એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ મહામારી કરતાં પણ ખરાબ ?

- રુચિ ઘનશ્યામ Tuesday 01st February 2022 14:25 EST
 
 

આ અઠવાડિયે મહત્ત્વની ઘણી ઘટનાઓ ધ્યાન ખેંચે તેવી હતી. અમેરિકા અને રશિયાની અલગ અલગ વાતો છે અને નાટો એલર્ટ પર હોવા સાથે યુક્રેનમાં કટોકટી વધી રહી છે. યુક્રેન ૧૨ જૂન ૨૦૨૦ના રોજ નાટોના ઓપોર્ચ્યુનિટી પાર્ટનર ઈન્ટરોપેરાબિલિટી પ્રોગ્રામમાં જોડાયું હતું અને તેને યુરોપના બાકીના દેશો સાથે સંબંધ છે.    

હાલ કટોકટીને ટાળવા પ્રયાસો થઈ રહ્યા હોવાથી તેઓ કરશે અથવા નહીં કરે (યુધ્ધ) તે પ્રશ્ર ઓછો ગંભીર બન્યો છે. ભારતની પ્રતિક્રિયા વિશે એક અટકળ હતી. ભારતને રશિયા સાથે પરંપરાગત મજબૂત સંબંધો છે અને ભારત ઝડપથી પશ્ચિમના દેશો સાથે તેના સંબંધો મજબૂત બનાવી રહ્યું છે. તેથી ગયા સોમવારે યુક્રેનના મુદ્દે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યોજાયેલા મતદાનથી અળગું રહ્યું હતું. ભારતે તમામ દેશોના યોગ્ય સુરક્ષા હિતોને ધ્યાનમાં લેવાય તેવો અને પ્રદેશમાં અને અન્ય ક્ષેત્રોમાં લાંબા ગાળાની શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરે તેવો ઉકેલ શોધવા અનુરોધ કર્યો હતો. કેન્યા અને ગેબોન પણ મતદાનથી અળગા રહ્યા હતા, જ્યારે રશિયા અને ચીને તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. અમેરિકાના પગલાંને યુએન સિક્યુરિટી કાઉન્સિલના નવ અન્ય સભ્યોનું સમર્થન મળ્યું હતું. ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૨માં ભારતના આર્થિક ભાવિનું આશાવાદથી ભરપૂર ચિત્ર રજૂ કર્યું હતું. બજેટમાં મુખ્ય કઈ કઈ બાબતો છે તેની જાણકારી તુરત જ મળી રહે તેવી હતી.
મેલ્બોર્નમાં થોડા દિવસ પહેલા જ ઐતિહાસિક ઓસ્ટ્રેલિયન ઓપન ટેનીસ ટુર્નામેન્ટનું સમાપન થયું. પુરુષોના સીંગલ્સ ટાઈટલ્સમાં ૨૧ ગ્રાન્ડ સ્લેમ જીતનારા પ્રથમ ટેનીસ ખેલાડી બનીને રાફેલ નડાલે ઈતિહાસ રચ્યો હતો. બીજો ઈતિહાસ મહિલા ટેનીસમાં રચાયો હતો. એશ્લે બાર્ટી ૧૯૭૮થી અત્યાર સુધીમાં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનારી પહેલી ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી બની હતી. ૪૪ વર્ષના લાંબા ગાળા બાદ ઓસ્ટ્રેલિયાને આ ટાઈટલ મળ્યું છે.      
નોવાક યોકોવિચ કોવિડ -૧૯ વિરોધી વેક્સિન લીધા વિના ટુર્નામેન્ટ રમવા આવ્યો અને કોર્ટમાં કાનૂની જંગ પછી તેને દેશનિકાલ કરાતા આ વખતે ટુર્નામેન્ટના પ્રારંભ પહેલા ડ્રામા શરૂ થયો હતો. યોકોવિચ પ્રકરણને લીધે ટુર્નામેન્ટમાં બનેલી ઘટનાઓ લગભગ ઢંકાઈ ગઈ. જોકે, આ ઘટના કરતાં આ આખી વાતને લીધે વેક્સિનેશન સાથે સંકળાયેલા મહત્ત્વના મુદ્દા ઉઠ્યા હતા. ઘણાં લોકો વ્યક્તિગત સ્વતંત્રતા અને પસંદગીના અધિકારને સમર્થન આપે છે. તેમાં ખાસ કરીને એક અથવા બીજા કારણસર વેક્સિનેશનનો વિરોધ કરનારા લોકો હોય છે. ઘણાં લોકો એવાં પણ હોય છે જેમને લાગે છે કે કોઈપણ વ્યક્તિને પોતાની જાતને અથવા અન્ય લોકોને જોખમમાં મૂકવાનો અધિકાર હોવો ન જોઈએ. વૈશ્વિક મહામારીમાં તો આ મહામારીનો અંત લાવવામાં મદદરૂપ થવાની દરેક વ્યક્તિની જવાબદારી હોવી જોઈએ અને વેક્સિનેશન આ મહામારી સામે જીતવાની આશા પૂરી પાડે છે.       વીક્લી કોલમ લખનાર વ્યક્તિ માટે આ બધા વિષયોમાંથી કોઈપણ એક વિષય પૂરતો છે. પરંતુ, આ વીકે મેં એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ અથવા AMR ના ખૂબ મહત્ત્વના વિષય પર પ્રકાશ પાડવાનો નિર્ણય કર્યો.  
The Lancet દ્વારા ૨૦૦થી વધુ દેશો અને પ્રદેશોને આવરી લેતું એક વિશ્લેષણ પ્રકાશિત કરાયું. તેમાં જણાવાયું હતું કે HIV/Aids અથવા મેલેરિયાન લીધે જેટલાં લોકો મૃત્યુ પામે છે તેના કરતાં વધુ લોકોનું મૃત્યુ AMRને લીધે થાય છે. સામાન્ય અને અગાઉ સારવારને લીધે સંક્રમણથી સાજા થતા હતા તેને લીધે હવે સેંકડો કે હજારો લોકો મૃત્યુ પામે છે કારણ કે હવે તે બેક્ટેરિયા સારવાર પ્રતિરોધક થઈ ગયા છે એટલે કે તેમના પર સારવારની કોઈ અસર થતી નથી. એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ માનવતા સમક્ષ ગંભીર જોખમ ઉભું કરે છે કારણ કે દુનિયાભરમાં તે મૃત્યુનું મોટું કારણ બની ગયું છે અને તેને લીધે દરરોજ ૩,૫૦૦ લોકો મૃત્યુ પામે છે તે બાબત પર ગાર્ડિયન અખબારના અહેવાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે એન્ટિબાયોટિકનો પ્રતિરોધ કરતા બેક્ટેરિયલ ઈન્ફેક્શન્સના સીધા પરિણામ તરીકે ૨૦૧૯માં ૧.૨ મિલિયન કરતાં વધુ લોકોનું મૃત્યુ થયું હતું.    
તમામ વયજૂથના લોકોને AMRને લીધે ખતરો છે પરંતુ, નાના બાળકોને તેનાથી વધુ જોખમ હોવાનું જણાયું હતું. AMRને લીધે થતાં દર પાંચમાંથી એક મૃત્યુ પાંચ વર્ષથી નીચેના બાળકનું  હતું. સીધા AMRને લીધે જ થતાં મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુ સબ – સહારન આફ્રિકા અને સાઉથ એશિયામાં થયા હતા. જે ૧૦૦,૦૦૦ની વસતિએ અનુક્રમે ૨૪ અને ૨૨ મૃત્યુ હતા.      
પરંતુ, વધુ આવક ધરાવતા દેશો પણ તેની અસરથી બાકાત નથી.સીધા તેને લીધે જ થતાં મૃત્યુની સંખ્યા દર ૧૦૦,૦૦૦એ ૧૩ હતી જે દર ૧૦૦,૦૦૦એ ૫૬ મૃત્યુ સાથે સંકળાયેલી હતી. યુકેનો પણ જેમાં સમાવેશ થાય છે તે પશ્ચિમ યુરોપ પ્રદેશમાં AMRના સીધા પરિણામને લીધે ૫૧,૦૦૦ લોકોનું મૃત્યુ થયું હતું.
આપણે દવાઓનો કેવી રીતે ઉપયોગ કે દુરુપયોગ કરીએ છીએ તે AMR માટેનું મોટું કારણ છે. ભારતીય ટીવી પત્રકાર પલ્કી શર્મા ઉપાધ્યાયે WION TV પર તેમના આ બાબત પર તાજેતરના અહેવાલમાં પ્રકાશ પાડ્યો છે. ભારતીયોનો પ્રિય નાસ્તો ભજીયા કે સમોસા નથી. પરંતુ, તાવ અને શરીરના દુઃખાવા માટેની ટેબ્લેટ છે. ૨૦૨૦માં મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ ચોક્કસ બ્રાન્ડની ૩.૫ બિલિયન ટેબ્લેટ વેચાઈ હતી. આ ટેબ્લેટ્સને ઉપરાઉપરી ગોઠવવામાં આવે તો તેમાંથી બુર્જ ખલીફા કરતાં ૬૩,૦૦૦ ગણો ઉંચો અને માઉન્ટ એવરેસ્ટ કરતાં ૬,૦૦૦ ગણો ઉંચો ટાવર બને. ડોક્ટરોની સલાહ લીધા વિના જાતે જ દવા લેવાના અને સારવાર અધવચ્ચે છોડી દેવાના વલણને લીધે AMR સતત વધે છે. લોકો બીમારીના લક્ષણો હળવા થાય ત્યારે ડોક્ટરોએ જે એન્ટિબાયોટિક્સનો કોર્સ પ્રિસ્ક્રાઈબ કર્યો હોય છે તે પૂરો કરવાને બદલે એન્ટિબાયોટિક્સ લેવાનું બંધ કરી દે છે. AMR કોઈ નવી સમસ્યા નથી. તે વર્ષોથી વધી રહી છે. પરંતુ, હવે તે ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. કોવિડ -૧૯ મહામારીએ સર્જેલો વિનાશ જોતાં આ વૈશ્વિક પડકાર પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તે આપણા સૌની જવાબદારી છે.  (રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.twitter @RuchiGhanashyam)  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter