રહેલ છે. એવી વ્યાખ્યા કે જેના લક્ષણો જ ઈશનિંદા-બ્લેસ્ફેમી કાયદાને પાછલા બારણેથી પ્રવેશ આપવાના અને ઈસ્લામવાદીઓની શેતાની વિચારધારાના કોઈ પણ પડકારને અવરોધી નાખવાના છે. ડાબેરી રાજકારણીઓ અને રાજકીય પક્ષો આ વ્યાખ્યાને અપનાવવા દોડધામ કરી રહ્યા છે. જો લેબર પાર્ટી આગામી ઈલેક્શનમાં વિજય મેળવશે તો આવી વ્યાખ્યાને કાયદાનું સ્વરૂપ આપી દેવાશે ત્યારે જ્યુઈશ અને ઈન્ડિક કોમ્યુનિટીઓ માટે શું પરિણામો સર્જાશે તેની તમે કલ્પના પણ કરી શકો છો ખરાં?

8 માર્ચ, 2024ના ઈન્ટરનેશનલ વિમેન્સ ડે એ યુનાઈટેડ નેશન્સ (UN) હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ સમક્ષ શરીઆ દ્વારા સ્ત્રીઓનાં માનવ અધિકારોના ઉલ્લંઘનની અવિરત પેટર્ન બાબતે વિશ્વસનીય રીતે પ્રમાણિત કરાયેલી સંપૂર્ણ અને સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી. શું આ ફરિયાદ પર કોઈ વિચારણા કરાશે? આ ફરિયાદનો કેન્દ્રીય વિચાર નક્કર છે અને તેને વિસ્તારી પણ શકાય છે કે શું શરીઆ તમામ લોકોના માનવ અધિકારો અને લોકશાહી પ્રક્રિયા સાથે સુસંગત છે? આપણે જે રીતે આતંકવાદી સંગઠનો કે જૂથોને પ્રતિબંધિત ઠરાવીએ છીએ તેમ શરીઆને પ્રતિબંધિત જાહેર કરવાની હિંમત આંતરરાષ્ટ્રીય સમુદાય દેખાડી શકશે ખરો?

ગત સપ્તાહે મેં સ્પષ્ટપણે દર્શાવ્યું હતું કે જ્યોર્જ ગેલોવે માત્ર મુસ્લિમ વોટના કારણે જ પાર્લામેન્ટ સુધી પહોંચી શક્યો નથી. રોચડેલમાં 74 ટકા વસ્તી શ્વેત છે જેનો અર્થ એ થાય કે આપણી પાસે હવે એવા શ્વેત બ્રિટિશરો છે જેઓ કટ્ટર ઈસ્લામિસ્ટ્સના એજન્ડાને સક્રિયપણે પ્રોત્સાહિત કરી રહ્યા છે. તમે કદાચ કહેશો કે આ વિશ્વ ગાંડુ થઈ ગયું છે. હા, કદાચ વિશ્વ ખરેખર પાગલ થઈ ગયું છે પરંતુ, તેનાથી પણ ખરાબ બાબત એ છે કે આપણી કોમ્યુનિટીની બેદરકારી કે લાપરવાહી જ આપણને નુકસાન કરવા ઈચ્છતા લોકોનું તુષ્ટિકરણ કરી રહેલ છે. આપણા મિલિયોનેર્સ અને બિલિયોનેર્સ પણ આપણા વિરુદ્ધ સક્રિયપણે કાર્યરત સંસ્થાઓ-સંગઠનોને મબલખ નાણા આપવામાં ધૂમ ખર્ચ કરી રહ્યા છે. આપણી કોમ્યુનિટીઓએ જીવનના મોટા ભાગના ક્ષેત્રોમાં ભારે સફળતા પ્રાપ્ત કરી છે આમ છતાં, જ્યાં વાસ્તવિક આવશ્યકતા હોય તેવા ક્ષેત્રોમાં આપણી સત્તા અથવા પ્રભાવ તો શૂન્ય જ છે. આ બાબત ઘણું કહી જાય છે. જો વિશ્વભરની ઈન્ડિક કોમ્યુનિટીઓ જાગશે નહિ અને આ બધા દેશોમાં તેમના હિતોનું રક્ષણ નહિ કરે તો તેમને ઘણી ઝડપથી સમજાઈ જશે કે આપણું ભાવિ કાળું ધબ્બ જ છે. શું અંત એકદમ નજીક છે? આપણે આવાં અનિચ્છિત પરિણામથી ઘણા દૂર રહ્યા નથી. સ્વામી વિવેકાનંદજીના પ્રસિદ્ધ શબ્દોને યાદ કરીએ,‘ ઉઠો, જાગો અને લક્ષ્યપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અટકશો નહિ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter