એનડીએને ઓછામાં ઓછી ૩૪૦ બેઠક મળશેઃ ‘ગુજરાત સમાચાર’નું તારણ સાચું પડ્યું...

Thursday 23rd May 2019 08:15 EDT
 
 

ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું પલ્લું ભારે રહેશે? આ મુદ્દે દેશવિદેશમાં વસતાં ભારતીયોમાં અનેક અભિપ્રાયો વ્યક્ત થઇ રહ્યા હતા. કોઇનો મત એવો હતો કે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ ફરી સત્તા મેળવશે. તો એક વર્ગ કોંગ્રેસ અને મહાગઠબંધનની યુતિ દેશની શાસનધુરા સંભાળશે તેમ માનતો હતો. જોકે ‘ગુજરાત સમાચાર’એ ઘણા સમય પહેલાં - જાન્યુઆરી ૨૦૧૯માં જ સ્પષ્ટ શબ્દોમાં મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે લોકસભાના ચૂંટણી પરિણામોમાં નરેન્દ્ર મોદી સફળ નેતૃત્વ પૂરું પાડશે અને ભાજપના નેતૃત્વમાં એનડીએ જ્વલંત દેખાવ કરશે.
‘ગુજરાત સમાચાર’-Asian Voiceના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે તેમની લોકપ્રિય કોલમ ‘જીવંત પંથ’માં ‘ભારતની આગામી સાર્વત્રિક ચૂંટણીઃ એક અભિનવ સમુદ્રમંથન’ મથાળા હેઠળ આ મુદ્દે વિશદ્ છણાવટ કરી હતી. ૯ ફેબ્રુઆરી ૨૦૧૯ના અંકમાં પ્રકાશિત આ કોલમનો અંશ અત્રે રજૂ કર્યો છેઃ
સોમવાર ૨૮ જાન્યુઆરીએ સેન્ટ્રલ લંડનના વેપાર-ઉદ્યોગ મથક તરીકે આગવી નામના ધરાવતા સિટી વિસ્તારમાં આવેલા ગીલ્ડ હોલમાં ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિવસ)ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ઉજવણી પ્રસંગે સિટી ઓફ લંડનના લોર્ડ મેયરે આ ભવ્ય સ્થળને ભારત સરકારને સાદર કર્યું હતું. આ અંગેનો અહેવાલ આપ સહુએ ગયા સપ્તાહના અંકમાં વાંચ્યો છે.
સમારંભ પૂરો થયા બાદ ભારતની જાણીતી ટીવી ચેનલ્સના સંવાદદાતાઓ સાથે ચર્ચા, વિચારોના આદાનપ્રદાનનો અવસર સાંપડ્યો. અને ચર્ચા-વિચારણનો અવસર ચૂકે તે સી.બી. નહીં. છેલ્લા થોડાક સમયથી ભારતીય સમાજમાં જોવા મળી રહેલા પરિવર્તનથી શરૂ થયેલી ચર્ચાનો સિલસિલો - હરહંમેશની જેમ આ વખતે પણ - ભારતના રાજકીય માહોલ સુધી પહોંચ્યો હતો. ચર્ચાના કેન્દ્રસ્થાને એક જ સવાલ હતોઃ આગામી લોકસભા ચૂંટણીમાં શું થશે? દેશ માથે સામાન્ય ચૂંટણીઓ તોળાઇ રહી છે ત્યારે રાષ્ટ્રીય તખતે કેવા રાજકીય સમીકરણો રચાઇ રહ્યા છે અને તેમાં છેવટે કોણ લાભમાં રહેશે તે મુદ્દો ચર્ચાનો મુખ્ય વિષય હતો. વતનમાં વસતાં આમ આદમીથી માંડીને રાજનેતાઓ સાથે હું સતત સંપર્કમાં રહું છું તે વાતથી વાકેફ એક સંવાદદાતાએ મને પૂછ્યછયુંઃ સી.બી., તમને શું લાગે છે? નરેન્દ્ર મોદી સરકાર ફરી ચૂંટાશે?
આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં મેં જણાવ્યું કે...
ચૂંટણી આડે હવે ગણતરીના સપ્તાહો જ બાકી રહ્યા છે. ચૂંટણીની તારીખ તો કેન્દ્રીય ચૂંટણી પંચ (સીઇસી) જ નક્કી કરશે, પણ આગામી મે મહિનાના અંત પહેલાં ચૂંટણી યોજાઇ જવાની આશા છે. વાચક મિત્રો, આ ચર્ચા વેળા મને બ્રિટિશ વડા પ્રધાન હેરલ્ડ વિલ્સન યાદ આવી ગયા. તેમણે ૧૯૬૮માં એક રાજકીય વિવાદ સંદર્ભે જણાવ્યું હતું કે ‘રાજકારણમાં એક સપ્તાહની મુદત પણ બહુ લાંબો સમય ગણી શકાય’. આ સંદર્ભે કહું તો ચૂંટણી પરિણામ વિશે અત્યારે કોઇ અંદાજ બાંધવો જોખમનું પડીકું જ ગણાયને? છતાં મેં આ પત્રકારને જવાબદારીપૂર્વક જણાવ્યું કે અત્યારે મળી રહેલા એંધાણ પ્રમાણે તો મારું માનવું છે કે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને ઓછામાં ઓછી ૩૪૦ બેઠકો મળશે. ગત ચૂંટણી વેળા, ૨૦૧૪માં આ આંકડો ૩૩૩ હતો.
ભારતમાં અત્યારે અભૂતપૂર્વ રાજકીય ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે. નેતાઓથી માંડીને આમ આદમીમાં ક્યારેય ચૂંટણી મુદ્દે આટલી ઉત્સુક્તા જોવા મળી નથી. આ માહોલ જોતાં કેટલાક નિરીક્ષણો ઉપયોગી માર્ગદર્શક ગણી શકાય...
રવિવારે સાંજથી કોલકતામાં ધરણાં-પ્રદર્શન યોજીને મમતા બેનરજીએ આગામી ચૂંટણી જંગમાં રાજ્ય વિરુદ્ધ કેન્દ્ર સરકારનું એક નવું જ પરિમાણ ઉમેર્યું છે. કોલકતા હાઇ કોર્ટ કે નવી દિલ્હીમાં બેસતી સુપ્રીમ કોર્ટ આ મામલે કેવો અભિગમ અપનાવે છે એ તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો ઓડીસાના બીજુ જનતા દળ (બીજેડી) અને તેલંગણના ટીઆરએસ સિવાયના લગભગ તમામ વિરોધ પક્ષોએ મમતા દીદીના હઠાગ્રહમાં હાએ હા ભણી છે. ભારતના રાજકીય તખતે આકાર લઇ રહેલા આ નવતર ઘટનાક્રમ ઉપરાંત તાજેતરના સપ્તાહોમાં બનેલા કેટલાય બનાવો, ઘોષણાઓ કે મતમતાંતરોના પરિણામે મતદારોના મિજાજનો તાગ મેળવવો મુશ્કેલ જણાય છે. જોકે આમ છતાં નરેન્દ્ર મોદી સરકારને પાંચ વર્ષ પૂરાં થઇ રહ્યા છે એ હકીકત છે. મોદી સરકાર સર્વાંગી રીતે પરફેક્ટ છે એમ કહેવું કદાચ યોગ્ય ન ગણાય. તેમ છતાં અગાઉની અન્ય સરકારોની સરખામણીએ મોદી સરકારે ભારતને અનેકવિધ ક્ષેત્રે વિકાસની નવી સોગાદ સાદર કરી છે તેમાં કોઇ બેમત હોય શકે નહીં...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter