લંડનઃ ઈન્ડિયન વેજિટેરિયન એન્ડ વેગન સોસાયટીએ 2 જૂન ગુરુવાર. 2022ની સાંજે ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે બીકન-સંકેતદીપ ઈવેન્ટ યોજવાની જાહેરાત કરી છે. આ બીકન ઈવેન્ટ યુકે અને કોમનવેલ્થમાં યોજાનારા હજારો ઈવેન્ટ્સમાં એક હશે તેમજ બકિંગહામ પેલેસ દ્વારા જ્યુબિલી વીકએન્ડ માટે જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમનો ભાગ બની રહેશે. આ ઉપરાંત, તમામ 54 કોમનવેલ્થ દેશોની રાજધાનીઓમાં બીકન્સ પ્રગટાવાશે અને ગુરુવારની સાંજે બકિંગહામ પેલેસ ખાતે આયોજિત વિશેષ સમારોહમાં મુખ્ય બીકન પ્રગટાવાશે.
આ બીકન ઈવેન્ટ લોઈડ પાર્ક, 84 કુમ્બે રોડ, ક્રોયડન CRO 5RA ખાતે સાંજના 6.30થી 8.30ના સમયગાળામાં યોજાશે અને સમગ્ર યુકેમાં ચેરિટીઝ, કોમ્યુનિટીઝ અને ફેઈથ ગ્રૂપ્સ દ્વારા આયોજિત 2,022 ઈવેન્ટ્સમાં એક હશે.
પેજન્ટ માસ્ટર ઓફ ક્વીન્સ જ્યુબિલી પ્લેટિનમ બીકન્સ, બ્રૂનો પીક LVO OBE OPRએ જણાવ્યું હતું કે,‘નોંધપાત્ર શાહી ઉજવણીઓના સંદર્ભે બીકન્સ-જ્યોત પ્રગટાવવાની દીર્ઘ પરંપરાને અનુસરી સમગ્ર યુનાઈટેડ કિંગ્ડમ અને કોમનવેલ્થમાં હજારો જ્યોત પ્રગટાવાશે. તેનાથી સ્થાનિક કોમ્યુનિટીઓ ઈવેન્ટ્સના સત્તાવાર પ્રોગ્રામના ભાગરુપે હર મેજેસ્ટીને આદરાંજલિ અર્પવામાં એકઠાં મળી શકશે. સૌપ્રથમ વખત સમગ્ર યુકે અને કોમનવેલ્થમાંથી ટાઉન ક્રાયર્સ, પાઈપર્સ, બગલેટ્સ અને વૃંદગાયકો પોતાની આગવી અને વિશિષ્ટ રીતે એકસાથે ઉજવણીઓમાં જોડાશે. બીકન લાઈટિંગ માટે અદ્ભૂત સપોર્ટને નિહાળવાનું સુંદર લાગે છે જેનાથી દેશ અને કોમનવેલ્થનાં વૈવિધ્ય અને એકતા, બંને આગળ આવશે.’
‘ક્વીને પોતાની સમર્પિત સેવા અને પ્રતિબદ્ધતા થકી 70 વર્ષ સુધી આપણાં જીવનને પ્રકાશિત કર્યાં છે. આપણે તેમના માનમાં દેશ અને કોમનવેલ્થને પ્રકાશિત કરીશું.’
ઈન્ડિયન વેજિટેરિયન એન્ડ વેગન સોસાયટીના સ્થાપક નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ‘આ આનંદપૂર્ણ ઈવેન્ટ યોજવામાં અમે ઘણા ઉત્સાહી છીએ. આપણા રાજવી અને કોમનવેલ્થના વડા તરીકેના 70 વર્ષમાં તેમની પ્લેટિનમ જ્યુબિલી નિમિત્તે નામદાર ક્વીન માટે આ વિશેષ સમારોહનો હિસ્સો બનતા અમે ગૌરવ અનુભવીએ છીએ.’
ક્વીન્સ પ્લેટિનમ જ્યુબિલી બીકન્સ અને આનુષાંગિક કાર્યક્રમોનો વિચાર અને આયોજન પેજન્ટ માસ્ટર બ્રૂનો પીક અને તેમની સમર્પિત ટીમ દ્વારા કરાયેલ છે.
આપણે બીકન ફાયર નહિ પ્રગટાવીએ પરંતુ, સમગ્ર પાર્કને ગ્લો સ્ટિક્સ, ટોર્ચીસ અને મોબાઈલ ફોન્સથી સમગ્ર પાર્કને ઝળાંહળાં કરી દઈશું. અમારી પાસે આશરે 100 ગ્લો સ્ટિક્સ મળી રહેશે જે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. પાર્કને પ્રકાશિત કરવા તમારી ટોર્ચ સાથે લેતા આવશો. તમે શાકાહારી પિકનિક બોક્સ પણ લાવી શકો છો. આપણે રાષ્ટ્રગીત-નેશનલ એન્થમ ગાઈશું. જો કોઈ વ્યક્તિ અથવા ગ્રૂપને મ્યુઝિક વગાડવું હોય કે ડાન્સ પરફોર્મ કરવા હોય તો નીતિનભાઈ મહેતાનો સંપર્ક કરી શકે છે.
લોઈડ પાર્ક, 84 કુમ્બે રોડ દક્ષિણ તરફનું પ્રવેશદ્વાર છે અને કેટલીક કાર માટે પાર્કિંગ મળી રહેશે. ઉત્તર તરફનું પ્રવેશદ્વાર ડીપડેન એવન્યુ અને મેપલડેલ એવન્યુ (CRO 5JP) પર છે જ્યાં સાઈડ રોડ્સ પર પાર્કિંગ મળી રહેશે.

