ઓસ્ટ્રેલિયાના ઈલેક્શનમાં પરિવર્તનનો વાયરો

રુચિ ઘનશ્યામ Wednesday 25th May 2022 06:19 EDT
 
ટોક્યોમાં ક્વોડ સંગઠનની શિખર પરિષદમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનએન્થોની આલ્બેનીઝ, યુએસ પ્રમુખ જો બાઈડેન, જાપાનના વડા પ્રધાન ફુમીઓ કિશિડા અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી
 

ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીના નેતા એન્થોની આલ્બેનીઝે 21 મે 2022ના દિવસે યોજાએલી 2022ની ઓસ્ટ્રેલિયન ફેડરલ ચૂંટણીમાં વિજય હાંસલ કરી લિબરલ/ નેશનલ પાર્ટીની ગઠબંધન સરકારના નવ વર્ષના શાસનનો અંત આણ્યો છે. તેમની સફળતાએ પોતાના ગઠબંધન માટે સતત ચોથી મુદત ઈચ્છી રહેલા સત્તા પરના વડા પ્રધાન સ્કોટ મોરિસનની દોડને અટકાવી દીધી છે.

ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકે 23 મેએ શપથ લીધા પછી આલ્બેનીઝ ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ (Quad)ના ટોક્યો સમિટમાં હાજરી આપવા ટોક્યો પહોંચી ગયા હતા. તેઓ બીજા વિશ્વ યુદ્ધ પછી લિબરલ વડા પ્રધાનની સત્તા પરથી હકાલપટ્ટી કરનારા ચોથા લેબરનેતા બન્યા છે. કોને કેટલી બેઠક પ્રાપ્ત થઈ છે તેનો આખરી આંકડો બહાર આવતા થોડો સમય લાગશે અને લેબર પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળશે કે કેમ તે પણ હજુ સ્પષ્ટ નથી. પરિણામો મોટા ભાગે લેબર પાર્ટી માટે સમર્થનના વાવંટોળ કરતાં ગઠબંધનને ફગાવી દેવાની લાગણી હોવાનું વધુ જણાય છે જેના અપાયેલા મતની ટકાવારીમાં ગણનાપાત્ર ઘટાડો જોવાં મળ્યો છે.

આમ છતાં, આ પરિણામોને ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં ‘ભૂકંપીય સ્થળાંતર’ તરીકે ગણાવાઈ રહ્યાં છે કારણકે મતદારોએ ક્લાઈમેટ ચેઈન્જ સમસ્યાના સામના અને લૈંગિક સમાનતા માટે કાર્યવાહી મુદ્દે પોતાની પસંદગી દર્શાવી છે અને વિદાય લેનારા પ્રાઈમ મિનિસ્ટર દ્વારા અનુસરાયેલા આક્રમક પ્રકારના રાજકારણને ફગાવી દીધું છે.

કોલસા, ગેસ અને કાચા લોખંડ જેવી ખનિજોની વિપુલ અનામતોએ પેઢીઓ સુધી ઓસ્ટ્રેલિયાની સમૃદ્ધિના પાયા નાખેલા છે. પરંતુ, હવે ઓસ્ટ્રેલિયા ક્લાઈમેટ -જળવાયુ પરિવર્તન કટોકટીના મોખરે આવીને ઉભું છે. તાજેતરના સમયમાં જંગલોમાં આગ, ગ્રેટ બેરિયર રીફ ખાતે સામૂહિક બ્લીચિંગ કાર્યક્રમો, ભારે દુકાળ અને વિક્રમતોડ પૂરથી ઓસ્ટ્રેયાને ભારે અસરો પહોંચી છે. ક્લાઈમેટ કટોકટીના વધવા સાથે પૃથ્વી ગરમ થાય છે તેની સાથોસાથ આગામી વર્ષોમાં પરિસ્થિતિ વધુ વણસતી જશે. યુએન ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ (IPCC)એ ચેતવણી આપી છે કે ઓસ્ટ્રેલિયા અતિ ખરાબ ક્લાઈમેટ આફતોના ભાવિને નિહાળી રહ્યું છે.

શાસક ગઠબંધન ક્લાઈમેટ ચેઈન્જનો સામનો કરવાની કાર્યવાહીમાં પીછેહઠ કરતું હોવાનું જણાતું હતું. રિન્યુએબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરવાના વચનોમાંથી કોઈ ફળ આવ્યા નહિ. એક સમયે વડા પ્રધાન સ્કોટ મોરિસને પાર્લામેન્ટમાં કોલસાનો ટુકડો પણ હાથમાં રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પોતાની મોટા ભાગની વિદ્યુતઊર્જા માટે કોલસા પર આધાર રાખવા

આ ચૂંટણીમાં ક્લાઈમેટ સંબંધિત મુદ્દાઓ પર પ્રચાર કરનારા ઈન્ડિપેન્ડન્ટ્સ-અપક્ષો તરફનો ઝોક પણ જોવાં મળ્યો છે. પહેલી વખત રાજકારણમાં પ્રવેશ મેળવનારા અને જળકૂકડી (teal) ઉમેદવારો તરીકે ઓળખાતા લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉમેદવારોએ લિહરલ ગઠબંધન અથવા લેબર પાર્ટી કરતાં પણ એમિશન્સમાં ભારે કાપ મૂકવાની તરફેણ કરી હતી તેમજ વધુ હરિયાળી ઝોકની નીતિઓ સાથે પરંપરાગત લિબરલ બેઠકોને નિસાન બનાવી હતી. ગ્રીન પાર્ટીએ પણ સારો દેખાવ કર્યો છે. ઓસ્ટ્રેલિયાની ચૂંટણીના પરિણામો એક રીતે પૃથ્વીના ગ્રહ માટે નોંધપાત્ર બની રહેવાની શક્યતા છે કારણકે લાંબા સમયથી ક્લાઈમેટ કાર્યવાહી બાબતે સુસ્ત ગણાતું ઓસ્ટ્રેલિયા હવે ક્લાઈમેટ ફ્રેન્ડલી કાર્યવાહીમાં અગ્રેસર બની શકે છે.

વડા પ્રધાન મોરિસને મહિલાઓ અને સ્વદેશી લોકોમાં પોતાની લોકપ્રિયતાને ઉત્તરોત્તર ઘટતી નિહાળી હતી. તેમનામાં પાર્લામેન્ટ હાઉસમાં મહિલાઓ પર હુમલાના આક્ષેપોનો પ્રતિભાવ આપવામાં સહાનુભૂતિનો અભાવ હોવાનું મનાતું હતું. લેબરનેતાએ લૈંગિક સમાનતા અને પાર્લામેન્ટમાં સ્વદેશી-મૂળ નિવાસીઓના અવાજને યોગ્ય સ્થાન આપવાનું વચન આપ્યું છે. ‘ઓસ્ટ્રેલિયાના ટ્રમ્પ’ તરીકે ઓળખાતા માઈનિંગ મેગ્નેટ દ્વારા એડવર્ટાઈઝમેન્ટ્સ પાછળ ખર્ચેલા મનાતા 100 મિલિયન ડોલરને પણ નિષ્ફળતા સાંપડી છે ત્યારે રાજકારણમાં નાણાની ભૂમિકાની પણ લોકોએ અવગણના કરી છે.

ઓસ્ટ્રેલિયામાં આવેલા પરિવર્તનથી કેટલાંક રસપ્રદ પ્રશ્નો ઉભાં થયાં છે. યુએસમાં ડેમોક્રેટિક પ્રમુખ જો બાઈડનના વિજય પછી ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીના ઉદ્ભવ તેજ ફ્રાન્સમાં પ્રેસિડેન્ટ મેક્રોંને ઉથલાવવામાં જમણેરી બળોને સાંપડેલી નિષ્ફળતાને કેટલાક લોકો જાહેર મતનો પવન જમણેરી તરફથી ડાબેરી વિચારધારા તરફ ફંટાઈ રહ્યો હોવાનું અર્થઘટન કરી રહ્યા છે.

યુકે અને ભારતમાં ચૂંટણીઓ હજુ દૂર છે ત્યારે યુકેમાં કન્ઝર્વેટિવ્ઝ કેટલાક નકારાત્મક પ્રેસ કવરેજનો સામનો કરી રહ્યા છે જેનું કારણ કોઈક અંશે વધુ આત્મવિશ્વાસી લેબર પાર્ટી પણ હોઈ મશકે છે. ભારતમાં, શાસક પક્ષ મહામારીના નબળાં સંચાલન અને પરિણામસ્વરુપ આર્થિક દબાણોમાંથી સર્જાયેલી આંતરિક નિર્બળતા પર કાબુ મેળવી શકી છે. જોકે, ધર્મ પ્રતિ વધુપડતું ધ્યાન કેન્દ્રિત કરાવાથી યુવાનો અને ઉદારવાદીઓના સમર્થનને થોડી અસર પહોંચી છે. આમ છતાં, નબળા અને અલગ પડેલા વિરોધપક્ષોએ અત્યાર સુધી તો ભારતીય વડા પ્રધાનની અથાહ લોકપ્રિયતામાં જરા પણ ગોબો પાડી શકવાની અક્ષમતા જ દર્શાવી છે.

લેબર પાર્ટીએ વડા પ્રધાન મોરિસને યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગ્ડમની સાથે કરેલા AUKUS સુરક્ષા કરારને મહત્ત્વ આપવાની પ્રતિબદ્ધતા દાખવી છે તેમજ Quad માટે મજબૂત સમર્થનનો અવાજ ઉઠાવ્યો છે. નવા લેબરનેતાએ પોતાના શપથ પછી તુરત ટોક્યો શિખર પરિષદ માટે રવાના થઈને Quad પ્રતિ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને ત્યાં તેઓ યુએસ, જાપાન અને ભારતના પોતાના સમકક્ષ નેતાઓ સાથે મુલાકાતો કરવાના છે.

જોકે, આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાના ચીન તરફના અભિગમને વિશેષ કાળજી સાથે જોવો પડશે. લિબરલ ગઠબંધને કહ્યું છે કે લેબર પાર્ટી ચીન તરફ મુલાયમ વલણ રાખશે. વિદાય લેતી સરકાર હેઠળ ઓસ્ટ્રેલિયાના ચીન સાથેના સંબંધો વણસ્યા હતા. ખાસ કરીને 2020માં મોરિસન સરકારે કોવિડ-19ના ઉદ્ભવ સંબંધે તપાસની હાકલ કરી હતી અને સામા પક્ષે ચીને બીફ, બાર્લી, વાઈન અને રોક લોબસ્ટર સહિત ઓસ્ટ્રેલિન નિકાસો પર પ્રતિબંધો સાથે પ્રત્યાઘાત આપ્યો હતો.

સત્તાવાર વલણને બાજુએ રાખીએ તો પણ Quad રાષ્ટ્રો સુરક્ષા અને અન્ય મુદ્દાઓ પરત્વે નવા ઓસ્ટ્રેલિયન નેતાના નિવેદનો અને નીતિઓ બાબતે ચોક્કસપણે વિશેષ ધ્યાન આપશે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter