ઈઝરાયેલ અને ભારત વચ્ચે આઝાદી સહિતની બાબતોમાં સામ્યતા

ઝાકી કૂપર Thursday 16th November 2017 07:17 EST
 

મારી લેખમાળાના ચોથા મણકામાં હું ઝાયોનિઝમ- યહુદી આંદોલન અને ઈઝરાયેલ વિશે કશું જણાવવા માગું છું. મારી તમામ કોલમની માફક હું બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને સુસંગત બાબતોને સ્પર્શવા ઈચ્છું છું. ઈઝરાયેલ અને ભારત વચ્ચે માત્ર ઈતિહાસ જ નહિ, ઘણી બધી બાબતોમાં સામ્યતા જોવા મળે છે. ઈઝરાયેલના યુકેસ્થિત એમ્બેસેડર માર્ક રેગેવે આ વર્ષના જુલાઈમાં એક રિસેપ્શન દરમિયાન નિર્દેશ કર્યો તેમ બંને દેશોએ પોતાની આઝાદી અને સ્વતંત્રતા મેળવવા માટે એક જ બ્રિટિશ સંસ્થાનવાદી સત્તા સામે લડવું પડ્યું હતું. આ ઉપરાંત, બંને દેશ નિર્વાસિતો અને લોકોનાં વિસ્થાપન સાથે વિભાજનની કપરી અને મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થયા છે તેમજ એકસમાન ૧૯૪૦ના દાયકાના ઉત્તરાર્ધના ઐતિહાસિક સમયખંડમાં બંનેએ આઝાદી પ્રાપ્ત કરી છે.

ઝાયોનિઝમ વિશે વાત કરવી પ્રાસંગિક છે કારણકે બીજી નવેમ્બરે બાલ્ફોર ડેક્લેરેશનની શતાબ્દી પૂર્ણ થઈ છે. ૧૯૧૭માં બ્રિટિશ ફોરેન સેક્રેટરી આર્થર બાલ્ફોરે બ્રિટિશ જ્યૂઈશ કોમ્યુનિટીના નેતા લોર્ડ રોથ્સચાઈલ્ડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘હિઝ મેજેસ્ટીની સરકાર પેલેસ્ટાઈનમાં જ્યૂઈશ પ્રજા માટે રાષ્ટ્રીય વતનની સ્થાપનાના મતની તરફેણ કરે છે.’ આ પત્રમાં વધુ લખાયું હતું કે, ‘પેલેસ્ટાઈનમાં વર્તમાન બિનયહુદી કોમ્યુનિટીઓના નાગરિક અને ધાર્મિક અધિકારોને ક્ષતિ પહોંચાડે તેવું કશું જ કરવામાં આવશે નહિ.’ ૧૯૪૮માં ઈઝરાયેલ રાષ્ટ્રની સ્થાપના તરફ દોરી જતા માર્ગમાં બાલ્ફોર ડિક્લેરેશનને નોંધપાત્ર ઐતિહાસિક ઘટના તરીકે નિહાળવામાં આવે છે. તત્કાલીન લોર્ડ રોથ્સચાઈલ્ડે તેનું વર્ણન ‘જ્યૂઈશ ઈતિહાસના ગત ૧૮૦૦ વર્ષમાં સૌથી મહત્ત્વપૂર્ણ પળ’ તરીકે કર્યું હતું.

એ યાદ રાખીએ કે રોમનોએ ૭૦ Ceમાં આક્રમણ કર્યું ત્યારથી યહુદીઓ તેમના માદરેવતન ઈઝરાયેલથી નિષ્કાસિત રહ્યા છે. તેઓ લગભગ ૨૦૦૦ વર્ષ ઈઝરાયેલની બહાર જ રહ્યા છે પરંતુ, હંમેશાં ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણોસર ત્યાં પાછા ફરવાની ઝંખના કરતા રહ્યા છે.

સમગ્ર વિશ્વમાં ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં યહુદીઓ સામે દમન વધતું રહ્યું ત્યારે ઈઝરાયેલ પાછા ફરવાની ઝંખના પ્રબળ બનતી ગઈ, જેમાંથી ઝાયોનિસ્ટ આંદોલને જન્મ લીધો. કેટલાક વર્તુળોમાં ખોટી રીતે તેનો નિંદાત્મક ઉલ્લેખ થયો હોવાં છતાં, ઝાયોનિઝમ માત્ર એવી સાદી માન્યતા જ છે કે યહુદીઓને તેમના માદરેવતનનો અધિકાર મળવો જોઈએ.

તે સમયે પહેલા બૂડાપેસ્ટ અને પછી વિયેનામાં રહેલા થીઓડોર હર્ઝલ (૧૮૬૦-૧૯૦૪) ઝાયોનિસ્ટ આંદોલનની પ્રેરણા બની રહ્યા હતા. હર્ઝલ ફ્રેન્ચ લશ્કરમાં કેપ્ટન આલ્ફ્રેડ ડ્રેફસ સામે જર્મની માટે જાસૂસી કરવાના ખોટા આરોપની ઘટનાથી ભારે ચિંતિત હતા. તેઓ એ નિર્ણય પર પહોંચ્યા હતા કે સમગ્ર યુરોપમાં નિરંકુશ એન્ટિ-સેમિટિઝમનો અર્થ એ છે કે યહુદીઓને સલામત રહેવા માટે માદરેવતનની જરુર છે. તેમણે ‘The Jewish State’ મથાળા સાથેની પ્રસિદ્ધ પત્રિકામાં પોતાની કલ્પના સ્પષ્ટ કરી અને સમર્થન હાંસલ કરવા ૧૮૯૭માં સ્વીટ્ઝર્લેન્ડના બેઝલમાં પ્રથમ ઝાયોનિસ્ટ કોંગ્રેસ બોલાવવા આયોજન કર્યું હતું. રસપ્રદ બાબત એ છે કે હર્ઝલ એક સમયે યુગાન્ડામાં યહુદી રાષ્ટ્ર સ્થાપવાનું વિચારી રહ્યા હતા પરંતુ, મોટા ભાગના યહુદી નેતાઓ માટે તો ઈઝરાયેલ જ માદરેવતન બની શકે તેમ હોવાથી આ વિચારને ખાસ ટેકો મળ્યો નહિ.

ઝાયોનિસ્ટ આંદોલનની છડી આ પછી ચાઈમ વેઈઝમાન (૧૮૭૪-૧૯૫૨)ના હસ્તક આવી હતી. રશિયામાં જન્મેલા આ યહુદી પ્રતિભાવંત વૈજ્ઞાનિક હતા, જેઓ માન્ચેસ્ટ યુનિવર્સિટીમાં યુવાન શિક્ષકનો હોદ્દો સંભાળવા યુકે આવ્યા હતા. ઈંગ્લેન્ડમાં તેમના વસવાટ દરમિયાન તેમની મુલાકાત તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન આર્થર બાલ્ફોર સાથે થઈ હતી. આશરે ૧૦ વર્ષ પછી તેમના વચ્ચે ફરી સંપર્ક સધાયો ત્યારે બાલ્ફોર ફોરેન સેક્રેટરી હતા. વાઈઝમાનની સમજાવટના પરિણામે બાલ્ફોર અને તેમના વડા પ્રધાન લોઈડ જ્યોર્જને યહુદી લોકો માટે રાષ્ટ્રીય માદરેવતનના વિચાર મુદ્દે પ્રતીતિ-ખાતરી થઈ હતી.

બાલ્ફોરે તત્કાલીન ઈંગ્લિશ ભદ્ર સમાજના કેટલાક હિસ્સાના લક્ષણાત્મક કેટલાક એન્ટિ-સિમેટિક નિવેદનો કર્યા હતા પરંતુ, તે ચૂસ્ત ક્રિશ્ચિયન હતા યહુદીઓને ઈઝરાયેલમાં પોતાનો દેશ હોવો જોઈએ તેમ માનતા હતા. લોઈડ જ્યોર્જને પણ કોઈ ક્રિશ્ચિયન ઝાયોનિસ્ટ ગણાવી શકે છે. આશરે ૧૯૨૫માં આપેલા એક પ્રવચનમાં તેમણે પોતાના ઉછેર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મારો અભ્યાસ એવી સ્કૂલમાં થયો હતો, જ્યાં મારા પોતાના વતનના ઈતિહાસ કરતાં યહુદીઓના ઈતિહાસ વિશે મને વધુ શીખવવામાં આવ્યું હતું. હું તમને ઈઝરાયેલના તમામ રાજાઓ વિશે કહી શકું છું પરંતુ, ઈંગલેન્ડના અર્ધો ડઝન રાજાઓ અને વેલ્સના કોઈ રાજાના નામ આપી શકું તે બાબતે મને શંકા છે.’ એ બાબત સ્પષ્ટ છે કે ગરીબ વિદ્વાન ઈમિગ્રન્ટ વેઈઝમાને પોતાના મક્કમ નિર્ધાર અને સમજાવટની કુશળતા થકી બ્રિટિશ સરકારને ૧૯૭૧માં બાલફોર ડિક્લેરેશન તરીકે જાણીતા થયેલા સીમાચિહ્નરુપ પત્ર ઈસ્યુ કરવાનું સમજાવવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. તેણે ગૌરવપૂર્વક આનો ઉલ્લેખ ‘જ્યૂઈશ આઝાદીના મેગ્ના કાર્ટા’ તરીકે કર્યો હતો. તેઓ પાછળથી ઈઝરાયેલના પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા હતા. જોકે, ૧૯૪૮માં ઈઝરાયેલનું સર્જન થાય તે પહેલા ત્રણ દાયકા વીતી ગયા હતા. આ સમયગાળા દરમિયાન યુરોપિયન જ્યૂ પ્રજાએ હોલોકાસ્ટની કરુણાંતિકા સહન કરવી પડી હતી, જેમાં ૬૦ લાખ યહુદીઓ માર્યા ગયા હતા. યહુદીઓનું પોતાનું વતન હોવું જ જોઈએની જરુરિયાતને વધુ મક્કમ બનાવી હોય તો તે હોલોકાસ્ટની બરબાદી-વિનાશ જ હતો.

ભારતની માફક જ ઈઝરાયેલની રચના અને સ્વતંત્રતા તેના હિમાયતી સમર્થકો અને નાયકો સાથે દીર્ઘ ઈતિહાસ ધરાવે છે. ઈઝરાયેલ માટે હર્ઝલ અને વેઈઝમાન છે તે જ રીતે ભારત માટે ગાંધી અને નેહરુ હતા. ઈઝરાયેલના કિસ્સામાં યહુદીઓ માટે માનસિક આઘાત હતો તો વિસ્થાપિત થયેલા આરબોનું મહત્ત્વ પણ સ્વીકારવું રહ્યું. વિસ્થાપિત આરબોની સંખ્યા આશરે ૭૦૦,૦૦૦ હતી. બીજી તરફ, એ મુદ્દે મોટા ભાગે ધ્યાન અપાતું જ નથી કે ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં રાજ્યપ્રેરિત યહુદીવિરોધી નીતિઓના કારણે ૯૦૦,૦૦૦ યહુદીઓએ આરબ ભૂમિમાંથી નાસી જવું પડ્યું હતું.

ભારતની માફક જ ઈઝરાયેલનું સર્જન નોંધપાત્ર ઐતિહાસિક ઘટના હતી, જેની ઉજવણી ભવ્યતા સાથે થવી જોઈએ તે સાચું છે. ધ બાલ્ફોર ડિકલેરેશન આપણને આ રોમાંચક નાટકમાં બ્રિટને ભજવેલી ભૂમિકાની યાદ અપાવે છે.

(લેખક ઝાકી કૂપર ‘ઈન્ડિયન જ્યૂઈશ એસોસિયેશન’ની એડવાઈઝરી કાઉન્સિલમાં સભ્ય છે.) 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter