ઓમાનમાં ગુજરાત (ભાગ-૧)

દેશ-વિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Saturday 05th January 2019 05:53 EST
 
 

ગુજરાતના સુરત શહેર જેટલી વસ્તી અને સમગ્ર ગુજરાત કરતાં દોઢો વિસ્તાર ધરાવતો ઓમાન દેશ સેંકડો વર્ષથી ગુજરાત સાથે વેપારી સંબંધો ધરાવે છે. સાઉદી અરબસ્તાન પછી આરબ ભૂમિના વિસ્તારમાં બીજા નંબરે આવતા ઓમાનના પાટનગર મસ્કત અને કચ્છના માંડવી વચ્ચે દરિયાઈ અંતર ૬૧૨ માઈલ છે. માંડવીથી નીકળેલું વહાણ હવામાન સરખું હોય તો ત્રણ દિવસમાં ત્યાં પહોંચી જાય. આને કારણે કચ્છી ભાટિયાને આફ્રિકા પહોંચવાનું પ્રથમ બંદર મસ્કત આવતું. આથી મસ્કત અને માંડવી વચ્ચે વૈષ્ણવ સંપ્રદાયમાં નિષ્ઠા ધરાવતા ભાટિયા વેપારી માંડવીથી ચોખા, ખાંડ, ચ્હા, મસાલા, કાપડ વગેરે લઈને મસ્કત પહોંચતાં.

ઓમાનના આરબોએ પૂર્વ આફ્રિકાના કિનારા પર કેટલીક વસાહતો સ્થાપી હતી. આમાં ઝાંઝીબારમાં આરબ સુલતાન હતા અને જેરામ શિવજીની પેઢીનો ત્યાં ભારે પ્રભાવ હતો. આ પેઢીના લધાભા શેઠ ઝાંઝીબારની સલ્તનતમાં માનપાન અને પ્રભાવ ધરાવતા. ૧૯મી સદીની અધવચ્ચે ભાટિયા વેપારીઓની મસ્કતમાં અવરજવર વધી. આમાં રામદાસ શેઠ મુખ્ય હતા. એમના પુત્ર ખીમજીભાઈએ ૧૮૭૦માં ખીમજી રામદાસ કંપની સ્થાપીને મસ્કતમાં સ્થાયી થયા. એમના પુત્ર ગોકળદાસે વેપાર વિસ્તાર્યો. આરબોના ગામડાં ખૂંદીને અજાણ્યા લોકો સાથે સાથે વેપાર શરૂ કર્યો. આરબોને માલ ખરીદી પેટે એડવાન્સ પૈસા આપે. ચા, ખાંડ, કાપડ, મસાલા વગેરે ઉધાર આપે. આરબોને ઘરે માંદગી, મરણ પ્રસંગે પહોંચીને દિલાસો આપે. મદદ કરે. ઊંટે બેસીને, ગધેડાં પર માલ લાદીને દેશ ખૂંદે. આરબો એમને મમુ કહે. આરબ ગામડામાં ઝાડ નીચે રાતવાસો કરે. સુખ-દુઃખની વાતો કરે. આરબોના એ લાડીલા. આરબો એમને આપેલું વચન પાળે. મમુનો શબ્દ ના ઉથાપે.
બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટીશ સેનાને માલ, માણસો અને ખાદ્યખોરાકની ચીજો પૂરી પાડવા ખીમજી રામદાસની પેઢીની અંગ્રેજોએ નિમણુંક કરી. બ્રિટીશ સરકારે ગોકળદાસ શેઠને ૧૯૪૧માં રાયસાહેબ અને ૧૯૪૪માં રાયબહાદુર બનાવ્યા. ઓમાનના સુલતાને તેમને ધંધાના ઉત્તેજન માટે વિવિધ સવલતો આપી. સુલતાનના એ અંતેવાસી બન્યા.
ઓમાનમાં સાડા આઠ જેટલા લાખ ભારતીય છે. તેમાં ૭૫,૦૦૦ ગુજરાતી છે. ૨૦૦૦ જેટલા ડોક્ટર છે. કામદારોમાં મોટા ભાગના કેરળના છે. ડોક્ટરોમાં ઉત્તર ભારતીય, મહારાષ્ટ્રીયન અને ગુજરાતી વધુ છે.
ઓમાનના અર્થતંત્ર પર ગુજરાત વેપારીઓનો કાબુ છે. આમાં ભાટિયા મોખરે છે. સમગ્ર અખાતી દેશોમાં શેખ બનવામાં પ્રથમ તે ગોકળદાસના પુત્ર કનકશી શેઠ. શેખનો શબ્દાર્થ છે કબીલાના વડા. શેખનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ અને ગૌરવભર્યું છે. કોઈ ઈન્ડિયનને ઈન્ડિયન સાથે કે આરબ સાથે મતભેદ થાય કે સમસ્યા સર્જાય તો બંનેને સાંભળીને શેખ જે નિર્ણય કરે તે સરકાર માન્ય રાખે છે. કનકશી શેઠ તો સૌપ્રથમ હિંદુ શેખ છે.
કનકશી શેઠ પછી મસ્કતના રાજવીએ બીજાને પણ કેટલાંક વર્ષે શેખ બનાવ્યા. આમાં અજિત હમલાઈ, આ પછી બકુલ મહેતા, કિરણ આશર વગેરે શેખ બન્યા છે. મસ્કતના ભારતીયોમાં આમ શેખ બનવામાં ગુજરાતી વેપારીઓ મોખરે છે. બીજા ભારતીયો પણ આને કારણે ગુજરાતીઓ પ્રત્યે માનની નજરે જુએ છે.
મસ્કત ગુજરાતી સમાજના પેટ્રન કનકશી શેઠ છે. ઓમાનના ભારતીય વેપારી મહામંડળના પણ એ પ્રમુખ છે. ઓમાનમાં ક્રિકેટ એસોસિએશનની સ્થાપનાથી અત્યાર સુધી તે પ્રમુખ છે. ૨૦૦૩માં ભારત સરકારે પ્રવાસી ભારતીય એવોર્ડ આપવાની શરૂઆત કનકશી શેઠથી કરી હતી. (ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter