દરેક વ્યક્તિને તેણે આપેલા ઓછામાં ઓછાં એક ઈન્ટરવ્યૂની યાદ રહે જ છે. હું સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરી રહી હતી ત્યારનો ઈજ્ઞન્ટરવ્યૂ મને યાદ છે. કોઈના પણ જીવન માચે દરેક ઈન્ટરવ્યૂ સીમાચિહ્ન બની રહે તે આવશ્યક નથી પરંતુ, દરેક ઈન્ટરવ્યૂ મહત્ત્વ અવશ્ય ધરાવે છે. આ ઈન્ટરવ્યૂ એક શોધ, ખોજ કશું કરવાની અદમ્ય ઈચ્છાનું પ્રતિબિંબ દર્શાવે છે. ઈન્ટરવ્યૂ સ્વપ્નને સાકાર કરવાની, વ્યક્તિને જેની ખોજ હોય તે હાંસલ કરવાની, ભલે તે નોકરી હોઈ શકે, ગ્રાન્ટ હોય કે કોઈ એગ્રીમેન્ટ હોય તે પામવાની તક હોય છે.
ઈન્ટરવ્યૂ આપવાની કલાનું વિશેષ મહત્ત્વ છે. દરેક વ્યક્તિ ઈન્ટરવ્યૂ માટે તૈયારી કરે છે. પરંતુ, ઘણી વખત ગોખણપટ્ટીનું જ્ઞાન જજમેન્ટ-નિર્ણયને પ્રભાવિત કરતું નથી. સામાન્યતઃ સારી જાગરૂકતા, વિશ્લેષણની ક્ષમતા, એકચિત્તે વિચારવાની ક્ષમતા અને સારાં વ્યક્તિત્વની સમતુલા મૂલ્યાકનોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. કોઈ પણ ઈન્ટરવ્યૂમાં ઈન્ટરવ્યૂઅર કે પ્રશ્નકર્તા સામે બેઠેલી વ્યક્તિની પ્રામાણિકતા-નિષ્ઠાને માપવાનો પ્રયાસ કરે છે. શું તે પ્રાપ્ત કરેલી કે ગોખેલી હકીકતોને ઓકી કાઢવાની બાબત છે કે તે વ્યક્તિએ વાસ્તવમાં કોઈ મુદ્દા વિશે વિચાર્યું છે? વ્યક્તિ જે કાંઈ કહી રહી છે તેમાં કેટલી નિખાલસતા અને પ્રતિબદ્ધતા છે?
આ બધી વ્યક્તિના સૂટના કટિંગ અથવા પગરખાંની બ્રાન્ડ કરતા પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. સારો દેખાવ મહત્ત્વપૂર્ણ છે પરંતુ, વ્યક્તિની સમૃદ્ધિ કરતાં પણ તેની સુઘડતા અને ઠરેલપણાં-ધીરતાનું વધુ મહત્ત્વ છે. એક વાત ચોક્કસપણે સાચી છે કે મોટી લોન અથવા પ્રોજેક્ટના સંદર્ભે બેન્ક સાથે ઈન્ટરવ્યૂ હોય ત્યારે સંપત્તિ અને સફળતાની ખાતરી અને દેખાવ વ્યક્તિની વિશ્વસનીયતા વિશે ઈન્ટરવ્યૂઅર પર પ્રભાવ પાડી શકે છે! અથવા તો રચનાત્મક કામગીરી તેવા સમયે દેખાવની વિચિત્રતા કે વિલક્ષણતા ખુદ લાયકાત બની રહે છે. આમ તમારા વસ્ત્રો કે પોશાક પ્રસંગને અનુરુપ હોવાં જોઈએ. આ સમજણ જીવન માટે પણ મહત્ત્વનો બોધપાઠ છે. અંગ્રેજી ભાષામાં અયોગ્ય કે અનુચિત દેખાવ માટે પણ રંગીન વર્ણન છે. જ્યારે કોઈ એમ કહે કે વ્યક્તિએ ‘ક્રિસમસ ટ્રી’ જેવો પોશાક પહેર્યો છે તેનો અર્થ એમ થશે કે તેણે વિચિત્ર વેશ-પોશાક પહેર્યો છે! ક્રિસમસ ટ્રીની સજાવટ માટે એક જ પ્રસંગ હોય છે અને તે છે ક્રિસમસ. સમગ્ર વર્ષમાં તેના પર ઘરેણાં જેવી સજાવટ કરવામાં આવતી નથી. પાયાનું જ્ઞાન સમજવાથી પણ સારો બદલો મળે છે.
એપ્રિલ મહિનાના અંત સમયે મારાં પતિ અને મને ઉત્તર પ્રદેશની સરકારે લખનૌ આવવા અને મહત્ત્વાકાંક્ષી ઉમેદવારોને સિવિલ સર્વિસીસમાં સફળતા પ્રાપ્ત કરવાની કેટલીક સલાહ આપવા આમંત્રિત કર્યાં હતાં. આ સમયે અમને ભારતની સનદી સેવાઓમાં પ્રવેશ માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) તેમજ સમગ્ર ભારતની કોલેજીસમાં ઈજનેરી, આર્કિટેક્ચર અને પ્લાનિંગ સહિત વિવિધ ટેકનિકલ અંડરગ્રેજ્યુએટ્સ પ્રોગ્રામ માટે ભારતલક્ષી સ્ટાન્ડર્ડાઈઝ્ડ કોમ્પ્યુટર આધારિત જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામિનેશન (JEE) મારફત લેવાતી પરીક્ષાઓની માફક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા ઉત્તર પ્રદેશમાં રાજ્યના મુખ્ય પ્રધાન દ્વારા લોન્ચ કરાયેલી રસપ્રદ યોજના વિશે જાણકારી મળી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની નવતર પહેલ ‘મુખ્યમંત્રી અભ્યુદય યોજના’નું ઉદ્ઘાટન 16 ફેબ્રુઆરી 2021ના રોજ કરાયું હતું અને તેનો હેતુ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થી મોટી સંખ્યામાં ભાગ લેતા થાય અને ગરીબ પરંતુ, તેજસ્વી વિદ્યાર્થીઓને કોઈ ખર્ચ વિના-નિઃશુલ્ક તાલીમ આપવાનો છે. આ યોજનામાં પ્રવેશ મેળવેલા કેટલાક વિદ્યાર્થીઓએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષાઓ અને JEEમાં સફળતા હાંસલ કરી છે.
લખનૌના કમિશનર અને અભ્યુદય યોજનાના નોડલ ઓફિસર રંજન કુમારે સમજાવ્યું હતું કે કોવિડ મહામારી દરમિયાન અને લોકડાઉન્સના ગાળામાં ઓનલાઈન ટ્રેનિંગ ક્લાસીસના કાર્યક્રમો અપાયા હતા અને 5,000થી વધુ વિદ્યાર્થીઓને ઓફલાઈન માધ્યમ અને 10,000થી વધુ વિદ્યાર્થીઓને ઓફલાઈન માધ્યમ મારફત NEET, CDS, JEE, NDA અને સિવિલ સર્વિસીસ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવાઈ હતી.
આ યોજના હેઠળ તેજસ્વી-હોંશિયાર વિદ્યાર્થીઓની પસંદગી કેવી રીતે કરાય ચે તે બાબતે હું જરા મૂંઝવણમાં હતી. રાજન કુમારે સમજાવ્યું કે રાજ્યના જે ઈચ્છુક વિદ્યાર્થીઓ સંબંધિત સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ મેળવવા માગતા હોય તેમણે પહેલા આના માટે અરજી કરવાની રહે છે, એક વખત રજિસ્ટ્રેશન થયા પછી અભ્યુદય ઓથોરિટી દ્વારા લેવાયેલી પ્રવેશ પરીક્ષાના આધારે તેમની પસંદગી કરવામાં આવે છે. આ પછી ફ્રી કોચિંગ અને ટ્રેનિંગ સત્રો માટે તેમની નોંધણી કરવામાં આવે છે. સૌ પહેલા તો તેમણે વ્યક્તિગતરૂપે કેટલીક પ્રવેશ પરીક્ષાઓ માટે ક્વેશ્વનેર્સ – પ્રશ્નપત્રોનું સુપરવિઝન અને તૈયારી કરી હતી. એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું હતું અને જે વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા પસાર ન કરી શકે તેઓ માટે કોચિંગ મટિરીઅલ ત્યાંથી મેળવી શકે છે. 3.5 મિલિયનથી વધુ પ્રવેશ ઈચ્છુકોએ ફોર્મ ભર્યા હતા અને પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેઓ કોઈ પણ ફીઝિકલ ક્લાસ ઓનલાઈન નિહાળી શકે છે. અમે જે સેશનને સંબોધન કર્યું હતું તે YouTubeLive પર વિહાળી શકાય છે. આ જ પ્રમાણે, અન્ય ક્લાસીસ પણ પોર્ટર પર રજિસ્ટર્ડ થયેલા લોકો માટે પ્રાપ્ય છે. શિક્ષણને લોકોના ઘરઆંગણે લઈ જવાનો આ પ્રશંસનીય હાઈબ્રીડ માર્ગ છે.
હું અને મારાં પતિ, બંનેને રૂબરુ અને ઓનલાઈન જોડાયેલા યુવાનો સાથે અમારા જીવનના અનુભવો શેર કરવામાં ઘણો આનંદ થયો હતો. તંદુરસ્ત ચર્ચા અને તે પછી પ્રશ્નો અને ઉત્તરોનું સત્ર, આનાથી ઉમેદવારોની સફળ થવાની તીવ્ર ઈચ્છા અને ધગશ જોવાં મળ્યાં હતાં. ઉત્તર પ્રદેશ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટના ડાયરેક્ટર વેંકટેશ્વર લૂ, રંજન કુમાર અને તેમના સિવિલ સર્વન્ટ પત્નીએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
મારાં જન્મના રાજ્યમાં મહત્ત્વાકાંક્ષી યુવા લોકોને મદદ કરવાની તક સાંપડી તેનાથી ઘણો સંતોષ પ્રાપ્ત થયો હતો. ઈન્ટરવ્યૂઝમાં સફળતા મેળવવા માટેની મદદ હવે ઓનલાઈન પણ મળી શકે છે!
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
Twitter: @RuchiGhanashyam)


