આવો આપણે બાળપણ બચાવીએ

રુચિ ઘનશ્યામ Wednesday 07th December 2022 05:58 EST
 
 

થોડા સપ્તાહ પહેલાં મેં એક વોટ્સએપ ગ્રુપમાં કોઇકે મોકલેલી શોર્ટ વીડિયો ફિલ્મ જોઇ. વર્તમાન સમયમાં ટેકનોલોજીની મદદથી શોર્ટ ફિલ્મ બનાવવી અત્યંત સરળ થઇ પડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર દરરોજ આપણને અનિચ્છનિય વીડિયો મળતા રહે છે. અન્યની જેમ હું પણ વોટ્સએપમાંથી હું આ પ્રકારના વીડિયો ડિલીટ કરી દઉ છું. પરંતુ આ વીડિયોમાં કંઇક ધ્યાનાકર્ષક હતું. તે એક બાળશ્રમિકો પરની શોર્ટ ફિલ્મ હતી અને તે જોઇને મને ખુશી થઇ હતી.

બૈતુલ્લાહ નામની આ શોર્ટ ફિલ્મ બૈતુલ્લાહ નામના કિશોરની છે જે એક ચ્હાની દુકાન પર કામ કરે છે. સૂર્યોદય થાય તે પહેલાં જ દુકાનમાલિક 12 ગ્લાસ ધરાવતી વાયર ટ્રેમાં ચ્હા ભરી દે છે અને બૈતુલ્લાહ દરરોજ દુકાનોથી પ્રાઇવેટ ઘરો સુધી જઇને લોકોને મોર્નિંગ ટી પહોંચાડે છે. દિવસના બાકીના સમયમાં પણ આ સિલસિલો ચાલતો જ રહે છે. બૈતુલ્લાહ તંદુરસ્ત અને ખુશ દેખાય છે. આવા તો ઘણા બાળકોને આપણે ચ્હા વેચતા જોયાં છે તેથી બૈતુલ્લાહની દિનચર્યા પર કોઇ સવાલ ઉઠતો નથી. પરંતુ જ્યારે તે ફળોથી ભરેલી ડીશ જુએ છે અને શાળાએ જતાં બાળકોને જુએ છે ત્યારે તેની સ્થિતિ યોગ્ય નથી તેની અનુભૂતિ થાય છે. આ ક્ષણે એમ લાગે કે ચહેરા પર સ્મિત સાથેનો આ ખુશ દેખાતો બાળક તેના બાળપણને ગુમાવી રહ્યો છે. ફિલ્મના અંત ભાગમાં ચ્હાની દુકાનનો માલિક તેને ગ્લાસ તોડી નાખવા માટે લાફો ઝિંકી દે છે. બૈતુલ્લાહ ગુસ્સે થઇ જાય છે. ત્યારે એક પોલીસ અધિકારી આવીને તેને સવાલ કરે છે કે તે શાળાએ કેમ જતો નથી. બૈતુલ્લાહ જવાબ આપે છે કે મારું સ્વપ્ન પોલીસ અધિકારી બનવાનું છે અને તે માટે મારે શું કરવું જોઇએ.. બીજી જ ક્ષણે બૈતુલ્લાહ હાથમાં ઝાડુ ઉઠાવીને પોતાના દુર્ભાગ્યને આધીન થઇને તૂટેલા ગ્લાસના ટુકડા એકઠા કરવા લાગે છે.

અંતે આ શોર્ટ ફિલ્મ આપણને યાદ અપાવે છે કે દરેક બાળકનું એક સ્વપ્ન હોય છે અને તેણે આજીવન તેના સ્વપ્નના તૂટેલા ટુકડા એકઠાં કરવામાં વીતાવી દેવું જોઇએ નહીં. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના 2016ના રિપોર્ટના આંકડા દર્શાવે છે કે આખા વિશ્વમાં 15 કરોડ 20 લાખ બાળકોને 5થી 16 વર્ષની આયુ દરમિયાન બાળમજૂરીમાં ધકેલી દેવાય છે. યુનેસ્કોના 2017ના જીએમઆર રિપોર્ટ અનુસાર વિશ્વમાં 26 કરોડ 40 લાખ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે.

આ આંકડા તાજેતરના નથી પરંતુ આપણે જાણીએ છીએ કે કોરોના મહામારી પરિવારો અને વિશેષ બાળકો માટે હોનારતસમાન પૂરવાર થઇ. ઘણા બાળકો અનાથ બન્યાં અથવા તો પરિવારનો કમાઉ સભ્ય ગુમાવી બેઠાં. ઘણાએ રોજગાર ગુમાવી દીધાં. જે બાળકોના માતાપિતા હયાત રહ્યાં અને નોકરીઓ પણ યથાવત રહી તેવા પરિવારના બાળકોને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં સંઘર્ષ કરવો પડ્યો. શાળા સાથે સંપર્કમાં રહેવા માટે ભાઇબહેનો વચ્ચે ફક્ત એક જ મોબાઇલ ફોન ઉપલબ્ધ રહેતો હતો.

બૈતુલ્લાહ ફિલ્મ સમગ્ર વિશ્વમાં બાળપણ ગુમાવી બેઠેલાં કરોડો બાળકોની યાદ અપાવે છે. આ ફિલ્મ મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા સ્પોન્સર કરાઇ છે. મારી મિત્ર રિતુ પ્રકાશ છાબરિયા તેની મેનેજિંગ ટ્રસ્ટી છે. આ સંસ્થા ફક્ત બાળકો મધ્યે જ નહીં પરંતુ મહિલાઓ અને વ્યંડળો મધ્યે પણ કામ કરે છે. તે ભારતમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટ સાથે મળીને બાળમજૂરી નાબૂદી અને મધ્યપ્રદેશ તથા બિહારમાં બાળકોની તસ્કરી અટકાવવા જેવા કામ કરી રહી છે. મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા બેઘર બાળકો અને શાળાઓમાં ભોજન અપાય છે. બાળકોને સ્કોલરશિપ, સ્ટેશનરી દ્વારા શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાય છે. સંસ્થા દ્વારા બાળકોમાં માનસિક આરોગ્યની જાગૃતિ ફેલાવવા સાથે નિયમિત હેલ્થ કેમ્પ આયોજિત કરાય છે. માનવ તસ્કરીમાંથી બચાવાયેલા બાળકોના પુનર્વસનની કામગીરી સંસ્થા દ્વારા કરાય છે.

વિશ્વ અને ભારતમાં બાળકોના સંરક્ષણ અને ઉછેર માટે ઘણા વ્યક્તિઓ અને સંસ્થાનો સમર્પિત છે. બાળગુલામીમાંથી બાળકોને બચાવવા માટે કૈલાશ સત્યાર્થીને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ઘણી જાણીતી વૈશ્વિક એનજીઓ પણ આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. યુએનની ડેવલપમેન્ટ એજન્સીઓ પણ આ ક્ષેત્રમાં સક્રિય છે. આ બધાને મદદની જરૂર છે.

આપણામાંની દરેક વ્યક્તિ આ ઉમદા સેવાકાર્ય માટે મદદનો માર્ગ શોધી શકે છે. આવો આપણે દરેક બાળકને તેનું બાળપણ આપવાનો પ્રયાસ કરીએ. આવો આપણે બાળપણને બચાવીએ..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter