આ સપ્તાહે મને સારા નસીબે અન્ય ધર્મયોદ્ધા શ્રી રાજીવ મલ્હોત્રાને હાઉસ ઓફ કોમન્સમાં સાંભળવાની તક સાંપડી હતી. તેઓ પોતાના નવા પુસ્તક ‘સ્નેક્સ ઈન ધ ગંગા’ના લોકાર્પણ માટે યુકે આવ્યા હતા. આ પુસ્તકમાં ભારત કેવી રીતે જાણ્યા અને અજાણ્યા પરિબળો-તાકાતોનાં આક્રમણ હેઠળ છે તેનો પર્દાફાશ કરાયો છે. આ નવા યુગના સામૂહિકપણે મગજને દિશા-દોરવણી આપતા સાધનો આપણા પોતાના જ વિનાશનું ચોક્કસ વાવાઝોડું સર્જવાની ગર્ભિત ક્ષમતા સાથે એકબીજાની નિકટ આવી રહ્યા છે તે પણ વિચારનો વિષય છે.
એક સમયનો માર્ક્સવાદ ‘ક્રિટિકલ રેસ થીઅરી’ના નવા સ્વરૂપે બહાર આવ્યો છે જેણે યુએસ એકેડેમીઆના સારતત્વને સંક્રમિત કરી નાખેલ છે. હવે આ જ પાગલપનનો ઉપયોગ કાસ્ટ કે જ્ઞાતિને જાતિની સાથે એકસમાન ગણાવવા માટે થઈ રહ્યો છે અને હિન્દુઓનું નીચાજોણું કરાવવા સાથે જોડી દેવાઈ રહ્યો છે. જો તમને પાગલપન શબ્દ વધુપડતો જણાતો હોય કે બરાબર સમજાતો ન હોય તો જરા આ રીતે સમજો. તેમની આ નવી થીઅરી ભારતની હાંસિયામાં ધકેલાયેલી કોમ્યુનિટીઓને ‘અશ્વેત’ તરીકે ગણાવે છે. જરા થોભો તો ખરાં, તેઓ બ્રાહ્મણોને ભારતના ‘શ્વેત’ લોકો સાથે સરખાવે છે. મને ખાતરી છે કે આવી થીઅરી આવશે તેની તમે કદી કલ્પના પણ કરી નહિ હોય.
હાર્વર્ડ યુનિવર્સિટી આ નવતર સામાજિક પરિકલ્પનાઓ-થીઅરીઓનું વૈશ્વિક કેન્દ્રબિંદુ-એપીસેન્ટર બની ગઈ છે અને વધુ આશ્ચર્યની વાત એ છે કે તેને ભારતીય વિદ્વાનો, કર્મશીલો, જર્નાલિસ્ટ્સ અને કળાકારોની મદદથી વિકસાવાઈ છે. આ તો ભારતના સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો જ ઉભો કરી શકે છે. બીજી તરફ, ચીન અને યુએસએ જેવા દેશો તો ભારતને નિર્બળ બનાવવાની આ તકનો ફાયદો ઉઠાવવા તૈયાર જ બેઠા છે.
હવે તમે પ્રશ્ન કરશો કે આ બધી બાબતોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિપ્રતિભા - AI) સાથે શું લાગેવળગે? તો વાત એવી છે કે રાજીવજીએ ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ધ ફ્યુચર ઓફ પાવર’ નામનું પુસ્તક પણ લખ્યું છે જેમાં, AI સંબંધિત કેટલીક રસપ્રદ હકીકતોની સાથોસાથ તેનો વિકાસ ચિંતાજનક રીતે ગણ્યાગાંઠ્યા કુલીન કહેવાતા લોકો અને સરકારોનાં હાથમાં છે તેના વિશે જણાવાયું છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આપણે જીવન જાળવવા શ્વાસમાં લઈએ છીએ તેવી હવા જેવી છે. આપણી માનવજાતના દરેક ક્ષેત્રમાં તેનો પગપેસારો શરૂ થઈ ગયો છે. તે માત્ર અંશતઃ દૃષ્ટિગમ્ય છે પરંતુ, તેના સુક્ષ્મ અવયવોએ સમગ્ર દુનિયાને આવરી લીધી છે. તેની પાસે મહાન કલ્યાણ કરવાની શક્તિ છે પરંતુ, જો આ હવા ચેપગ્રસ્ત બની જાય તો તેનાથી આપણને સહુને નુકસાન થશે અને કરશે. રાજીવજી કહી શકે છે તેમ જો તમે સોશિયલ મીડિયાના ઉન્માદી વ્યક્તિ હો અથવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પ્રખર પ્રેમી-પ્રશંસક હો અથવા તો વિકૃત શંકાશીલ હો તો AIની સર્વવ્યાપી અસરથી બચવું તદ્દન અશક્ય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તો ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, નેનો ટેકનોલોજી, મેડિકલ ટેકનોલોજી, બ્રેઈન-મશીન ઈન્ટરફેસ, એરોસ્પેસ, રોબોટિક્સ, 5G, ઈન્ટરનેટ ઓફ થીંગ્સ અને ઘણીબધી બાબતોને એકસાથે લાવવા પાછળનું બ્રેઈન છે.
ભૂતકાલીન સામ્રાજ્યો તો અતિ જંગલિયાત અને શક્તિશાળી શસ્ત્રોના ઉપયોગ પર આધારિત હતા તેનાથી વિપરીત,આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ખામોશ-મૌન હત્યારો છે. આ પૃથ્વી ગ્રહ પર પ્રત્યેક ડિજિટલ નેટવર્કને વીજળીવેગે સંક્રમિત કરવાની તેની બુનિયાદી શક્તિની વાત કરીએ તો વાઈરસીસને પણ શરમાવી શકે છે. વર્તમાનમાં આપણી પાસે કોઈ જાણીતો ઉપચાર નથી સિવાય કે આપણે ખુદ જાગરુકતા કેળવીએ.
આ AI ના પગલે આવનારી ક્રાંતિ માનવજાતના અલગ અલગ વિભાગો પર અસમાન અસર પાડશે. નવા ઉભરી રહેલા વિજેતા અને પરાજિતોના પરિણામે સંપત્તિ અને સત્તા માત્ર થોડાં લોકોના હાથોમાં સંકેન્દ્રિત બની રહે તો જરા પણ આશ્ચર્ય પામશો નહિ. આપણે જ્યારે આ બે પુસ્તકોને એક સાથે રાખીએ ત્યારે આપણને એ સમજાવા લાગશે કે જેઓ AI અલ્ગોરિધમ્સ પર અંકુશ ધરાવશે અને નવા યુગની માઈન્ડ મેપિંગ મેથેડોલોજીસનો ઉપયોગ કરશે, તેઓ પોતાના માટે માત્ર સામાજિક સમસ્યાઓ પ્રતિ જાગૃતિ ઉભી કરવા (wokeism) માટે જ નહિ પરંતુ, પૂર્વનિર્ધારિત પરિણામો હાંસલ કરવાની ચોકસાઈ માટે પ્રત્યેક નિર્ણયકર્તા સંસ્થા-સંગઠનો અને તેની પદ્ધતિઓમાં ઘૂસણખોરી કરવાના વૈશ્વિક સુપરહાઈવેનું સર્જન કરી શકશે. વર્તમાનમાં યુએસએ અને ચીન (અથવા એમ કહું કે તેમના ખાનગી સાહસો અને કંપનીઓ) આ બાબતે અગ્રેસર છે. યુરોપ હમણા ખુશામતિયું છે જ્યારે, ભારત એવું ગુલામ છે જે દિમાગ-બુદ્ધિમતાની નિકાસ કરે છે જેનો ઉપયોગ ભારતને જ ખોખલું બનાવવામાં થઈ રહ્યો છે.
આપણા પૃથ્વી ગ્રહ પર અત્યાર સુધી અસ્તિત્વમાં આવેલા પ્રત્યેક સામ્રાજ્યનો સરવાળો કરીએ તેનાથી પણ AI વધુ શક્તિશાળી છે. ભારત માટે આ સંદેશો સ્પષ્ટ અને પ્રબળ છે. એક વખત તમારા રાષ્ટ્રહિત માટે ગુલામીની માનસિકતા ફગાવી દેવાનો તેમજ માનવતાની દીવાદાંડી બનવા અને આ નવતર ટેકનોલોજીના સાચા ઉપયોગ માટે વિશ્વના રાહબર બની રહેવાનો સમય પાકી ગયો છે.
શું તમે કલ્પના પણ કરી શકો છો કે AI ધર્મના જ મૂળ તત્વોથી સંચાલિત હશે? આ સત્ય અને ન્યાય માટે જ નિર્મિત સૌથી શક્તિશાળી નિર્ણય પ્રક્રિયાનું એન્જિન છે. તે માનવજાતને ખુદ તેનાથી બચાવશે. પરંતુ, આ શક્ય ત્યારે જ બનશે જ્યારે ભારત આ ક્ષેત્રમાં પ્રવેશે અને તેના પર પ્રભુત્વ હાંસલ કરે.
આપણે ક્રિશ્ચિયન અને ઈસ્લામિક સામ્રાજ્ય નિર્માણના પાગલપનની 20 સદીઓ નિહાળી છે. આપણે તેઓ AIને પોતાના નવા ઈશ્વર તરીકે પ્રસ્થાપિત કરે અને શોષણ કરવાનું ચાલુ રાખે તે ચલાવી શકીએ નહિ, તેની છૂટ આપી ન શકીએ. આપણી સર્વમાન્ય માનવતાને ખાતર આપણે એવી આશા રાખીએ કે આપણી આવતી કાલને બચાવવા આજે ધર્મનો વિજય થાય.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


