ઓવરસ્ટેયર્સ ભારતીયોની બાબતે સત્યનો અંશ કેટલો?

રુચિ ઘનશ્યામ Thursday 20th October 2022 07:37 EDT
 
 

થોડા દાયકાઓ અગાઉ, નોકરીમાં જોડાયા પછી તરત જ મારા પતિ અને મને અમારા એક વરિષ્ઠ અધિકારીઓમાંના એક દ્વારા ડિનર માટે આમંત્રણ અપાયું હતું. આમંત્રિત લોકોમાં અમારા યજમાનના બોસીસ પણ હતા. અમારી પાસે કાર ન હતી અને અમે ચાલતાં જ ડિનર માટે પહોંચી ગયા. એ સાંજ માટે મારા પતિએ જે કોચિંગ આપ્યું હતું તે મને આજે પણ યાદ છે. તેમણે મને શાંત રહેવા અને અમારા સીનિયર્સની હાજરીમાં વધુપડતી વાતચીત નહિ કરવા જણાવ્યું હતું. મારી કારકિર્દીના સમય દરમિયાન હું જ્યારે કોઈ એસાઈન્મેન્ટ પર પહોંચી હોઉં ત્યારે તેઓ મને કશું પણ બોલતાં કે કોઈ એક્શન લેતાં પહેલા પરિસ્થિતિ પર નજર રાખવાનું યાદ અપાવતા હતા. અત્યારે યુકેમાં જે ઘટનાક્રમો નિહાળી રહ્યા છીએ તેના સંદર્ભમાં મને આ સલાહ મળવામાં મારું નસીબ જોરમાં હોવાનું સમજાઈ ગયું હતું. જો અનિવાર્ય મુશ્કેલીઓ ટાળવી હોય તો નિર્ણાયક ઉતાવળિયા એક્શન પછી તેનું વિશ્લેષણ અને અભ્યાસ કરવો આવશ્યક બની રહે છે.

જો કસમયે બોલવાની વાત કરીએ તો, દરેક ડિપ્લોમેટ બરાબર જાણે છે કે કોઈ પણ જાહેરાતો કરતા પહેલા વ્યક્તિ પાસે તમામ હકીકતો હોવી જોઈએ અને તેની અસરો વિશે વિચાર કરી લેવો જોઈએ. તાજેતરમાં વિઝાની મુદત પૂર્ણ થયાના વધુ સમય રહી જનારા ભારતીયોની સંખ્યા બાબતનું નિવેદન પણ તેની અસરો પર ખાસ ધ્યાન આપ્યા વિના જ કરાયું હોવાનું જણાય છે.

યુકેની કેબિનેટના સભ્ય માટે ભારત અને યુકેના સંબંધોમાં સૌથી ખરાબ ઉશ્કેરાટ લાવનારી બાબત કહી શકાય. તેના વિશે જરા પણ વિચાર્યા વિના જાહેરમાં બોલવું અને તે પણ એવા સમયે જ્યારે ભારત-યુકે વેપાર સમજૂતી તેના અતિ નાજૂક તબક્કામાં પહોંચી હોય ત્યારે ઘણું વિચિત્ર જણાય છે. બ્રેક્ઝિટ પછીના સમયગાળામાં યુકે માટે યુરોપના જે બજારો ગુમાવ્યા છે તેને સરભર કરવામાં મદદરૂપ થઈ શકે તેવી વેપારસંધિ ભારત સાથે કરવી જરૂરી છે. યુરોપિયન યુનિયન (500 મિલિયનથી પણ ઓછી જનસંખ્યા)ની સરખામણીએ ભારતમાં લગભગ 1.4 બિલિયન લોકોનું વિશાળ બજાર ભારે આકર્ષક પ્રસ્તાવ જ ગણાય. પરંતુ, એમ જણાય છે કે સરકારના કેટલાક સભ્યોએ એક બાબતને નજરઅંદાજ કરી છે કે દરેક વાટાઘાટોમાં ‘આપવા અને લેવા - give and take ’નો સમાવેશ થાય છે, માત્ર ‘લેવાં અને લેવાં- take and take’નું હોતું નથી!

યુકેમાં વિઝાની મુદતથી વધુ રહી જનારા - ઓવરસ્ટેયર્સ જૂથોમાં ભારતીયોનું સૌથી મોટું જૂથ હોવા વિશે વાત કરવા દરમિયાન યુકે કેબિનેટના સન્માનીય સભ્ય કોઈ આંકડા આપતા નથી. તેમના આ નિવેદન પ્રત્યે આશ્ચર્ય દર્શાવતા લોર્ડ કરણ બિલિમોરીઆએ યાદ અપાવ્યું હતું કે અગાઉ આવી ટિપ્પણી કરાઈ હતી ત્યારે બંને દેશ વચ્ચેના સંબંધો એટલા વણસી ગયા હતા કે તેના નુકસાનમાંથી બહાર નીકળવાના પ્રયત્નો થઈ રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે વિઝાની મુદતથી વધુ રહી જનારા ભારતીયોની સંખ્યા ‘અન્ય દેશોના ઓવરસ્ટેયર્સ લોકોની સરખામણીએ નહિવત- અતિ અલ્પ પ્રમાણમાં છે’ (ધ ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂ અનુસાર).

યુકેમાં મારાં રોકાણના સમયે એક તબક્કે અમે ઘરવિહોણાં લોકોની સંભાળમાં સંકળાયેલી NGO સાથે કામ કર્યું હતું. આ સમયે ભારતીય મૂળના વિઝા વિનાના લોકોનું નાનું પ્રમાણ જોવાં મળ્યું હતું પરંતુ, બિનભારતીયોનું પ્રમાણ ઘણું જ હતું. હું કદી એવાં વંચિત-નિરાધાર ભારતીયોના સંપર્કમાં આવી નથી જેઓ વિઝાની મુદતથી વધુ સમય રોકાયાં હોય. સામાન્યપણે આવા લોકોની સંભાળ ગુરુદ્વારાઓ, મંદિરો અને કોમ્યુનિટી દ્વારા લેવાય છે.

વિઝાની મુદતથી વધુ સમય રોકાનારા કથિત ભારતીયોમાંથી ઘણા તો અન્ય દેશોના નાગરિક હોય છે. આવા લોકોના ભારતીય મૂળની ખરાઈ કરાયા વિના જ ભારત તેમને પરત સ્વીકારી લે તેવી અપેક્ષા યુકેના સત્તાવાળાઓ રાખી શકે નહિ.

ભારતીય મૂળના ડોક્ટર્સની ભૂમિકા, જેમાંથી 60,000 (BAPIOના આંકડા) તો માત્ર NHS માં કામ કરે છે તેમને નર્સિંગ અને અન્ય મેડિકલ ટેક્નિશિયન્સ તેમજ મેડિકલ રિસર્ચમાં સંકળાયેલા અન્ય ભારતીયોની સાથે ગણતરીમાં લઈએ તો બધું મળીને આંકડો જંગી થઈ જાય છે. આ સર્વિસના ભારતીય મૂળના લોકો બ્રિટિશ અર્થતંત્રને જે યોગદાન આપે છે તેમનો આંકડો પ્રાપ્ય નથી તેમજ ભારતમાંથી યુકે તરફ ‘બ્રેઈન ડ્રેઈન’ની જંગી અને વ્યાપક કિંમત ભારતને ચૂકવવી પડે છે તેના વિશે પણ કોઈ ગણતરી કદી કરવામાં આવતી નથી. આપણે ભારતમાં આપણા ડાયસ્પોરાની તાકાતને બે દેશો વચ્ચે સાંકળરૂપ બનતા ‘જીવંત સેતુ’ તરીકે નિહાળીએ છીએ.

વિઝાની મુદતથી વધુ સમય રોકાઈ ગયેલા ભારતીય ઓવરસ્ટેયર્સ પાછળ યુકેએ જે આર્થિક મૂલ્ય ચૂકવવું પડ્યું હોય તેની વાત કરીએ તો ભારતીય કંપનીઓ અને ભારતીય મૂળના લોકોની માલિકીની કંપનીઓ દ્વારા યુકેના અર્થતંત્રને જે યોગદાન કરાયું હોય તેની ગણતરી યાદ કરવી સલાહભર્યું ગણાશે. ગ્રાન્ટ થોર્ન્ટન યુકેના અભ્યાસો દર્શાવે છે કે માત્ર ડાયસ્પોરાની માલિકીની કંપનીઓ થકી 174,000 થી વધુ નોકરીઓનું સર્જન થયું છે તેમજ કોર્પોરેટ ટેક્સમાં જ 1 બિલિયન પાઉન્ડની ચૂકવણી કરવામાં આવી છે. તાજેતરમાં જાહેર કરાયેલા યુકેના ‘રિચ લિસ્ટ’માં ટોપ ટેનમાં અનેક ભારતીયોનો સમાવેશ થયો છે તેમજ અન્ય ભારતીયો પણ આ લિસ્ટમાં સમાવિષ્ટ કરાયા છે. આ તમામ લોકો યુકેની આર્થિક તાકાતમાં નોંધપાત્ર ફાળો આપે છે. ભારતીય મૂળના પ્રોફેસર્સ, રાજકારણીઓ, સામાજિક કર્મશીલો, કળાકારો અને સર્વિસીસ સેક્ટરમાં કાર્યરત લોકો યુકેની ગતિશીલતા અને ઉદ્યોગસાહસિકતામાં વધારો કરે છે. ભારતીય પર્યટકો અને વિદ્યાર્થીઓ પણ યુકેના અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે.

યુકેમાંથી કરાયેલા આઘાતજનક નિવેદનથી વિપરીત તાજેતરમાં યુકેમાં આવેલા નવા ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ પોસ્ટ કરેલો વીડિયો જોવા જેવો છે. ભારતીય હાઈ કમિશનની વિઝા સર્વિસીસ ભારતીય વિઝા ઈચ્છનારા લોકો માટે પડકારરૂપ બની ગઈ હોવાનું સ્વીકારતા દોરાઈસ્વામીએ આ પરિસ્થિતિને હળવી બનાવવા ભારતીય હાઈ કમિશન દ્વારા લેવાઈ રહેલાં પગલાંની છણાવટ કરી હતી. ઓનલાઈન જારી કરાયેલી વિઝા એપોઈન્ટમેન્ટ્સનો દુરૂપયોગ ન કરાય તેની ચોકસાઈની સાથોસાથ તેમણે વિઝા પ્રોવાઈડર સાથે ભાગીદારીમાં ગ્લાસગો અને સેન્ટ્રલ લંડનમાં નવા વિઝા એપ્લિકેશન સેન્ટર્સ ખોલવા, વર્તમાન વિઝા સેન્ટર્સમાં શનિવારે તેમજ સપ્તાહના દિવસોમાં બપોર પછી પણ અરજીઓ સ્વીકારવા અને તેના પર કામગીરી સાથે ક્ષમતા વધારવા સહિત વિવિધ પગલાં સાથે ક્ષમતા વધારવાની ખાતરી ઉચ્ચારી હતી. આ પગલાં થકી ભારતીય હાઈ કમિશન તેની વર્તમાન 20,000ની માસિક ક્ષમતા બમણી વધારી માસિક 40,000 વિઝા અરજીની કરશે. તેમણે ખાતરી આપી હતી કે અરજી સરળ બનાવવા માટે પણ સુધારા થશે જેનાથી લોકો સરળતાથી ભારતની મુસાફરી કરી શકશે.

ભારત અને યુકેના સંબંધો પરસ્પર લાભકારક છે. યુકેના શાસકો આની કદર નહિ કરે તો ઉપરોક્ત ઉલ્લેખ કરાયેલા નિવેદન જેવી ટિપ્પણીઓ અનર્થ સર્જવાનું ચાલુ રાખશે. આનું પરિણામ તો એક ન્યૂઝપેપરના મથાળાએ જણાવ્યું છે તેમ ‘ભારત-યુકે વેપાર સમજૂતી વિઝા કોમેન્ટ્સના કારણે ભાંગી પડવાના આરે’ જેવું જ આવશે!

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter