એક બિલિયન અને તેથી વધુને વધુ...

- રુચિ ઘનશ્યામ Wednesday 27th October 2021 06:16 EDT
 
 

ગયા અઠવાડિયે ભારતે દેશના કોવિડ – ૧૯ વેક્સિન મેળવવાને લાયક લોકોને એક બિલિયન ડોઝ આપવાનું સીમાચિહ્ન વટાવ્યું હતું. કોવિડ – ૧૯ મહામારીને ડામી દેવાની ભારતની મહત્વાકાંક્ષી યોજનામાં આ સીમાચિહ્ન સાથે ભારતના તમામ નયસ્કોની વસતિને સંપૂર્ણપણે વેક્સિનેટ કરવાના તેના લક્ષ્યની નજીક પહોંચી ગયું છે. ભારતના વેક્સિન ઉત્પાદકો, ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ અને ઘણાં અન્યોએ ભારતના સૌથી અંતરિયાળ વિસ્તારો સુધી વેક્સિન પહોંચાડવા માટે સખત મહેનત કરી. મિલિયન્સ હેલ્થ કેર પ્રોફેશનલ્સે આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં તેમનું યોગદાન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ ભારતના દરેક નાગરિકની છે.

ગયા ગુરુવારે પ્રસિદ્ધ થયેલા સરકારી ડેટા મુજબ ભારતમાં આ વર્ષે જાન્યુઆરીમાં આ મહત્ત્વાકાંક્ષી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થયો ત્યારથી વેક્સિન મેળવવા માટે લાયક કુલ વસતિમાંથી ૭૫ ટકા એટલે કે લગભગ ૭૦૮ મિલિયન લોકોએ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હતો જ્યારે ૩૦ ટકા લોકોનું આ રોગ સામે સંપૂર્ણપણે વેક્સિનેશન થયું છે. હાલ, માત્ર ૧૮ વર્ષથી વધુની વયના લોકોને જ વેક્સિન લેવાની પરવાનગી છે.

આ વિશાળ લક્ષ્ય હાંસલ કરવા માટે છેલ્લાં થોડાં મહિનામાં ભારતના વેક્સિન ઉત્પાદકોએ તેનું ઉત્પાદન વધારી દીધું હતું. રસીકરણના અભિયાનની શરૂઆત થઈ ત્યારથી એક કરતાં વધુ વેક્સિનને માન્યતા અપાઈ હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાઝેનેકા વેક્સિન જે ભારતમાં કોવિશીલ્ડ તરીકે જાણીતી છે અને સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) દ્વારા ઉત્પાદિત વેક્સિન, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક – Vને માન્યતા અપાઈ છે.
કોવિડ – ૧૯માં ઈમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ રેગ્યુલેટરે ઓગસ્ટમાં દુનિયાની પ્રથમ ડીએનએ વેક્સિનને પણ માન્યતા આપી હતી. ત્રણ ડોઝની આZyCoV-D વેક્સિન સ્થાનિક ધોરણે વિક્સાવાઈ છે. વેક્સિનના ઉત્પાદક કેડીલા હેલ્થકેર દ્વારા વચગાળાના અભ્યાસમાં દર્શાવાયા પ્રમાણે જે લોકોને આ રસી અપાઈ હતી તે પૈકી ૬૬ ટકાને આ સિમ્પટોમેટિક રોગ થતો અટક્યો હતો. કંપનીની યોજના દર વર્ષે આ વેક્સિનના ૧૨૦ મિલિયન ડોઝનું ઉત્પાદન કરવાની છે. કંપનીએ જણાવ્યું કે વેક્સિન ખૂબ સલામત જણાઈ છે અને ૧૨ – ૧૮ વર્ષના ગ્રૂપમાં ટ્રાયલમાં પણ યોગ્ય રહી હતી.
ભારતમાં અપાયેલા શોટમાં લગભગ ૯૦ ટકાનું ઉત્પાદન SIIએ કર્યું છે. કંપનીએ એપ્રિલથી તેની ઉત્પાદન ક્ષમતા ત્રણગણી કરી હતી. તે હવે દર મહિને વેક્સિનના ૨૨૦ મિલિયન ડોઝનું ઉત્પાદન કરી શકે છે. કંપનીએ વેક્સિનની નિકાસ પણ ફરી શરૂ કરી છે.
ભારતમાં વેક્સિનેશન મરજીયાત છે. સરકાર દ્વારા સંચાલિત ૭૦,૦૦૦ સેન્ટર પર મફતમાં રસી અપાય છે. પરંતુ, લોકો નાણાં ખર્ચીને ૨,૦૦૦ પ્રાઈવેટ સેન્ટર પર પણ રસી લઈ શકે છે. કેટલાંક પડોશીઓ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરીને નજીકમાં રહેતા લોકોનું જ નહીં પરંતુ, તેની આસપાસમાં કામ કરતાં લોકોનું પણ વેક્સિનેશન કરે છે.
ભારતે આ વર્ષના અંત સુધીમાં વયસ્કોની વસતિનું સંપૂર્ણપણે વેકિસનેશન કરવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. જોકે, આ ચોક્સ સમયમર્યાદામાં લક્ષ્યને પાર પાડવાની દેશની ક્ષમતા છે કે નહીં તેના વિશે શંકા ઉભી થઈ છે. નોંધવામાં આવ્યું છે કે દરરોજ અપાયેલા ડોઝની સંખ્યા એકસમાન નથી. તેમાં વધઘટ થતી રહી છે. ક્યારેક સૌથી વધુ ૧૦ મિલિયન ડોઝ અપાયા હતા તો ક્યારેક ૯૦૦,૦૦૦ જેટલાં સૌથી ઓછાં ડોઝ અપાયા હતા. આરોગ્ય મંત્રાલયે બીજી ચિંતા દર્શાવી છે કે ભારતમાં નોંધપાત્ર કહી શકાય તેટલી સંખ્યામાં લોકોએ પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં અને તેમની નિયત તારીખ વીતી ગઈ હોવા છતાં વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી.
વિનાશક બીજી લહેરમાં ભારતને ભારે મુશ્કેલી પડી હતી. તે લહેર ધીમે શરૂ થઈ હતી પરંતુ, અચાનક જ દેશ પર ત્રાટકી હતી. તેને લીધે ઓક્સિજનની તીવ્ર અછત સાથે દેશની હેલ્થકેર સિસ્ટમની નબળાઈઓ ખૂલ્લી પડી ગઈ હતી. ત્યારથી સારા નસીબે તથા વેક્સિનેશન અને કોવિડના નિયમોના પાલન સાથેના વર્તનને લીધે કેસોની અને મૃત્યુની સંખ્યામાં મક્કમ ઘટાડો નોંધાયો હતો, તે સંખ્યા વિક્રમજનક નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. અર્થતંત્રના લગભગ દરેક ક્ષેત્ર ધીમે ધીમે અને મક્કમપણે ખૂલ્યા છે. બીજી લહેર પછીની સમર હોલિડેઝમાં દિલ્હી અને પંજાબની આસપાસના હિલ સ્ટેશનો પર લોકોની ભીડ ઉમટી હતી. તેને લીધે ત્રીજી મોટી લહેર આવશે તેવી ભીતિ સર્જાઈ હતી. જોકે, કોવિડના આંકડામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. નાણાં વિભાગની માસિક આર્થિક સમીક્ષામાં દાવો કરાયો હતો કે વ્યૂહાત્મક સુધારા અને ઝડપી વેક્સિનેશન અભિયાનને લીધે દેશ કોવિડ – ૧૯ મહામારીના લીધે અર્થતંત્રને થયેલા નુક્સાનમાંથી બહાર નીકળીને ઝડપી રીકવરીના માર્ગે આગળ વધી રહ્યો છે. તેમાં કૃષિ ક્ષેત્રે સાતત્યપૂર્ણ અને ઝડપી પ્રગતિની મદદથી સારા આર્થિક વિકાસની તથા મેન્યુફેક્ચરિંગ અને ઉદ્યોગોમાં ફરી તેજીની તથા સર્વિસીસ શરૂ થવાની અને આવકમાં ભારે વધારો થવાની આશા વ્યક્ત કરાઈ હતી.
આ વર્ષના કોઈક સમયગાળામાં સંક્રમણની ત્રીજી લહેર આવવાની શક્યતા છે. જોકે, તેની અસર અગાઉની લહેરો કરતાં ખૂબ ઓછી હોવાની બાબતે ઘણાં જાહેર સ્વાસ્થ્ય નિષ્ણાતો સહમત છે. આર્થિક વિશ્લેષકોએ આગાહી કરી છે કે ભારતમાં કોવિડની ત્રીજી લહેર અર્થતંત્રને પાટા પરથી ખોરવે તેવી શક્યતા નથી. આમ તો ભારતમાં હાલ સંક્રમણનો આંક ઓછો છે. પરંતુ, હેલ્થ ઓફિસરો લોકોને વહેલી તકે વેક્સિન લઈ લેવા અનુરોધ કરી રહ્યા છે. આપણે પારિવારિક મેળાવડાં અને સામુહિક ખરીદી સાથે દિવાળી અને તહેવારોની સીઝન તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે સંક્રમણની ત્રજી લહેરની દહેશત વાસ્તવિક છે. આમ આપણો સૌને માટે વારંવારનો એક જ સંદેશ છે અને તે છે, વેક્સિનેશન, વેક્સિનેશન અને વેક્સિનેશન.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter