ફરી એક વખત ઓલિમ્પિક્સ આવ્યું અને ગયું. ભારતમાં અને વિદેશમાં વસતા ભારતીય લોકોની આશા અને પ્રાર્થનાઓ ફરી આપણા ખેલાડીઓના હાથમાં હતી. એક સુવર્ણ, બે રજત અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે શ્રેષ્ઠ દેખાવ કર્યો હોવા છતાં ભારત જેવા મોટા અને સમર્થ દેશ માટે ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની મેડલ ટેલી ખૂબ ઓછી રહી. આ વખતે નિરાશામાં નવી આશા જન્મી છે કે આખરે સારા માટે પરિવર્તન આવશે.
આપણે આશાના સંકેતોનું વર્ણન શરૂ કરીએ તો ઉડીને આંખે વળગે તેવી થોડીક જ સિદ્ધિઓ છે.
નીરજ ચોપરાએ જેવલીન થ્રોમાં મેળવેલો સુવર્ણ ચંદ્રક ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારત માટે પ્રથમ અને ૨૦૦૮માં શૂટીંગમાં અભિનવ બિન્દ્રાએ મેળવેલા ગોલ્ડ પછી બીજો વ્યક્તિગત ગોલ્ડ હતો. એટલે સુધી કે નીરજ ચોપરા આ રમતમાં ક્વોલિફાય થનારો પણ પ્રથમ ભારતીય જેવલીન થ્રોઅર બન્યો. તેની સિદ્ધિએ ભારતીયોને ગૌરવાન્વિત કર્યા.
પી વી સિંધુએ બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક જીતવાની સાથે ગયા ઓલિમ્પિકની માફક આ વખતે પણ મેડલ મેળવ્યો. સિંધુની સખત મહેનત અને સંઘર્ષનું વળતર મળ્યું અને તેણે બેડમિન્ટન સાથે ભારતની આશા જીવંત રાખી.
ભારતની પુરુષોની હોકી ટીમે ઘણાં લાંબા સમય પછી બ્રોન્ઝ જીતીને પુનઃસંચાર મેળવ્યો હતો. બ્રોન્ઝ મેડલ માટે સંઘર્ષપૂર્ણ રમત પછી ભારત માટે એક આશ્ચર્યજનક ભેટ તરીકે મહિલાઓની હોકી ટીમ ચોથા સ્થાને આવી.
સુશીલ કુમાર પછી ૨૩ વર્ષીય રવિ દહીયા કુસ્તીની ફાઈનલમાં ક્વોલિફાય થનારા બીજા રેસલર બન્યા. તેમના સિલ્વર મેડલે તેમને ઘણાં વર્ષો સુધીની ખ્યાતિ અપાવી છે.
મહિલાઓની ૪૯ કિ.ગ્રા. વેઈટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુનો સિલ્વર અને મહિલાઓની વેલ્ટરવેઈટ બોક્સિંગમાં લવલીના બોર્ગોહેઈનના બ્રોન્ઝે આપણા એથ્લેટસના પ્રદર્શનમાં આપણી ખુશીમાં ઉમેરો કર્યો.
ભારતના શ્રેષ્ઠ કુસ્તીબાજો પૈકીના એક બજરંગ પુનિયા કેટલાંક ઈવેન્ટમાં ભારત માટે ઘણાં ગોલ્ડ જીત્યા છે. પુનિયાએ પણ ૬૫ કિ. ગ્રા. કુસ્તીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતીને મેડલ ટેલીમાં ઉમેરો કર્યો હતો.
ભારતની શૂટિંગ અને તીરંદાજીની ટીમો આ વખતે સફળ નથી થઈ પરંતુ, તેમણે ભવિષ્ય માટે આશા જન્માવી છે. એવા પણ બોક્સરો અને રેસલરો છે જેમણે આ વખતે તેમની ક્ષમતા કરતાં ઓછો દેખાવ કર્યો છે. કેટલાંક એવા ખેલાડી પણ છે જેમનો દેખાવ ગૌરવ સાથે યાદ રખાશે. ડિસ્કસ થ્રો માટે કમલપ્રીત કૌર, ઈક્વેસ્ટ્રીયન ફૌઆદ મિર્ઝા, ફેન્સર સી એ ભવાની દેવી અને ટેબલ ટેનીસમાં મણિકા બત્રાએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
ગેમ્સના છેલ્લાં દિવસની આગળના દિવસે નીરજ ચોપરાની સફળતાથી એકંદરે મળેલી ખુશીમાં મોટાભાગના લોકો એ ભૂલી ગયા કે ૩૮ વર્ષીય મેરિકોમની આ છેલ્લી ઓલિમ્પિક્સ હતી, કારણ કે તેમાં ભાગ લેવા માટેની વયમર્યાદા ૪૦ વર્ષની છે. વિક્રમજનક છ વખતની બોક્સિંગ ચેમ્પિયન ફ્લાયવેઈટ ક્વાર્ટરફાઈનલ્સમાં સારો દેખાવ કરી શકી ન હતી અને ખૂબ નજીવા તફાવતથી બ્રોન્ઝ મેડલની સ્પર્ધામાં હારી ગઈ હતી.
ગયા ઓલિમ્પિક્સની માફક ભારતની દીકરીઓએ ફરી તેમનું કૌવત દર્શાવ્યું હતું. ભારતીય મહિલાઓ ઓલિમ્પિકમાં કયા કારણસર આટલો સારો દેખાવ કરે છે તેવો પ્રશ્ર પણ હવે વારંવાર પૂછાઈ રહ્યો છે. ભારતીય સમાજમાં મર્યાદિત સાધનો સાથેના પરિવારોમાં શિક્ષણ હોય કે પોષણ હોય, છોકરીઓ કરતાં છોકરાઓને વધુ પ્રાધાન્ય અપાય છે તે જાણીતી બાબત છે. તેથી આગળ આવવા માટે છોકરીઓએ ઘણાં નિયંત્રણો સામે લડવું પડે છે. મર્યાદા ઉભી કરતાં આ સંજોગોની બહાર આવતી છોકરીઓ સાહસિક, વધુ દ્રઢસંકલ્પ ધરાવતી અને જોશીલી હોય છે. સદનસીબે, આ ઓલિમ્પિક્સે આપણને હીરો અને હીરોઈન્સ બન્ને આપ્યા છે.
આ ઓલિમ્પિક્સની મેડલ ટેલી એકંદરે આપણને અતિ આનંદ આપે તેવી નથી પરંતુ, આપણે તેમાંથી સંતોષ મેળવી શકીએ તેવું ઘણું છે. ભારતીય સ્પોર્ટ્સ માટે ફંડિંગમાં વધારો થયો છે. ભારતમાં સ્પોર્ટ્સને સહાય માટે સરકાર બજેટરી સપોર્ટમાં વધારો કરે છે તેટલું જ નહીં પરંતુ, ઓછી રકમ સાથે ૧૯૯૮ - ૯૯માં સ્થપાયેલા નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડમાં પણ ભારે વધારો થયો છે. તેમાં ૩૮ ટકા જેટલું ફંડ ખાનગી સ્રોતોમાંથી અને ખાસ કરીને સરકારની માલિકીની કંપનીઓમાંથી આવે છે.
સરકારની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ ચેમ્પિયન એથ્લેટ્સની ટ્રેનિંગ માટે મુખ્ય ફંડિંગ સપોર્ટ છે. ઓડિશા સરકાર દ્વારા ભારતીય હોકી, પુરુષો અને મહિલાઓ બન્ને ટીમની સ્પોન્સરશિપની વ્યાપકપણે પ્રશંસા થાય છે કારણ કે તેનાથી બન્ને ટીમોના દેખાવમાં ખૂબ સુધારો થયો છે.
પ્રાઈવેટ સેક્ટરની ભૂમિકાની પણ પ્રશંસા થઈ રહી છે. નેશનલ બેડમિન્ટન કોચ તરીકે પુલેલા ગોપીચંદે આપણા બેડમિન્ટન સ્ટાર્સ પાછળ પણ મહેનત કરી છે. ગો સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, JSW સ્પોર્ટ્સ અને ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ જેવી ખાનગી પહેલના પ્રયાસોને પણ બીરદાવવામાં આવી રહ્યા છે. આર્થિક સમૃદ્ધિ અને સમર્થતામાં વિકસી રહેલો સમાજ ભારતના રમતગમત અને ખેલાડીઓ પ્રત્યેની સમજમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા છે.
આ ઓલિમ્પિક્સ, આ રમતો દ્વારા રચાયેલા ઘણાં લેજન્ડ્સની પ્રેરણાત્મક ગાથાઓ આપણા ઘર સુધી લાવ્યું છે. જેમના પરિવારને તેમની ટ્રેનિંગ માટે જરૂરી પાંચ લીટર દૂધ ખરીદવાનું પણ પરવડે તેમ ન હતું તે ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલથી લઈને હોકીમાં હેટ્રિકનો સ્કોર કરનારી પ્રથમ ભારતીય મહિલા વંદના કટારિયા તેમજ મીરાબાઈ ચાનુથી લઈને લવલીના બોર્ગોહેઈન , આ તમામે ખૂબ મોટા પડકારોને પાર પાડ્યા છે. તેમણે જે દરવાજા ખોલ્યા છે તેમાં આગામી ઓલિમ્પિક્સમાં અન્યો પ્રવેશ કરે એટલી જ આશા આપણે રાખી શકીએ.
(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.
twitter@RuchiGhanashyam)