ઋણ સ્વીકાર!

- સી. બી. પટેલ Wednesday 04th December 2019 05:01 EST
 
 

(પ્રકાશક-તંત્રી સી. બી. પટેલના બ્રિટન આગમનને તાજેતરમાં ૫૩ વર્ષ પૂર્ણ થયા છે તે પ્રસંગે ભૂતકાળના સંસ્મરણોને તાજા કરતી કોલમ Asian Voiceમાં શરૂ થઇ છે. આ શ્રેણીનો પ્રથમ ભાગ માનવંતા વાચકોના ઋણસ્વીકારાર્થે અત્રે રજૂ કરી રહ્યા છીએ.)
વડીલો સહિત સર્વે વાચકમિત્રો, થોડાં દિવસ પહેલા ૧૯ નવેમ્બરે યુકેમાં મારા વસવાટને ૫૩ વર્ષ પૂરાં થયા છે. યુકે મારું ઘર, કર્મભૂમિ તો ભારત જન્મભૂમિ છે. થોડાં મહિનામાં મારા જીવનના ૮૩ વર્ષ પૂરાં થશે અને હું કહીશ કે યુકેએ મને ભૌતિક તેમજ અન્ય રીતે પણ ઘણું બધું આપ્યું છે. હું સંપૂર્ણ સચ્ચાઈ સાથે એમ પણ કહીશ કે મારી આ દીર્ઘ અને સફળ જીવનયાત્રામાં વિવિધ પશ્ચાદભૂ સાથેના લોકોએ પુષ્કળ સાથ આપ્યો છે અને આગળ વધવામાં વિવિધ પ્રકારે સહકાર આપ્યો છે. પસાર થતા પ્રત્યેક દિવસ સાથે હું ઘણું શીખી રહ્યો છું. એમ કહું તો હું નસીબદાર અને વિનીત રહ્યો છું અને આ માટે આપ સહુનો અત્યંત આભારી છું.
ગત ૫૩ વર્ષના સંસ્મરણો વાગોળું તો તે એ પુસ્તક બની રહેશે, શા માટે નહિ? એનો પણ સમય આવશે પરંતુ, આજે તો હું જેનો પાસપોર્ટધારક અને નાગરિક છું તે દેશમાં માઈગ્રન્ટ તરીકે આવવાની કથા સંક્ષિપ્તમાં જણાવવા પ્રયાસ કરીશ.
થોડાં સમય પહેલા વાતાવરણ સૂસવાટા મારતા પવનો સાથે અત્યંત ઠંડું અને સુસ્ત હતું, વેસ્ટ લંડનમાં વિક્ટોરિયા બસ ટર્મિનલ પર કોચમાંથી ઉતરવા પ્રથમ પગ મૂક્યો ત્યારે થયેલા અનુભવથી તદ્દન અલગ. ત્યારે સવારના ૫.૪૫ થયા હતા. આ સમયે દાર-એ-સલામમાં સુંદર પ્રભાતના આરંભનો આનંદ માણી શકાય. જોકે, લંડનની વાત અલગ હતી. હું જેમને પ્રેમથી TAK તરીકે બોલાવતો તે મનુભાઈ ઠક્કરે પત્રથી મને હવામાનથી વિષમતાની ચેતવણી આપી જ હતી. તેઓ મને રસિકભાઈ લવિંગિયા (RL) સાથે લેવા આવ્યા હતા.
હું ધ્રુજાવનારી ઠંડી અને કસોટી કરનારા હવામાન માટે તૈયાર જ હતો. બે જોડી ગરમ મોજાં, વૂલન ટ્રાઉઝર, કોટ અને તેની પર ઓવરકોટ, મફલર અને વિચિત્ર લાગતી મોટી રુંછાળી હેટ સહિત બેવડાં આવરણોથી સજ્જ હતો. હું ખુલ્લી આંખો સિવાય માથાથી પગ સુધી ઢંકાયેલો હતો ત્યારે તેઓ મને કેવી રીતે ઓળખી શકશે તેવો વિચાર આવ્યાનું પણ મને યાદ છે.
જોકે, તેઓએ મને તરત ઓળખી હૃદયપૂર્વકની ઉષ્મા સાથે ભેટીને આવકાર્યો, છેક સુધી મને ટેકો પણ આપ્યો. મારે કહેવું જ જોઈએ કે ‘ટાક’ મારાથી પાંચ મહિના પહેલા જ ઈંગ્લેન્ડ આવ્યા હતા અને સીનિયર બુકકીપર (મુનીમ) તરીકે નોકરી પણ મેળવી હતી. તેઓ ભાડાંના એપાર્ટમેન્ટમાં રહેતા અને ‘સુંદર’ કારના માલિક પણ હતા. ૧૯૫૩ની ઓસ્ટિન એ૩૦ મોડેલની એ કાર હતી. તમે માનશો નહિ પરતું, આ વૃદ્ધ સન્નારી ઘણાં માયાળું હતાં અને લંડનના વિવિધ વિસ્તારોમાં તેમણે અમને ફેરવ્યાં હતાં. તેમનાં પણ ઘણાં સ્મરણો સચવાયેલાં છે પરંતુ, તેની વાતો ફરી કદી માંડીશું.
અમે નોર્થ લંડનના આર્ચવેમાં ટાકના નિવાસે પહોંચ્યા જે મારું પણ નિવાસ બની રહ્યું. આ ટુંકી યાત્રામાં મારે અહીંના જીવન, ખોરાક, નોકરીઓ તેમજ જે કાંઈ જાણવાલાયક હતું તે બધાંની માહિતી આપી દેવાઈ. બે સિંગલ બેડ સાથે ટાકનો રુમ (૧૪ x ૧૨) ખરેખર ‘મોટો’ હતો. હું ત્યાં રહેવા લાગ્યો ત્યારે વચ્ચે ફોલ્ડિંગ બેડ ગોઠવી દીધો જેનો ઉપયોગ RL કરતા હતા. એક ખુણામાં પાર્ટીશન પાછળ નાના ગેસ કૂકર સાથે અમારું ભવ્ય કિચન હતું. આ અસાધારણ એપાર્ટમેન્ટમાં અન્ય એક રુમમાં પાકિસ્તાનના લાહોરના ઝિયા હક રહેતા જ્યારે બીજી તરફના રુમમાં કાયદાનો અભ્યાસ કરતા દિલ્હીના રાજેન્દ્ર કુમાર રહેતા હતા. આ પાંચેય મારા પરિવારના સભ્ય જેવાં જ બની ગયા અને તે વતનથી દૂર મારું ઘર બની રહ્યું.
ટાકે તે જ દિવસે બપોરે ૩.૩૦ વાગે કોમર્શિયલ સ્ટ્રીટમાં જુનિયર બુકકીપરની નોકરી માટે મારા ઈન્ટરવ્યૂની ગોઠવણ કરી હતી. આ સ્થળ હોક્સટનમાં મારા વર્તમાન નિવાસથી ખાસ દૂર નથી. ટાક સવારના નાસ્તા પછી ૮.૩૦ વાગે નોકરીએ નીકળી ગયા. RLએ મને કહ્યું કે એપાર્ટમેન્ટમાં બાથરુમ નથી અને કોમન બાથરુમમાં સવારે ભારે ભીડ રહે છે. તેમણે મને ૨૦ મિનિટના અંતરે સ્થાનિક કાઉન્સિલનું સ્નાનગૃહ દેખાડવા કહ્યું પરંતુ, હવામાનને જોઈને મેં તેમની મૈત્રીપૂર્ણ ઓફર નકારવામાં જ શાણપણ માન્યું.
આ દિવસ માટે RL મારા માર્ગદર્શક બની રહ્યા. તેમણે કામેથી રજા લીધી હતી અને અમે ૧૦.૩૦ વાગે ઘરની બહાર નીકળ્યા. લંડનની પવિત્ર ભૂમિ પર સૌપ્રથમ વખત ચાલતા જવાનો આ મારો અનુભવ હતો. હોલોવે રોડ પર અડધો માઈલ ચાલ્યા પછી અમે સ્ટેશને પહોંચ્યા. મુસાફરીની વાત તો બાજુએ રાખો, મેં આ પહેલા કદી અંડરગ્રાઉન્ડ રેલવે સિસ્ટમ જોઈ ન હતી. નોંધપાત્ર આધુનિક વિકાસનો હું અજાણ સાક્ષી હતો. હોલબોર્ન પહોચ્યા પછી અમે લિંકન્સ ઈન ગયા અને મારા બાર-એટ-લો અભ્યાસ માટે નોંધણી કરાવી ફી ચૂકવી. આ પછી, અમે જ્યાં હું છેલ્લા બે વર્ષથી એક્સ્ટર્નલ સ્ટુડન્ટ હતો તે લો કોલેજ, યુનિવર્સિટી ઓફ લંડન ગયા ને મેં નિયમિત ક્લાસ ભરવાનું શરૂ કર્યું.
અમારું આગામી રોકાણ નાનું કાફેટેરિયા હતું જ્યાં અમે બંનેએ એક શિલિંગ અને છ પેન્સ ચુકવી ચીઝ રોલ્સ અને ચાહ (દરેકના) આરોગ્યા. મેં બિલ ચૂકવ્યું અને અત્યારે યાદ સાથે મને હસવું આવે છે પરંતુ, તે સમયે મારા માટે આ કેટલી મોટી રકમ હતી, હું તે રકમની માનસિક ગણતરી ઈસ્ટ આફ્રિકન શિલિંગ્સ અને ભારતીય રુપિયામાં પણ કરતો હતો!
આ પછી તો હું ઓલ્ડગેટ ઈસ્ટ ટ્યૂબ સ્ટેશન નજીક ટાક દ્વારા ગોઠવાયેલા ઈન્ટરવ્યૂ માટે પહોંચી ગયો. આ જ એમ્પ્લોયમેન્ટ એજન્સી દ્વારા ટાકને નોકરી મળી હતી અને સીનિયર મુનીમ (બુકકીપર) તરીકે તેમની સારી પ્રતિષ્ઠા હતી. મારો ઈન્ટરવ્યૂ જુનિયર બુકકીપર માટે હતો. તેમણે મને થોડાં પ્રશ્નો પૂછ્યા અને મને નજીકના સ્થળે નોકરી આપી દીધી જેની શરૂઆત સોમવારથી કરવાની હતી.
મારા માટે સાચી પરીક્ષા તો હવે થવાની હતી. મેં તો કદી બુકકીપર તરીકે કામ કર્યું ન હતું. સાયન્સમાં પ્રથમ ડીગ્રી મેળવ્યા પછી મેં વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સમાં એનાલિટિકલ કેમિસ્ટ તરીકે કામ કર્યું હતું. આ પછી, દાર-એસ-સલામમાં સાડા છ વર્ષ સુધી સિવિલ સર્વન્ટ, ક્લેરિકલ ઓફિસર તરીકે કામ કર્યું હતું. હું જુનિયર બુકકીપર તરીકે શું કરીશ તેની મને ગભરામણ થતી હતી પરંતુ, મસ્તમૌલા ટાકને તો મને હતી તેનાથી વધુ શ્રદ્ધા મારામાં હતી. તેમણે કહ્યું કે જો મને નોકરી મળી જાય તો સીધા નજીકના બુકસ્ટોરમાં જઈ ‘ટીચ યોરસેલ્ફ બુકકીપિંગ’ પુસ્તક ખરીદી લેવું. મેં ૧૩ શિલિંગ અને છ પેન્સમાં તે પુસ્તક ખરીદી લીધું. લંચની સરખામણીએ આ કેટલું મોટું રોકાણ હતું!
સાંજે હું મર્સર્સ રોડના નિવાસે પાછો ફર્યો અને મારા પ્રેરણામૂર્તિ અને કોચ ટાકે મને ઈનવોઈસીસ, સ્ટેમેન્ટ્સ તેમજ બે દિવસ પછી શરૂ થનારી નોકરી માટે જે આવશ્યક હતું તે બધું મહત્ત્વનું શીખવાડ્યું. શનિવાર અને રવિવારે, જ્યારે પણ શક્ય હોય ત્યારે ટાક પ્રશ્નો પૂછી મને શિક્ષિત કરવાનો પ્રયાસ કરતા. સોમવારે સવારે તો હું નોકરી પર હાજર થઈ ગયો. આશ્ચર્ય એ છે કે મારા બોસ મારા કામથી ઘણા ખુશ હતા અને મને સપ્તાહના પાંચ પાઉન્ડ તેમજ શનિવારે અડધા દિવસની શિફ્ટ માટે વધારાના ૧.૫૦ પાઉન્ડ ચુકવાયા. આ સમયે નાણાં હાથમાં આવે તો કોને ખુશી ન થાય? મારી પાસે ત્યારે કુલ ૯૨ પાઉન્ડની સિલક વસવાટ માટે થઈ. હવે આપણે ઝડપથી આગળ વધીએ.
આ પછી, મેં એક-બે નોકરી બદલી અને હાઉસીસ ઓફ પાર્લામેન્ટરી પ્રેસમાં પેયી ક્લાર્ક તરીકે નોકરી મળી. મારો રોજિંદો કાર્યક્રમ રોજ સવારે ૮.૩૦ વાગે નોકરીએ અને સાંજે ૪.૩૦ વાગે લેક્ચર્સ માટે સીધા કોલેજ અથવા ડિનર માટે લિંકન્સ ઈનમાં જવાનો હતો. પ્રવૃત્તિ ભારે મહેનત માગી લે તેવીપરંતુ, સંતોષદાયી. આ સમયે મને ધંધાકીય સાહસના પ્રાથમિક પાઠ શીખવા મળ્યા, જે આજે સામાન્યપણે એન્ટ્રેપ્રીન્યોરશિપ કહેવાય છે.
એન્ટ્રેપ્રીન્યોરશિપ. મારા જાણવા અનુસાર આ શબ્દ છેલ્લા ૧૫થી ૨૦ વર્ષમાં સામાન્યપણે ફેશનથી ચલણમાં વપરાતો રહ્યો છે.
પ્રિય વાચકો, હું કોઈ ભાષાશાસ્ત્રી નથી. પરંતું હું જાણું છું કે ઓક્સફર્ડ ડિક્શનેરી સહિત ઈંગ્લિશ ભાષામાં ઘણાં શબ્દોનું મૂળ ભારતીય/ સંસ્કૃત ભાષામાં રહેલું છે. આપણે યોગા, કર્મા, નિર્વાણ કે જગ્ગરનોટ શબ્દોનો વિચાર કરીએ. જગ્ગરનોટ ભારતીય શબ્દ જગન્નાથમાંથી ઉતરી આવ્યો છે. આ જ પ્રમાણે સુંદર ભારતીય શબ્દ ‘અંતર સ્ફુરણા’ છે. આનો અર્થ ‘આંતરિક શક્તિ વિચાર સ્વરુપે બહાર આવી કાર્યમાં પરિવર્તિત થવા’ સંબંધે છે. હવે વિચારો, ‘એન્ટ્રેપ્રીન્યોરશિપ’ શબ્દ ક્યાંથી આવ્યો હશે.
હું ભરતનાટ્યમ શીખ્યો ન હોવાં છતાં તેના વિશે થોડુંઘણું જાણું છું. નૃત્યના આ પ્રકારમાં નૃત્યકારો પગના અંગૂઠાથી માંડી આંખની પાંપણ સુધી સમગ્ર શરીરનું હલનચલન કરે છે. મારા માટે તો આ ઘણાં બધાં કાર્યો એક સાથે કરવા સમાન જ છે. સાચું કહું તો, મારા માટે તો સારું નસીબ આ ઢબે જ કામ કરતું રહ્યું છે. મેં નાના કામકાજ કર્યા છે, સિવિલ સર્વિસીસ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, દુકાનદાર તરીકે વિવિધ સમયે કામ કર્યું છે, છેલ્લે રિયલ એસ્ટેટ અને હવે છેલ્લાં ૪૫ કરતાં વધુ વર્ષથી પબ્લિશિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું.
પ્રિન્ટ મીડિયા ઘણી મુશ્કેલીઓ, પડકારોમાંથી પસાર થઈ રહ્યું છે. આમાં કોઈ આશ્ચર્ય નથી. જીવનમાં એકમાત્ર પરિવર્તન જ સાતત્યપૂર્ણ છે અને હકીકતમાં ABPLની પ્રતિષ્ઠા સારી છે અને આવા સંજોગોમાં પણ સારી પ્રગતિના પંથે છે તેનો યશ મારા સન્માનીય વાચકો અને અગણિત સમર્થકોને જાય છે.
પ્રિય વાચકો, હું આપને લંડનમાં મારા સર્વપ્રથમ કોમ્યુનિટી ઈવેન્ટમાં સહભાગી બનાવવા ઈચ્છું છું. અહીં મારા આગમનના બે દિવસ પછી ૨૧ નવેમ્બર રવિવારે સેન્ટ્રલ લંડનના હોલબોર્નમાં રેડ લાયન સ્ક્વેરના કોનવે હોલમાં સુરેશ ગુપ્તા અને તેમની સંસ્થા દ્વારા દીવાળી સ્નેહમિલન સમારંભનું આયોજન કરાયું હતું. એક મુનીમ/ સ્ટુડન્ટ હોવાથી હું વ્યસ્ત હતો. આમ છતાં, ટાક અને RL સાથે હું સમારંભમાં હાજરી આપવા ગયો હતો. મોટા ભાગના લોકોમાં ગુજરાતીઓ, પંજાબીઓ તેમજ વિવિધ દેશોમાં રહેનારા ભારતીયો જ દેખાતા હતા. કોમ્યુનિટીના ઉપસ્થિત અગ્રણીઓમાં ભગવાન સોહમ, રમેશ પટેલ, જ્યોતિ મોદી, ઉષા પટેલ, શકુંતલા શુક્લા, રેણુકા શુક્લા, નિરંજન શુક્લા, સુરેન કામત, ડીએન શાહ, પ્રફુલ પટેલ, સુરેન્દ્ર પટેલ, રાજેન્દ્ર પટેલ, કુસુમ શાહ, બલવંત સિંહ કપૂર, અશ્વિન ભટ્ટ, બાલમુકુંદ પરીખ તેમજ અન્ય ઘણા મહાનુભાવ હતા. તેમાંના કેટલાક એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, વકીલો અને વિદ્યાર્થીઓ પણ હતા.
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં, દાર-એસ-સલામમાં સૌથી મોટા સિવિલ એન્જિનિઅરીંગ કોન્ટ્રાક્ટર્સ જી.એ.કે પટેલના ગુલાબભાઈ તેમના સંતાનોને બોર્ડિંગ સ્કૂલ્સમાં મૂકવા લંડન આવ્યા હતા. હું દાર-એસ-સલામથી તેમને ઓળખતો હતો અને હું તેમને કંપની આપું તે અપેક્ષિત હતું.
હું ટાન્ઝાનિઆ અને યુગાન્ડાના કેટલાક અગ્રણી બિઝનેસમેનના ચિગવેલ, એસેક્સ અને ઈસ્ટ એંગ્લિયાના નોર્વિચમાં અભ્યાસ કરતા બાળકોનો વાલી (ગાર્ડિયન) બની ગયો હતો. એક સાંજે રિજન્ટ સ્ટ્રીટ, લંડનની વીરાસ્વામી રેસ્ટોરાંમાં ડિનર ગોઠવાયું હતું. આ કદાચ સૌથી જાણીતું ભારતીય રેસ્ટોરાં હતું જેની શરૂઆત દાયકાઓ અગાઉ ઈન્ડિયન આર્મીના પૂર્વ ઈંગ્લિશમેન ઓફિસર દ્વારા કરાઈ હતી. આ ડિનરમાં ગુલાબભાઈ પટેલ, સર જેકે ગોહેલ, મિસિસ જયા લક્ષ્મી (સર જેકે ચાંદેના પત્ની) અને હું પોતે હાજર હતાં.
આ સાંજ ઘણી આનંદદાયી હતી. આ ત્રણ વિશિષ્ટ મહાનુભાવો પાસેથી હું ઘણું શીખી શખ્યો. જ્યાબહેન ઈસ્ટ આફ્રિકાના સુગર કિંગ શ્રી મુળજીભાઈ માધવાણીના એકમાત્ર દીકરી હતાં. તેમના પતિ જેકે ચાંદેને હર મેજેસ્ટીએ નાઈટહૂડથી સન્માનિત કર્યા હતા અને સામાન્યપણે સર એન્ડી ચાંદે તરીકે ઓળખાતા હતા. વર્ષો વીતવા સાથે તેઓ મારા આદર્શ બની ગયા અને તેઓ જયાલક્ષ્મીને જયલી નામે બોલાવતા હતા.
દાર-એસ-સલામમાં હાર્બરમાં રહેલી ટગબોટને તેમના માનમાં ‘જયલી’ નામ અપાયું હતું. જયાબહેન અતિ સ્વરુપવાન, શિષ્ટ અને શાણપણનો ભંડાર હતાં. ડિનરના ત્રણ કલાકમાં સમૃદ્ધ અને પરિપક્વ લોકો કેવી રીતે બોલે છે, શેના વિશે બોલે છે અને શિષ્ટતાપૂર્ણ વ્યવહાર કરે છે તેના વિશે મને ઘણું જાણવાં-શીખવા મળ્યું.
આ કાર્યક્રમમાં સૌથી અદ્ભૂત અને ધ્યાનાકર્ષક વ્યક્તિ ચોક્કસપણે સૌરાષ્ટ્રના રજવાડાં મોરબીના વતની સર જેકે ગોહેલ જ હતા. ધારાશાસ્ત્રી તરીકે લાયકાત પ્રાપ્ત કર્યા પછી તેઓ મોરબીના દીવાન બન્યા અને દેશની આઝાદી પછી ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (IAS)માં જોડાયા હતા. ભૂરા રંગની પાઘડીથી જાણીતા સર ગોહેલ કોરિયાનું વિભાજન થયું ત્યારે ઈન્ટરનેશનલ કન્ટ્રોલ કમિશનના સભ્ય પણ હતા. સાચા રાજપૂત અને પાકટ રાજદ્વારી સર જેકે કેન્યાના થિકાના એક સફળ એન્ટ્રેપ્રીન્યોર મેઘજી પેથરાજ શાહના દીર્ઘકાલીન મિત્ર હતા. એમપી શાહે તેમના લંડનના આગળ જતાં મેઘરાજ બેન્કમાં ફેરવાયેલાં ઓપરેશન્સનું સંચાલન ગોહેલ સાહેબ હસ્તક સોંપ્યું હતું.
કદાચ તેમની રાજકીય સક્રિયતા વર્તમાન માટે સુસંગત છે. કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાવું ચલણમાં ન હતું ત્યારે સૌથી પહેલા સભ્યોમાં નરિન્દર સરુપ અને અન્ય લોકો સાથે સર ગોહેલ પણ પાર્ટી સાથે પ્રતિબદ્ધ હતા. મને યાદ છે ત્યાં સુધી તેઓ ૧૯૬૦ના દાયકાથી ટોરી પક્ષ સાથે જોડાયેલા હતા. તેમના વિશાળ મિત્રવર્તુળોમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સામેલ હતા. માધવાણી ગ્રૂપના વારસ મનુભાઈ માધવાણી તેમના ગાઢ મિત્રોમાં એક હતા.

‘ગુજરાતીતા-અસ્મિતા’

ગુજરાતીઓ વેપારધંધાની જન્મજાત ખાસિયત માટે પ્રસિદ્ધ છે. ધ ઈકોનોમિસ્ટ દ્વારા ૨૦૧૫માં તેમના ક્રિસમસ સ્પેશિયલ અંકમાં ગુજરાતીઓ વિશે ‘Secrets of the World's Best Businessmen’ (સીક્રેટ્સ ઓફ ધ વર્લ્ડ્સ બેસ્ટ બિઝનેસમેન) મથાળાં સાથે ૫૦૦૦ શબ્દોનો આર્ટિકલ પ્રસિદ્ધ કરાયો હતો. અંગત રીતે હું મારી ઓળખાણ મારી ગુજરાતીતા (હવે બ્રિટિશ ગુજરાતીતા) તરીકે કરાવું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર ૨૦૧૫ના દિવસે વેમ્બલી સ્ટેડિયમમાં ઐતિહાસિક કાર્યક્રમમાં ૬૦,૦૦૦થી વધુની જનમેદનીને સંબોધન કર્યું ત્યારે મારા નામનો ઉલ્લેખ કરવા સાથે વધુ બે શબ્દ ‘મારા મિત્ર’નો ઉમેરો કર્યો ત્યારે હું સ્તબ્ધ બની ગયો હતો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારો નામોલ્લેખ કર્યો તે વિશેષ બાબત નથી પરંતુ, મોદી ભાગ્યે જ આમ કરે છે અને યજમાન દેશના કોઈ નેતા ન હોય અથવા કાર્યક્રમના આયોજન સાથે ગાઢપણે સંકળાયેલા ન હોય તેવી વ્યક્તિનો નામોલ્લેખ તેઓ કરે તેનાથી આશ્ચર્ય ન સર્જાય તો બીજું શું થાય?
વેમ્બલી સંબોધન પછી તો મારા મિત્રો અને શુભેચ્છકોના અસંખ્ય કોલ્સ આવ્યા ત્યારે ધ ઈકોનોમિસ્ટ મેગેઝિનના વરિષ્ઠ રિપોર્ટર કાર્યાલયનું બારણું ખખડાવતા આવી પહોંચ્યા. તેમણે મારા વિશે લખવાની ઈચ્છા દર્શાવી ત્યારે મેં નમ્રતાસહ તેમનો આભાર માની કહ્યું કે મારા વિશે લખવું પડે તેવી વ્યક્તિ હું નથી. મારી આ સાચી લાગણી આજે પણ છે. થોડી આનાકાની પછી તેઓ માન્યા અને યુકેમાં ગુજરાતી કોમ્યુનિટી વિશે વાતચીત કરવા તૈયાર થયા. મારા માટે તો ઈંગ્લિશ ભાષામાં દેશના સૌથી મોટા મેગેઝિનમાં મારા લોકો વિશે આર્ટિકલ આવે તે જ ગર્વ અને ઉજવણીનો યોગ્ય માર્ગ હતો. મેં તેમને કેટલાક સંપર્કો આપ્યા અને તે સીનિયર રિપોર્ટર ભારત પહોંચ્યા. તેમણે અમદાવાદ, વડોદરા, સૂરતની મુલાકાત લીધી, યુકે અને યુએસમાં મારા સંપર્કો સાથે પણ વાતચીત કરી અને દળદાર આર્ટિકલ તૈયાર કર્યો હતો.
ધંધો, વેપાર, ઉદ્યોગસાહસિકતા, જોખમ, આ બધી બાબતો ગુજરાતીતા સાથે વણાયેલી છે. યુકેમાં આજે અસંખ્ય બ્રિટિશ ભારતીયો છે જેમણે ઉદ્યોગો, વ્યવસાયો, કળા અને સંસ્કૃતિ વગેરેમાં સફળતા પ્રાપ્ત કરી છે.
પરંતુ, ૧૯૬૬ની વાત કરું તો ગણ્યાંગાંઠ્યા લોકો જ જાણીતા હતા. લંડનમાં તાતા, બિરલા, બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, સિંધિયા સ્ટીમ નેવીગેશન અને એર ઈન્ડિયાના નામ જ જાણીતા હતા.
ભારતીય બિઝનેસીસમાં મેં સૌથી પહેલા નામ સાંભળ્યું હોય તો ચોક્કસપણે મિ. હાતિમભાઈ સુતરવાલાનું હતું જેમણે લંડનમાં ૧૯૫૯થી 117 Cannon Street Road E1ખાતે ભારતીય ગ્રોસરીનો હોલસેલ સ્ટોર ખોલ્યો હતો. તે સમયે પાઠક સ્પાઈસીસના લાખુભાઈ પાઠકનો સ્ટોર વોરેન સ્ટ્રીટ સ્ટેશન નજીક હતો.
મને તે સમયના ઘણાં નામ યાદ આવે છે, જેમાંથી કેટલાક દુઃખદપણે હયાત રહ્યા નથી પરંતુ, સહુએ અને તેમના જેવા સેંકડો, હજારો લોકોએ મને પ્રેરણા આપી છે, મદદ કરી છે અને પ્રોત્સાહન આપ્યું છે. આ લેખમાળા તેમને યાદ કરવાનો તેમજ બ્રિટિશ ભારતીય ઉદ્યોગસાહસિકતાની વર્તમાન ઉલ્લાસમય, સમૃદ્ધ અવસ્થાનું બ્રિટનમાં કેવી રીતે ઘડતર થયું તે તેમના સંતાનો અને તેમના પણ સંતાનોના ધ્યાનમાં લાવવાનો નમ્ર પ્રયાસ છે. ગુજરાત સમાચારના આગામી અંકોમાં આ વર્ણન આગળ વધારવાની મારી આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter