કટ્ટરતાનું તુષ્ટિકરણ સમગ્ર યુરોપને ભડકે બાળશે

કપિલ દૂદકીઆ Tuesday 04th July 2023 12:54 EDT
 
 

ગત દાયકાથી વધુ સમયગાળામાં મેં યુરોપ તેનાં તુષ્ટિકરણ રાજકારણને કેવી રીતે આગળ વધારી રહ્યું છે અને આગામી વર્ષોમાં તેના શું પરિણામો આવશે તેના વિશે ઘણા લેખ લખ્યા છે મેં કહ્યું હતું કે આપણને યુરોપમાં રમખાણો, લૂંટફાટ અને શેરીઓમાં આગ નિહાળવા મળશે. આ સપ્તાહે આપણે ફ્રાન્સમાં આ પાગલપનની શરૂઆત જોઈ છે.

કાયદાના ભંગની આ વરવી શરૂઆત ફ્રેન્ચ પોલીસ ઓફિસરના હાથે માર્યા ગયેલા 17 વર્ષીય અલ્જિરિયન કિશોર નાહેલ એમ.ના મોત સાથે થઈ છે. નાહેલને કયા સંજોગોમાં ઠાર કરાયો તેની તપાસ હાલ કરાઈ રહી છે. તપાસ ચાલે છે ત્યાં સુધી પોલીસ ઓફિસરને પણ કસ્ટડીમાં રખાયા છે. કાયદાનું અમલપાલન કરતા કોઈ પણ સમાજમાં અસરગ્રસ્ત લોકો દ્વારા તેમના દુઃખને વ્યક્ત કરવા અને તપાસની માગણી સાથે શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવે તેની તમે અપેક્ષા રાખી શકો છો. જોકે, ફ્રાન્સમાં ગત પાંચ દિવસમાં જે કાંઈ થયું તે સમગ્ર દેશમાં ગુનાખોરીથી ઓછું કહેવાય જ નહિ. ફ્રાન્સ હવે હિંસા, લૂંટફાટ, ગુનાઈત નુકસાન, અને શેરીઓમાં સલામતી અને શાંતિના અભાવના વિષચક્રમાં ફસાઈ ગયું છે.

છેલ્લાં આંકડા અનુસાર શેરીઓમાં કાબુ મેળવવા 4,500થી વધુ પોલીસ ઓફિસર્સ ઉચ્ચ સ્તરીય એલર્ટ પર કાર્યરત છે. 700થી વધુ ધરપકડો પણ થઈ છે. જોકે, એવી દલીલ પણ થઈ શકે છે કે જો તમામ તોફાની તત્વોને પણ અટકમાં લેવાયા હોત તો આંકડો સરળતાથી હજારોમાં હોત. માર્સેલી, લ્યોન અને ગ્રેનોબલ જેવાં સ્થળોએ પણ આ પાગલપનની અસર ફેલાઈ છે. એક ઘટનામાં લ‘હેય-લેસ-રોઝેસના મેયરના ઘર પર પણ હુમલો કરાયો હતો. ગુંડાઓએ વાસ્તવમાં મેયરના પત્ની અને બાળકો પર હુમલો કર્યો હતો. મેયર જીનબ્રુને કહ્યું હતું કે,‘આ ગણતરી કરી ન શકાય તેવી કાયરતા સાથે હત્યાનો પ્રયાસ હતો.’

મને આશ્ચર્ય થાય છે કે આવી વર્તણૂકને કોઈ માફ કેવી રીતે કરી શકે? હા, આપણે જાણીએ છીએ કે એક યુવાનનું મોત થયું છે. આપણે એ પણ જાણીએ છીએ કે તપાસ ચાલી રહી છે અને એક ઓફિસરને કસ્ટડી હેઠળ મૂકાયા છે. કાનૂની પ્રક્રિયા મારફત કોઈ પરિણામ ન આવે ત્યાં સુધી કોઈ પણ સમગ્ર ફ્રાન્સમાં હજારો લોકોને અસર કરી રહેલા આવા ગાંડપણને દોષમુક્ત કેવી રીતે ગણાવી શકે? આનો ઉત્તર સરળ છે, આ જંગલીઓ માટે કોઈ પણ માફી હોઈ શકે નહિ. આ લોકો તો ગુનેગાર છે જેમને નાહેલ એમ.ની જરા પણ દરકાર નથી. તેમનું એક માત્ર લક્ષ્ય અરાજકતા સર્જવાનું, લૂંટફાટ કરવાનું અને કાયદાનું પાલન કરતા સામાન્ય નાગરિકોના દિલોદિમાગમાં ડર ઉભો કરવાનું જ છે.

આપણે એક બાબતે સ્પષ્ટ થઈ જઈએ, આ રમખાણકારો માત્ર ઈસ્લામિસ્ટ ન હતા પરંતુ, તેમાં અન્ય ઈમિગ્રન્ટ કોમ્યુનિટીઓના લોકો અને ચોક્કસપણે પોતાનો એજન્ડા આગળ વધારવાની તક જોઈ બેઠેલા ડાબેરીઓ વોક્સ પણ હતા. આપણે યુકેમાં બ્લેક લાઈવ્ઝ મેટર (BLM) સંદર્ભે જે નિહાળ્યું તેના જેવું છે. તેમને વાસ્તવમાં અશ્વેતોના જીવન સાથે કશું લાગતુંવળગતું ન હતું, તેમાંના મોટા ભાગના તો હિંસાખોરી અને લૂંટફાટ આચરી અરાજકતા સર્જવાનો ઈરાદો ધરાવતા ઉપદ્રવીઓ જ હતા.

ગયા વર્ષે ફ્રાન્સમાં અતિ જમણેરી નેતા મેરી લે પેનને લોકપ્રિય મતના 23.2 ટકા મત પ્રાપ્ત થયા હતા જેમની સામે ઈમાન્યુએલ મેક્રોંને 27.9 ટકા મત મળ્યા હતા અને તેઓ ફ્રાન્સના પ્રમુખ બન્યા હતા. હવે જરા વિચારો, ફ્રેન્ચ વસ્તીના લગભગ ચોથા ભાગની વસ્તીએ અતિ જમણેરી પાર્ટીના નેતાને તેમના પ્રમુખ બનાવવા મત આપ્યા હતા! હવે આગામી વર્ષોમાં ફ્રાન્સમાં અતિ જમણેરી નેતા પ્રમુખપદે ચૂંટાઈ આવે તેમ જોવા મળે તો મને જરા પણ આશ્ચર્ય નહિ થાય. તેમની શેરીઓમાં આ ગાંડપણના પ્રત્યક્ષ પરિણામરૂપે આમ થશે. જ્યારે સમાજ અને તેના રાજકારણીઓ કટ્ટરવાદીઓનું તુષ્ટિકરણ કરે, તેમને પંપાળે અને આપણે નિહાળ્યું તેમ ઘણું ખરાબ પરિણામ આવે ત્યારે સામાન્ય લોકો પણ આખરે અતિ જમણેરીઓને વોટ આપે તો જરા પણ નવાઈ પામશો નહિ.

તાજેતરમાં ઈટાલીમાં અતિ જમણેરી પાર્ટીના સમકક્ષ પાર્ટીના ગીઓર્જિઆ મેલોનીને ચૂંટવામાં આવ્યા છે. ટુંક સમયમાં ઓસ્ટ્રિયા, સ્પેન, સ્વીડન, બેલ્જિયમ, નેધરલેન્ડ્ઝ જેવા દેશો અને જર્મનીમાં પણ વિદ્રોહ-બગાવત જોવા મળશે અને તેમની શેરીઓ પણ ભડકે બળશે.

યુકેમાં કેર સ્ટાર્મરના વડપણ હેઠળની લેબર પાર્ટીને અચાનક રસ જાગ્યો છે. તે પણ ગળાડૂબ તુષ્ટિકરણના રાજકારણમાં રાચે છે જેના ઘણા રાજકારણીઓ ખુલ્લેઆમ યહુદીવિરોધી, ભારતવિરોધી અને હિન્દુવિરોધી ઉશ્કેરાટને હવા આપી રહ્યા છે. તમે કલ્પના પણ કરી શકો છો કે જો લેબર પાર્ટી કદી સત્તામાં આવે તો આ દેશની હાલત શું થશે? આપણે BLM સમયે જે નિહાળ્યું તે તો તુચ્છ જ લાગશે. આજે સમગ્ર ફ્રાન્સ 800થી વધુ આગ સાથે ભડકે બળી રહ્યું છે, આવતી કાલે યુરોપની પણ આવી જ દશા થશે. હું તમને બધાને કહું છું, આ કટાર પર ધ્યાન રાખતા રહેજો. જો યુરોપ કટ્ટરવાદીઓનું તુષ્ટિકરણ કરવાનું ચાલુ રાખશે અને પોતાના વોકેઈઝમ (કહેવાતી જાગરૂકતા)ને પંપાળ્યા કરશે તો યુરોપ અરાજકતાની કગાર પર આવી રહેશે.

જો તમે મૌન જાળવી બેઠેલી બહુમતીને વધુપડતા ઘોંચપરોણા કર્યા કરશો તો તેમને ઉભા થઈ સામે લડાઈ આપતા નિહાળીએ તો જરા પણ આશ્ચર્ય પામશો નહિ. યુકેમાં વિવેકી લોકોએ અતિ જમણેરીઓને નકાર્યા જ છે હવે ડાબેરી ઉન્માદી પાગલોના ગાંડા હિંસક રેસિઝમ અને તેમના કહેવાતા જાગૃત પાર્ટનર્સને ફગાવી દેવાનો સમય આવી ગયો છે.

(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter