કવિતા....ભોમિયા વિના...

- ઉમાશંકર જોશી Wednesday 05th January 2022 05:32 EST
 

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,

જંગલની કુંજ કુંજ જોવી હતી,

જોવા’તા કોતરો ને જોવી’તી કંદરા,

રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

--------------
(ઉમાશંકર જેઠાલાલ જોશી (તા.૨૧.૭.૧૯૧૧ – ૧૯.૧૨.૧૯૮૮):  
કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક હતા. તેમનો જન્મ ઈડરના બામણા ગામમાં થયો હતો. તેઓ સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનારા ગાંધીયુગના અગ્રણી સર્જક – વિવેચક હતા. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter