ઈતિહાસનું આમૂલ પરિવર્તન કરનારી પળો

કપિલ દૂદકીઆ Wednesday 02nd June 2021 02:12 EDT
 
 

ઈતિહાસનો એક મહિનો અને ઘણી ક્ષણો, જેણે વિશ્વને આજે નિહાળીએ છીએ તે વિશ્વમાં બદલી નાખ્યું હતું. ઈતિહાસમાં જૂન મહિનાએ અનેક ઉજાડી નાખનારી પળો પણ નિહાળી છે.

સંભવિત સ્વર્ગ કહી શકાય પરંતુ, વિચારધારાના પાગલપણા થકી ઈરાન આજે એવો દેશ છે જેની પાસે પુરાણી ભવ્યતાના અંશો જ રહ્યા છે. આજથી ૩૨ વર્ષ અગાઉ, ત્રીજી જૂને ઈરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનના નેતા આયાતોલ્લાહ ખોમૈનીનું અવસાન થયું. તેઓ ૧૫ વર્ષ સુધી દેશનિકાલ હતા અને ઈરાનના શાહ મોહમ્મદ રેઝા પહલવી ઉર્ફ મોહમ્મદ રેઝા શાહને સત્તા પરથી ઉથલાવવા વિજયી પુનરાગમન કર્યું હતું. તે સમયે ઈરાન સર્વદેશીય- કોસ્મોપોલિટન અને ઝડપથી વિકાસ પામતો દેશ હતો. સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિની સાથે જ તેણે આધુનિકતાને ગળે લગાવી હતી. મહિલાઓ મિનિસ્કર્ટ્સ પહેરીને, કોઈ ત્રાસ કે હેરાનગતિ વિના પોતાની સુરક્ષા બાબતે નચિંત રહી મુક્તમને વિહરતી હતી. જે પળે ઈરાને મૂળભૂત કટ્ટરવાદી વિચારધારા અપનાવી તેની સાથે તેનું ભવિષ્ય બદલાઈ ગયું. આજે ૩૨ વર્ષ પછી, ઈરાન દેશ જાણે અંધારયુગમાં પરત જતો રહ્યો છે. આટલી બધી પ્રતિભા, અતુલનીય બૌદ્ધિકો અને હજાર વર્ષની સમૃદ્ધ સંસ્કૃતિના સુવર્ણયુગ ધરાવતા અને ઘૂંટણીએ પડી અંત તરફ જઈ રહેલા રાષ્ટ્રની મુલાકાતને આધુનિક કાળની મહાન કરુણાંતિકાઓમાંની એક જ ગણાવી શકાય.

પાકિસ્તાનનું ઉદાહરણ લઈએ. ૧૯૪૭ના રક્તરંજિત વિભાજન પછી આપણે એટલું તો કહી જ શકીએ કે પાકિસ્તાન ભવિષ્યલક્ષી અને વૈવિધ્યપૂર્ણ કોસ્મોપોલિટન દેશ બની રહેશે તેવી આશાભરી મહત્ત્વાકાંક્ષા હતી. આનાથી વિપરીત, થોડા જ મહિનાઓમાં તેણે પોતાની ઉન્મત-અવિચારી આકાંક્ષાઓની શરણાગતિ સ્વીકારીને કાશ્મીર માટે ભારત પર આક્રમણ કરી દીધું. આજે હવે તે ત્રાસવાદી રાષ્ટ્ર સિવાય કશું રહ્યું નથી.

જૂન ૪,૧૯૮૯. ચીનની સરકારે રાજધાની બીજિંગના ટિઆનાનમેન સ્ક્વેરમાં નિઃશસ્ત્ર વિરોધકારો પર ગોળીઓ વરસાવવા લશ્કરી દળોને આદેશ આપ્યો હતા. આ દિવસે ચીને વિશ્વ સમક્ષ જાહેર કરી દીધું કે તેને કોઈના પણ માનવ અધિકારની જરા પણ કાળજી નથી. તે પોતાના નાગરિકોને સરમુખત્યારશાહી હેઠળ દબાવી-કચડી રાખવા પોતાના નાગરિકો સાથે જે પણ કરવું હશે તેમ કરશે. આ પછી ચીનના પ્રભુત્વમાં અનેકગણી વૃદ્ધિ થઈ છે. આનું કારણ એ નથી કે વિશ્વ ચીનનો આદર કરે છે. આનું કારણ એ જ છે કે ચીને વિશ્વભરના અગ્રણી રાજકારણીઓને ખરીદી લેવા પોતાની સત્તા, તાકાત અને નાણાનો વ્યવસ્થિતપણે ઉપયોગ કર્યો છે. આ બધી તાકાત અને સત્તા છતાં, સામાન્ય ચીની નાગરિક દેશના ગુલામ સિવાય કશું નથી. જ્યારે કોઈ દેશ આયોજનબદ્ધ વંશીયતા સાથે ઉઈગુર્સનો નાશ કરતો હોય તો વિશ્વે દ્વિતીય વિશ્વ યુદ્ધ (WWII)માંથી શું બોધપાઠ મેળવ્યો?

જૂન ૫,૧૯૬૮ – રોબર્ટ એફ. કેનેડી લોસ એન્જલસમાં હોટેલ એમ્બેસેડર છોડીને જઈ રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરાઈ હતી. અમેરિકાનો ઈતિહાસ સદાના માટે બદલાઈ ગયો. આજે ૫૩ વર્ષ પછી, દિમાગમાં એક જ પ્રશ્ન ઉભો થાય છે કે અમેરિકાને શું થઈ ગયું? આ દેશ આજે પણ વિભાજિત છે, ઘૃણાની લાગણીઓથી લથબથ, સુસભ્ય વહીવટના સ્થાને અરાજકતાને પસંદ કરાય છે અને રાજકારણીઓ વિદેશી રાષ્ટ્રોના હાથમાં વેચાઈ ગયેલા છે. જો દેશના સંસ્થાપક વડીલો-ઘડવૈયાઓ આજે જીવતા હોત તો તેઓ જ અમેરિકાથી હિજરત કરી ગયા હોત!

જૂન ૬, ૧૯૪૪, જે D-Day તરીકે ઓળખાય છે. બ્રિટિશ, અમેરિકન્સ અને કેનેડિયન્સની આગેવાની હેઠળની ઘટનાઓએ ફ્રાન્સ અને બાકીના યુરોપ માટે આઝાદીનો દીપ પ્રગટાવ્યો. જો આ પળ (અને સંસ્થાનોએ આપેલાં બલિદાનો સાથે) આવી ન હોત સમગ્ર યુરોપ જર્મન સરમુખત્યારશાહીની એડી નીચે કચડાઈ ગયું હોત.

વર્ષ ૨૦૧૪માં એક માનવી, નામે નરેન્દ્ર મોદીએ ૮૦૦ મિલિયનથી વધુ મતદારો સાથેના રાષ્ટ્ર માટે મોટો તફાવત સર્જ્યો. તે સમયની એક પળ, અને આજે તેઓ ભારતવર્ષ માટે નવા અધ્યાયનું આલેખન કરી રહ્યા છે.

મેં થોડી ઘટનાઓ વિશે લખવાનું પસંદ કર્યું છે જે આપણને સ્મરણ કરાવે છે કે એક દિવસની એક ઘટના પ્રારંભિક હેતુ કરતાં પણ વધુ વ્યાપક અસરો સર્જાવે છે. તમે અને હું, કદાચ નાના પતંગિયાની સમાન હોઈશું પરંતુ, આપણે ઉડવાની મહેચ્છા સાથે પાંખો ફડફડાવીએ તેનાથી સર્જાતા તરંગો –પ્રવાહો કદાચ ઈતિહાસનો માર્ગ બદલી શકે છે.

મહાત્મા ગાંધીએ કહ્યું છે,‘ પોતાના ઉદ્દેશમાં વણછીપી આસ્થા- વિશ્વાસથી જોશપૂર્ણ, મક્કમ નિર્ધાર સાથેના લોકોનો નાનો સમૂહ પણ ઈતિહાસનો માર્ગ બદલી શકે છે.’

આવો, આપણે બધા સાથે મળીને, વિશ્વ માટે ઈતિહાસ, સારો ઈતિહાસ રચીએ.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter