આપણે કોને અને શા માટે વોટ આપવો જોઈએ?

પ્રિયંકા મહેતા Wednesday 04th December 2019 02:49 EST
 
 

લંડનઃ નંબર ૧૦માં સત્તાસ્થાને બેસવાની સ્પર્ધા હવે આખરી તબક્કામાં પહોંચી છે અને રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. મતદારો તો મૂંઝવણ અને જવાબદારીની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પાંચ વર્ષમાં ત્રીજી વખત ચૂંટણીઓ આવી છે ત્યારે તેમણે રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોમાંથી કોની પસંદગી કરવી તેની મોટી અસમંજસ છે.

૨૦૧૧ના સેન્સસ રિપોર્ટ મુજબ બ્રિટિશ વસ્તીમાંથી માત્ર સાત ટકાએ જ પોતાની ઓળખ એશિયન અથવા બ્રિટિશ એશિયન તરીકે આપી છે. આ પછીના વર્ષોમાં આ વસ્તીનો આંક ઘણો વધી ગયો છે અને ચોક્કસ સંખ્યા આપી શકાય તેવો સ્પષ્ટ ડેટા પણ નથી. આમ છતાં, ગત દાયકામાં આ કોમ્યુનિટીએ ઉદ્યોગસાહસિકતાનો જે પગ જમાવ્યો છે તેને ધ્યાને લેતાં તમામ રાજકીય પક્ષો માટે એશિયન વોટનું ભારે મહત્ત્વ છે. ઈયુમાં રહેવું કે બહાર જવું, NHS ના અંશતઃ ખાનગીકરણ વિરુદ્ધ હેલ્થ બજેટમાં વૃદ્ધિ, ઈમિગ્રેશન સંખ્યા ઘટાડવા પર ભારે દબાણ વિરુદ્ધ યુકેમાં ઈયુ નાગરિકોની મુક્ત અવરજવર સહિતના ઘર્ષણો સ્ટોક માર્કેટ્સને સતત જોલાવતાં રહે છે. જોકે, બ્રેક્ઝિટ સિવાયની પણ ઘરેલું નીતિઓ અને સમસ્યાઓ છે જેને મત આપતી વેળાએ ધ્યાનમાં રાખવી આવશ્યક છે.

બ્રેક્ઝિટનો દડો હજુ લોકોની કોર્ટમાં?

દરેક પાર્ટીઓ અને ખાસ કરીને બ્રેક્ઝિટ પાર્ટી અને લિબરલ ડેમોક્રેટ્સ રહેવું કે છોડવુંની મથામણવાળી બેઠકો પર પગદંડો જમાવવાની કસરત કરી રહી છે ત્યારે પ્રચારયુદ્ધમાં બ્રેક્ઝિટ રણનીતિનો મુદ્દો પ્રથમ છે.

કન્ઝર્વેટિવ પાર્ટી તો જ્હોન્સને ઈયુ સાથે વાટાઘાટ કરેલી સમજૂતીને પસાર કરાવવા ઈચ્છે છે. આનો અર્થ એ છે કે ટોરીઝ ઈયુની બહાર બિઝનેસ લઈ જવાના આશાવાદી છે તેમજ કોમનવેલ્થ દેશો અને વિશેષ તો ભારત સાથે વેપારસંબંધો અને રોકાણની તક વધારવા માગશે. જ્હોન્સન સરકાર દ્વારા યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો યોજાય તેવી શક્યતા વધુ જણાય છે.

આનાથી વિપરીત, લેબર પાર્ટીએ તો ‘બ્રેકિઝિટનો દડો લોકોની કોર્ટ’માં જ મૂક્યો છે. જો લેબર ચૂંટાય તો ત્રણ મહિનામાં ઈયુ સાથે નવી સમજૂતીની વાટાઘાટોની તેની દરખાસ્ત છે. આ સમજૂતી પણ સત્તા પર આવ્યાના છ મહિનામાં લોકો સમક્ષ મૂકાશે એટલે કે રેફરન્ડમ લેવાશે. આ જનમત માત્ર સલાહ જેવો નહિ પણ કાયદેસર બંધનકર્તા રહેશે. તેમાં યુકે માટે કસ્ટમ્સ યુનિયન અને સિંગલ માર્કેટ સાથે ગાઢ જોડાણનો પણ સમાવેશ હશે.

બીજી તરફ, લિબરલ ડેમોક્રેટ્સ બહુમતી મેળવી શકે તો આર્ટિકલ ૫૦ ને રદ કરી બ્રેક્ઝિટનો અંત આણવાની પોતાની નીતિને વળગી રહેવા માગે છે જ્યારે બ્રેક્ઝિટ પાર્ટી WTOની શરતોએ નોૃડીલ બ્રેકિઝિટના માર્ગે આગળ વધવા તત્પર છે.

ઈમિગ્રેશન નીતિ વિશે ભારે ચર્ચા

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની નીતિ મુજબ કન્ઝર્વેટિવ્ઝ ઓસ્ટ્રેલિયન સ્ટાઈલની પોઈન્ટ આધારિત ‘નિશ્ચિત અને વાજબી’ ઈમિગ્રેશન સિસ્ટમ દાખલ કરવાની દરખાસ્ત આગળ વધારવા માગે છે. આ સિસ્ટમ હેઠળ મોટા ભાગના લોકો યુકેમાં પ્રવેશ કરે તે અગાઉ તેમની પાસે નોકરીની સ્પષ્ટ ઓફર હોય તે આવશ્યક રહેશે. આ સાથે તેઓ દેશમાં પ્રવેશતાં ઓછી કુશળતા સાથેના ઈમિગ્રન્ટ્સ અને સમગ્રતયા લોકોની સંખ્યા મમર્યાદિત કરવા માગે છે. તેમણે દેશપારના લાયકાત ધરાવતા , સારું ઈંગ્લિશ બોલી શકતા અને NHS પાસેથી નોકરીની ઓફર હોય તેવાં ડોક્ટર્સ, નર્સીસ અને અન્ય હેલ્થ પ્રોફેશનલ્સ માટે ‘NHS Visa’ પણ દાખલ કર્યા છે.

બીજી તરફ, લેબર પાર્ટી અલગ વિચાર ધરાવે છે. જો યુકે બીજા રેફરન્ડમમાં ઈયુ સાથે રહેવાનો મત વ્યક્ત કરે તો પાર્ટી ઈયુમાં મુક્ત અવરજવર ચાલુ રાખવા ઈચ્છે છે.જો યુકે ઈયુ છોડવા ઈચ્છે તો ઈમિગ્રેશન અધિકારો સમજૂતી હેઠળ વાટાઘાટોને પાત્ર રહેશે. જોકે, મુક્ત અવરજવરથી પ્રાપ્ત ફાયદાને તે સ્વીકારે છે. આ ઉપરાંત, તેઓ લઘુતમ આવકની આવશ્કતાઓના અંત તેમજ ચોક્કસ ક્ષેત્રોમાં તંગી ઘટાડવા-જગાઓ પૂરવા વર્ક વિઝામાં ફેરફાર કરવાની દરખાસ્તો પણ ધરાવે છે.

બ્રેક્ઝિટ પાર્ટીએ હજુ સુધી સ્પષ્ટ ઈમિગ્રેશન નીતિ જણાવી નથી પરંતુ, સંખ્યામાં કાપ મૂકવા પર ભાર મૂક્યો છે. જ્યારે લિબરલ ડેમોક્રેટ્સ થેરેસા મેની ‘દુશ્મનાવટપૂર્ણ વાતાવરણ’ની નીતિ બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ ઈયુ દેશોમાં અવરજવરની સ્વતંત્રતાનું રક્ષણ કરશે તેમજ હોમ ઓફિસ પાસેથી વર્ક પરમિટ અને સ્ટુડન્ટ વિઝાની જવાબદારી પાછી ખેંચી એજ્યુકેશન અને બિઝનેસના વિભાગોને સુપરત કરશે.

NHS, ૬૫થી વધુ વયના માટે મફત સોશિયલ કેર અને ૫૦,૦૦૦ નર્સીસ?

એમ જણાય છે કે કન્ઝર્વેટિવ પાર્ટીએ NHSના અંશતઃ ખાનગીકરણની દરખાસ્ત મુદ્દે પીછેહઠ કરી છે. હવે તેમણે NHS માટે ૨૦૨૪ સુધીમાં વાર્ષિક વધારાના ૩૪ બિલિયન પાઉન્ડના ભંડોળ જેટલો મહત્ત્વના ખર્ચાઓ કરવાનું વચન આપ્યું છે. વધારાની ૫૦,૦૦૦ નર્સીસ સાથે GP સર્જરીઝ માટે ૬,૦૦૦ વધુ ડોક્ટર્સ તેમજ ફીઝિયોથેરાપિસ્ટ્સ અને ફાર્માસિસ્ટ્સ જેવા પ્રાથમિક સંભાળના વધારાના ૬,૦૦૦ સ્ટાફની ભરતી કરવામાં આવશે.

બીજી તરફ, લેબર પાર્ટીએ વાર્ષિક ડેન્ટલ તપાસ તેમજ પેશન્ટ્સ, સ્ટાફ અને મુલાકાતીઓ માટે ફ્રી પાર્કિંગ જેવી નવી નિઃશુલ્ક સુવિધાની ઓફર કરી છે. અન્ય દરખાસ્ત સરકારી નિયંત્રણ હેઠળ જેનરિક ડ્રગ કંપનીની છે જે NHS માટે સસ્તી દવાઓનું ઉત્પાદન કરશે. તેમણે વધુ એવો સંકેત પણ આપ્યો છે કે વૃદ્ધ લોકોને કેર હોમ્સમાં રહેવાના ખર્ચના ફંડ માટે ૧૦૦,૦૦૦ પાઉન્ડ જેટલી ફરજિયાત ચુકવણી કરવી પડશે. તેઓ ૬૫થી વધુ વયના તમામ લોકો માટે મફત ‘પર્સનલ કેર’ની સુવિધા પણ આપશે જેમાં સરકાર ડ્રેસિંગ, વોશિંગ અને ભોજન પૂરું પાડવાના ખર્ચામાં લોકોને મદદ કરશે.

લિબરલ ડેમોક્રેટ્સ કહે છે કે તેઓ NHSને ૨૦૨૩-૨૪ સુધીમાં ઈન્ફ્લેશનથી ઉપર વધારાના વાર્ષિક ૨૬ બિલિયન પાઉન્ડ તેમજ સોશિયલ કેર માટે ૩ બિલિયન પાઉન્ડનું ભંડોળ આપશે.

નેશનલ લિવિંગ વેજ, પર્સનલ ટેક્સ ટ્રિપલ લોક, મફત ચાઈલ્ડ કેર અને યુનિવર્સલ ક્રેડિટ મુદ્દે શું?

ચાન્સેલર સાજિદ જાવિદે પ્રતિ કલાક ૮.૨૧ પાઉન્ડના વર્તમાન નેશનલ લિવિંગ વેજને પાંચ વર્ષમાં વધારી પ્રતિ કલાક ૧૦.૫૦ પાઉન્ડ કરવાની ખાતરી ઉચ્ચારી છે. પેન્શનરોને લાભ કરી આપવા કન્ઝર્વેટિવ પાર્ટીએ પર્સનલ ટેક્સેશન પોલિસી પર ટ્રિપલ લોક યથાવત રાખવાની પણ ખાતરી આપી છે. ટ્રિપલ લોક દર વર્ષે વેતનવૃદ્ધિ, ઈન્ફ્લેશન અથવા ૨.૫ ટકા વધારા સાથે સરકારી પેન્શન્સમાં વધારાની ગેરંટી આપે છે. ઈન્કમટેક્સ, નેશનલ ઈન્સ્યુરન્સ અથવા VATના દરોમાં કોઈ વધારો ન કરવાને ટ્રિપલ લોક કહેવાય છે.

બીજી તરફ, લેબર પાર્ટીએ ટોરી પાર્ટી દ્વારા દાખલ કરાયેલી યુનિવર્સલ ક્રેડિટ સિસ્ટમ રદ કરી વૈકલ્પિક સિસ્ટમ દાખલ કરવાની દરખાસ્ત કરી છે. તેમણે એપ્રિલ ૨૦૨૦માં પબ્લિક સેક્ટરમાં પગારમાં પાંચ ટકા સુધી વધારવાની તેમજ આ પછી, ૨૦૧૦થી સ્થગિત કરાયેલા વેતનને સરભર કરવા દર વર્ષે ઈન્ફ્લેશનથી ઉપર વધારવા દરખાસ્ત કરી છે. પાર્ટીનો દાવો છે કે એક દાયકાની અંદર કામકાજના ૩૨ કલાકનું સપ્તાહ દાખલ કરવાનું છે તેનાથી ‘ઉત્પાદનમાં વૃદ્ધિ’ના પરિણામે પગારમાં કોઈ નુકસાન થશે નહિ.

દરમિયાન, લિબરલ ડેમોક્રેટ્સ તમામ વર્કિંગ પેરન્ટ્સને નવ મહિનાના બાળકો તેમિજ બે વર્ષની વયના બાળકો ધરાવતા તમામ પેરન્ટ્સને મફત ચાઈલ્ડ કેર પૂરું પાડવાનું વચન આપી રહ્યાં છે.

સંસ્થાનવાદનું શિક્ષણ અપાશે પરંતુ એન્ટિ-સેમેઝિટમ બદલ માફી નહિ

લેબર પાર્ટીએ ૨૬ નવેમ્બરે ‘રેસ એન્ડ ફેઈથ’ વિશે ખાસ મેનિફેસ્ટો પણ જાહેર કર્યો છે જેમાં, બાળકોને સંસ્થાનવાદ, અન્યાય અને બ્રિટિશ સામ્રાજ્ય વિશે શીખવવાની દરખાસ્ત છે. તેમણે ‘એમ્નિસિપેશન એજ્યુકેશનલ ટ્રસ્ટ’ સ્થાપવાની દરખાસ્ત કરી છે જે ઐતિહાસિક અન્યાય, સંસ્થાનવાદ અને બ્રિટિશ સામ્રાજ્યની ભૂમિકા ‘નેશનલ ક્યુરિક્યુલમ’માં શીખવાય તેની ચોકસાઈ રાખશે. લેબર પાર્ટીની ચૂંટણી અગાઉની દરખાસ્તો વંશીય લઘુમતી અને ધર્મ આધારિત કોમ્યુનિટીઓને રોજગાર, શિક્ષણ અને જાહેર જીવનમાં પ્રતિનિધિત્વ વિશે નોંધપાત્ર અસમાનતાઓનો સામનો કરવો પડે છે તે ઘટાડવા માટે છે. આથી, જો તેઓ ૧૨ ડિસેમ્બરની તત્કાળ ચૂંટણીમાં જીતશે તો લઘુમતી વંશીય શિક્ષકોના ઓછાં પ્રતિનિધિત્વ તેમજ અતિ જમણેરી કટ્ટરવાદની સમીક્ષાઓ પણ કરાવશે. આ ઉપરાંત, ટ્રેઝરી ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં રેસ ઈક્વલિટી યુનિટ સ્થાપવા માગે છે જે વંશીય લઘુમતી કોમ્યુનિટીઓ માટે ખર્ચાઓની પ્રતિબદ્ધતાની અસર જોવાં અને રેસ-જાતિના આધારે વેતનમાં ભેદભાવનો મામલો હાથ ધરશે.

એન્ટિ-સેમેઝિટમ તપાસણી

લેબર પાર્ટીમાં કથિત એન્ટિ-સેમેઝિટમ (યહુદીવાદ વિરોધ) સંદર્ભે અનેક ફરિયાદ મળવાથી જાહેર સંસ્થા ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશન (EHRC) દ્વારા પાર્ટી સામે હાલમાં તપાસ હાથ ધરાઈ છે. વ્યક્તિઓ જ્યુઈશ (યહુદી) હોવાના કારણે પાર્ટી દ્વારા તેમની કનડગત, તેમની સાથે ગેરકાયદે ભેદભાવ અથવા હેરાન કરાયા છે કે કેમ તેનો નિર્ણય આ તપાસ કરશે. પાર્ટીએ આવી ફરિયાદોનો કાયદેસર, કાર્યક્ષમ અને અસરકારક રીતે પ્રતિભાવ આપ્યો છે કે કેમ તેની તપાસ પણ કમિશન દ્વારા કરાશે.

તાજા ઘટનાક્રમમાં તો લેબરનેતા જેરેમી કોર્બીને બ્રિટિશ યહુદી કોમ્યુનિટીની માફી માગવા ઈનકાર કર્યો છે. ચીફ રેબી એફ્રાઈમ મિરવિસે ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો છે જેમાં રેબીએ ભારપૂર્વક કહ્યું હતું કે, લેબર પાર્ટીમાં એન્ટિ-સેમેટિઝમનો મુદ્દો હાથ ધરવામાં કોર્બીનની નિષ્ફળતા પછી જો લેબર પાર્ટી ચૂંટણીમાં વિજયી બનશે તો બ્રિટનની ‘નૈતિક વ્યાપકતા’ ફંટાઈ જશે. પોતાના આર્ટિકલમાં મિરવિસે કોર્બીન અથવા તેમની પાર્ટી વિશે નવા કોઈ આક્ષેપો કર્યા ન હતા પરંતુ, જણાવ્યું હતું કે પાર્ટીમાં એન્ટિ-સેમેઝિટમ સમસ્યા ઉકેલવા જે કરવા યોગ્ય હોય તે તમામ કરાઈ રહ્યું હોવાનો લેબર પાર્ટીનો દાવો ‘અસત્ય કલ્પના’ માત્ર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter