એવાં પરિવર્તનો જે ઝટ નજરે ચડતાં નથી

રુચિ ઘનશ્યામ Wednesday 16th June 2021 05:59 EDT
 
 

દિલ્હીમાં તબક્કાવાર નિયંત્રણો હળવાં થઈ રહ્યાં છે ત્યારે મહિનાઓથી મુલાકાત થઈ ન હતી તેવા એક મિત્ર અમને મળવા આવ્યા હતા. આમ તો આ પ્રસંગ તો આનંદનો જ હતો પરંતુ, મહામારીના કારણે અપરાધ અને આશંકાનો એવો મિશ્રભાવ અનુભવાયો હતો જાણે કે ડાયાબિટીસનો દર્દી અડધી રાત્રે ગુલાબજાંબુ ખાઈ રહ્યો હોય. સાંજનાં સમયે અમે મહામારીએ આપણા જીવનમાં લાવેલાં પરિવર્તનોની ચર્ચા કરી હતી.

સ્વાભાવિક રીતે જ આપણી ખરીદારીની આદતો પર સ્પષ્ટ અસરો ઉભી થઈ હતી. આપણામાંથી ટેકનોલોજીથી વિમુખ રહેનારા ઘણા લોકો અંશતઃ ઓનલાઈન ચીજવસ્તુઓ ઓર્ડર કરવા તરફ વળી ગયા હતા. હું તો સ્ટોરમાંથી ખરીદી કરવાનું માનતા વર્ગની છું. આપણે શું ખરીદી રહ્યા છીએ તે તો આપણે જોવું જ જોઈએ ને! જોકે, મારા સંતાનોએ ધીરે ધીરે મને ઓનલાઈન ચીજવસ્તુઓ શોધવા-ખરીદવા માટે પ્રોત્સાહિત કરી હતી.

હું ઘણા વર્ષથી નાની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઓનલાઈન કંપનીઓનો ઉપયોગ કરતી આવી છું પરંતુ, આ વસ્તુઓ યોગ્ય ન હોય તો તેમને પરત કેવી રીતે કરવી તે હું ભૂલી ગઈ હતી. મારે કોઈ ચીજવસ્તુઓ પરત કરવાની હોય  ત્યારે મારા બદલે કોઈ આ કામ કરી આપે તેમ મારે કરવું પડતું હતું.

લોકડાઉનના સમયગાળામાં મોટા ભાગની દુકાનો બંધ જ રહેવાથી ઓનલાઈન ખરીદી કરવા સિવાયનો કોઈ વિકલ્પ હાથવગો ન હતો. થોડા દિવસ અગાઉ, મારી માતા માટે કેટલાક વસ્ત્રોનો ઓર્ડર કર્યો હતો કારણકે અચાનક તેનું વજન ઘણું ઘટી ગયું હતું. વસ્ત્રોનો પહેલા લોટ આવ્યો તે બરાબર ન હતો. વસ્ત્રો ઘણા નાના હતા અને તેમને પરત કરવા પડે તેમ હતા. બાળકો તો વ્યસ્ત હતા ત્યારે આ વસ્ત્રો કોને પહેરવા આપી શકાય તેવો વિચાર હું કરવા લાગી હતી. આ વેળાએ મારા રસોઈઆ મહારાજે મને પ્રશ્ન કર્યો કે તમે આ વસ્ત્રો પરત કરી શકો તેમ છો તો શા માટે કોને આપી દેવા તેનો વિચાર કરો છો? મેં તેમને કહ્યું કે વધા બાળકો વ્યસ્ત છે અને આ વસ્ત્રો કેવી રીતે પરત કરવા તેની મને ખબર નથી. તે ભાઈ ઝડપથી મારી પાસે આવ્યા અને આ કેટલું સહેલું છે તે મને સમજાવી દીધું! બસ, આ પછી તો હું ઓનલાઈન ઓર્ડર્સ કરવામાં નિયમિત બની ગઈ છું.

થોડા મહિનાઓ અગાઉ મારી માતાને અંગત કાળજીની વિશેષ આવશ્યકતા હોવાથી તેમની સારસંભાળ લેવા માટે એક લેડી એટેન્ડન્ટને કામે રાખ્યા હતાં. આ બહેન થોડા સમય પહેલા જ ઉત્તર ભારતના એક ગામમાંથી આવેલાં હતાં. તેઓ ચાલાક-સ્માર્ટ હતાં પરંતુ, શિક્ષણ ઓછું હતું. શાળાકીય શિક્ષણ ઓછું હોવાં છતાં, તેઓ પોતાના સ્માર્ટફોન સાથે વળગેલાં જ રહેતાં હતાં અને તેમને ખરીદવાની જરુરી ચીજવસ્તુઓ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી શોધી લેવાની ભારે ફાવટ હતી. મારાં ધ્યાનમાં એ પણ આવ્યું હતું કે માત્ર મારાં જ ઘરમાં નહિ, મારી પડોશના અન્ય ઘરોમાં પણ કામ કરતા અન્ય સ્ટાફ મેમ્બર્સ પણ પોતાના સ્માર્ટફોન્સને સંપૂર્ણ સમર્પિત હતા!

આમ તો આ બાબત રમૂજપ્રેરક છે અને કોઈ પણ રીતે ગંભીર અભ્યાસ નથી પરંતુ, આપણી આસપાસના વિશ્વમાં ઘણી બાબતો કેટલી ઝડપથી બદલાઈ રહી છે તેનો નિર્દેશ અવશ્ય આપે છે. સ્માર્ટફોન્સ, માત્ર સીધાસાદા સામાન્ય ફોન તો નહિ જ, વર્તમાન જીવનની આવશ્યકતા બની ગયા છે. બે-ત્રણ દાયકા અગાઉ આપણે જૂના ફોન્સ વાપરતા હતા તેની યાદ આવે છે? ગઈકાલની જે વાસ્તવિકતા હતી તેવી અન્ય ઘણી ચીજવસ્તુઓ હવે ભૂતકાળના અવશેષો બની ગઈ છે. ટેકનોલોજીની અતિ ઝડપી પ્રગતિના કારણે આવા પરિવર્તનો પણ સુપર ફાસ્ટ બની ગયાં છે. પરિવર્તનની આ ઝડપી ગતિમાં આપણને કદી ધ્યાનમાં જ આવતું નથી કે આપણી આસપાસના વિશ્વમાં ધરખમ ફેરફારો આવી ગયા છે!

વર્તમાનમાં, આ વૈશ્વિક મહામારીએ ટેકનોલોજી દ્વારા લવાયેલી પરિવર્તનની ઝડપી ગતિમાં વધારો કર્યો છે. મહામારી અગાઉ પણ ઓનલાઈન શોપિંગ માર્કેટનો એક મોટો હિસ્સો હતું. મહામારી પહેલા પણ ઓનલાઈન શોપિંગની તીવ્ર સ્પર્ધાના કારણે ઘણા ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ મુશ્કેલીમાં આવી ગયા હતા અથવા બિઝનેસમાંથી ફેંકાઈ ગયા હતા.

મહામારીમાં માર્કેટ્સ બંધ જ થઈ ગયા અને લોકો પણ તેમના ઘરમાં તાળાબંધીમાં આવી ગયા ત્યારે એક માત્ર વિકલ્પ ઓનલાઈન શોપિંગનો જ રહ્યો હતો. આ સમયગાળામાં નાના અને મોટા, કેટલા બિઝનેસીસને બંધ થવું પડ્યુ? ઘણી વખત તો દેશભરમાં ‘Mom and Pop’ દુકાનોએ કેટલી મુશ્કેલી-તણાવો અનુભવ્યા હશે તેનો વિચાર પણ મને વ્યથિત કરી દે છે.

કદાચ, મેં આગળ જે વાત કરી તેમાં ઉપાયનો ઈશારો પણ છે. વર્તમાન પરિસ્થિતિ કે સંજોગો છે તેને આપણે ચલાવી લેવાનો સંતોષ રાખવો ન જોઈએ. આપણે બદલાતા સંજોગો સાથે ગતિ જાળવી રાખવાની ચપળતા દર્શાવવી જોઈએ. અગાઉના સમયમાં હતી તેના કરતાં પણ વર્તમાનમાં આપણી આસપાસ શું બની રહ્યું છે તેના પર સતત નજર રાખવી, આપણી કુશળતામાં સતત સુધારો કરતા રહેવું અને હંમેશાં આગળ રહેવું તેની વિશેષ જરુરિયાત છે. જોકે, આમ કરવા કરતાં કહેવું ઘણું સહેલું છે.

આપણે મનમાં એ બાબતનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે કે ટેકનોલોજી, ખાસ કરીને ગ્રામીણ વ્યવસ્થા અને આર્થિક બેહાલીના વિસ્તારોમાં ભેદભાવ કે તફાવતની ખાઈને વિસ્તારી શકે છે. ઘણી વખત એમ પણ કહેવાય છે કે ટેકનોલોજી મહાન સમાનતાપ્રેરક છે. જો કોઈ વ્યક્તિને અભ્યાસ કરવા યુનિવર્સિટી જવાનું પોસાતું ન હોય તો પોતાની જાતના ઉત્થાન માટે ઓનલાઈન શિક્ષણનો સહારો લઈ શકે છે. પરંતુ, આર્થિક દૃષ્ટિએ બેહાલ પરિવારોમાં ઘરમાં માત્ર એક ફોન અથવા કોમ્પ્યુટર હોય અથવા હોય જ નહિ, ત્યારે અન્ય લોકોની સાથે દોડમાં ટકી રહેવું વંચિતાવસ્થાના લોકો માટે અશક્ય બની જાય છે. સ્ત્રીઓ અને છોકરીઓએ તે વધુ ગુમાવવું પડે છે. નીતિ ઘડવૈયાઓએ તમામ માટે સમાન તકના સ્તરનું લક્ષ્ય રાખવું જોઈએ તેમજ છોકરીઓનાં શિક્ષણ અને કલ્યાણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવું જોઈએ.
આ મહામારીએ આપણા જીવનને બદલી નાખ્યા છે પરંતુ, આપણે પરિવર્તનને જેટલી ઝડપે અનુકૂળ બની રહીશું તે આપણા માટે વધુ બહેતર રહેશે!

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter