એક મહિલા રાજદ્વારીની સર્જનાત્મકતા

રુચિ ઘનશ્યામ Wednesday 28th July 2021 07:16 EDT
 
(ડાબેથી) પૂર્વ હાઇ કમિશનર રુચિબહેન ઘનશ્યામ, લેખિકા - કોન્સુલ જનરલ અંજુ રંજન અને પૂર્વ હાઇ કમિશનર એ. આર. ઘનશ્યામ
 

ગત સપ્તાહે મને અને મારા પતિને એક વિશિષ્ટ આમંત્રણ મળ્યું હતું. ઓક્ટોબર ૨૦૧૯ સુધી એડિનબરામાં આપણા કોન્સુલ જનરલ રહેલાં અને હાલ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે કોન્સુલ જનરલની કામગીરી બજાવતાં અંજુ રંજને દિલ્હીસ્થિત ભારતની રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ખાતે તેમના પુસ્તકોના પઠન કાર્યક્રમમાં અમને આમંત્ર્યાં હતાં.

આ સપ્તાહે તો હું અફઘાનિસ્તાનના પાકિસ્તાનસ્થિત રાજદૂતના કથિત અપહરણ અને સતામણી વિશે લખવાનું આયોજન કરી રહી હતી. આ સ્ટોરીએ હું ઈસ્લામાબાદમાં ફરજ પર હતી ત્યારે મારાં કેટલાક અનુભવોનું મને સ્મરણ કરાવ્યું હતું. આ ઉપરાંત, કેનેડા અને યુએસમાં ભયાનક ગરમીની બાબતે પણ હું ચિંતિત હતી અને મને લાગ્યું હતું કે ક્લાઈમેટ ચેઈન્જ વિશે વાત કરવાનું પણ મહત્ત્વનું છે. જોકે, પુસ્તક પઠન કાર્યક્રમમાં હાજરી અને અંજુને સારી રીતે જાણ્યાં પછી મને લાગ્યું કે તેની પ્રેરણાદાયી કથા વાચકો સમક્ષ મૂકવાનું વધુ યોગ્ય ગણાશે.

અંજુ રંજને તેના ત્રણ પુસ્તક હિન્દી ભાષામાં પ્રસિદ્ધ કરેલા છે અને સમૃદ્ધ હિન્દી સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. બે પુસ્તક કાવ્યસંગ્રહ છે અને એક પુસ્તક ટુંકી વાર્તાઓનો સંગ્રહ છે. અંજુના પ્રથમ કાવ્યસંગ્રહનું નામ ‘પ્રેમ કે વિભિન્ન રંગ’ (Different Shades of Love) છે જેમાં આપણા થકી અનુભવાતા પ્રેમના વિવિધ પાસા જેમકે, સ્નેહીજન પ્રત્યે પ્રેમ અને તેના વિરહની વ્યથા, માતાનો સ્નેહ, જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ સહિત વિભિન્ન લાગણીઓની અભિવ્યક્તિ થઈ છે. તેની કવિતામાં સૌથી વધુ સ્પર્શી જતું તત્વ એ છે કે તેના ઓટિસ્ટીક પુત્ર આદિના ઉછેરવા દરમિયાન તેને કેવી રીતે પ્રેમનો સાચો અર્થ સમજાયો તેનું વર્ણન છે.

અંજુના બીજા કાવ્યસંગ્રહ ‘વિસ્થાપન ઔર યાદેં’ (Displacement and Memories)માં વતનથી હજારો માઈલ દૂર ફરજના સ્થળે પોતાના ગામમાં વીતાવેલા સાદા બાળજીવનના હૃદયને તરબત્તર કરી દેનારા સંભારણાના કાવ્યો છે. આકાશમાં ઉડીને જઈ રહેલાં વિમાનને જોવા સાથે જ આ વિમાન તેને માતૃભૂમિથી વિયોગ કરાવનારું સાધન હોવાની યાદ અપાવે છે.

તેની ટુંકી વાર્તાઓના સંગ્રહનું નામ ‘વોહ કાગઝ કી કશ્તી’ (That Paper Boat) છે. આ સુંદર ગુલદસ્તામાં બાળપણના દિવસોથી માંડી તે ઈન્ડિયન ફોરેન સર્વિસમાં સામેલ થઈ ત્યાં સુધીના સંભારણાં પરોવાયાં છે. ઝારખંડના અંતરિયાળ ગામડાની નાનકડી છોકરી ભારતની મહત્ત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત સર્વિસમાં જોડાઈ ત્યાં સુધીના જીવનનું રેખાચિત્ર આ પુસ્તકમાં છે.

સાહિત્ય અકાદમી ખાતે પુસ્તક પઠન એ વિશેષ પ્રસંગ હતો કારણકે કોવિડના કારણે સર્જાયેલા પ્રલંબ અંતરાલ પછી અકાદમીના પ્રીમાઈસીસમાં આ પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. નાના મેળાવડામાં લેખકો અને તંત્રી-સંપાદકો ઉપરાંત, ભારતના ત્રણ પૂર્વ રાજદૂત પણ ઉપસ્થિત હતા. અંજુના પતિ રંજન કુમાર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં છે અને હાલ ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના કમિશનર છે. કોવિડ સંચાલન અને તૈયારીમાં રોકાયેલા હોવા છતાં રંજન કુમાર લખનોથી આ વિશેષ કાર્યક્રમમાં હાજર રહેવા આવ્યા હતા.

સાહિત્ય અકાદમી ભારતમાં સાહિત્યિક ચર્ચા, પ્રકાશનો અને પ્રસાર માટેની કેન્દ્રીય સંસ્થા છે. દેશમાં તે એક માત્ર સંસ્થા છે જે ઈંગ્લિશ સહિત ૨૪ ભારતીય ભાષાઓમાં સાહિત્યલક્ષી પ્રવૃત્તિઓ કરે છે. આ મહામૂલ્ય સંસ્થાએ ભારતીય સાહિત્યના પ્રસારમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. ભારતના અનેક પ્રતિષ્ઠિત લેખકો આ સંસ્થાના દીર્ઘ ઈતિહાસ સાથે સંકળાયેલા રહ્યા છે. ભારત સરકાર દ્વારા સાહિત્ય અકાદમીનું સત્તાવાર ઉદ્ઘાટન ૧૨ માર્ચ ૧૯૫૪ના દિવસે કરાયું હતું. ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા રેઝોલ્યુશનમાં અકાદમીની રચનાને અગ્રતા અપાઈ હતી અને તેને ‘ભારતીય સાહિત્યના વિકાસ અને ઉચ્ચ સાહિત્યિક માપદંડો સ્થાપવા, તમામ ભારતીય ભાષાઓમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને વધારવા અને સંકલન કરવા તેમજ તેમના થકી દેશની સાંસ્કૃતિક એકતાને ઉત્તેજન આપવા અર્થે સક્રિય કામગીરી બજાવનારી રાષ્ટ્રીય સંસ્થા’ તરીકે વર્ણવી હતી.

અકાદમીની સ્થાપના ભારત સરકાર દ્વારા કરાઈ છે અને તે સ્વાયત સંસ્થા તરીકે કાર્યરત છે. તેની નોંધણી સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, ૧૮૬૦ અન્વયે સોસાયટી તરીકે ૭ જાન્યુઆરી, ૧૯૫૬ના દિવસે કરી હતી. આવા પ્રતિષ્ઠિત સંસ્થાન ખાતે પુસ્તકનું પઠન અંજુના વ્યક્તિત્વના અલાયદા પાસાની કદર સમાન હતું.

અંજુ રંજનની પ્રેરણાદાયી કથાનો આરંભ નાનકડા ગામના ગરીબ ખેડૂતના ઘરમાં થયો હતો જ્યાં તેનો ઉછેર ચાર બહેન અને એક ભાઈની સાથે થયો હતો. તેણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી તે અગાઉ ગામમાંથી કોઈ છોકરીએ આવું સીમાચિહ્ન પાર કર્યું ન હતું. તેની એક વાર્તામાં મેટ્રિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું ત્યારે તેના મને અનુભવેલી ચિંતાતુરતાનું વર્ણન કરાયું છે. હૃદયના ધબકારા અનેક વખત ચૂકી ગયા પછી જાણવા મળ્યું કે અંજુ મેટ્રિકમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાને આવી હતી. આ પછી કોલેજના અભ્યાસ માટે તે હઝારીબાગ ગઈ અને સ્નાતક (ગ્રેજ્યુએશન) અને અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએશન) કક્ષાએ ગોલ્ડ મેડલ્સ સાથે તેણે માસ્ટર્સ ઈન કેમિસ્ટ્રીની ડીગ્રી હાંસલ કરી હતી. સિવિસ સર્વિસીસમાં પ્રથમ પ્રયાસમાં અંજુ ઈન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ સર્વિસમાં જોડાઈ હતી. આ પછી બીજા પ્રયાસમાં ૨૦૦૨માં પ્રતિષ્ઠિત ઈન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાઈ હતી. આ સાથે તે ઝારખંડ રાજ્યની મહિલા સંદર્ભે પ્રથમ ઝળહળતી સફળતાની કથા બની ગઈ.

અંજુએ પિતાની અવસાન પછી પોતાના ભાઈ-બહેનોના અભ્યાસમાં અને તેમના લગ્નો કરાવી આપવામાં પણ મદદ કરી હતી. અંજુના પગલે તેની બે બહેન પણ સિવિલ સર્વીસીસમાં જોડાઈ હતી, અન્ય એક બહેન ગવર્મેન્ટ કોલેજમાં રીડર અને બીજી બહેન ડોક્ટર છે. તેનો ભાઈ એન્જિનીઅર છે. ગરીબ ખેડૂતના છ સંતાનો આજે વિવિધ ક્ષેત્રોમાં ભારતને બહેતર બનાવવામાં યોગદાન આપી રહ્યા છે!

પોતાની આવી સિદ્ધિઓ છતાં અંજુ મૂલતઃ પોતાની ભૂમિ અને તેની સંસ્કૃતિ સાથે જોડાયેલી રહી છે. તે પોતાના મૂળ-વતન વિશે વાત કરવામાં જરા પણ શરમ કે સંકોચ અનુભવતી નથી. આનાથી વિપરીત, પોતાના નિર્દોષ ગ્રામ્યજીવનના સંભારણા સ્નેહથી વાગોળે છે. અને શા માટે નહિ? અંજુએ તો આશ્ચર્યકારી અંતરનો પ્રવાસ ખેડ્યો છે. તેણે જે સિદ્ધિ હાંસલ કરી છે તેનો ગર્વ અનુભવવાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો છે.

આપણા ભારતમાં આવી લાખો અંજુ વસે છે. આપણે કદાચ તેમની કથા જાણતા પણ નહિ હોઈએ પરંતુ, તેમના યોગદાન ભારતની કથામાં અનેરી સુગંધ ઉમેરે છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter