કંજૂસ મનાતા નિઝામે યુદ્ધ ટાણે પાંચ ટન સોનું દેશને ચરણે ધર્યું

ડો. હરિ દેસાઈ Monday 20th March 2017 06:54 EDT
 
 

ક્યારેક અમેરિકાનું પ્રતિષ્ઠિત સામયિક ‘ટાઈમ’ હૈદરાબાદના છેલ્લા શાસક એવા સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનને વિશ્વની સૌથી સમૃદ્ધ વ્યક્તિમાં સામેલ કરીને કવરપેજ પર ચમકાવતી હતી. જોકે ઘરઆંગણે બ્રિટિશ ભારતમાં સૌથી મોટું રજવાડું ધરાવનાર એટલે કે બ્રિટન અને સ્કોટલેન્ડ કરતાંય મોટા સામ્રાજ્યના ધણી નિઝામ મહેમાનો કનેથી સિગરેટ માગી લેતા હતા. સાંધેલા કપડાં પહેરતાં હતાં. છબિ એમની સાવ કંજૂસની હતી. 

જોકે, ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે એ વેળાના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ કરેલી અપીલને પગલે આ જ નિઝામે પાંચ ટન (૫૦૦૦ કિલો) સોનું રાષ્ટ્રીય સુરક્ષા નિધિમાં દાન આપ્યું હતું. આજના સોનાના ભાવે એ ૧૫૦૦ કરોડ રૂપિયાનું થાય અને કોઈ વ્યક્તિ કે સંસ્થા તરફથી અપાયેલું સૌથી મોટું દાન છે.
અંગ્રેજ શાસકોના ગાઢ મિત્ર એવા આ નિઝામને બ્રિટિશ શાસકો સ્વદેશ પાછા ફરવાના હતા ત્યારે જ કુમતિ સૂઝી. ૮૦થી ૮૫ ટકા જેટલી હિંદુ પ્રજા ધરાવતા એમના હૈદરાબાદના રજવાડાને ભારત સાથે કે પછી પાકિસ્તાન સાથે જોડવાને બદલે સ્વતંત્ર મુસ્લિમ સામ્રાજ્ય સ્થાપવાનો તેમણે સંકલ્પ કર્યો. પાકિસ્તાનના ઈશારે ચાલનારા નિઝામના વડા પ્રધાન (દીવાન) લાયક અલી અને કટ્ટર મુસ્લિમોની આતંકી સેના એવા રઝાકારોના મુખિયા કાસીમ રઝવીએ તરંગતુક્કામાં રાચતા નિઝામને ઊંધા રવાડે ચડાવી દીધા. ભારત સાથે જોડાવાનો મિત્ર લોર્ડ માઉન્ટબેટનથી લઈને સરદાર પટેલ સુધીનાએ બહુ આગ્રહ કર્યો, પણ માને તો નિઝામ નહીં.

પોલીસ પગલાંથી હૈદરાબાદની શરણાગતિ

ભારત સાથે જૈસે થેના કરાર કર્યા હોવા છતાં એના ખુલ્લા ઉલ્લંઘન સમાન ૨૦ કરોડ રૂપિયાની લોન એ પાકિસ્તાનને આપી ચૂક્યા. રઝવી તો હિંદુઓની કત્લેઆમથી લોહીની નદીઓ વહાવવાની ધમકી સરદાર પટેલ જેવાનેય આપી આવ્યો. એ પછી સરદાર કાંઈ માઉન્ટબેટન, રાજાજી કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુથી વાર્યા વરે ખરા?
હૈદરાબાદમાં એમણે ભારતના એજન્ટ-જનરલ તરીકે ક. મા. મુનશીને મૂકી દીધા હતા. રજવાડાંનો પ્રશ્ન રિયાસત ખાતાના પ્રધાન તરીકે સરદારના અખત્યારમાં આવતો હતો. માઉન્ટબેટન સ્વદેશ પાછા ફર્યા (૨૧ જૂન ૧૯૪૮) એ પછી રાજાજી ભારતના ગવર્નર-જનરલ બન્યા હતા. રાજાજી અને નેહરુ - કોઈ લશ્કરી કે પોલીસ પગલું નહીં ભરવા વલ્લભભાઈને સમજાવવા પ્રયત્નશીલ હતા, પણ સરદાર કૃતસંકલ્પ હતા. ભારતના પેટની વચ્ચોવચ્ચ કેન્સરની ગાંઠ સમું સ્વતંત્ર હૈદરાબાદ શેં ખમાય? અને એય પાછું ૮૦ ટકાથી વધુ હિંદુ વસ્તી ધરાવતું આ રજવાડું હોય.
સપ્ટેમ્બર ૧૯૪૮ના મધ્યમાં પોલીસ પગલું ‘ઓપરેશન પોલો’ આદર્યું. મેજર-જનરલ જે. એન. ચૌધરીએ લેફ્ટ. જનરલ મહારાજ રાજેન્દ્રસિંહજીના નિર્દેશમાં હૈદરાબાદને ઘેરીને માત્ર ૧૦૮ કલાકમાં એટલે કે ૧૭ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ ભારતને શરણે થવા વિવશ કર્યું. નિઝામે રેડિયો પ્રસારણમાં દોષનો ટોપલો રઝવી પર ઢોળવાનો પ્રયાસ કર્યો. જોકે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધીમાં ભારત સાથે જોડાવાને બદલે મોહમ્મદ અલી ઝીણાના ઈશારે નાચવા અને ઈસ્લામી રાષ્ટ્ર સ્થાપવાના તરંગતુક્કાને ટેકે સ્વતંત્ર થવા ઈચ્છુક હૈદરાબાદના નવાબ શરણ આવ્યા પછી પણ નાયબ વડા પ્રધાન સરદાર પટેલે એમને હૈદરાબાદ પ્રાંતના રાજપ્રમુખ નિયુક્ત કરવાની દરિયાદિલી દાખવી.

‘હિટલર’ સરદારે નિઝામને રાજપ્રમુખ બનાવ્યા

સરદાર પટેલમાં હિટલરનાં દર્શન કરનારા નિઝામની સ્વતંત્ર થવાની હિમાલય જેવડી ભૂલને કારણે એ પ્રજામાં થૂ થૂ થયાં. નિઝામના વંશજોને આજે પણ લાગે છે કે સર ઉસ્માન અલીના યોગદાનની કોઈ કદર એમના મૃત્યુ પછી પણ થતી નથી.
વી. પી. મેનને નોંધ્યું છે કે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લગી પ્રજાને જવાબદાર રાજતંત્ર પૂરું પાડવા એ તૈયાર થતા હોત તો એમને પૂજવામાં આવત. હૈદરાબાદ રાજ્યમાંથી અત્યારનું તેલંગણ રાજ્ય, કર્ણાટકનો હૈદરાબાદી પ્રદેશ તેમજ મહારાષ્ટ્રનો મરાઠવાડાનો પ્રદેશ ગણવો પડે. નવાઈ એ વાતની છે કે છેલ્લા નિઝામ ૧૯૧૧માં ગાદીએ આવ્યા ત્યારે એમને શાસક તરીકેની માન્યતા અપાવવામાં છઠ્ઠા નિઝામ અને તેમના પિતા મીર મહમૂદ અલી ખાનના વિશ્વાસુ દીવાન મહારાજ કિશાન પ્રસાદની ભૂમિકા ખૂબ નિર્ણાયક હતી.
તરંગી નિઝામ ઉસ્માન અલીએ એકાદ વર્ષમાં જ દીવાનને રજા ઉપર ઉતાર્યા, પણ પછી ફરી પાછા એમને જ ૧૯૨૫થી ૩૬ લગી દીવાન તરીકે જાળવ્યા. નિઝામના શાસનમાં સમયાંતરે મોટેભાગે મુસ્લિમ અધિકારીઓની જ બોલબાલા હતી. છતાં એમના પ્રધાનમંડળમાં અને દીવાનપદે હિંદુ અગ્રણીઓ મહત્ત્વનાં સ્થાન શોભાવતા હતા. પ્રજાનું શોષણ અને અત્યાચાર કરવા ઉપરાંત નિઝામના દરબારીઓને ઐયાશી કરાવનારા દેશમુખો પણ હિંદુ જ હતા!

બેગમો-જનાનખાનાની સ્ત્રીઓ અને સંતાનો

નિઝામ દેખાવે ભલે વિદૂષક લાગે, એમની બેગમો અને જનાનખાનામાં સ્ત્રીઓની સંખ્યા અને બાળકોની સંખ્યા વિશે સેંકડોથી હજારો લગીના આંકડા રજૂ થતા રહે છે, પણ એ ભણેલાગણેલા હતા. અંગ્રેજી સહિતની છ ભાષાઓના જાણકાર હતા. પોતાના પર ઓછો ખર્ચ કરનારા નિઝામ શિક્ષણ સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ માટે લખલૂટ દાન કરતા હતા.
છેક ૧૯૧૮માં તેમણે સ્થાપેલી ઉર્દૂ માધ્યમની ઉસ્માનિયા યુનિવર્સિટી આ વર્ષે શતાબ્દી ઊજવી રહી છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે એનાં ભરપેટ વખાણ કર્યાં હતાં અને રાજાજીએ તો ઉસ્માનિયા યુનિવર્સિટીને સ્વદેશી વિદ્યાપીઠ કહી બિરદાવી હતી. એમણે હોસ્પિટલો અને શિક્ષણસંસ્થાઓ, કોલેજો સ્થાપવામાં કોઈ મણા રાખી નથી. સ્થાપત્ય વિશે પણ એ નિષ્ણાત હતા. આજના હૈદરાબાદની જાહોજલાલી સમી ઈમારતો એમની નિગરાનીમાં બંધાઈ છે. ૨૪ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ એમનું નિધન થયા પછી એમની અંતિમયાત્રામાં હિંદુ-મુસ્લિમના ભેદ વિના લાખો લોકો જોડાયા હતા. એમની હજારો કે લાખો કરોડની સ્થાવર જંગમના હિસાબ માંડવા મુશ્કેલ છે. એમની સંપત્તિમાં ભાગ મેળવવા માટે અત્યાર લગી ૪૦૦ કરતાં ય વધુ કાયદેસરના કે અનૌરસ એવા વારસો અદાલતોમાં ખટલા લડી રહ્યા છે.
જોકે સાતમા નિઝામ મૃત્યુ પૂર્વે પોતાના અનેક પુત્રોમાંથી કોઈ શાસક બનવાને લાયક નહીં હોવાનું માનીને પ્રથમ બેગમથી થયેલા સૌથી મોટા પુત્ર મીર હિમાયત અલી ખાનના બે પુત્રોમાંથી મોટા મુકર્રમને આઠમા નિઝામ નિયુક્ત કરતા ગયા હતા.

વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 25th March 2017 વેબલિંકઃhttp://bit.ly/2nmv4NE


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter